લેખકની કલમે

ભજીયાવાળી છોકરી! ભાગ -2, ભજીયાની દુકાન સાથે જોડાયેલી છે આ છોકરીની અતિતની યાદ, વાંચો લાગણીસભર વાત ….

ભજીયાવાળી છોકરી ! || ભાગ 1 ||વાંચવા અહીંયા ક્લિક કરો

ગ્રીષ્માનું ઘર એકદમ સરળ અને સુવ્યવસ્થિત હતું. મેં ગ્રીષ્માના પપ્પાનો ફોટો જોયો, એ ફોટા પર માળા હતી, પણ સ્મિત તો એજ હતું. બાળપણમાં મારા મામા મને ભગતકાકાના ભજીયા ખાવા લઈ આવતાં અને ભગતકાકા મામાના પૈસા ક્યારેય ન લેતાં અને આ વાત પર એમને ઘણીવાર બોલાચાલી પણ થતી ! મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ગ્રીષ્મા જેવી ટોપર અને હોશિયાર છોકરીના જીવનમાં આવી મુશ્કેલીઓ આવશે. ગ્રીષ્મા ખૂબ જ ઓછું બોલતી હતી અને એના પિતાજીના અવસાન બાદ તો એ સાવ બદલાઈ જ ગઈ હતી. ગ્રીષ્માના મમ્મીએ પૂછ્યું, “બેટા ગૌરવ, તું અત્યારે શું કરે છે ?” મેં કહ્યું,”બસ આંટી અત્યારે તો લંડનમાં ભણતર પૂરું થઈ ગયું છે અને હવે કામ કરવા અમેરિકા જઈશ ! “વાહ, ખૂબ જ સરસ દીકરા, આમ જ આગળ વધતો રહે….. અમારે તો ગ્રીષ્માને ભણાવી હતી, પણ આ સંજોગો !” ગ્રીષ્માના મમ્મીએ કહ્યું. ગ્રીષ્મા એક ખૂણામાં સંતાઈને અમારી વાતો સાંભળતી હતી.

ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “ગ્રીષ્મા….એ…ગ્રીષ્મા, જો કોણ આવ્યું છે ?” ગ્રીષ્મા પાણી લઈને આવી અને કહ્યું, “અરે..ગૌરવ તું ? કેમ છે ?” મેં કહ્યું, “બસ મજામાં….તું કેમ છે ? આટલું બોલતા જ એ નિરાશ થઈ ગઈ. ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “ગ્રીષ્મા, તું ગૌરવ પાસે બેસ, હું જરાં દુકાનમાં જતી આવું ! ગ્રીષ્માને મેં પૂછ્યું, “તે ક્યાં સુધી સ્ટડી કર્યું છે ?” એણે કહ્યું, “બી.કૉમ સુધી !” અમે બન્ને શાંત હતાં, અને ગ્રીષ્મા મારી સામે બેસતાં મુંજાતી હોય એવું લાગતું હતું. મેં ગ્રીષ્માને કહ્યું, “કંઈ પ્રોબ્લેમ છે ?” એ ઉભી થઈ અને બોલી, “મારે દુકાનમાં જવું પડશે !” એ કંઈ પણ બોલ્યા વગર દુકાન તરફ જવા લાગી અને પાછળ ફરીને મને વિચિત્ર નજરથી જોવા લાગી !

હું મારા મામાના ઘરે પાછો આવ્યો અને ભોજન લઈને થોડીવાર સુઈ ગયો. સાંજે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને મારી પાસે બેઠા ! મામી પણ સાથે જ હતાં. ગ્રીષ્માના મમ્મીની આંખો ભીની હતી અને મેં પૂછ્યું, “આંટી શું થયું ?” એમણે કહ્યું, “ગૌરવ, તું આજે ઘરે આવ્યો એટલે ગ્રીષ્માના ચહેરા પર સ્મિત આવ્યું, નહિતર બે વર્ષથી એ એમની એમ સ્તબ્ધ છે, હવે મને આશા છે કે ગ્રીષ્મા પાછી ઠીક થઈ જશે !” મેં કહ્યું, “હા આંટી, હું પણ એમ જ ઈચ્છુ છું કે ગ્રીષ્મા જલ્દીથી ઠીક થઈ જાય ! બોલો હું શું કરી શકું ?”

ગ્રીષ્માના મમ્મીએ મારો હાથ પકડ્યો અને બોલ્યા, “ગૌરવ, ગ્રીષ્મા તારાથી જ ખુશ થાય છે, તો તું ગ્રીષ્મા દરરોજ મળવા આવ અને એની સાથે બેસીને વાતો કર !” મેં કહ્યું, “આમાં શું મોટી વાત, હું દરરોજ તમારી દુકાને આવીશ !” મેં બોલી તો દીધુ કે હું દરરોજ દુકાને જઈશ પણ કયા બહાને જાઉં ? રાત્રે સુતા સમયે એક વિચાર આવ્યો અને મનમાં થયું કે આ જ મસ્ત આઈડિયા છે. બીજા દિવસે હું ગ્રીષ્માની દુકાન પર ગયો અને ત્યાં ગ્રીષ્માને મેં કહ્યું, “ગુડ મોર્નિંગ !” એ બોલી, “ગુડ મોર્નિંગ” ગ્રીષ્મા મારી માટે ભજીયા કાઢતી હતી અને એ સમયે હું બોલ્યો, “મારે ભજીયા નથી ખાવા, એટલે ખાવા તો છે પણ થોડીવાર પછી !” ગ્રીષ્માએ કહ્યું, “સારું….!” હું થોડો ગભરાતો હતો કારણ કે ગ્રીષ્માનો સ્વભાવ થોડો ગુસ્સા વાળો હતો અને હું હિંમત સાથે બોલ્યો, “ગ્રીષ્મા, મારે મારી કંપની માટે એક બિઝનેસ વર્ક શૂટ કરવું છે, તો હું તમારી દુકાનનું શૂટ કરી શકું ?” એ બોલી, “હા…કર… પણ મમ્મીને પૂછી લેજે” મેં કહ્યું, “મમ્મીએ તો પરમિશન આપી દીધી છે !” હું દુકાનની અંદર ગયો અને આખી દુકાન જોવા લાગ્યો અને મારો મોબાઈલ કાઢીને ગ્રીષ્માનું વીડિયો શૂટિંગ કરવા લાગ્યો. ગ્રીષ્મા ક્યારેય કેમેરા સામે ન જોતી, કારણ કે એને કેમેરાથી નફરત હતી. એકવાર તો મનમાં થયું કે આ એ ગ્રીષ્મા નથી, જે મેં જોઈ છે. મેં જે ગ્રીષ્માને જોઈ છે, એ તો નટખટ હતી, એનો ગુસ્સો આખી સ્કૂલમાં વધારે હતો !

હું શૂટિંગ કરતો હતો અને ગ્રીષ્માએ કહ્યું, “પ્રોજેક્ટ માટે ખાલી મારું જ શૂટિંગ કરવાનું છે કે પછી દુકાનનું પણ ?” હું થોડો મૂંઝવણમાં આવી ગયો અને કહ્યું, “સોરી, દુકાનનું પણ કરવાનું છે ને !” હું દુકાનનું શૂટિંગ કરવા લાગી ગયો, પણ મારું ધ્યાન તો ગ્રીષ્મામાં જ હતું. થોડીવાર બાદ ગ્રીષ્મા નજીક આવી અને ધીમેથી બોલી, “ગૌરવ તું વીડિયો શૂટિંગ કરે છે ને ?” મેં કહ્યું, “હા” ત્યારે એણે કહ્યું, “તો કેમેરો તો ઓન કર….!” મેં કહ્યું, “સોરી”. હું મનમાં બોલ્યો, “અરે…ગૌરવ આટલી મોટી ભૂલ…!” હું શૂટિંગ કરતો હતો અને ત્યારે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને કહ્યું, “બેટા ગૌરવ, તારે આજે અહીં જ જમવાનું છે, અને હા, કોઈ બહાના ના જોઈએ મેં તારા મામી સાથે પણ વાત કરી લીધી છે !” હું મનમાં બોલ્યો, “અરે….આંટીએ તો સિક્સર મારી દીધી !”

To Be Continued….

લેખક : પ્રદિપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.