શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. આ મોસમની અંદર લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખતા હોય છે. ખાવા માટે પણ વિવિધ વાનગીઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે તે પણ પોતાના આહારમાં સામેલ કરે છે. એવી જ એક પૌષ્ટિક અને શિયાળાની અંદર શરીરમાં ગરમાવો લાવી દે તેવી વાનગી છે પાલકનો સૂપ. આજે અમે તમને પાલકનો સૂપ બનાવવાની એકદમ સરળ રીત સમજાવીશું, જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે.
પાલકનો સૂપ બનવવાની સામગ્રી:
- 2 કપ પાલક (લગભગ 125 ગ્રામ)
- 1/2 કપ દૂધ
- 1/2 ટેબલ સ્પૂન કોર્ન સ્ટાર્ચ (કોર્ન ફ્લોર)
- 1/2 ટી સ્પૂન તેલ
- 1/2 ટી સ્પૂન બટર
- 1/3 કપ કાપેલી ડુંગળી (1 મીડીયમ)
- 1/4 ઇંચ આદુનો ટુકડો, ઝીણો કાપેલો
- લસણની 1-2 કળી, બારીક કાપેલી
- 1 કપ પાણી
- 1/4 ટી સ્પૂન ખાંડ (ઈચ્છા હોય તો)
- 1/4 ટી સ્પૂન કાળા મરી પાવડર
- મીઠું સ્વાદ અનુસાર
પાલકનો સૂપ બનવવાની રીત:
- પાલકના પાનની ડાળખીઓ કાપી પાણીમાં ધોઈને તેને અલગ કરી લેવા.
- જો પાલકના પાન મોટા હોય તો તેને મોટા મોટા ટુકડામાં કાપી લેવા.
- 1/2 કપ દૂધની અંદર 1/2 ટેબલ સ્પૂન કોર્ન સ્ટાર્ચ ઉમેરી અને બરાબર કોઈ ગાંઠ ના રહે તેમ ભેળવી લેવું.
- એક કઢાઇની અંદર તેલ અને બટર લઈને ધીમી આંચ ઉપર ગરમ કરવું.
- તેલ અને બટર ગરમ થઇ ગયા બાદ તેમાં કાપેલી આદુ અને લસણ નાખવું અને થોડીવાર સુધી શેકતા રહેવું.
- આદુ અને લસણ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર કાપેલી ડુંગળી નાખવી. અને ડુંગળી સામાન્ય ગુલાબી ના થાય ત્યાં સુધી શેકતા રહેવું.
- ડુંગળી ગુલાબી થતા તેમાં પાલક નાખી દેવું અને પાલક નરમ થતા સુધી તેને હલાવતા રહેવું.
- ત્યારબાદ એક કપ પાણી, ખાંડ અને મીઠું નાખીને સારી રીતે ભેળવી લેવું અને મિશ્રણને 3 મિનિટ માટે ઉકાળવા માટે રાખી દેવું.
- ખાંડ એટલા માટે જરૂરી છે કે તે પાલકનો લીલો રંગ જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે ખાંડ નથી નાખવા માંગતા તો પણ ચાલી શકે છે.
- મિશ્રણ બરાબર ઉકલી ગયા બાદ તેને ઠંડું કરવા માટે રાખી દેવું.
- મિશ્રણ ઠંડુ થઇ ગયા બાદ તેને હેન્ડ બ્લેન્ડરથી તેને બરાબર એકરસ પીસી લેવું.
- પ્યુરી બની ગયા બાદ તેમાં દૂધની અંદર જે કોર્નસ્ટાર્ચ ઓગળ્યો હતો તે નાખી દેવો.
- ત્યારબાદ તેને 2-3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર પકાવી લેવું.
- ત્યારબાદ તેમાં નાખી અને 4-5 મિનિટ સુધી પકાવી લો.
- ગેસ બંધ કરી અને એકવાર સૂપ ટેસ્ટ કરી લેવું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર પણ ઉમેરી શકો છો.
- આ સૂપને ગરમ ગરમ જ એક બાઉલમાં કાઢી અને પીરસો.
આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સ્વાદસભર અને હેલ્દી રેસિપી તમારા માટે અમે લાવતા રહીએ.