કૌશલ બારડ ખબર

બુધવારે સાંજે ભારતના આ વિસ્તારો માથે ત્રાટકશે ‘નિવાર’ વાવાઝોડું, વાંચો વિગત

બંગાળની ખાડીમાં સક્રીય થયેલું લો-પ્રેસર હવે વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ખાડીની દક્ષિણ-પશ્વિમે દરિયામાં ચક્રાવા લઈ રહેલા આ સાયક્લોનનું નામ પાડવામાં આવ્યું છે : ‘નિવાર’. વાવાઝોડાંની ગતિ ધીમેધીમે વધી રહી છે.

Image Source

આ વિસ્તારને કરશે અસર:
ઇન્ડીયન મટિરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ(IMD)ના જણાવ્યા મુજબ, બુધવારે એટલે કે ૨૫ તારીખે સાંજે આ વાવાઝોડું ભારતીય તટભૂમિ પર લેન્ડ કરશે. પોંડિચેરી અને તમિલનાડુના કોસ્ટલ એરિયા પર આ વાવાઝોડું ત્રાટકે એવી શક્યતા છે. પોંડિચેરીના કરાઇકલથી લઈને તમિલનાડુના મહાબલીપુરમ્(મામલ્યાપુરમ્)ની વચ્ચે થઈને આ સાયક્લોન પસાર થશે.

Image Source

કેવી રહેશે પવનની ઝડપ?:
વાવાઝોડાંને લઈને અગમચેતીનાં તમામ પગલાં તંત્ર દ્વારા ભરી લેવાયાં છે. લોકોને સાવચેત કરાઈ રહ્યા છે. નિવાર સાયક્લોનની ઝડપ આશરે ૧૦૦ થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેવાની શક્યતા દર્શાવાઈ રહી છે. 

વડાપ્રધાને આપી ધરપત:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવાર વાવાઝોડાંને પગલે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને પોંડિચેરીના મુખ્યમંત્રી વેલુ નારાયણાસામી સાથે વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ કરવાની ધરપત પાઠવી હતી. ઉલ્લેખનીય છે, કે વાવાઝોડાંને લીધે પોંડિચેરી, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા પણ છે.

Image Source

કોસ્ટગાર્ડનાં વહાણો, રક્ષકદળોની ટીમો તૈયાર:
નિવાર વાવાઝોડાંથી લોકોનું રક્ષણ કરવાને તમિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠે કોસ્ટલ ગાર્ડનાં ૮ વહાણો અને બે એરક્રાફ્ટ તૈયાર રખાયાં છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ૩૦ જેટલી ટીમો તૈયાર રાખવામાં આવી છે.

તમિલનાડુ-પોંડિચેરીના ઘણા ભાગોમાં વાવાઝોડાંની પૂર્વીય અસર રૂપે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાનમાં પલટો આવ્યો છે. માછીમારોને ચેતવણીઓ આપી દેવામાં આવી છે.

Image Source

અત્રે ઉલ્લેખનીય છે, કે અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન, નામે ‘ગતિ’, રચાયું હતું. પણ ગુજરાત તટથી તે ઘણું દૂર હતું અને સોમાલિયાના દરિયામાં જઈ પહોઁચ્યું હતું. આ ગતિ સાયક્લોનની અસર એડનના અખાતની આજુબાજુ થઈ હતી.

‘નિવાર’ વાવાઝોડાંનું નામ ઇરાન દેશે આપ્યું છે, ઈશ્વર સૌ સારા વાનાં કરે એવી પ્રાર્થના!