ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં શુક્રવારે આરસીબી અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી. આમાં RCBના માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલેનો પણ સમાવેશ થાય છે. નિખિલ શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. આ ઉપરાંત, તેનો વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે પણ ખાસ સંબંધ છે. નિખિલની પત્ની માલવિકા અનુષ્કા શર્માની નજીકની મિત્ર છે.
IPL 2025 દરમિયાન, અનુષ્કા અને માલવિકા બંને સાથે મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા. નિખિલ 15 વર્ષથી વધુ સમયથી RCB સાથે સંકળાયેલો છે. લિંક્ડઇન પોસ્ટ મુજબ નિખિલ હાલમાં RCBના માર્કેટિંગ અને રેવન્યુના વડા છે. તે સપ્ટેમ્બર 2023 થી આ પદ સંભાળી રહ્યો છે. RCB સાથે નિખિલની વ્યાવસાયિક સફર 2012 માં શરૂ થઈ હતી. આ પછી, તેણે આ IPL ફ્રેન્ચાઇઝી માટે વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામ કર્યું. તેણે સિનિયર એક્ઝિક્યુટિવ, મેનેજર, સિનિયર મેનેજર, લીડ બિઝનેસ અને કોમર્શિયલ ઓપરેશન્સ, હેડ ઓફ બિઝનેસ પાર્ટનરશીપ્સ જેવા હોદ્દાઓ સંભાળ્યા છે.
જણાવી દઇએ કે, બેંગલુરુમાં થયેલી ભાગદોડની ઘટનામાં 11 લોકોના મોત બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી અને RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. મુંબઈ જતા સમયે એરપોર્ટ પર તેની અટકાયત કરવામાં આવી હતી. નિખિલની પત્ની માલવિકા નાયક પતિની જેમ એક બિઝનેસ ડેવલપર અને બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરે છે. માલવિકાએ માર્કેટિંગ અને સેલ્સમાં MBA ની ડિગ્રી મેળવી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથેના આ કપલના ઘણા ફોટા ઇન્ટરનેટ પર મળી શકે છે. વિરાટ-અનુષ્કાના નિખિલ અને માલવિકા સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો છે. જોકે આ દંપતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ખાનગી જીવન જીવે છે, બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ખાનગી રાખ્યા છે. ગુરુવારે, આરસીબી, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
ફ્રેન્ચાઇઝના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમે હાલમાં કાનૂની કાર્યવાહી અંગે કોઈ ટિપ્પણી કરી શકતા નથી, પરંતુ અમે તમામ સરકારી અને ન્યાયિક અધિકારીઓ સાથે સહયોગ કરીશું.” આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ લગભગ 2.5 લાખ લોકો સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં RCB ક્રિકેટરોની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. બુધવારે થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા.
પોલીસના જણાવ્યા અનુસાર, ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 105, 115, 118, 190, 132, 125(12) અને 121 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.RCB, ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ (જે ઇવેન્ટનું આયોજન કરતી કંપની હતી), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) અને અન્ય અજાણ્યા લોકો સામે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ડીએનએ સ્ટાફના ત્રણ સભ્યો કિરણ, સુમંત અને સુનીલ મેથ્યુની પોલીસે અટકાયત કરી છે.