જીવનશૈલી દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“નામ ઉપરવાળાનું અને કામ પણ ઉપરવાળાનું, હું તો નિમિત માત્ર છું” – વાંચો મુકેશ સોજીત્રાની કલમે

અનીલ ઇસ્કોન ઉતરી ગયો. આમ તો બસ ગાંધીનગર જ જતી હતી પણ ગઈ કાલે સાંજે જ એના મિત્ર નયને કહેલું કે,
“ ઇસ્કોન તું ઉતરી જજે અને ત્યાંથી ગાંધીનગરનું જોઈ એટલા વાહન મળી જશે. બાકી બસ ગીતામંદિર જશે રસ્તામાં ટ્રાફિક હશે ને પછી બે કલાકે બસ ગાંધીનગર પહોંચશે. તારું માથું ચડી જાશે બસની અંદર જ એના કરતા ઇસ્કોન ઉતરીને ખાનગી વાહનમાં ગાંધીનગર ઝડપથી પહોંચી જવાય એમ છે. ગાંધીનગર આવવાવાળા બધા જ ઇસ્કોન ઉતરી જાય છે” અને એની સલાહ માનીને અનીલ ઇસ્કોન ઉતરી ગયો. ઇસ્કોન મંદિરમાં એ ગયો. દર્શન કર્યા. બપોરના બાર વાગવા આવ્યા હતા!! અમદાવાદની કાળઝાળ ગરમીમાં એ પરસેવે નીતરી રહ્યો હતો અને અંદરથી શેકાઈ રહ્યો હતો!!
ઇસ્કોન દરવાજા પાસે બે ત્રણ મારુતિ વાન વાળા હતા. એમને પૂછ્યું ગાંધીનગર બાજુ જવા માટે.

“ પેસેન્જર્સ થશે એટલે ગાડી ઉપડશે!! અંદર બેસી જાવ,, બાકી અહીંથી બીજી કોઈ ગાડી નહિ મળે!! આજ બહુ ઓછી ગાડીઓ છે. વાન વાળાએ મોબાઈલમાંથી મોઢું ઊંચું કર્યા વગર જવાબ આપ્યો. એને ભાડા કરવાની બહુ લાંબી ગરજ ન હોય એમ લાગ્યું.

રોડ પર ઉભેલ એક લારી પરથી એણે બે ગ્લાસ લીંબુ સરબત પીધા ત્યારે કાળજામાં થોડી ટાઢક થઇ!!
વીસેક મિનીટ થઇ ત્યાં સુધીમાં બીજા ચારેક પેસેન્જર્સ આવી ગયાં. જે ગાંધીનગર જવાના હતા. પણ પેલા વાન વાળા તો પોતાની પબ્જી ગેમ મોબાઈલમાં રમતા રહ્યા. એનો એક જ જવાબ હતો.

“ પેસેન્જર્સ થશે એટલે ગાડી ઉપડશે.. અંદર બેસી જાવ.. બાકી અહીંથી બીજું કોઈ વાહન નહિ મળે!!!
“ કેટલા પેસેન્જર્સ થશે એટલે ગાડી વાન ઉપાડશો ??” અનિલે પૂછ્યું અને વાનનો માલિકે કબીરસિંઘ સ્ટાઇલમાં નેણ ઊંચા કરીને બોલ્યો..

Image Source

“ ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ પેસેન્જર બેસાડવામાં આવે છે” બધા પેસેન્જર્સ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે બાર પેસેન્જર્સ થાશે ત્યાં સુધીમાં કલાક દોઢ કલાક પણ થઇ જાય. મોઢે દુપટો બાંધેલી ત્રણ છોકરીઓ હતી એને ગાંધીનગર જવાની ઉતાવળ હોય એમ લાગતું હતું. રોડ પર નીકળતી કોઈ પણ ઇકો અથવા વાન તરફ જોઇને એ લીફ્ટ માંગતી હતી. પણ કોઈનું વાહન ખાલી હોય તો પણ ઉભું રહેતું નથી આ બધું જોઇને એક વાન વાળો બોલ્યો.

“ અહિયાં કોઈ નહિ ઉભું રાખે… કોઈ ઉભું રાખે અને પેસેન્જર્સ બેસાડે તો એના ટાંટિયા ભાંગી નાંખવામાં આવે છે… આ અમારો એરિયા છે!! અમે બીજાના એરિયામાં નથી જતા અને બીજા કોઈ અમારા એરિયામાં આવે એ અમારાથી સહન નથી થતું!!!” કહીને જાણે બહુજ ઉંચી વાત કરી હોય એમ એ હસ્યો!! અનિલે મનમાં ને મનમાં એક બે ત્રણ કાઠીયાવાડી ગાળો સંભળાવી દીધી. અને મનમાં જ બોલ્યો કે આની માતા પરણી હશે ત્યારે કરિયાવરમાં આ આખો એરિયા લાવી હશે..!! અનીલ આમેય લો બીપી નો દર્દી હતો.. આવી પરિસ્થિતિમાં એનું બીપી લો થઇ જતું અને હાથની મુઠ્ઠીઓ ભીંસાઈ જતી અને ચહેરા પર કરચલીઓ પડી જતી!! પછી પેલી ત્રણ છોકરીઓ આગળ ચાલવા લાગી અને બસો મીટર આગળ જઈને ઉભી રહી ગઈ!! અનિલને થયું કે બસો મીટર પછી આ વાન વાળાનો એરિયા કદાચ પૂરો થઇ જતો હશે!! એટલે એ અને એની સાથે એક બીજો ભાઈ પણ આગળ ચાલ્યા. જ્યાં છોકરીઓ ઉભી હતી. મોઢા પર જડબેસલાક બુકાની બાંધી હતી!! આટલી કાળઝાળ ગરમીમાં આવું બાંધીને એને અગવડ નહિ પડતી હોય એમ અનીલ વિચારતો રહ્યો!!. આ પાંચેયને પેલા વાન વાળા દુરથી જોઈ રહ્યા હતાં!!

પેલી છોકરીઓ હાથના ઇશારેથી નીકળતી ગાડીઓને લીફ્ટનો ઈશારો કરતી હતી. અને સદભાગ્યે એક ટાટા સુમો ઉભી રહી. અનિલે જોયું કે એક સીનીયર સીટીઝન ડ્રાઈવરની સીટ પર બેઠો હતો!!
“ ગાંધીનગર બાજુ??” અનીલ ટાટા સુમોની ડ્રાઈવર સીટ પાસે જઈને બોલ્યો.

“ વૈષ્ણોદેવી સર્કલ સુધી જવું છે!! વગર ભાડે ત્યાં સુધી બેસી જાઓ!! ત્યાંથી ગાંધીનગરનું વાહન પુષ્કળ મળી જશે” પેલા સીનીયર સિટીજન સજ્જન બોલ્યાં અને એ હજુ બોલવાનું પૂરું કરે ત્યાં સુધીમાં તો પેલી ત્રણ છોકરીઓ વચ્ચેની સીટમાં અને અનીલ આગળની સીટમાં ગોઠવાઈ ગયો. એક યુવાન હતો એ ન બેઠો!! અને ટાટા સુમો ચાલી. અનિલે જોયું કે ઉમર થઇ ગઈ હોવા છતાં સજ્જન સ્ફૂર્તિથી ગાડી ચલાવતા હતા. સુમો આગળ ચાલી જતી હતી. રસ્તામાં ક્રોસ વર્ડ બુક સ્ટોર આવ્યો અને તેની આગળ હજુ સુમો સો મીટર ચાલી હશે ત્યાં તો પેલો ઇસ્કોન ઉભેલા વાન વાળો આગળ થયો અને ગાડી સુમોની આગળ ગોઠવી અને ધીમે પાડી. સુમોએ ફરજીયાત રોકાવું પડ્યું. પેલો વાન વાળો ગાડીમાંથી રોફ ભેર ઉતર્યો અને સુમોવાળા સજ્જનનો કાંઠલો પકડ્યો અને બોલ્યો!!

“ કેમ બકા તું અમારા એરિયામાંથી પેસેન્જર્સ ભરી લે છો??? કયાનો છો અને કેવીનો છો?? સાવ નવો લાગે છે?? સુમો પણ હજુ સાવ નવો છે???!!
“ હું ભાડા નથી કરતો ભાઈ!! બસ અહીંથી નીકળ્યો અને આ દીકરીઓએ હાથ ઉંચો કર્યો એટલે માનવતા ખાતર મારી ગાડીમાં આ લોકોને બેસાર્યા છે અને એ પણ વૈષ્ણોદેવી સુધી જ બાકી હું કોઈના ધંધાની આડે નથી આવતો. આ લોકોને પૂછી જુઓને વગર ભાડે લઇ જાવ છું” સજ્જન પોતાની સજ્જનતા છોડ્યા વગર બોલ્યાં!!

“ વાહ મફતમાં બેસાર્યા છે એમને!! પણ અમારો વારો હતો એનું શું?? આ બસોની ખોટ ગઈ એનું શું?? તારો કાકો એ ખોટ ભરવા આવશે બકા?? બે કલાકથી અમે રાહમાં ઉભા હોઈએ અને અમારી રોજી તું લઇ જા એનું શું બોલ્ય!! હાલ બકા હેઠો ઊતર્ય એટલે હિસાબ પૂરો” જવાબમાં પેલા સજ્જન તો કશું જ ના બોલ્યા પણ ખિસ્સામાંથી ૨૦૦ ની નોટ કાઢીને બોલ્યા.

“ લ્યો આ ૨૦૦ રૂપિયા!! તમારી રોજી જે ઝૂંટવાઈ ગઈ હતી તે તમને પાછી આપું છું અને હવેથી ત્યાંથી કોઈ પેસેન્જર્સ નહિ ભરું કયારેય નહિ ભરું!! સોરી ભાઈ દિલસે સોરી!!” હસતા હસતા સુમોવાળા સજ્જન બોલ્યાં!! જવાબમાં પેલો કશું પણ ન બોલ્યો અને ૨૦૦ ની નોટ ખિસ્સામાં મૂકી દીધી અને જતા જતાં અંદર બધાની સામે કાતર મારતો ગયો!! કબીરસિંગની જેમ જ અને જાણે મોટી લડાઈ જીત્યો હોય એમ વળ ખાતો ખાતો ચાલ્યો ગયો. એ ગયો એટલે અનિલે ખિસ્સામાંથી ૫૦ ની નોટ કાઢીને સજ્જનને આપી અને બોલ્યો!!

“ એક તો તમે મફતમાં બેસાડ્યા અને ઉપર જાતા ૨૦૦ નો ડામ આવ્યો!! મારી જીંદગીમાં આવો અનુભવ પહેલીવાર થયો છે!!” અનિલે ૫૦ રૂપિયા ની નોટ કાઢી એટલે પ[પેલી ત્રણ છોકરીઓએ પણ ૫૦ – ૫૦ ની ત્રણ નોટ્સ પણ પેલા સજ્જનને આપી. જેનો સજ્જને સવિનય અવિસ્કાર કર્યો અને બોલ્યાં.

Image Source

“ તમે ખોટી ચિંતા ન કરો!! મને કશો જ ફર્ક નહિ પડે ૨૦૦ રૂપિયા જવાથી!! એ એના હકના હતા એવું હું માનું છું.. તમે તમારા પૈસા તમારી પાસે રાખો”
“ ઇસ્કોન વિસ્તાર જાણે એના ખાતે કરી દીધો હોય એમ વર્તન કરતા હતા. આવાની ફરિયાદ પોલીસમાં કરી દેવાય!! આવું થોડું ચલાવી લેવાય?? જાણે બાપાનું અમદાવાદ હોય એવું વર્તન કરતા હતાં” એક ગુલાબી ડ્રેસ પહેરેલી અને મોઢા પરથી દુપટો છોડતા છોડતા એક છોકરી બોલી.અનિલે એની સામે જોયું છોકરી ખાસી એવી રૂપાળી હતી!!

“ સહુને મજબુરી હોય છે બેટા!! એના ઘરના સભ્યોનો રોટલો આ ભાડા પર નભતો હોય અને પેસેન્જરો કોઈ બીજા લઇ જાય એટલે એને ન પોસાય એ પણ સ્વાભાવિક છે. એને પણ ઘણા લોકોને સાચવવા પડતા હોય છે ત્યારે એ વાન હાંકી શકે છે!! આપણી દ્રષ્ટિ બહુ જ સીમિત હોય છે!! એમાં એનો પણ વાંક ન હોય!! અને વાત પતી ગઈ છે હવે!! લ્યો પાણી પીવું હોય તો કોઈને” કહીને સુમા વાળા સજ્જને પાણીથી ભરેલી બોટલ પાછળ અંબાવી!! બધાએ પાણી પીધું. અનિલની નવાઈમાં સતત વધારો થતો જતો હતો!! આવા સજ્જન માણસો હોય અને એ પણ અમદાવાદ જેવા શહેરમાં એ વાત એણે સપનામાં પણ ક્યારેય સ્વીકારી નહોતી!!!

વૈષ્ણોદેવી સર્કલ આવ્યું. ગાંધીનગર જવા માટેના રસ્તા પર આગળ એક બસ સ્ટોપ પાસે એ સજ્જને પોતાની ટાટા સુમો ઉભી રાખી અને કહ્યું.
“અહીંથી સરકારી બસ પણ મળી જશે અને ખાનગી વાહનો પણ” સહુ ઉતરી ગયા અને આભાર માન્યો. અનિલે તે સજ્જનનું નામ પુછ્યું.

“નામ ઉપરવાળાનું અને કામ પણ ઉપરવાળાનું હું તો નીમીતમાત્ર છું.” એ સજ્જન બોલ્યા થોડી વાર અનીલ ઉભો રહ્યો ટાટા સુમો પાસે અને પછી બોલ્યો.
“આપની પાસે દસ મીનીટનો સમય હોય તો વાત કરવી છે..પ્લીઝ આવો સામેની હોટેલ પર ચા અથવા કોફી પી લઈએ” જવાબમાં સજ્જને કશું પણ બોલ્યાં વગર પોતાની ગાડી રસ્તાની બાજુમાં પાર્ક કરીને સામેની હોટેલ પર અનીલ સાથે ગયા.અનિલે ચા મંગાવી અને કહ્યું.

“ આપના વિશે વધારે જાણવા માંગુ છું. આપના કાર્યથી અને વર્તનથી મનમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. આપ આ સેવા કેમ કરી રહ્યા છો એના વિષે વિગતે જણાવશો. આપનું નામ પણ જણાવશો તો આનંદ થશે.” સજ્જને સ્મિત કર્યું અને કહ્યું.

“ હું કોઈ પ્રસિદ્ધિમાં કે મારી જાતના વખાણ થાય એમ ઈચ્છતો નથી. હું મારું નામ તો આપને નહિ જણાવું પણ મારી એક વાત તમને જરૂર કહીશ” ચા આવી એટલે સજ્જને ચા નો ઘૂંટ ભરીને વાત શરુ કરી.

Image Source

“આજથી ચાલીશેક વરસ પહેલાની વાત છે. મારું ગામ વિરમગામ તાલુકામાં આવેલું છે. મારા પિતાજીની આર્થિક સ્થિતિ એકદમ નબળી હતી. હું ભણવામાં એકદમ તેજસ્વી હતો. કોલેજ કરીને પછી ઘરે જ હું એક સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતો હતો. પરિક્ષાની તૈયારી માટેના પુસ્તકો હું ગાંધી પુલ નીચેથી સસ્તા ભાવે લઇ આવતો!! તમે નહિ માનો હું મારા ગામથી અમદાવાદ ચાલીને પુસ્તકો લેવા આવતો અને ચાલીને જતો. એ વખતે બસ ભાડાના પૈસા તો હતા પણ જો હું બસમાં બેસીને આવું તો એ જે ભાડું થાય એનું એક પુસ્તક આવી જાય. ખુબ જ કરકસરથી હું જિંદગી વિતાવતો હતો. મારી પરિક્ષાનુ કેન્દ્ર એલ ડી એન્જિનિયરિંગ કોલેજ આવ્યું હતું. મેં રાત દિવસ પરિક્ષાની તૈયારી કરી હતી. મારા ગામથી સવારે હું પહેલીવાર બસમાં બેઠો. એકાદ કલાકમાં અમદાવાદ પહોંચી જવાનો હતો. મનમાં એક જાતનો થનગનાટ હતો. બસ પાંચેક કિલોમીટર આગળ ચાલી કે બ્રેક ડાઉન થઇ ગઈ. હવે બીજી બસ લગભગ દસ વાગ્યે આવવાની હતી અને મારી પરીક્ષા અગિયાર વાગ્યે શરુ થવાની હતી. દસ મિનીટ લોકોના ટોળા પાસે હું ઉભો રહ્યો. એ વખતે ખાનગી વાહનોમાં છૂટી છવાઈ જીપો જ એ રસ્તા પર દોડતી. હું ચાલવા લાગ્યો. કદાચ આગળના ગામથી કોઈ વાહન મળી જાય.. ઉનાળાનો સમય હતો. મેં સાથે પાણી પણ લીધું નહોતું. એક કલાક હું ચાલ્યો પણ કોઈ વાહન મને મળ્યું નહિ હવે હું લગભગ દોડતો હતો. ચારેક કિલોમીટર દોડ્યા પછી હું થાકી ગયો. મને સખત તરસ લાગી હતી. આંખે અંધારા આવતા હતા. દુરથી મેં એક જીપ ને જોઈ મેં હાથ ઉંચો કર્યો અને હું રોડ પર પડી ગયો”!!

વાત કરતી વખતે એ સજ્જન ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. એની આંખમાં આંસુ હતા. તે સજ્જને વાત આગળ ચલાવી.

“ હું ભાનમાં આવ્યો ત્યારે જીપમાં હતો. મારું મોઢું ભીનું હતું. જીપમાં લઈને મારા મોઢા પર પાણી છાંટ્યુ હોય એમ મને લાગતું હતું. હું જાગ્યો એટલે એક દુકાન આગળ એણે જીપ ઉભી રાખી. બાજુમાં જ મેડીકલ હતો. જીપવાળા ભાઈ ત્યાંથી ગ્લુકોઝ પાઉડર લઇ આવ્યા અને મને એ પાણી સાથે પીવડાવી દીધો. અમદાવાદ આવી ગયું હતું. મેં એમને કહ્યું કે મારે એલ ડી એન્જિનિયરિંગ કોલેજ જવાનું છે એટલે જીપવાળા ભાઈ બોલ્યાં કે તારા ખિસ્સામાંથી પરિક્ષાની રસીદ મેં જોઈ લીધી છે એટલે આ જીપ તને ત્યાં મૂકી જશે. તું ચિંતા ન કર સ્વસ્થ બની જા બેટા!! દસ જ મીનીટમાં જીપ એલ ડી એન્જિનિયરિંગ કોલેજના ગેઇટ પાસે આવીને ઉભી રહી અગિયારમાં દસ મીનીટની વાર હતી.હું સમય સર પહોંચી ગયો હતો. મારી પાસે વધારાના કોઈ પૈસા નહોતા ફક્ત પાંચ જ રૂપિયા હતા એ મેં જીપ વાળાને આપીને કહ્યું. તમારા બાકીના પૈસા હું તમને પહોંચાડી દઈશ તમારું નામ અને સરનામું કહો. તમારો ખુબ ખુબ આભાર આજે તમે ન મળ્યા હોત તો હું પરીક્ષા પણ ન આપી શક્યો હોત કે કદાચ જીવતો પણ ન રહ્યો હોત!! એણે પૈસા પણ ન લીધા અને ઉપરાંત મારા ખિસ્સામાં પચાસની નોટ પરાણે નાંખીને એ એટલું જ બોલ્યા કે “ નામ પણ ઉપરવાળાનું અને કામ પણ ઉપરવાળાનું હું તો નીમીતમાત્ર છું!!” અને જીપ સડસડાટ ચાલી ગઈ!! હું એ પચાસની નોટ જોઈ રહ્યો. એ વખતે પચાસ રૂપિયા એ બહુ મોટી રકમ ગણાતી. એ નોટ મેં ક્યારેય વટાવી જ નહિ !!આજે પણ એ નોટ મારી પાસે છે. મેં એ નોટનું લેમીનેશન કરાવી છે.” એમ કહીને એ સજ્જને એના પાકીટમાંથી એ લેમીનેશન વાળી પચાસની નોટ કાઢી અને મને બતાવી!! પછી એણે વાત આગળ ચલાવી.

Image Source

“ હું એ પરીક્ષામાં પાસ થયો. મને ગુજરાત સરકારમાં સચિવાલયમાં ક્લાસ થ્રીની પોસ્ટ મળી. આઠ વરસ પહેલા જ ક્લાસ ટુ અધિકારીની નોકરી કરીને નિવૃત થયો છું. બે સંતાનો વેલસેટ છે બાપુનગરમાં રહું છું. નોકરીના દસ વરસ પછી જ મેં એક કાર લીધેલી અને અમદાવાદ ગાંધીનગર વચ્ચે આજ સુધીમાં અનેક લોકોને મફતમાં લીફ્ટ આપી છે. નિવૃત્તિ પછી પણ એ ક્રમ જાળવ્યો છે. અત્યારે આવતું પેન્શન આવા કાર્યોમાં વાપરું છું. ઘણી શાળામાં મેં શિક્ષકોને કહ્યું છે કે કોઈ એવો વિદ્યાર્થી હોય કે જે પૈસાના અભાવે ન ભણી શકે તો મને કહેજો એને બનતી મદદ કરીશ પણ મારું નામ ન આવવું જોઈએ!! આજ સરખેજ બાજુ કામ હતું એટલે નીકળ્યો બાકી હું બાપુનગરની આજુબાજુ ના વિસ્તારોમાં નવરાશના સમયમાં આવી રીતે નીકળું છું. લોકોને મફતમાં બેસારું છું અને એ જીપવાળા ભાઈને યાદ કરું છું. એ જીપવાળા ભાઈ પછી મને ક્યારેય ભેળા નથી થયા!! બસ એમને મને કરેલી સહાય અને આ પચાસની નોટ મગજમાં હજુ અકબંધ છે!! એણે કરેલો ઉપકારનો બદલો હું એમની રીતે જ ચૂકવી રહ્યો છું!! હું ભણતો ત્યારે કાર્બન ચક્ર , નાઈટ્રોજન ચક્ર, વગેરે ભણવામાં આવતું અને અમારા સાહેબ કહેતા કે દુનિયા આ બધા ચક્રો પર ટકી રહી છે. પણ મને લાગે છે કે દુનિયામાં એક ઉપકાર ચક્ર પણ હોવું જોઈએ. તમારી પર કોઈ ઉપકાર કરે તો એ ઉપકાર તમારે બીજા પર કરવો જોઈએ!! અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે માણસો પોતાની પર થયેલ ઉપકારો ભૂલી જાય છે અને અપકારોને જડબેસલાક યાદ રાખે છે!! જગતમાં આ ઉપકાર ચક્ર જેટલું મજબુત હશે એટલું જગત વધારે માનવતા વાદી અને સુસમૃદ્ધ બનશે!!” કહીને એ સજ્જન ઉભા થયા. અને પોતાની ટાટા સુમો લઈને જતા રહ્યા.

અનીલ એ સજ્જનને જોતો જ રહ્યો. એના મનમાં એ સજ્જન શબ્દો ઘૂમી રહ્યા હતા!!
“નામ પણ ઉપરવાળાનું અને કામ પણ ઉપરવાળાનું હું તો નિમિત માત્ર છું”!!!લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks