ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

જે સ્ત્રીને ડોક્ટરે કહ્યું કે તે ક્યારેય માં નહી બની શકે એને માતૃત્વનું સુખ આપ્યું એની શ્ર્ધાનો થયો આ કળયુગે ચમત્કાર..

“સોનાનો સુરજ”

તા ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮!! સમય બપોરના બાર કલાક!! મારા વોટ્સએપ પર એક મેસેજ આવે છે
“મુકેશ ભાઈ મારી એક રીયલ સ્ટોરી લખશો??”

મેં હા પાડી અને એ ભાઈએ પોતાની સાથે જીંદગીમાં બનેલ ઘટનાનું વર્ણન લખી મોકલ્યું અને વાંચીને હું દંગ રહી ગયો!! કલ્પના કરતા હકીકત ઘણી રોમાંચક હોય છે એ ફરી વખત સાબિત થઇ ગયું!! હવે સત્ય ઘટના છે એટલે સહેજ પણ કલ્પનાની પીંછી ચડાવ્યા વગર જ લખીશ એમ મેં એને કીધું!!

  • નામ એનું ઠાકોર રાજુભાઈ તખાભાઇ!!
  • માતાનું નામ નબુ બહેન
  • ગામ જહુરપુરા તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ પીન કોડ નંબર ૩૮૪૨૪૬!!

પિતાજીની સાધારણ પરિસ્થિતિ.. રાજુ નાનપણથી ભણવામાં હોંશિયાર.. પિતાજી અને માતા ખેતરમાં ભાગ રાખે અને રોટલો રળી ખાય!! આવી કપરી પરિસ્થિતિમાં પણ રાજુ બાર ધોરણ સુધી ભણ્યો. અને પછી જલ્દીથી આછું પાતળું ગુજરાન ચાલી શકે એ માટે આઈટીઆઈ કરેલું!! પિતાજી ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે વિનુભાઈ પટેલ કરીને એક મોટા ખેડૂત હતા તેનું ચોથા ભાગે ખેતર વાવવા રાખેલું. આઈ ટી આઈ કર્યા પછી રાજુએ આહી થી આઈ ઘણા ફાંફા માર્યા પણ આછી પાતળી પણ નોકરી ના મળી.. એટલે પિતાજીની સાથે ખેતીકામમાં જોડાઈ ગયો.!! હવે અત્યાર સુધી કયારેય ખેતીનું ભારે કામ કરેલ નહિ અને તડકો માથે લીધેલ નહિ એટલે શરૂઆતમાં કામ થોડું આકરું લાગ્યું પણ પછી ફાવી ગયું.

૨૦૦૯માં રાજુના લગ્ન થયા. હવે તો પાકા પાયે ખેતીનું કામ શરુ કરી દીધું. ત્રણેક વરસના લગ્નજીવન બાદ રાજુએ છૂટાછેડા લીધા.પત્ની સાથે ના ફાવ્યું. સંજોગો જ જ્યાં અવળા હોય ત્યાં કોનો દોષ દેવો.. આમેય સ્ત્રી પુરુષ વચ્ચે જયારે જયારે મડાગાંઠ સર્જાય છે ત્યારે લગભગ સંજોગોનો જ વાંક હોય છે..જયારે તમારી સ્થિતિ જ નબળી હોય ત્યાં પરિસ્થિતિ લાચાર બની જતી હોય છે!! રાજુ એ નક્કી કર્યું કે હવે જીવનભર સ્ત્રી જાતિ થી જ આઘું રહેવું!! થાય એટલુ કામ કરીને મા બાપની સેવા કરીશ બાકી હવે લાલ લૂગડામાં પડવા જેવું તો નથી જ!! સંસાર ઉપર જ એને ધિક્કાર છૂટ્યો!!

બસ આ અરસા દરમ્યાન હરિપરમાં બસ સ્ટેન્ડ પાસે જ એક સ્પીનીંગ મિલ શરુ થઇ. રાજુના કામ થી વિનુભાઈ પટેલ ખુશ હતા અને એને થયું કે આ આઈ ટી આઈ કરેલ છોકરો ખેતીમાં ઢેફા ભાંગે એના કરતા આ સ્પીનીંગ મિલમાં હેલ્પર તરીકે ગોઠવાઈ જાય તો વધારે સારું. વિનુભાઈ પટેલની ભલામણથી તેને ભવાની કોસ્ટપીનમાં હેલ્પરની નોકરી મળી ગઈ. મિલમાં જોડાયા પછી દોરાની મશીનરી વિષે રજુ ઘણું શીખ્યો અને વળી વમળોમાં અટવાયેલી એક જીંદગી વેગથી ચાલવા લાગી. દરમ્યાન એના પિતાજીએ બે ત્રણ વખત રાજુને બીજા લગ્ન અંગે પૂછપરછ કરી જોઈ પણ રાજુએ ના જ પાડી. પિતાજીની ચિંતા વધતી ચાલી.

થોડા સમય પછી એના પ[પિતાજીએ નક્કી કર્યું કે હવે પાછા વતન બાજુ જઈને રહેવું છે. રાજુએ અનિચ્છાએ કંપની છોડી દીધી અને પિતાજી સાથે પાછા વઢિયાર બાજુ પ્રયાણ કર્યું. વતનમાં આવીને પિતાજીએ એક મુદ્દાનો કાર્યક્રમ શરુ કર્યો કે ગમે તે રીતે રાજુને હવે ફરીથી પરણાવવો છે. પિતાજી એ વાત ચલાવતા ગયા. એક તો નોકરી નહિ અને વળી ખેતીકામ કરે એટલે કુંવારી કન્યાના વાલીઓ તો કેમ પડે?? એટલે રાજુના પિતાજીએ છૂટાછેડા થયા હોય એવી કન્યાઓની તપાસ આદરી. છેવટે હા આવી!! એક યુવતી તરફથી અને એના કુટુંબીજનો તરફથી સબંધ જોવાની લીલી ઝંડી આવી. યુવતીના છુટા છેડા થયેલ હતા!! યુવતીનું નામ સોનલ હતું!

સોનલને જોવા માટે રાજુ શંખેશ્વર ગયો. બને જણા શંખેશ્વરમાં મળ્યા. પાલીતાણા પછી જૈનોનું બીજા નંબરનું યાત્રાધામ એટલે શંખેશ્વર!! બને પોતાના પ્રથમ પ્રયાસમાં દાજેલા હતા. વાતચીત થઇ!! એક બીજાને માપી લીધા અને એક બીજાને પામવાની ઈચ્છા દિલમાં ઘર કરી ગઈ!! ઘણી બધી વાતો થઇ. બનેમાંથી કોઈએ એક બીજાને પોતાના છૂટાછેડા શા માટે થયા એનું સાચું કારણ પણ ના કીધું કે એક બીજા એ કારણ પૂછ્યું પણ નહિ!! બસ વાતો પૂરી થઇ અને વરસોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે રાજુએ તે સોનલને સો રૂપિયા આપ્યા અને મોબાઈલ નંબરની આપ લે થઇ!! જ્યારે કોઈ યુવક યુવતી વચ્ચે મોબાઈલ નંબર ની આપ લે થતી હોય ત્યારે હકીકતમાં એ લોકો એક બીજાને નંબર નથી આપતા પણ દિલ ની આપ લે થતી હોય છે!!

અને પછી શરુ થયો રાબેતા મુજબનો ગોલ્ડન પીરીયડ!! બને એક બીજા સાથે વાતો કરવા લાગ્યા. એક બીજા ની દરકાર લેવા લાગ્યા. મોડી રાતો સુધી વાતોનો સિલસિલો શરુ રહેતો.. મોબાઈલની બેટરી થાકી જાય પણ રાજુ અને સોનલની વાતો ના ખૂટે!! પણ આ વાતો દરમ્યાન પણ એક બીજાએ એક બીજાના છૂટાછેડાનું કારણ પણ ના પૂછ્યું!! સમય વીતતો ચાલ્યો. બને રાજી હતા બને ના પરિવાર જનો પણ રાજી હતા.. બને ભૂતકાળના દુઃખી આત્માઓ સુખી થતા હોય તો કોને ના ગમે??? ફુલહાર કરવાનો દિવસ પણ નક્કી થઇ ગયો. બધી તૈયારીઓ થઇ ચુકી હતી. બસ ફૂલહાર કરવાની આડો એક જ દિવસ હતો. અને રાજુએ સોનલ સાથે ફોન પર વાત કરી અને ધડાકો થયો!!

સોનલે કહ્યું “મારી લગ્ન કરવાની ઈચ્છા નથી.. મારા મા બાપની ઘણી ઈચ્છા હતી.. હું તમને સાચું કહી દઉં છું.. મારું જીવન તો બગડ્યું પણ હું તમારું જીવન નહિ બગાડું.. હકીકત એ છે કે મારા પ્રથમ લગ્ન થયા ત્યાં હું સંતાન આપી શકી નથી.. લાખો રૂપિયાનો ખર્ચો કરી જોયો..પણ મારામાં ખામી છે.. એ લોકોને સંતાન જોઈતું હતું.. મેં પછી મારો રસ્તો કરી લીધો.. રાજી ખુશી થી છુટા છેડા આપી દીધા.. કાલે આપણે પરણીએ અને વળી પાછી સંતાન બાબતે મન દુખ થાય.. વળી મારે એનો એ જ ત્રાસ સહન કરવાનો આવે..આમ તો મારે તમને પહેલી મુલાકાત માં કહી દેવું જોઈએ..પણ જીભ જ ના ઉપડી કે.. જીવ ના ચાલ્યો… આમ વાત છે.. મારું જીવન તો સંતાનસુખ ના આપી શકવાને કારણે આમેય બરબાદ છે પણ તમારું જીવન હું શા માટે બરબાદ કરું..એટલે ના છુટકે આ જ બધું કહી દઉં છું” બોલતા બોલતા સોનલ રડી પડી અને સામે છેડે રાજુ તો ક્યારનોય રડતો હતો!! એ રાતે એ મોડે સુધી ર!!

પણ રાજુના અંતરમાં એક રસ્તો થયો!! મારા માટે આ જ પાત્ર સાચું છે. બધું સાચું તો કહી દીધું.. બસ હવે આને જ પરણીશ.. સંતાન ના થાય તો કઈ નહિ..પણ મારી પત્ની આજીવન મારી જ રહેશે.. અને રાજુ બોલ્યો અને સોનલના અંતરના દીવા ઝળહળી ઉઠયા!!

“ બસ આ જ છેલ્લી વાર રડી લીધું આપણે.. હવે ક્યારેય નહિ રડીએ.. હવે આપણે ભાગ્ય સામે લડીશું.. હું તને ખાતરી આપું છું કે મારા તરફથી તને ક્યારેય ત્રાસ નહિ હોય કે સંતાન ની માંગણી નહિ હોય!! સાથે જીવીશું..સાથે જ રહીશું..એક મેકના થઈને.. હું તારો સાથ કોઈ પણ પરિસ્થિતિમાં નહિ છોડું.. આ મારું વચન છે સોનલ તને!!”
અને બીજે દિવસે સવારે સગા સબંધીઓ અને વડીલોની હાજરીમાં બને લગ્નગ્રંથી થી જોડાયા!! બને એક મેકના થઇ ચુક્યા હતા.. એક આગવો સબંધ બંધાઈ ગયો હતો!!

પણ ગામને ખબર પડી અને સગા સબંધી ને કે સોનલમાં ખામી છે એ મા તો ક્યારેય નહિ બની શકે!! રાજુ હાથે કરીને કુવામાં પડ્યો..જિંદગી ધૂળ ધાણી બની ગઈ!! આ બને ને આ સત્ય મંજુર હતું પણ ગામના લોકોને નહિ!! એ વાતો કરવા લાગ્યા!! અમુક તો ઉપહાસ કરવા લાગ્યા કે રાજુને સુવાવડનો ખરચ નહિ આવે.. બસ કોઈ ખરચ જ નહિ.. જે કમાશે એ બે જણા વાપરશે.. ત્રીજું કોઈ વાપરવાવાળું તો આવવાનું નથી!! સમાજ આવા નંગોથી ભરેલો પડ્યો છે જે બસ એક મોકાની રાહમાં હોય છે!! માણસો ગાળિયા લઈને તૈયાર જ હોય છે તમારી પટ્ટી ઉતારવા માટે!! પણ આ બાજુ રાજુ અને સોનલ ને કોઈ જ અસર નહોતી થતી પણ આખરે એણે નક્કી કરી નાંખ્યું કે હવે આ ગામમાં તો નથી જ રહેવું!!

વળી એને પેલી સ્પીનીંગ મિલ સાંભરી.. એના દયાળુ મેનેજર ભોરણીયા સાહેબ સાંભર્યા.. ભવાની કોસ્ટપીન મિલમાં એણે ફોન લગાવ્યો અને વાત કરી. અને મેનેજર ભોરણીયા સાહેબ ફક્ત એટલું જ બોલ્યા.

“અત્યારે જ આવતો રહે તારા જેવા માણસની તો અમારે ખાસ જરૂર છે” બીજે જ દિવસે રાજુ હરીપર જવા રવાના થયો. નોકરી શરુ કરી દીધી.અગિયારમાં દિવસે ગામમાં જ એક મકાન ભાડે રાખીને સોનલને ત્યાં બોલાવી લીધી. ભોરણીયા સાહેબે સવારે ૯ થી છ ની શિફ્ટ માં નોકરી આપી. વચ્ચે એક કલાક જમવા માટે આપ્યો અને રાજુ અને સોનલનું સહજીવન આવી રીતે શરુ થયું!! એકાદ વરસ સરસ રીતે ચાલ્યું. પણ હવે ત્યાં તેમની સાથે કામ કરતા મિત્રો કહેવા લાગ્યા.!!

  • “રાજુભાઈ હવે પેંડા ક્યારે ખવરાવો છો??”
  • “હવે ઘરમાં પગલી નો પાડનાર ક્યારે આવે છે”

“હવે એમાં બહુ મોડું ના કરાય..ધર્મના કામમાં ઢીલ નો હોય” પણ રાજુ સમજતો હતો કે આ બધા કહેવા વાળા મારા હિતેચ્છુ છે એમને સાચી વાતની ખબર નથી. આ કહેવા વાળા કોઈ મારી મશ્કરી નથી કરતા પણ મારા પ્રત્યેની શુભ લાગણી અને રુદિયાનો રાજીપો વ્યકત કરે છે!! પણ કોણ જાણે રાજુને શું ય સુઝ્યું એ સોનલ ને લઈને દવાખાને ધક્કા ખાવા લાગ્યો. સોનલ બધું જ જાણતી હતી છતાં એ રાજુના કહેવાથી દવાની ટીકડીઓ ગળ્યે જતી હતી. છેલ્લે રાજુ વિરમગામના પાસેના એક ગામમાં એક માતાજીના ભુવા પાસે ગયો. વગર પૈસે આ ભુવાજી લોકોને માર્ગદર્શન આપતા.બીજાની જેમ કોઈ ચમત્કાર કે પૈસાની પાછળ એ નહોતા પડ્યા. ભુવાજીએ કહ્યું.

“ એક કામ કરો તમારા કુળદેવી બ્રહમાણી માતાજી નું સ્મરણ કરો. બીજું બધું રહેવા દ્યો. રોજ સવારે ઉઠીને સ્નાન કરીને પક્ષીઓ ને ચણ અને ગાયને રોટલી નાંખીને જ પછી નાસ્તો કરવો.. આવું અગિયાર મહિના સુધી મનમાં સહેજ પણ કુશંકા લાવ્યા વગર કરો !! મનમાં સતત માતાજી અને બાળકનું સ્મરણ કરો!! ભાગ્યને પણ ભાયડાઓ આગળ ઝૂકવું પડશે!! રાજુ અને સોનલે આગિયાર માસની આ ટેક પાળી!! અને ચમત્કાર થયો

“મુકેશ ભાઈ મારી જન્મ તારીખ ૨૮ – ૯ – ૧૯૯૦ છે અને આવતી અઠ્ઠાવીસ એટલે કે ૨૮- ૯ – ૨૦૧૮ ના રોજ ડોકટરે મારી પત્નીની ડીલીવરીની તારીખ આપી છે.. મોટા મોટા ડોકટરો એ કીધેલું કે સોનલ માતા નહીં બની શકે.. એ ફક્ત દુવાથી શક્ય બન્યું છે!! તમે આ પ્રસંગ લખો મુકેશ ભાઈ’

રાજુએ મને વાત કરી.સહેજ રોકાઈ ને હું બોલ્યો.

“એક કામ કરીએ વાર્તા તો આપણે લખીશું પણ ઉતાવળ શા માટે?? તમારે ત્યાં સંતાન થાય પછી એ સંતાનના ફોટા સાથે જ આ શ્રદ્ધાની વાર્તા મુકીએ તો” અને રાજુ સહમત થયો. એ હવે નોકરી પર વીસ દિવસની રજા મુકીને પોતાના આવનારા બાળકની પ્રતિક્ષા કરવા માંગતો હતો. એ ખુબજ ઉત્સાહ અને આનંદમાં હતો.. હોય જ ને જે લોકો એની આ બાબતમાં બદબોઈ કરી હતી એ બધાના મોઢા બંધ થઇ જવાના હતા!!

ઈશ્વર પણ રાજુની ઉતાવળ પામી ગયા હોય એણે આઠ દિવસ વહેલા જ સારા સમાચાર આપી દીધા!!

તારીખ ૨૨ – ૯ – ૨૦૧૮ સમય સવારના સાત વાગ્યાનો

મને રાજુનો મેસેજ આવ્યો. “મુકેશ ભાઈ મારે ત્યાં બાબાનો જન્મ થયો!! આ રહ્યો ફોટો!! મેં ફોટો જોયો!! એકદમ તંદુરસ્ત બાળક આ દુનિયામાં રાજુ અને સોનલ ને સુખી કરવા આવી પહોંચ્યું હતું. મેં એમને અભિનદન આપ્યા. રાજુએ મને ડોકટર કમલેશ દેસાઈ અને એની પત્નીનો પણ ફોટો મોકલ્યો!! જેઓ શંખેશ્વરમાં “ગ્રીન પાર્ક” હોસ્પિટલ ચલાવતા હતા. સોનલ ની ડીલીવરી આ દવાખાનામાં થઇ હતી. “ગ્રીન પાર્ક” હોસ્પિટલે રાજુ અને સોનલના જીવનમાં રીતસરની ગ્રીનરી લાવી દીધી!!

રાજુ અને સોનલના જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો હતો. જે ભાગ્યમાં નહોતું એ તિવ્ર ઝંખના અને કુળદેવી બ્રહમાણી માતાજી પ્રત્યેની અસીમ શ્રદ્ધાએ ચમત્કાર સર્જી દીધો!!

મિત્રો આ સાથે અસલી ફોટાઓ રાજુ અને સોનલ ના આ વાર્તાની વચ્ચે મુકયા છે અને હા બાળકનો પણ ફોટો છે જે હજુ ત્રણ દિવસ પહેલા જ આ દુનિયામાં આવ્યું છે!! રાજુ અને સોનલ ને શુભેચ્છાઓ અને આવનાર બાળકને પણ સારી જિંદગીની શુભેચ્છાઓ!! કદાચ આ ગુજરાતનું પ્રથમ બાળક હશે કે એના જન્મના ત્રીજા જ દિવસે એની એક વાર્તા ગુજ્જુરોક્સમાં છપાઈ હોય!!!

ઘણા આને અંધ શ્રદ્ધા ગણાવશે.. ઘણા આને વાહિયાત વાત ગણાવશે!! જેને જે ગણવું હોય એ છૂટ છે બાકી હું આને એક આત્મશ્રદ્ધાથી થયેલ એક કામ ગણું છું!! જો તમારો સંકલ્પ શુભ હોય અને એને મેળવવાની તમારી લાગણી સદાય તલપાપડ હોય તો દુનિયાની તમામ તાકાત તમને સહાય કરે છે!!

દવાએ કામ કર્યું કે દુવાએ કામ કર્યું કે દંપતીની બાળક પ્રત્યેની પ્રબળ જીજીવિષા કામ કરી ગઈ એ જે હોય તે!! પણ રાજુ અને સોનલને ત્યાં સુખનો સુરજ ઉગ્યો એ હકીકતને કોઈ જ ટાળી શકે એમ નથી!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ. મુ.પોસ્ટ ઢસા ગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.