દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

નસીબમાં હશે તેટલું જ તમને મળશે, બાકી તો તમે ગમે તેટલું એની પાછળ દોડો, તો પણ તમારું નથી થાય કશું- પછી ભલે તે સંપતિ હોય કે વ્યક્તિ…ખૂબ જ સમજવા જેવી વાર્તા વાંચો એકવાર અચૂક…

 “જીવનલાલના જોડા”

નામ :- જીવનલાલ!!

વ્યવસાય :- શિક્ષક _ જમીન લે વેચ _ બિલ્ડર

જીવનલાલનો સામાજિક બાયોડેટા આવો બનાવવો હોય તો બને!! દસ વરસમાં શૂન્યમાંથી સર્જન કર્યું તો એ જીવનલાલે કર્યું એમ એના જાણીતા અને માનીતા લોકો કહેતા!! અને એ દાયકો પણ ૧૯૯૦નો ને શિક્ષકોના પગાર પણ સાવ સામાન્ય એટલે બહુ બહુ તો શિક્ષક એક મકાન કરી શકે અને પોતાના સંતાનો ને પરણાવી શકે ત્યાં જ એનું બધું પી એફ અને બચત વપરાય જાય એમાં જીવનલાલની પ્રગતિ બે મિસાલ હતી..!!

નોકરીએ લાગ્યા એને ચૌદ વરસ થયા હશે.. ચારેક વરસ દરિયાકિનારે હવા ખાઈને આ બાજુ બદલી કરાવેલી..!! જેમ જીવનલાલની શાળા બદલી એમ એના ગ્રહો પણ બદલાયા..!! તાલુકા મથકથી દસેક કિલોમીટર દૂર એક ગામમાં નોકરી..!! નોકરીએ જવા માટે સાયકલ રાખલી..!! એ વખતે સાયકલ ફક્ત શિક્ષકો પાસે જ હોય અને એ પણ સ્ટેટસ ગણાતું..!! તાલુકામાં એક મકાન ભાડે રાખેલું..!! શરૂઆતમાં નોકરીએ ચડ્યા ત્યારે હતા એકદમ પ્રામાણિક અને નિષ્ઠાવાન..!! પણ તાલુકામથકે રહેતા એટલે ઘણા શિક્ષકોનો સહવાસ શરુ થયો..!! અને ધીમે ધીમે દુર્ગુણો પેસતા ગયેલા!!

જે મકાનમાં રહેતા હતા એની સામેના મકાનમાં જીવનલાલની જ્ઞાતિનું એક કુટુંબ રહે અને એ મુરતિયો ગોતે પોતાની દીકરી માટે..!! કોઈ નોકરિયાત મળી જાય તો દીકરી વળાવી દેવી છે એમ એ કન્યાના બાપા જીવનલાલને કહેતા!! વળી ભલામણ પણ કરતા કે માસ્તર કોઈ આપણા સમાજનો ડાયો ડમરો અને વ્યસન વગરનો સરકારી નોકરીયાત હોય તો કહેજો આપણે નયના માટે એવો જ જમાઈ ગોતવો છે!! એમાય જો શિક્ષક હોય ને તો પેલી પસંદગી!! અને વળી એ નયના ના પિતા પરશોતમભાઈ જમાઈ તરીકે શિક્ષક શોધવાના ફાયદા પણ બતાવે!! પરશોત્તમભાઈ જીવનલાલને કહેતા.

“નાના એવા ગામમાં નોકરી હોય.. શિક્ષક્ને ઘર ખર્ચ ઓછો લાગે… માભા વાળી અને સન્માનજનક નોકરી… લગ્ન પ્રસંગે સહુ ચાંદલો લખવા બોલાવી જાય.. ચાંદલો લખે એ જાનમાં તો જાય જ ને!! પછી શિક્ષક્ની પત્ની ને પણ બાર બાદશાહી.. ઘરના અમુક કામ વધી જાય તો ગામડામાં છોકરીઓ સાહેબને ઘરે કામ કરવા પણ જાય એ પણ હોંશે હોંશે… વળી ગામ આખામાં ગમે ત્યાં ગાય વિયાય કે ભેંશ વિયાય શિક્ષક્ને ત્યાં દૂધ નો કળશ્યો જાય જ.. શિક્ષક કોઈ દિવસ બળી વગરનો ના રહે… અને સહુથી મોટો ફાયદો એ કે શિક્ષક ના સંતાનો કેમ મોટા થઇ જાય એ ખબર પણ ના પડે.. આખા ગામના છોકરા સાહેબના છોકરાને રમાડે.. વળી નોકરી પણ કેવી…!!! એય ને નીરાંતે અગિયાર વાગ્યે જાય શાળાએ.. શિક્ષક્ના પત્ની માંડ વાસણ ધોઈને આડા પડખે થયા હોય ત્યાં એક વાગ્યે શિક્ષક ઘરે મોઢું બતાવવા જાય!! ફ્રુટ બુટ અને મુખવાસ બુખવાસ ખાઈને વળી નિશાળે આવે વળી ત્રણ વાગ્યે તો પાછા ચા પીવા ઘરે આવે..!! અને છેલ્લે પાંચ વાગ્યે તો પધાર્યા હોય!! એવી કોઈ નોકરી નથી કે જેમાં નોકરિયાત નોકરીએ ગયા પછી બે વખત ઘરે મોઢું દેખાડવા આવે એટલે જે છોકરી શિક્ષક સાથે પરણે એણે પાંચેય આંગળીએ ગોર સરખી રીતે પૂજ્યા જ હોય!! માટે માસ્તર કોઈ એવો માસ્તર ધ્યાનમાં હોય તો કેજોને તમારા જેવા જ સ્વભાવનો તો આપણે વિલાસનું ત્યાં ગોઠવી નાંખીએ!!”

વાત સાંભળીને જીવનલાલ ને પણ ઘણું થાતું કે હું જ કુંવારો છું એ આ પરશોતમભાઈને નહિ ખબર હોય!!! મારે સામે ચાલીને ક્યાં કહેવું કે વિલાસને મારી સાથે પરણાવી દો ને !! મારા જેવો જમાઈ તમને ક્યાં મળવાનો છે??

અને વિલાસ કઈ નાંખી દીધા જેવી તો નહોતી જ!! રૂપાળી હતી નમણી હતી!! થોડીક વધારે પડતી જાડી હતી.. શેરીમાં ડોશીયું વાતું કરતી કે વિલાસ નાની હતી ને ત્યારથી ખાધે જબરી હતી.. આ તો હવે થોડી પાતળી થઇ પણ એ દસ વરસની હતી ત્યારે તો ખુબજ શરીર વધી ગયેલું.. એમાં વિલાસનો વાંક નહોતો..પરશોતમભાઈને આઠ ભગરી ભેંશુ હતી.. અને એ વખતે ડેરીમાં દૂધ ભરવાનું ચલણ ઓછું એટલે પરશોતમભાઈ અઠવાડિયે અઠવાડિયે એક મણ પેંડા ભેશના દુધના બનાવે.. ખાવા વાળા મૂળ ત્રણ જણા.. એમાં વિલાસ તો જાગે ત્યારે પેંડા માંગે!! એટલે પેંડા ખાઈ ખાઈ વજન વધી ગયેલું. પછી એને ડોકટર પાસે લઇ ગયેલા ડોકટરે કીધું કે આને પેંડો તો આપશો જ નહિ અને રોજ સવાર સાંજ અગાશી પર દસ વાર ચડાવો અને દસ વાર ઉતારો.. દાદરા ચડવાથી વજન ઉતરશે.. એક વરસ સુધી પરેજી પાળી એટલે વિલાસ થોડી મોળી પડી ગયેલી પણ સાવ મોળી નો પડી!! બાંધો તો મજબુત જ રહ્યો!!
પણ એક વખત એક ડોશીએ પરશોતમને કહી દીધું.

“અલ્યા પશલા તને કાઈ ભાન બાન છે કે નહિ તું રોજ ઓલ્યા જીવન માસ્તરને ભલામણ કરશો કે વિલાસ માટે કોઈ સારો માસ્તર ગોતી દ્યો.. હવે એ પોતે હજુ કુંવારો છે અને તારી છોકરી માટે મુરતિયો ગોતવા નીકળે એમ?? એના કરતા એને જ જમાઈ બનાવી દે ને?? આમેય તારે તો છોડી એક જ છે ને!! વિલાસ કરશે ખેતી અને માસ્તર જાશે ભણાવા!! જીવનલાલ છે ડાયો ડમરો..તારા અને મંજુ વહુના ઘડપણ પાળશે અને દીકરી પણ નજર સામે”
અને પરશોતમભાઈ બોલ્યા.

“ અ વસ્તુ તો મારા ધ્યાન બારી જ રહી ગઈ મને એમ કે માસ્તર પરણેલા હશે અને એના ઘરના બીજે ક્યાંક નોકરી કરતા હશે એટલે એ એકલા રહેતા હશે.. હવે તમે જ એને પૂછી જોજો એનો વિચાર હોય તો ગોળ ધાણા ખાઈ નાંખીએ”
અને જીવનલાલ થોડા ના પાડે!!?? આવું સોજુ કુટુંબ.. એક ની એક દીકરી… સરસ મજાના મકાન… મકાન પુરા થાય એટલે પાછળ તરત જ વાડી શરુ થાય અને એ પણ નાની એવી નહિ પુરા પચાસ વીઘાની વાડી!!.. બધું જ તૈયાર ભાણે મળી જતું હતું!!

જીવનલાલે વિલાસ સાથે ફેર ફર્યા અને એનું ભાગ્ય ચક્ર પણ ફરતું થયું!!

સાયકલ લઈને નિશાળે જતા જીવન લાલ હવે સીધું રાજદૂત લીધું એ પણ કિક વાળું નહિ હો!! સેલ્ફ સ્ટાર્ટ રાજદૂત!!! કપડા લતામાં ફેરફાર આવી ગયો!! શરીરમાં પણ ફેરફાર થઇ ગયો.. હવે વિલાસ નો સ્નેહ પણ ભળ્યોને… પછી તો એકાદ વરસમાં ખેતી પણ સંભાળી લીધી!! સવાર સાંજ એ વાડીએ જ હોય!! નિશાળે જવાનું પણ એ ક્યારેક ચુકી જાય!! નિશાળે તો એનું ખુબ ચાલતું ને કારણ કે પોતે જ આચાર્ય હતા અને બે મદદનીશ શિક્ષકો..!! એક થી ચાર ધોરણ હતા… બે રૂમ હતા… મૂળ સીતેરની રજિસ્ટર સંખ્યા હતી!! એમાં અડધા વળી પાછા ભણવા ના આવે!!
જીવનલાલનું સંસાર ચક્ર ચાલવા નહિ પણ તેજ ગતિ થી દોડવા લાગ્યું.. હવે એ આ વિસ્તારના જમાઈ થયા હતા એટલે ઉઠબેસ વધવા મંડી.. મિત્ર વર્તુળ મોટું થતું ગયું.. એક વખત એ પોતાના સસરાને કારમાં બેસારીને એ વીસ કીલોમીટર દૂર એક વાડી જોવા લઇ ગયા!! એક વાત તો રહી જ ગઈ હવે જીવનલાલે કાર પણ લીધી હતી!! સસરાને વાડી બતાવતા કહે.

“કેમ કેવી લાગી વાડી??? એક જ હારે પુરા સો વીઘાની લગડી છે લગડી!! અને જમીન પણ દાણાદાર!! એકદમ મોરસ જેવી!! વાવો ઈ ઉગે!! પૈસો તો આવી જમીનમાંથી જ મળે”!!

“એકદમ સરસ છે.. વળી પિયત પણ છે.. બે કુવા લાગે છે..આંબા છે દાડમડી છે અરે વાહ ચીકુડી પણ છે.. જમીન બહુ સારી છે!! કોની છે આ વાડી???” સસરા બોલ્યા અને જીવનલાલે બોમ્બ ફોડ્યો..

“આમ ગણો તો આપણી વાડી છે આપણી..”

અને હવે ચોંકવાનો વારો એના સસરાનો હતો… અને જીવનલાલે એના સસરાને દાણા નાંખવાનું શરુ કર્યું.!!

“પાર્ટી સુરતની છે.. સો વીઘા છે.. વેચવાની છે એવા સમાચાર મળ્યા છે..પાર્ટી થોડી કફરમાં આવી ગઈ છે.. એક કરોડ રૂપિયા થાય.. લાખે વીઘો વેચવાની છે.. થોડી દૂર છે એટલે બાકી આપણી જમીનના તો વીઘે પાંચ લાખ

આવે..પ્લોટીંગ પડે ને એટલે.. વળી આપણી જમીન કરતા ફળદ્રુપ અને ઉપજાઉ જમીન છે!! હું એમ કહેતો હતો કે આપણે ત્રીસ વીઘા વેચી નાખીએ તો દોઢ કરોડ આવે!! એમાંથી આ સો વીઘા લઇ એ તો પચાસ લાખ રૂપિયા વધે.. વળી જમીન પણ સીતેર વીઘા વધી જાય ને!! અને એ પણ સારી જમીન!! વિચાર કરી જુઓ.. જો મન માને તો આ આપણી જ જમીન થઇ ને”

આવી વાત કોણ ના માને?? અને આ તો ભાઈ જીવન જમાઈ!! માસ્તર!! એની વાત એના સસરા માની ગયા!!
સસરાની ઘર ટચ ૫૦ વીઘા જમીનમાંથી ત્રીસ વીઘા વેચી નાંખી એક બિલ્ડરને!! દોઢ કરોડ ઉપર રકમ આવી … ઉપરની રકમ જીવનલાલે પોતે રાખી અને સસરાને દોઢ કરોડ આપી દીધા..એમાંથી પેલી સો વીઘા જમીન સસરાના નામે લીધી.. તોય સસરા પાસે પચાસ લાખ રોકડા વધ્યા અને એમાંથી જીવનલાલે સરસ મજાની બંગલી બનાવી નાંખી.. હવે એ જમીનનું ધ્યાન તો રાખવું જ પડે ને!! ભાગીયાને રેઢા થોડા મુકાય એટલે સો વીઘા જમીનની બંગલી માં જીવનલાલ વિલાસ સાથે રહેવા લાગ્યા. સસરા પોતાના જુના મકાનમાં.. વીસ વીઘા જમીન સાથે… સહુ જીવનલાલ ના વખાણ કરે કે જમીન પણ વધારી અને પૈસો પણ વધાર્યો બાકી પરશોતમભાઈ એ જમાઈ ગોતી જાણ્યો હો!! જમાઈ હો તો જીવનલાલ જૈસા વરના ના હો!!!!

હવે જીવનલાલની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું.. પહેલા એમની પ્રથમ પ્રાયોરીટી નોકરી હતી.. હવે એમની પ્રથમ પ્રાયોરીટી જમીન લે વેચ થઇ ગઈ..સાટા દોઢા માં એ માસ્તર માંથી માસ્ટર થઇ ગયા!!

નાની એવી નિશાળના કાર્યક્ષેત્રમાંથી જમીનના વિશાળ કાર્યક્ષેત્રમાં હવે એ પ્રવેશી ચુક્યા હતા. શાળામાં એની હાજરી હવે અનિયમિત થઇ ગઈ હતી.સ્ટાફ સારો અને સાચવી લેવાની આવડત એટલે શરૂઆતમાં બહુ વાંધો ના આવ્યો.પણ ધીમે ધીમે ગામમાં ચણભણ શરુ થઇ.આચાર્ય મોડા આવે છે. બાકીના શિક્ષકો શરમના માર્યા બોલી શકતા નહોતા. ગામના બે માથાભારે શખ્સોએ આમાં પૂરો રસ લીધો.એ બહુ ભણેલા તો નહોતા પણ એના છોકરા ભણેલા હતા.

અરજીઓ તાલુકા સુધી પહોંચી પણ ત્યાં જીવનલાલની રખાવટનો ઓવાળ નડ્યો એટલે જીલ્લા સુધી અરજીઓ પહોંચી શકી નહિ.. ઓફિસમાં આવતી અરજીઓને ઓવાળ બહુ નડે એટલે અટકી જાય.જીવણલાલે બે ય અસંતુષ્ટ સભ્યો સાથે બેઠક કરી અને તોડ કરીને તેમને પૂરી રીતે સંતુષ્ટ કરી દીધા. બે ય અસંતુષ્ટના છોકરાઓને બે બે હજારમાં નિશાળમાં ભણાવવા રાખી લીધા. હવે ગામ ખુશ હતું કહેતું હતું.

“એને જમીનના ધંધા ને એટલે નિશાળમાં હાજરી ના આપી શકે પણ આત્માનો ચોખ્ખો માણસ એટલે એના એકના બદલે બે છોકરા ભણાવવા રાખી લીધા એય ને ઘરના પગારે..આવો સાચકલો માણસ દીવો લઈને શોધવા ગયા હોય તોય ના મળે.. છોકરાનું ભણતર નો બગડે એનો ખ્યાલ રાખે ઈ માસ્તર કહેવાય ભલે ને એને ટાઈમ નથી પણ પણ છોકરાનો ટાઈમ ના બગાડ્યો એ મોટી વાત” ગામ આવી વાતું કરતુ હતું કારણ કે હવે માથાભારે તત્વો તો સીધા જીવનલાલના ખોળે જ બેસી ગયા હતા. જે વિરુદ્ધમાં હતા અને ગામમાં કાંક કાંક કહેવાતા હતા એના બે છોકરા જ નિશાળમાં ભણાવવા લાગ્યા હતા. હવે કોઈ બોલી શકે એમ જ નહોતું. આમેય અમ્પાયર જ બેટિંગ કરતા હોય ત્યાં આઉટ નો સવાલ જ ના આવે!!

હવે તો દર શનિવારે જ જીવનલાલ આવે. શાળાના સ્ટાફ માટે નાસ્તા પાણી લાવે. જેને દાખલા કઢાવવા હોય કે સર્ટિ કઢાવવા હોય એ શનિવારે જ આવી જાય.. સ્ટાફને પણ ખુશ રાખતા અને તાલુકાના અધિકારીઓ સાથે લગભગ રોજ રાતે વાડીમાં ભજીયા કે આખા રીંગણનું શાક કે ક્યારેક વળી આખી ડુંગળીનું શાકની પાર્ટીઓ ચાલતી હોય.. હવે રોજ જેનું અન્ન પેટમાં જતું હોય એની સામે કોઈ કાર્યવાહી કેમ કરી શકે!!??જીવનલાલની જિંદગી ટોપ ગિયરમાં ચાલી રહી હતી. એવું નહોતું કે એને કોઈ એ રોક્યા નહોતા. એનાં પિતાજી મણીલાલે એને શરૂઆતમાં જ કહ્યું હતું.

“બેટા જીવન નિશાળ અને બાળકોના ભોગે તું જે કાઈ કર્ય છો એમાં અંતે સારાવાટ નહીં હોય.. તારે ધંધો જ કરવો છે તો પછી રાજીનામું આપી દે ને” મણીલાલ નિવૃતિના આરે હતા. એકદમ ચોખ્ખા અને શિસ્તબદ્ધ શિક્ષક હતા.

“બાપુજી તમારે હવે પંચાવન પુરા થયા છે. ત્રણ વરસ પછી નિવૃત થશો તો ય તમને સહેજ પણ બુદ્ધિ ના આવી. માણસોની તો સાંઠે બુદ્ધિ નાઠી એમ કહેવાય પણ તમારે તો પેલેથી જ બુદ્ધિ નાઠી છે. તમે અત્યાર સુધી જીંદગીમાં શું કર્યું.. અને હવે છોકરો કમાય છે તો એને નીતિના પાઠ ભણાવો છો.. જ્યારે જ્યારે તમારી સાથે વાત કરું છું ને પછી માથાની ટીકડી લેવી પડે એ હદે માથું દુઃખે છે” જીવનલાલે પોતાના પિતા મણીલાલ સામે તિરસ્કારથી કહ્યું. જયારે અનીતિનો પૈસો ઘરમાં ઘૂસે એની પેલી નિશાની એ સંતાનો પોતાના પિતાજી સામે દલીલો કરવા લાગે.

“તું જે કહે એ મને જરા પણ ખોટું નથી લાગતું. દુનિયા પરિવર્તનશીલ છે એ વાત સાચી પણ જગત માટેના અમુક કાયદા જે પરમાત્માએ બનાવેલા છે એ અફર છે, અમર છે ,એમાં કયારેય ફેરફાર નહિ થાય. તને અત્યારે આ કમાણી સારી લાગતી હશે પણ જયારે જશે ને ત્યારે એક ઝાટકે જશે અને લગભગ ત્યાં સુધીમાં તો ઘણું મોડું પણ થઇ ગયું હશે માટે હજુ કહું છું ચેતી જા.. ભગવાને આવી સરસ મજાની સમાજમાં માન પણ વાળી બાળકોની સેવા કરવાની તક આપી છે અને તું એ સેવાની તકને મેવામાં ફેરવી રહ્યો છે એ કમસે કમ મારા સંતાન માટે તો સારું જ નથી” મણીલાલ બોલતા રહ્યા અને જીવનલાલ જતા રહ્યા. પછી તો જીવનલાલ લગભગ ક્યારેય પોતાના વતનમાં ગયા પણ નહિ હોય.મણીલાલ ને બહુ દીકરો સાંભરે ત્યારે એ એક આંટો મારી જતા.

જીવનલાલ હવે નાની મોટી જમીન ના ટુકડા ખરીદીને મકાન શરુ કર્યું. શિક્ષકો એના મકાન ના પ્રથમ લેવાલ થયા. ધંધો ધંધાને શીખવાડે એમ જીવનલાલ જ્યાં હાથ નાખે ત્યાં પૈસા ઉગતા હતા. એક વખત એના સસરાને કહ્યું કે..!!

“રોડની સામે બાજુએ કાનજી પુંજાની વાડી વેચાઉ છે એ ખરીદી લીધી હોય અને પછી જો એમાં પ્લોટીંગ કર્યું હોય તો ધોમ રૂપિયો મળે એમ છે.. કાનજીનો છોકરો મનકો મુંબઈ માં એક કલબમાં પૈસા હારી ગયો છે એટલે કાનજી ને જમીન વેચ્યા વગર છૂટકો નથી”

“વાત તો મેં ય સાંભળી છે પણ ભાવ સાંભળ્યા છે એ જમીનના..લાકડા જેવો ભાવ કરીને બેઠા છે..છે હવે ચાલીશ વીઘાનું પડું પણ ચાર કરોડ કહે છે હવે એટલા બધા તો ક્યાંથી કાઢવા અને એ પણ રોકડા કહે છે.. ઘણા ને લેવાની ખંજવાળ તો આવે છે પણ જ્યાં ભાવ સાંભળે ત્યાં ઠરીને ઠીકરું થઈને પાણીમાં બેસી જાય છે.”

“મારી પાસે બે કરોડની સગવડ છે.. અને બાકીની તમારી આ અને પેલી જમીન વેચી નાંખીએ તો?? પૈસા ભેગા થઇ જાય એમ તો છે જ.. વરસ દિવસમાં એ જમીનમાં પ્લોટ પડે એટલે દસ કરોડ તો રમતા રમતા મળી જશે..હજુ વાત બહાર ફેલાઈ નથી એટલે ઝડપથી સોદો થઇ જાય તો સારું બાકી એકવાર વાત સુરત પહોંચી એટલે એક જ દિવસમાં ફટ દઈને જમીન ઉપડી જાશે”

“તો કરો કંકુના પણ ધ્યાન રાખજો મોટી રકમ છે અને આપણું બધું વેચીને એ લેવાનું છે..જોકે તમને કાઈ કહેવા જેવું નથી તોય ચેતીને ચાલવું”!! સસરાએ કીધું.

અને આ બાજુ પાકા પાયે અંકોડા ગોઠવાઈ ગયા. સસરાની જમીન વેચી નાંખી ફક્ત બાર વીઘા જેટલી જ ખાતે રાખી..!! પોતાનું જીપીએફ ઉપાડી લીધું..પત્નીના ઘરેણા વેચી નાંખ્યા.. પોતાની બધી બચત ભેગી કરી લીધી.. શનિવાર આવી ગયો.. વરસાદે ઉપાડો લીધો હતો…. બધાજ પૈસા ભેગા થઇ ગયા હતા!! આજે જ કાનજી પુંજાની જમીન નો દસ્તાવેજ કરવાનો હતો.. !!

સોમવારે જીવનલાલ નવા જોડા પહેરીને કારમાં ચારેક કરોડ જેટલી રકમની સુટકેશો લઈને નિશાળે જવા નીકળ્યા.. આમ તો નિશાળે નોતું જાવું પણ બે જણા મંગળવારના જન્મતારીખના દાખલા માટે રીતસર ના ચોંટયા હતા.. સાડા આઠ વાગ્યે તેઓ નિશાળે પહોંચ્યા હતા. કલાકમાં કામ પતાવીને પ્રાંત અધિકારીની કચેરીમાં દસ્તાવેજ કરાવવા જવાનું હતું.. જીવનલાલ સાડા આઠે નિશાળે પહોંચ્યા જોરદાર વરસાદ વરસી રહ્યો હતો.. ફટાફટ બે દાખલા કાઢ્યા અને ત્યાં સ્ટાફ સાથે વાતે વળગ્યા

“સાહેબ આ બુટ સરસ છે કેટલાના આવ્યા?” માનસી કરીને એક ગણિત વિજ્ઞાન ની શિક્ષિકા હજુ નવી જ આવી હતી એ બોલી.

“ઓસ્ટ્રેલીયાના બુટ છે અહી આવા ના મળે..બાર હજારની કિમતના છે..એકદમ ઓરીજનલ ઓસ્ટ્રેલીયન લેધર આવે વજનમાં હળવા એકદમ પીંછા જેવા જ લાગે..અહીના જોડા તળિયા તોડી નાખે વળી આ બુટ ફાયર પ્રૂફ ની સાથે વોટર પ્રૂફ પણ છે..” જીવન લાલે કહ્યું. અને પછી વરસાદની વાતોએ વળગ્યા. વરસાદ વધતો જતો હતો!!

“સાહેબ હલામણનું વોક્ળું આવી જશે માટે તમે તરત જ રવાના થાવ..!!જીવનલાલ એની કાર લઈને ફટાફટ નીકળ્યા. ચાર કિલોમીટર ગયા ત્યાં પગમાં જોયું!! અરેરે બુટ તો નિશાળમાં પડ્યા છે.. બારણા પાસે જ… રખેને કોઈ કુતરા બુતરા લઇ ગયા તો..? કાલે રવિવાર થાય અને પરમદિવસે સોમવારે નિશાળ ખુલે ત્યાં સુધીમાં તો કદાચ બુટ ને કઈ થઇ ગયું તો???? જીવનલાલે સામે જોયું હલામણ વોંકળામાં પાણી વહેતું હતું પણ ગાડી નીકળી જાય તેમ હતી… પણ જીવ જોડામાં રહી ગયેલોને વળી ગાડી પાછી વાળી અને નિશાળે ગયા!! બુટ ના જોયા.. શિક્ષક્ને પૂછ્યું તો કહે બુટ કબાટમાં મૂકી દીધા છે ચાવી એક છોકરા પાસે હતી.. એ છોકરો ગોત્યો પણ બીજા એ કીધું..

“કોણ રાકલો ને એ તો કબાટ બંધ કરીને ઘા એ ઘા ઘરે ગયો એણે કાલ ડોડા અને ચીભડા ખાધા એટલે શેરણીયુ થઇ ગયું છે હમણા આવશે.. વીસ મીનીટે રાકલો આવ્યો એના ખિસ્સા માં ચાવી હતી. કબાટ માંથી બુટ કાઢીને, પહેરીને તરતજ ગાડી મારી મૂકી!! વરસાદ વધતો જતો હતો.

જીવનલાલની કાર હલામણ ના વોંકળા પાસે આવી. ઉપરવાસમાં વધારે વરસાદને કારણે પાણી વધી ગયું હતું.. બેય બાજુ માણસો ઉભા હતા..પાણીમાં કોઈ સાહસ કરતુ નહોતું.. પ્રાંત કચેરીએ પહોંચવું જરૂરી હતું ત્યાં એના સસરા અને સામેની પાર્ટી રાહ જોતી હશે..!! એમાં એક બુલેટ વાળા એ બળ કર્યું અને પાણી વીંધીને બુલેટ સામા કાંઠે બુલેટ જતું રહ્યું. ઘણાં માણસોએ ના પાડી પણ જીવનલાલે તોય કાર પાણીમાં નાંખી. અર્ધા વોંકળા સુધી તો વાંધો ના આવ્યો. પણ પછી ગાડીએ રોન કાઢી અને અધવચ્ચે જઈને જ બંધ થઇ!!

અંદર જીવન લાલ હાંફળા ફાફળા બની ગયા.. ગાડી તણાઈ..!! બારણા પણ ખુલતા નહોતા આગળ એક મોટો ધરો હતો.. ગાડી ઉંધે માથે ધરામાં ડૂબી અને સાવ તળિયે પાણીમાં રહેલા પથ્થર સાથે ભટકાણી અને બારણા ખુલી ગયા.. ગામના લોકો દોડ્યા.. જીવનલાલ ને બહાર કાઢ્યા પાણી પીય ગયા હતા.. સુટકેશો અને કાર પાણીના પ્રવાહમાં આગળ તણાતી હતી.. ઘણા સુટકેશ ની પાછળ પડ્યા..!!

ત્રણ દિવસ સુધી જીવનલાલ હોંશમાં આવ્યા. પછી સાત દિવસ હોસ્પીટલમાં રહ્યા. નાકમાં નળીઓ ભરાવેલી હતી . જીવનલાલ ના પગમાં ફ્રેકચર હતું. કારને પાણીના ઘુનામાંથી ટ્રેકટર વડે કાઢીને ઘરે પોગાડી દીધી હતી. બધી સુટકેશ મળી હતી પણ ખાલી હતી.. એ પૈસાનું શું થયું ક્યાં ગયા એ કોઈને ખબર જ નહોતી???!! પોલીસે તપાસ કરી.. નિવેદન લીધા.. સુટકેશમાં નિશાળના પત્રકો હતા એમ જીવનલાલે કીધું,,પોતાની રીતે ગોતવાનો પ્રયત્ન કર્યો.પણ એક રૂપિયો પણ હાથ ના લાગ્યો.

એના પિતાજીને ખબર પડતા એ દોડી આવ્યા. જીવનલાલનું માથું પોતાના ખોળામાં રાખીને મણીલાલ બેઠા હતા. આજે એને પોતાના દીકરાને જરા પણ ઉપદેશ આપ્યો નહિ..!! બાપ દીકરા વચ્ચે મૌન સંવાદ ચાલી રહ્યો હતો. જીવનલાલ ને પિતાજીના શબ્દો યાદ આવી રહ્યા હતા

“અનીતિ ની સંપતિ જયારે જાયને ત્યારે સદામૂળ કાઢીને જ જાય”

પગના ફ્રેકચરને રૂઝ વળતા તો બે મહિના થયા. પણ પેલી સુટકેશ વાળી રૂઝ બહુ લાંબે ગાળે રુઝાઈ!! જીવનલાલ વિચાર કરતા રહ્યા.. શું મેળવ્યું?? શું ગુમાવ્યું?? સરવાળે તો મોટી ખોટ જ હતી.. પેલા જોડા!!! એ માળીયામાં મૂકી દીધા હતા.. એક જ ઝાટકે જીવનલાલ હતા એવાને એવા કોરા ધાકોર થઇ ગયા હતા!! હવે મૂડી જ નહોતી રહી!! પગાર એજ મૂડી આવે ને વપરાય!!

બાળકોના સમયના ભોગે ધંધો કરીને કમાયેલ સંપતીતો ગઈ પણ સાથોસાથ સસરાની મોટાભાગની જમીન પણ લેતી ગઈ!! બસ પછી તો જીવનલાલનું જીવન જ ન્યુટ્રલ માં પડી ગયું.

બનાવના ત્રણ વરસ બાદ સ્થિતિ આખી બદલાઈ ચુકી હતી જીવનલાલ લગભગ નિશાળે વહેલા આવી જાય છે અને મોડે સુધી રોકાય છે. જીવન જ એકદમ એટલું સરળ થઇ ગયું કે વાત ના પૂછો.. બાળકોને ભણાવવા સિવાય બીજું કાઈ વ્યસન જ ના રહ્યું. પછી તો જીવનલાલ ને ત્યાં પારણું બંધાયું..પુત્રનો જન્મ થયો નામ પાડ્યું કર્મકુમાર!! બસ હવે જીવનલાલ એકદમ નિસ્પૃહી અને સરળ જિંદગી જીવે છે!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , ‘હાશ’ શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ મુ.પો. ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.