દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

 “છાયા નામની એક છોકરી” – જેને નથી મળ્યો માનો પ્રેમ કે નથી મળી હૂંફ છતાં એની મહેનત ને એનો આત્મવિશ્વાસ એક દિવસ એને નવા વિશ્વ તરફ લઈ જશે….

 “છાયા નામની એક છોકરી”

ભાવનગર – બાંદ્રા એક્સપ્રેસ ટ્રેઈન ધોળા જંકશન પર આવી પહોંચી. છેલ્લે ખુલેલા બે જનરલ ડબ્બામાં આજ આરામથી જગ્યા મળી ગઈ. હું મારી સુટકેશ લઈને બારી પાસેની સિંગલ સીટ પર ગોઠવાઈ ગયો .પાણીની બોટલ સામેના હુકમાં ભરાવી. હું નિરાંતે બેસીને ડબ્બાનું નિરિક્ષણ કરવા લાગ્યો. સીતેરને પાર પહોંચેલ એક વયોવૃદ્ધ દંપતી અને સાથે એક ૧૮ વરસની છોકરી અને ૧૫ વરસનો છોકરો મારા જ ડબ્બામાં પ્રવેશ્યા. પોતપોતાનો સામાન મુકીને સહુ બેઠાં. મેં જોયું કે દીકરીએ બધો જ સામાન ચેક કર્યો અને પછી એ પેલી વૃદ્ધ દંપતીની બાજુમાં બેસી. છોકરો સામેની સીટ પર એકલો એકલો મોબાઈલમાં ગેઈમ રમી રહ્યો હતો.

“તારા પાપાને ફોન કરી દે કે જગ્યા મળી ગઈ છે અને કાલ સવારે લગભગ આઠ વાગ્યે વલસાડ પહોંચી જાશું” પેલી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું.

. “એમાં શું ફોન કરવાનો હોય?? એને ખબર જ છે કે આપણે ત્યાં જઈએ જ છીએ “ છોકરી બોલી. જવાબમાં વૃદ્ધા કશું જ ના બોલી. ખાલી પોતાનો હાથ એ દીકરી પર ફેરવ્યો . છોકરો હજુ મોબાઈલમાં જ વ્યસ્ત હતો.

મારે સુરત ઉતરવાનું હતું. વળી ગાડી લગભગ ખાલી કહી શકાય એવી સ્થિતિમાં હતી . ગાડી ચાલી ચુકી હતી . નિંગાળા સ્ટેશન આવ્યું અને મેં વાતચીતનો દોર ચલાવ્યો .આમેય મને ટ્રેનમાં વાતો કરવી ખુબ જ ગમે છે.

“વલસાડ જાવ છો માજી??” મેં કહ્યું.

“ હા આ છોડી અને છોકરાના મા બાપ ત્યાં ઇંટો પાડે છે એટલે ત્યાં જઈએ છીએ . આ મારા બેય મારા ભાણીયા છે. મારી દીકરી અને જમાઈ ત્યાં વલસાડ રહે છે. આમ તો વલસાડથી આઘેરા વીસેક ગાઉં દૂર .. !! તે છોકરાઓને પરીક્ષા પતી ગઈ છે એટલે ત્યાં જાઈ છીએ તમે ક્યાં જાવ છો મુંબઈ???” ગામડાના માણસોની આજ ખાસિયત છે કે તમે સહેજ બોલોને ત્યાં એ ખુલી જાય. વરસો જુનો સંબંધ હોય એમ વાતો કરે. શહેરના માણસો જલદી ખુલે નહિ એની સાથે વાતચીત કરતી વખતે તમે શેતરંજ રમતા હો એમ લાગે .!! એક એક ચાલ એ વિચારીને ચાલે!!.

“ના મારે તો સુરત જવું છે બે દિવસ એક વાસ્તુ છે એટલે બાકી આ કાળઝાળ ઉનાળામાં તો મને ક્યાય જવું ના ગમે” મેં પણ એમને પ્રત્યુતર આપ્યો. અને અમારી વાતચીત શરુ થઇ . વૃદ્ધ લગભગ કશું ખાસ બોલ્યો નહિ પણ અડધી કલાકની વાતચીત દ્વારા મેં એ આખા કુટુંબનો પરિચય મેળવી લીધો. માજીનું નામ કંકુબેન હતું . એમના પતિનું નામ દેવશી ભગત. છોકરીનું નામ છાયા અને છોકરાનું નામ કિશોર . છાયા એ આ સાલ જ બારમાં ની પરીક્ષા આપી હતી અને કિશોરે દસમાની!! તેઓ જાતે પ્રજાપતિ કુંભાર હતા. દેવશી ભગતને એક છોકરો હતો એ વટામણ બાજુ ઇંટો પાડતો હતો અને જુદો રહેતો હતો. દેવસી ભગત અને કંકુ માડી ધોળાની પાસે જ આવેલ એક નાનકડા ગામમાં ઇંટો અને માટલા નો ધંધો કરતા હતા . આવડી મોટી ઉમર થઈ ગઈ હોવા છતાં આ પ્રજાપતિ દંપતી હજુ કડે ધડે હતું. નાનપણની સખત મહેનત અને ગામઠી ખોરાકે જાણે વૃદ્ધત્વને દૂર ધકેલી દીધું હતું એવું લાગતું હતું. પેલા તો મારી સાથે જ કંકુમાં એ વાત કરી .પણ પછી જયારે એણે જાણ્યું કે હું માસ્તર છું પછી તો છાયા અને દેવશી ભગત મારી સાથે વાતચીતમાં જોડાયા.

“ તઈ માસ્તર સાબ હવે ઈ કયો કે આ મારી ભાણેજડું ભણવામાં છે હોંશિયાર બારમામાં પણ સારા માર્ક લાવશે એમ એ કેતીતી તો બારમાં પછી ઈ કઈ લાઈન પકડે તો એને નોકરી મળી શકે” દેવશી ભગતે મને પૂછ્યું.

“ એ તો એને શેનો શોખ છે , શેમાં રસ ધરાવે છે ઈ પરથી નક્કી કરાય કે એને ક્યાં ભણવા મોકલાય” મેં છાયા સામે જોઇને કહ્યું.

મારે તો અંગ્રેજી અને ઈતિહાસ સાથે ઘરે બેઠા કોલેજ કરવી છે અને પછી પીએસઆઇની પરીક્ષા આપવી છે .એમાં ના મેળ પડે તો જીપીએસસી ની તૈયારી કર્યે રાખીશું પણ પેલી પસંદગી પીએસઆઇની જ છે” છાયાએ કહ્યું.કહેતી વખતે એની આંખમાં એટલો આત્મવિશ્વાસ ચમકતો હતો કે મને લાગ્યું કે નક્કી આ છોકરીમાં કમીટમેન્ટ જ એવું છે કે આ પોતાના ધ્યેયને આસાનીથી પ્રાપ્ત કરી શકશે.

“સારી વાત છે ,હવે તો દીકરીઓ માટે એમાં અલગ સીટ્સ પણ છે .અને પોલીસખાતામાં મહિલાઓની સંખ્યા ઉતરોતર વધતી જાય છે .એક સારી અને પ્રેસ્ટીજવાળી પોસ્ટ ગણાય પીએસઆઇની અને પોલીસખાતામાં મહિલાઓનું પ્રમાણ વધે એટલે ગુનાખોરી આપોઆપ ઘટે એવું મારું માનવું છે” મેં મારો અભિપ્રાય આપ્યો.

“ અત્યારથી તૈયારી કરું છું સાહેબ!! વહેલી સવારે જ મારા ઇંટોના ભઠ્ઠાની આજુબાજુ વીસ ચક્કર દોડી ને કાપું છું. બેય હાથમાં એક એક ઇંટો રાખીને સાંજે પાંચ કિલોમીટર ચાલવા જાવ છું મારા ભઈલા સાથે. સવારમાં ગોળ અને ચણાનો જ નાસ્તો કરું છું. ગ્રાઉન્ડમાં તો હું સો ટકા પાસ થઇ જવાની અત્યારથી જ.. અને હજુ ત્રણ વરસનો સમય છે .અંગ્રેજી અને ઇતિહાસનો અભ્યાસ બરાબર કરીશ , પ્રજાપતિની દીકરી છું એટલે ગણિતતો પાવરફુલ જ છે . જનરલ નોલેજ માટે પણ તૈયારી શરુ જ છે” છાયા બોલતી હતી અમે બધા સાંભળતાં હતા. ગાડી હવે રાણપુર વટાવીને સુરેન્દ્રનગર તરફ આગળ વધી ગઈ હતી.

“ કોલેજ તો તું વલસાડ પણ કરી શકેને ઘરે બેઠા ના કરવી હોય તો… એમાં એનસીસી કર્યું હોય તો ફાયદો રહે છે .સિટીમાં કલાસીસ પણ હોય છે . સ્ટડી મટીરીયલ પણ મળી રહે છે “ મેં છાયાને કહ્યું.

“ ના રે ના હું તો પહેલથી ધોળામાં જ ભણી છું અને અહીંજ રહેવાની છું. સહુથી મોટું સ્ટડી મટીરીયલ તો તમારી અંદર હોય છે .એને જો વાંચી લઈએ તો શું ગામડું કે શું શહેર.. ?? કોઈ જ ફર્ક ના પડે સાહેબ” છાયા આટલું જ બોલી કે તરત જ દેવસી ભગત બોલી ઉઠ્યા.

“ આ બેય અમારા બહુ હેવાયા એટલે અત્યાર લગણ અમારી સાથે જ રહ્યા છે . પણ હવે ભણવા સારું એ કદાચ એના મા બાપ હારે રે તો પણ હારું .. એને ગમે નયા રે શું ફેર પડે છે. અત્યારે તો નયા રોકાશે નિહાળું ખુલી જાય ત્યારે જોયું જાય છે !! “ કોણ જાણે પણ દેવશી ભગત બોલતા હતા પણ જેવી એમની નજર કંકુ ડોશી સાથે અથડાઈ કે એ કશુક ટાળી દીધું હોય એમ લાગ્યું. છાયા પણ મૂંગી થઇ ગઈ .કિશોર એની સીટમાં લાંબો થઈને સુઈ ગયો હતો !! ગાડી ચાલતી રહી અલપ ઝલપ વાતો થતી રહી . રાતે દોઢ વાગ્યે ગાડી અમદાવાદમાં પ્રવેશી ચુકી હતી.

“ વડા પાઉં …… બડા પાઉં….. પફ……. કોફી ….. ચાય….. સેન્ડવીચ……”

“ ઠંડા ઠંડા…. પાની… થમ્સપ… કોલા……. થમ્સપ…. કોલા… સમોસા.. ગોટા ગરમ…..” ના અવાજોથી કાળુપુર રેલવે સ્ટેશન ગુંજી રહ્યું હતું. કંકુ માડી એ થેપલા કાઢ્યા અને મને પણ પરાણે બે થેપલા ખવરાવ્યા.સાથે હતું થીજી ગયેલું દહીં. પાણી ની બે બોટલ હું લઇ આવ્યો. અડધી કલાક પછી ગાડી બમણા વેગે સુરત તરફ જઈ રહી હતી. અમદાવાદથી ડીઝલ એન્જીન બદલાવીને વિદ્યુતએન્જીન લાગી ચૂકયું હતું. વળી ડબલ ટ્રેક હોવાના કારણે અહીંથી મુસાફરી ઝડપી બની જતી હતી. છાયા સિવાયના બધા જ ઊંઘી ગયા હતા.એ કોઈ જનરલ નોલેજનું પુસ્તક વાંચી રહી હતી. રાત વધી ગઈ હતી અને સાથોસાથ ઠંડી પણ મને ઊંઘ આવી ગઈ હતી. સવારે જાગ્યો ત્યારે સાયન રેલવે સ્ટેશન પર ગાડી ઝપાટાબંધ જતી રહી હતી. છાયા સિવાયના બધા જાગી ચૂકયા હતા .હું સુરત ઉતર્યો ,સ્ટેશન પરથી ચા ના ચાર કપ હું પરાણે દેવશી ભગતને દઈ આવ્યો. છાયા જાગી ચુકી હતી. મને એણે ગુડ મોર્નિંગ સર કીધું . મેં એને રીપ્લાય આપ્યો અને કહું કે ભવિષ્યની તારી તમામ ઇચ્છાઓ માટે શુભેચ્છાઓ!! તારું ધ્યેય તને જલદી પ્રાપ્ત થાય એવી દિલથી લાગણી!! ગાડી મુંબઈ તરફ ઉપડી ચુકી હતી . હું જે સીટ પર બેઠો હતો ત્યાં જ છાયા બેસી ગઈ હતી . બારીમાંથી સતત હાથ હલાવતી હતી.

સુરત રેલવે સ્ટેશનેથી હું સીધો ચીકુવાડી પહોંચ્યો જ્યાં વાસ્તુ હતું . બે દીવસ સુરત હું રોકાયો. છાયાનો ચહેરો વારંવાર મારા મગજમાં ઘુમરાતો હતો . ગામડાની ઇંટોના ભઠ્ઠામાં કામ કરનારી છોકરીની ઉડાન કેટલી ઉંચી છે એનો મને ખ્યાલ આવ્યો . છાયા મને ઉમર કરતા વધુ પરિપક્વ લાગી.

ત્રીજે દિવસે રાતે હું અગિયાર વાગ્યે સુરત રેલવે સ્ટેશન પર ઉભો હતો .. બાંદ્રાથી આવી રહેલ ટ્રેનમાં હું ધોળા તરફ જવાનો હતો . ગાડીના જનરલ ડબ્બા પસાર થયા અને હું તેમની સાથે લગભગ દોડવા લાગ્યો.. એક બારી પાસેથી અવાજ સંભળાયો!!

“મુકેશ સાહેબ…. આ ડબ્બામાં આવજો અહી જગ્યા થઇ જશે .. હું જગ્યા રોકું છું….” હું નવાઈમાં પડી ગયો… બારી પાસેથી છાયા મને જોઈ ગઈ હતી અને એ ડબ્બામાં મારી જગ્યા રાખવાની હતી…!!

ભીડ હોવા છતાં હું એ ડબ્બામાં ચડ્યો મારી જગ્યા ત્યાં હતી. દેવશી ભગત અને કંકુમાં કિશોર અને છાયા ત્યાં બેઠા હતા . કિશોરની બાજુમાં એક થેલો પડ્યો હતો. એ મારી જગ્યા હતી.

“તું તો રોકાવાની હતીને ત્યાં વેકેશનમાં!!?? અને કિશોર પણ!! બે દિવસમાં જ કેમપાછા???”

“બસ અમસ્તું જ મને ઘર સિવાય ક્યાય ના ફાવે” છાયા બોલી જોકે મારા આ પ્રશ્ને તેનો થોડો મુડ બગાડ્યો હોય એમ લાગ્યું. કંકુ માંડીએ વાતને વાળી લીધી.

“ છોકરા અમારા હેવાયાને એટલે અમારી વગર ઈ નો રે” પણ દેવશી ભગતના ચહેરા પર એક અજબની ખુમારી હતી. મારી બેગમાંથી નાન ખટાઈ અને ઘારીનું પેકેટ કાઢીને મેં એ બેય બાળકોને ખવડાવીને વાતચીતમાં લાગી ગયો. ઓણ સાલ કેરીમાં સવા રહેવાનો છે એમ દેવસી ભગતનું કહેવાનું હતું.

“વલસાડ અને ધરમપુર બાજુ મોરની સાઈજ પરથી જ ખ્યાલ આવી જાય છે કે કેરી આ વખતે ખુબ પાકવાની .. પણ મને તો દેશી ભાવે .. જ્યાં મારા ભઠ્ઠા છે ત્યાં બે ત્રણ દેશી આંબા છે.. બહુજ ખાટી કેરી આવે છે… એટલા ખાટા છે કે તમે એની નીચે બેસોને તો પણ માથું ચડી જાય પણ એનું આથણું સારું બને છે.” દેવશી ભગત પોતાનો અનુભવ કહેતા ગયા અને હું સાંભળતો રહ્યો. કંકુ માં પણ સુર પુરાવતા જાય. ગાડી હવે અંકલેશ્વર વટી ગઈ હતી. ડબ્બામાં સહુ લગભગ સુઈ ગયા હતા. કંકુમાએ છાયાને પણ ઓઢાડી દીધું અને કિશોર તો ક્યારનોય સુઈ ગયો હતો.

“ આ દીકરી સમજુ બહુ મારી છાયા સમજુ બહુ છે , દીકરીની દીકરી છે પણ તોય એને અમારું બહુ છે”.. કંકુમાં બોલ્યાં ભગત આંખો મીંચીને સંભાળતા રહ્યા.

“ સાબ બાકી આની જગ્યાએ બીજું કોઈ છોકરું હોયને તો ઈ ભણી જ ના શકે એવું થયું પણ મારી છાયા સમજુ બહુ છે અને કામની જીવરી પણ એટલી.. તમે રહ્યા માસ્તર એટલે તમે બાળકોને ઘડવાનું કામ કરો છો . માસ્તર અને દાકતર આ બધા ભગવાન સરખા કેવાય .એટલે તમને કેવામાં વાંધો નહિ.. નવી પેઢીમાં આ સંસ્કાર જેવું બહુ ઓછું જોવા મળે.. પણ મારી આ છાયા અને કિશોર સમજુ અને સંસ્કારી છે સાબ “ દેવશી ભગતને કશુક કહેવું હતું.. પણ શરૂઆત ક્યાંથી કરવી એમાં મૂંઝાતા હતા. મેં તરત જ કહ્યું.

“ મને સાંભળવાની મજા આવશે , આમ તો સુરત આવતી વખતે જ મને નવાઈ લાગી હતી અને મારે તમને પૂછવું પણ હતું.. કે આ બેય તમારી સાથે જ નાનપણથી કેમ રહે છે… એના મમ્મી પાપા સાથે કેમ રહેતા નથી પણ પૂછી ના શક્યો.. પણ તમે મને વાત કહો તો હું મારી પાસે શિક્ષણ લેતા બાળકોને પણ સમજાવી શકું કે જીવનમાં આવી પરિસ્થિતિ આવે તો શું કરવું” મેં એમની મૂંઝવણ દૂર કરતા કહ્યું.

જવાબમાં દેવશી ભગતે કંકુ માં તરફ જોયું .એમની મુક સમંતિ જોઈ ને દેવસી ભગતે એમની સાથે બનેલી અદ્ભુત દાસ્તાન વર્ણવી!!!

નામ તો એમનું દેવશી પરશોતમ પ્રજાપતિ પણ બધા એમને ભગત જ કહેતા. એના બાપાને બધા દાસ કહેતા.. આમેય કાઠીયાવાડમાં જેટલા પરશોતમ હોય એને બધા દાસ કહે!! જેટલા લવજી હોય એને બાદશાહ કહે અને જેટલા પોપટ હોય એને બધા રાજા કહે!! નાનપણથી જ એના બાપા દાસજી સાથે ભગત ઇંટો પાડવા જતા. ચોમાસામાં ચાર મહિના એ ધોળા પાસેના એક ગામડામાં પોતાના ઘરે આવી જાય.. ઇંટો પાડવા એ બગોદરા , બાવળા, ધંધુકા , સરખેજ , વલસાડથી વાપીના પટા સુધી પહોંચી જતા.. દેવશી એમનો એક નો એક દીકરો . પરણીને ઘરે બારે થયો. કંકુ સાથે એમનો સંસાર સુખેથી ચાલતો હતો ,પહેલા ખોળાનો દીકરો મગન અને પછી ત્રણ વરસે દીકરી મંજુનો જન્મ થયો. બસ આ જ અરસામાં પરશોતમ ની ગેરહાજરી થઇ!! એના બે વરસ બાદ ભગતના બા પણ પાછા થયા. ભગતે બાપનો વારસો જાળવ્યો . ગામમાં તો ઠીક પણ જ્યાં ઇંટો પાડવા જાય ત્યાં અગિયારશની રાતે દેવશી ભગત ભજન ગાય!! ઠાકર થાળી કરે!! દીકરો અને દીકરી મોટા થયા.!! દીકરાને બાજુના ગામમાં જ પરણાવ્યો. હવે દેવશી ભગત દીકરી મંજુનું સગપણ ગોતવા લાગ્યા. મંજુ એટલે મંજુ!! એકદમ ટકોરાબંધ રૂપ અને કામઢી પણ એટલી જ..!! એય લાંબાને કાળા ભમ્મર વાળ ખોબે ને ધોબે વેરાયેલી સુંદરતા મંજુને આંટી લઇ ગયેલ!! મંજુ લગભગ વીસ વરસની હતી ને દેવશી ભગત ધોળકામાં ઇંટો પાડતા હતા!! એક અગિયારશે ભગત ભઠ્ઠા પાસેભજન લલકારતા હતા અને રાતના બે વાગવા આવ્યા હતા. અને ભજન કરીને ઠાકર થાળી કરી. આજુબાજુના ગામમાંથી આવેલ સહુ પોતાના ઘરે ગયા અને આ બાજુ ખબર પડી કે મંજુ એના ખાટલામાં નથી. ખાટલામાં એક ચિઠ્ઠી પડી હતી અને એમાં લખ્યું હતું કે

“ આ જ ગામના હરજી સાથે મને પ્રેમ થયો છે હું એના વગર રહી નહિ શકું અને તમારે ને હરજીને ભેગા ઉભું રહેવું ય પાલવે એમ નથી એટલે કોઈ કાળે તમે મને હરજી સાથે નહિ પરણાવો એટલે હું હરજી સાથે ભાગી જાવ છું .. હું ઘરમાંથી કાઈ જ લઇ જતી નથી!! મને માફ કરજો બાપુજી!! પણ હરજી વગર હું જીવી નહિ શકું!!

પોતાના પ્રેમી સાથે ભાગેલી કોઈ પણ છોકરી ભલે ને એમ કહેતી હોય કે હું કશું લઈને નથી જતી પણ હકીકતમાં એ પોતાના બાપની આબરૂ લઈને જતી હોય છે!!

ભગત તો કડવો ઘૂંટડો ગળી ગયા પણ મગન આકરા પાણીએ થઇ ગયો હતો . ભગતે એને પણ ટપાર્યો.. હરજીની આબરૂ આજુબાજુના ગામમાં બિલકુલ હતી નહિ. પણ એની પાસે છ ટ્રેકટર હતા જે આજુબાજુના ઇંટોના ભઠ્ઠા માં હાલતાં. હરજી આમેય લખણનો પૂરો હતો . હજુ વરસ દિવસ પહેલા જ એક ગામની જ દીકરી સાથે એ ઈંટના ભઠ્ઠામાં પકડાયો હતો અને ભગતે એને ના કહેવાના વેણ કહ્યા હતા. પણ ભગતને એ ખબર નહોતી કે બાઘડબિલ્લો પોતાના જ ઘરનું માખણ ચાટી જશે.

છ મહિના પછી એ લોકો ગામમાં જ આવ્યાં મગન વળી રાતા પાણીએ થયો પણ ભગતે પાછો એને શાંત પાડ્યો અને કીધું.

“હવે જે થવાનું હતું એ થઇ ગયું . તું ગમે એટલા ઉધામા કર્ય હકીકતમાં કોઈ ફેર નહિ પડે. આપણે દીકરી અને જમાઈને સ્વીકારી લઈએ . ભૂલ થાય તો આપણે સામી ભૂલ થોડી કરાય??” અને વરસ દિવસમાં આવરો જાવરો હતો એમને એમ થઇ ગયો. મંજુ અને હરજી હવે ભગતની પડખે જ રેવા આવી ગયા હતા. એ પણ ઇંટો નું જ કામ કાજ કરતાં હતા. વરસ દિવસ પછી એ લોકો ધરમપુર બાજુ જતા રહ્યા ઇંટો પાડવા અને ખુબજ કમાયા. આ અરસામાં મંજુને પેલા ખોળાની આ છાયાનો જન્મ થયો અને બીજા ખોળાનો આ કિશોર!! એ લોકો ખુબ જ પૈસો કમાયા!! અમારી બેયની આંખો ટાઢી થઇ ગઈ!! પણ જ્યારે છાયા ચાર વરસની હતી અને કિશોર એકાદ વરસનો ત્યારે અમને ખબર પડી કે મંજુ અને હરજી વચ્ચે ઝગડો થયો છે. એ વખતે ભગત અને કંકુ ત્યાં જઈ આવ્યા હતા. હરજીના બાપે તો એને ક્યારનોય અલગ કરી મુક્યો હતો ,એટલે એ સમજાવા આવે એનો કોઈ જ મતલબ નહોતો . પણ કોઈ સમજે એમ નહોતું!!

બેય એક બીજા પર આક્ષેપો કરી રહ્યા હતા. આજુ બાજુ ઇંટો પાડવા વાળા ને ભગતે પૂછ્યું તો વળી ચોંકાવનારી વાતો મળી કે હરજી તો રાતે ફૂલ થઈને રાજા પાઠમાં આવી જાય છે. અને મંજુ પણ રાતે મોટર આવે એમાં શહેરમાં જતી રહે છે. નાના છોકરા સાચવવા માટે એક કામવાળી રાખી દીધી હતી. ભગત તો આ સાંભળીને ધ્રુજી જ ગયા હતા. એ અઠવાડિયું રોકાયા . પછી બેય ને સમજાવીને એ પાછા વતનમાં આવતા રહ્યા . અઠવાડિયા પછી એક રાતે બે સમાચાર આવ્યા કે મંજુ એના નવા પ્રેમી સાથે ભાગીને મુંબઈ ગઈ છે અને હરજી પણ કોઈ બાઈ સાથે ભાગીને રતલામ જતો રહ્યો છે. બેય પોતાના સગા સંતાનો મુકીને ભાગી ગયા છે . તમારે એના સંતાનો જોતા હોય તો આવો નહીતર અહી ક્યાંક અનાથશ્રમમાં મોકલી દઈશું. વળી ભગત તૈયાર થયા પણ આ વખતે મગન બગડ્યો.
“એ પાપ ને અહી નથી લાવવાનું , એને કોણ પાલવશે ?? જો તમે લાવશો તો મારે ને તમારે બોલવા વેવાર નહિ રહે” મગને કહ્યું .

“ ભાણેજડા ક્યારેય પાપ ના કહેવાય . ભૂલ એના મા બાપ કરે એમાં એ કુમળા ફૂલનો શો વાંક?? ” ભગત લઇ આવ્યાં. અને ત્યારથી આ બને એના નાના નાની સાથે રહે છે. વચ્ચે સમાચાર આવે કે મંજુને મુંબઈમાં સારું છે . મોટો બંગલો છે . ગામમાં એવા પણ સમાચાર છે હરજી એ પણ ત્રણ ખટારા લીધા છે !! છાયા અને કિશોર મોટા થતા ગયા. ઘણી વખત કિશોર મમ્મી અને પાપા વિષે પૂછે પણ છાયાએ તો કોઈ દિવસ નથી પૂછ્યું એ લગભગ ચાર વરસની હતી એટલે મમ્મી અને પાપા ના ઝગડા થોડા થોડા યાદ હોઈ શકે!! કંકુ મા અને દેવશી ભગતે એકલા હાથે બેય નો ઉછેર કરી બતાવ્યો . મગન લગભગ ક્યારેય ના આવ્યો.

બે વરસ પછી પાછા એવા સમાચાર આવ્યા કે મંજુને એના નવા પતિએ ત્યાગી દીધી છે અને હરજીને પણ પેલી બાઈ દગો કરાવીને રૂપિયા લુંટીને જતી રહી છે. હરજી અને મંજુ ધરમપુરથી ભાગ્યા ત્યારે ત્યાં એમનું એક મકાન હતું અને થોડી ઘણી જમીન પણ હતી.એ એમને એમ પડી હતી. બને આંસુડા સારતા સારતા વળી ધરમપુરમાં ભેગા થયા. મંજુને ગર્ભાશયમાં કોઈ રોગ થયો હતો અને એટલે ગર્ભાશય કઢાવી નાંખવું પડ્યું હતું. હરજી પણ બીમાર હતો.. જૂની જમીનના ઇંટો બનાવવા માટે આપી હતી .રેવા માટે મકાન હતું એટલે બીજી કોઈ તકલીફ ના પડી પણ પંદર દિવસ પહેલા સતત ફોન આવ્યા કે એકવાર મારા બા બાપુજીને મળવું છે !!.. મારા દીકરા અને દીકરીને મળવું છે..!! આ જમીન અને મકાન એના ખાતે કરવું છે ..!! એકવાર ધરમપુર આવી જાવ….!!” દેવશી ભગતે કિશોર અને છાયાને વાત કરી . એ બને સહમત થયા કે અમે ત્યાં રોકાઈશું મમ્મી પાપા પાસે !!! એટલે આ બધા ધરમપુર ગયા હતા!!” દેવશી ભગતે વાત પૂરી કરી અને હું સજ્જડ થઇ ગયો!! આ ગંભીર ચહેરા પાછળ આટલી કરુણતા હશે એની મને ખબર ખબર જ નહોતી!!

“ પછી આ છાયા અને કિશોર ત્યાં રોકાયા કેમ નહિ?” મેં પૂછ્યું.

“એનો જવાબ મારી પાસે છે સાહેબ!!! હું સુતી નથી જાગું જ છું!!! આમેય મને બહાર બહુ ઓછી ઊંઘ આવે છે” છાયા બોલી . એ લગભગ જાગતી હતી એની અમને ખબર નહોતી. કંકુમાં અને દેવશી ભગતની આંખમાં આવેલ આંસુ લૂછતાં છાયા બોલી.

“ મારા માતા પિતા વિષે મેં બીજા પાસેથી ઘણું સાંભળ્યું છે .જેમ મોટી થતી ગઈ એમ એમ હું સાંભળતી ગઈ હતી. હું એને નફરત કરું છું અને કરતી રહીશ!! કારણ કે પોતાના મોજ શોખ ખાતર છોકરા પેદા કરવા અને એજ મોજશોખ ખાતર છોકરાનો ત્યાગ કરી દે એવા લોકોને હું મા બાપની કેટેગરીમાં ગણતી જ નથી. જયારે મારી માતાનો અને પાપાનો વારંવાર કોલ આવ્યો ને ત્યારે હું અને કિશોર બને તૈયાર થઇ ગયા અને ઘરે કઈ પણ દીધું કે અમે ત્યાં રહેશું.. મારે એ માણસોને મળવું હતું કે જેણે લગ્નજીવનને મજાક બનાવી દીધું હતું” છાયા અટકી મેં એમને પાણી આપ્યું. કંકુમાં એના માથામાં હાથ ફેરવતા હતા. છાયાએ ફરીથી શરુ કર્યું.

‘અમે ત્યાં પહોંચ્યા એ લોકો કારમાં અમને લેવા આવ્યા હતા. મારી માતાને હું લગભગ ચૌદ વરસ પછી મળી રહી હતી. એ મને ભેટી પડ્યા .ખુબ જ વ્હાલ કર્યું .સ્ટેશન પર ઘણા માણસો હતા . અમે ઘરે ગયા . મારા નાના અને નાનીના પગે તેઓ પડ્યા ખુબજ માફી માંગી અને અમને ત્યાં રોકાઈ જવાનું કહ્યું. મેં એમને કીધું કે હું તો રોકાઈ જાવ પણ મારા કારણે મારા મામાએ ઘર છોડી દીધું છે આ ભગત અને માડીનું કોણ??? તમે સહુ દુનિયાની મજા માણીને ઠબલાઈને પાછા આવ્યા છો કાલ સવારે પાછા ભાગી જાવ!! કારણ કે ભાગવામાં તો તમારી બેય ની માસ્ટરી છે!! હું અહી કાઈ કોઈ લાગણીથી ખેંચાઈને નથી આવી!! હું તમારી સ્થિતિ જોવા આવી છું!! અત્યારે તમને ભયાનક ભવિષ્ય દેખાઈ રહ્યું છે ને?? અત્યારે તમને અમે સાંભર્યા!! હું ચાર વરસની હતી અને ભાઈ એક વરસનો ત્યારે ક્યાં ગયા હતા સંબંધો!!!!?? આ તો તમારી પડતીની શરૂઆત છે!!! જેનો ભૂતકાળ ખતરનાક હોય ને એનું ભવિષ્ય પણ ખતરનાક જ હોય !!! હું મારા નાના નાની સાથે જ રહીશ એ ફાઈનલ છે !!! હજુ તો વૃદ્ધવસ્થામાં તો તમને સંતાન બહુ જ સાંભરવાના છે. હજુ તો ઘણા રોગો થવાના બાકી છે.!! હું મારા નાના નાની સાથે જ રહીશ ભણીગણી ને પોલીસ પોલીસ બનીશ અને ક્યારેય લગ્ન નહિ કરું!! કારણ કે તમારું લગ્નજીવન જોઇને મને ત્રાસ થઇ ગયો છે ત્રાસ આટલું કહીને સાહેબ હું મારા મમ્મી પાપા પર થૂંકી છું!! અને જીવનમાં પેલી વાર કંકુ માએ મને થપાટ મારી ને કહ્યું કે સગી મા સાથે આવું કરાય!!! તો હે સાહેબ મને જવાબ આપો કે સગા છોકરા મુકીને ભાગી જાય બીજા હારે એ મા બાપની પૂજા કરાય??????”
છાયા રડી રહી હતી !!.. હિબકેને હિબકે!! વરસો જૂની એકસામટી બહાર આવી રહી હતી.!!વડોદરા આવી રહ્યું હતું. ગાડી ધીમી પડી. સ્ટોલ પરથી કોલ્ડ ડ્રીંક્સની બોટલ હું લઇ આવ્યો, છાયા ને સાંત્વના આપીને કહ્યું . બસ હવે તું હળવી ફૂલ છો . તારી સામે એક નવું વિશ્વ છે . તું તારા ધ્યેયમાં કામયાબ થા !! નાના નાનીની સેવા કર!! બધું જ દુઃખ ભૂલવાની ભગવાન તને શક્તિ આપે.. બધા જ સ્વસ્થ થયા.. ગાડી રાતના અંધકારને ચીરતી આગળ વધતી રહી!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, હાશ “શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ મુ.પો. ઢસાગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.