લેખકની કલમે

“મોટો ભાઈ…” – આજે વાંચો રામ લક્ષ્મણ જેવા બે ભાઈની વાત, જો આ સ્ટોરી વાંચતાં જ તમારા ભાઈની યાદ આવે તો કોમેંટમાં જરૂર ટેગ કરો તમારા પ્યારા ભાઈને !!!

“ભાઈ ભાઈના સ્નેહનો, આ સોનેરી અધ્યાય.
બાંધવ એતો છે અહીં, તડકામાં મીઠી છાંય…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

image source : media.buzzle.com

…અને પંદર વર્ષની નાની ઉંમરે એના માથા પરથી બાપ નો હાથ સદાને માટે ઉઠી ગયો. એ બાપ વિહોણો થઈને રહી ગયો. જે ઉંમરે બાપ સામે કોઈ વસ્તુ મેળવવા જીદ કરીને દીકરો પોતાની વાત બાપને મનાવડાવે એ ઉંમરે એ બાપ વિનાનો થઈ જતા હવે જીદ પણ કોની સામે કરે. એ કિશોર અનાથ તો નહોતો થયો કારણ એની મા હજી જીવતી હતી.
પિતાજી મૃત્યુ પામ્યા પાછળ મુકતા ગયા હતા એક મોટો પરિવાર. એ પંદર વર્ષના કિશોરની પાછળ એના બીજા ત્રણ ભાઈઓ હતા. પરિવાર એક મધ્યમ વર્ગનો હતો. પૈસે ટકે સુખી ન હતો. હંમેશા પૈસાની તાણ માં જીવતા એ પરિવારના સૌથી મોટા દીકરા ને પોતાના પરિવાર ની તાણ નો સંપૂર્ણ ખ્યાલ હતો. એક તો મોટો પરિવાર અને એમાંય એના પિતાજીની માંદગી ના ખર્ચા એ એ પરિવાર ની જાણે કમ્મર તોડી નાખી હતી. એની મા નું આરોગ્ય પણ એના પિતાના મૃત્યુ બાદ કથળવા લાગ્યું હતું. પિતાજીની વારસાઈમાં કહી શકાય એવું એક નાનકડું ઘર અને પાંચેક વિઘા નું એક નાનકડું ખેતર જ એ કિશોર અને એના ભાઈઓને મળ્યું હતું.

image source : google

પરિવાર પર આવી પડેલા ઘરના મોભી સમાન પિતાના મૃત્યુ બાદ હવે ઘરની જવાબદારી માત્ર પંદર વર્ષની ઉંમરે એ કિશોર પર આવી પડી. કહેવાય છે ને કે જ્યારે કુદરત માણસની કસોટી લેવાનું શરૂ કરે એટલે એની મજબૂતાઈ ચકાસતો હોય છે. એ કસોટી માંથી હિંમત અને સમજદારી પૂર્વક જે માણસ પાર ઉતરે એજ ખરો ચોવીસ કેરેટ નો હીરો થઈને ચમકી ઉઠતો હોય છે. એ પંદર વર્ષના કિશોર સાથે પણ કાંઈક એવુંજ થવાનું હતું…
યુવાનીમાં વિધવા બનેલી એની મા ના આરોગ્યએ પણ જવાબ આપી દીધો હતો. પરિસ્થિતિના મારના કારણે એમનું આરોગ્ય કથળવા લાગ્યું છતાં પોતાની ચિંતા છોડી એ મા પોતાના મોટા દીકરાની પડખે ઉભી રહી. હંમેશા એને પ્રોત્સાહન આપતી રહી. એને એવો અહેસાસ અપાવતી રહી કે ભલે એના પિતાજીનો હાથ એના માથેથી ઉઠી ગયો પણ એ પોતે હજી છે ને…!

image source :wol.jw.org

એની માતા ની એ કિશોરને હિંમત આપવાની સાબિતી આ એક વાર્તાલાપ પરથી આવી જાય છે… એ ની માતા એને હંમેશા કહેતી કે…

“દીકરા, ભલે તારા પિતા નથી પણ હું છું ને. હું તારી માતા અને પિતા બંને છું. તું પરિવારની કે તારા નાના ભાઈઓની કોઈ પણ જાતની ચિંતા ન કરીશ. તારા પિતાજી જે કઈ મુકતા ગયા છે એમાંથી આપણે આપણો ગુજારો કરી લઈશું. ભગવાન કાલે આપણો દા’ડો વાળશે. તું પરિવારની ચિંતા કર્યા વિના તારા ભણવામાં ધ્યાન આપજે બેટા. તને ખબર છે ને કે તારા પિતાજી હંમેશા કહેતા હતા કે , મારા મોટા દીકરાને માસ્તર બનાવવો છે તો દીકરા ભણી ગણી તું માસ્તર બન અને મારું અને તારા પિતાનું સપનું પૂરું કર…”

એની માતાની આવી પ્રોત્સાહક અને ઉત્સાહ પ્રેરક વાતો સાંભળી એ કિશોરમાં પણ નવીન ચેતનાનો સંચાર થઈ આવતો. એ ઘરની જવાબદારી તો નિભાવવા લાગ્યો સાથે સાથે પોતાનો અભ્યાસ પણ ખૂબ સારી રીતે કરવા લાગ્યો. આ ઉપરાંત પોતાના નાના બે ભાઈઓને પણ સાચવવા લાગ્યો. પોતાની સાથે સાથે એમને પણ ભણાવવા લાગ્યો. હાલક ડોલક કરતું કરતું એમના પરિવારનું ગાડું ગબળે જતું હતું. વર્ષો વીતતા જતા હતા.

હવે જાણે કુદરતની કસોટીનો સમય પૂર્ણ થવા લાગ્યો હોય એમ વિષમાં વર્ષે કિશોરાવસ્થા માંથી યુવાવસ્થા માં પ્રવેશેલા એ યુવાને ખરેખર પોતાના માતા પિતાનું સ્વપ્ન પૂરું કર્યું અને શિક્ષક ની નોકરીએ લાગ્યો. હવે સરકારી કર્મચારી બનતા અને મહિનાની પગારના રૂપમાં ઘરમાં કમાણી આવવા લાગી હતી. થોડા અંશે પરિવારની આર્થિક તકલીફો દૂર થઈ હતી. એ યુવાને પોતાની વૃદ્ધ થઈ રહેલી માતાને કહ્યું કે…

“મા, તમારા આશીર્વાદથી મારા પિતાનું મારા માટે જોયેલું સપનું પૂરું થયું છે. એમની ઈચ્છા મુજબ હું માસ્તર બની ગયો. હવે મારી ચિંતા છોડી મારા બે નાના ભાઈઓને પણ લાઈને લગાડી દઉં એજ મારું સપનું છે. મને એ પૂરું કરવાના આશીર્વાદ આપો મા…”

image source : im.rediff.com

પોતાના નાના ભાઈઓ માટેની મોટા ભાઈની ચિંતા અને પ્રેમ જોઈ એ વિધવા મા ની આંખમાં આંસુ આવી ગયા અને એ બોલી…

“દીકરા, ભાઈઓ માટેની તારી આ શુભભાવના પુરી કરવા માટે ભગવાન તને શક્તિ અને સાહસ આપે એજ મારા અંતરના આશીર્વાદ છે. અને ભગવાન પાસે સદા હું માંગુ છું કે મારા ત્રણે દીકરા વચ્ચે હંમેશા આવોને આવોજ પ્રેમ રહે…”

નાના ભાઈઓના એ મોટાભાઈની પત્ની ઘરમાં ચાલી રહેલી આ બધી ઘટના વિશે જાણકાર હતી. એ એ જોઈ રહી હતી કે કઈ રીતે એનો પતિ પોતાના પગારમાંથી એમના નાના ભાઈઓના ભણતર માટે ખર્ચો કરી રહ્યા છે. કઈ રીતે આખા ઘરના ખર્ચ માટે એના પતિનો પગાર જ વપરાઇ રહ્યો છે. આ જોઈ થોડી ચિંતા અને માનવ સહજ સ્વાર્થ વૃત્તિથી પ્રેરાઈ એને એના પતિને કહ્યું કે…
“તમે આપણાં પગારમાંથી એક રૂપિયો પણ બચાવતા નથી. બધા પૈસા દિયરોના ભણતરમાં અને ઘર ચલાવવામાં વપરાઇ જાય છે. તમને નથી લાગતું કે આપણે આપણા સંતાનો માટે પણ પૈસા બચાવવા જોઈએ…!!! હું એમ નથી કહેતી કે તમે તમારા ભાઈઓ માટે કશું ન કરશો પણ આપણે આપણાં ભાવિ જીવન વિશે પણ વિચારવું તો જોઈએ ને…”

અને નાના ભાઈઓના એ મોટા ભાઈ એ એની પત્નિ ને જવાબ આપ્યો અને એ સમજુ ભાભી પણ બધું સમજી ગઈ. એને કહ્યું…

“તારી વાત સાચી છે. પણ મારા આધારે અને મારા વિશ્વાસે પિતાજી મારા બે નાના ભાઈઓને મૂકીને ગયા છે. ભગવાનની દયાથી મને તો નોકરી મળી ગઈ. આપણું જીવન તો સેટલ થઈ ગયું. હવે જો હું નાના ભાઈઓને એમના ભાગ્યના આધારે છોડી દઉં અને ભગવાન ના કરે અને એમને યોગ્ય નોકરી કે બીજી વ્યવસ્થા ન થાય તો એમનું જીવન વેરાન થઈ જશે. એટલે હું એક પિતા બની મારા નાના ભાઈઓને પણ યોગ્ય લાઈને ચડાવી દઉં તોજ મોટા ભાઈ તરીકેની ફરજ મેં નિભાવી ગણાય. પોતાના માટે તો સૌ જીવે છે પણ જ્યારે અન્ય માટે આપણે કશુંક કરી છૂટીએ તોજ આપણે માણસ કહેવડાવવાને લાયક છીએ… મારી ભાવના તો અન્યનું પણ ભલું કરવાની છે ત્યારે આતો મારા સગા ભાઈઓ છે…”

પોતાના પતિ ની આટલી ઊંચી શુભ ભાવના જોઈ એની પત્નિ આખી વાત સમજી ગઈ અને ભવિષ્યમાં કદી પણ પોતાના દિયરોને અલગ નહોતી ગણતી. એમને પોતાનાજ દીકરા સમજવા લાગી.

હવે એ ઘરના મોટા ભાઈ અને એની પત્નિ નું એકજ સ્વપ્ન હતું કે નાના ભાઈઓને પણ યોગ્ય કામધંધે લગાડી એમનું પણ જીવન યોગ્ય માર્ગે સેટલ કરવું. પોતાના પગારમાંથી નાના ભાઈઓ માટે ભણતરનો ખર્ચ કરતો એ મોટો ભાઈ ખરા અર્થમાં નાના ભાઈઓ માટે એક પિતા સમાન બની ગયો હતો. એક તારણહાર સમાન બની ગયો હતો.

સમય પસાર થતો જાય છે અને મોટા ભાઈનો વિશ્વાસ અને નાના ભાઈઓની મહેનત રંગ લાવતી જાય છે. એ વૃદ્ધ માજીનો બીજા નંબરનો દીકરો પણ હાઈસ્કૂલમાં શિક્ષક બને છે. એનો પણ પગાર ચાલુ થઈ ગયો અને મોટા ભાઈને ઘણી બધી રાહત થઈ. કારણ પોતાના એકના પગારમાંથી ચાલતા આખા ઘરમાં હવે બીજા ભાઈની પણ આવક ઉમેરાઈ હતી. નાના ભાઈને નોકરી મળી જતા સૌથી વધારે ખુશી એના મોટા ભાઈ અને ભાભી ને થઈ હતી. એકાદ બે વર્ષ બાદ બાકીના બે નાના ભાઈઓમાંથી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરીએ લાગી ગયો અને સૌથી નાનો ભાઈ પણ શિક્ષકની નોકરીમાં લાગ્યો. એ દિવસે પોતાના મૃત પિતાના ફોટા સામે જોઈ એ મોટો ભાઈ બોલ્યો…

image source : media2.mensxp.com

“પિતાજી, આજે મને લાગે છે કે તમારા દીકરા તરીકેની ફરજ મેં નિભાવી લીધી છે. તમારો આત્મા જ્યાં પણ હોય ત્યાંથી તમે અનુભવી શકો છો કે મારા નાના ભાઈઓને પણ મેં યોગ્ય લાઈને લગાડી દીધા છે. હવે એમને પણ એમના ભાવિ જીવન વિશે કોઈ ચિંતા નથી…”

આ આખા ઘટના ચક્ર પાછળ એક છુપાયેલું પાસું એ હતું કે વર્ષોથી સરકારી નોકરીમાં લાગી ગયેલા એ પરિવારના સૌથી મોટા દીકરા અને પરિવારમાં મોટા ભાઈ તરીકે ઓળખાતા એ મહાન માણસે પોતાની આખી જિંદગી પોતાના નાના ભાઈઓને સુખી બનાવવા પાછળ ખર્ચી નાખી હતી. વર્ષોથી નોકરી કરવા છતાં પોતાના અંગત જીવન માટે ની બચત એક રૂપિયાની પણ ન હતી. તમામ આવક નાના ભાઈઓના ભણતર,એમના શોખ પુરા કરવામાં અને પરિવાર ચલાવવામાં ખર્ચી નાખી હતી. અને આ તમામ સમર્પણ પાછળ એની પત્નિ પડછાયાની માફક એની પડખે રહી હતી. પરિવાર ચલાવવા માટે જીવનનો જે સંઘર્ષ એ મોટા ભાઈએ કર્યો હતો એનાથી નાના ભાઈઓ ભલીભાતિ પરિચિત હતા. વર્ષો બાદ એ પરિવારની વેળા વળી હતી. હવે એમને પૈસાની કોઈ તંગી ન હતી. નાના ભાઈઓ પણ મોટા ભાઈનો એમના પર કરેલ ઉપકાર વર્ષો બાદ પણ ભૂલ્યા ન હતા અને ભાઈને ભગવાનથી એ અધિક માનતા હતા.
ભાઈઓ અને આખા પરિવાર તરફથી પોતાને મળતું માન, પોતાના તરફનો પ્રેમ બસ એનેજ એ મોટો ભાઈ વર્ષો બાદ પોતાના માટે સૌથી મોટો સરપાવ અને જીવનનું સૌથી મોટું જમા પાસું માને છે…

● POINT :-
આપણા દેશમાં ભ્રાતૃ પ્રેમની એક અનોખી પરંપરા રહી છે. આ એ દેશ છે જ્યાં એક ભાઈ પોતાના ભાગે આવેલ રાજપાટ પણ ભાઈને આપી દેવા છેક જંગલમાં દોડી જાય છે. એ મહાન પરંપરાના વાહક બનીએ અને ભાઈને અભિન્ન અંગ ગણી પ્રેમ આપીએ પ્રેમ મેળવીએ…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks