કૌશલ બારડ દિલધડક સ્ટોરી

માતાની ચાકરી કરવાને મુદ્દે બે ઘરડા દીકરાઓ કોર્ટનાં પગથિયાં ચડ્યા, આ કેસ સાવ અનોખો હતો!

કોર્ટમાં એક કેસ આવ્યો. માલ-મિલકત કે ખૂનખરાબાના કાયમ આવતા કેસ કરતા આ મુદ્દો થોડો અલગ હતો. ફરિયાદી અને અપરાધી વચ્ચે સબંધ સગા ભાઈઓનો હતો. જેના માટે ઝઘડો હતો એ એમની ‘માતા’ હતી.

એક ભાઈની ઉંમર ૮૦ વર્ષની હતી, બીજાની ૭૦ વર્ષ. નાનો ભાઈ ફરિયાદી હતી. કેસની સુનાવણી સમયે એણે ન્યાયાધીશ સમક્ષ મોટાભાઈ પર આરોપ મૂક્યો કે, ‘મારો મોટો ભાઈ ૮૦ વર્ષનો થયો છે. હવે એનું પોતાનું શરીર એનું કહ્યું માને તેવું રહ્યું નથી છતાં પણ અમારી માતાને તે પોતાની પાસે રાખે છે અને તેની સેવા કરે છે! મારું કહેવું એમ છે કે, હવે માતાની સેવા કરવાનો વારો મારો હોવો જોઈએ!’

Image Source

મોટોભાઈ પણ ગાજ્યો જાય તેવો ન હતો. તેણે સામું ભળાવી દીધું, ‘જજસા’બ! હું ભલે મારા ભાઈ કરતા ઉંમરમાં મોટો હોઉં, ભલે મારું શરીર મારું કહ્યું ના કરતું હોય, પણ માની સેવામાં કોઈ ખોટ મેં આવવા દીધી હોય તો પૂછો! જે દિ’ મારા ભાઈને એવું લાગે કે, મેં માની ચાકરી કરવામાં કોઈ ઉણપ રાખી છે તે દિ’થી ભલે તે ચાકરી કરતો.’

જજ મૂંઝાયા. હવે આમાં કરવું શું?

ત્યાં તો નાનોભાઈ ફરી બોલ્યો, ‘સાહેબ! હવે મને પણ જીવતાજીવ સ્વર્ગનો મોકો મળવો જોઈએ. માતાની સેવા કરવાનો મારો પણ હક્ક છે. છેલ્લાં ૪૦ વર્ષથી મા મોટાભાઈ ભેગી રહે છે. હવે તો મારો વારો આવે કે?’

મામલો પેચીદો બન્યો. જજ સમેત કોર્ટમાં હાજર બધાનાં ગળે ડૂમો ભરાયો. જજે આ બંને ભાઈઓની માતાને બોલાવવા હુકમ કર્યો. વ્હીલચેર પર એ વૃદ્ધ ડોસીમા આવ્યા. અગિયાર દાયકા વટાવી ચૂકેલા માજી વૃદ્ધત્ત્વને પરીણામે ખખડી ગયાં હતાં.

‘માજી! આમાં તમારું શું કહેવું છે? તમે કોની સાથે રહેવા માંગો છો?’

‘સા’બ! મારે મન તો મારા બંને દીકરા સરખા છે. હું કોઈનું મન દુભવવા માંગતી નથી. માટે હવે તો તમે જે નિર્ણય આપશો તે મને શિરઆંખો પર છે.’

Image Source

ભારે મને આખરે જજે ન્યાય તોળ્યો. ઘરડાં માજીને નાના ભાઈ પાસે રહેવું એવું ઠરાવવામાં આવ્યું. નિર્ણય સાંભળીને મોટાભાઈની આંખ ભીની થઈ.

માત્ર મોટાભાઈની જ કેમ, કોર્ટના એ ઓરડામાં રહેલાં તમામ મનુષ્યોની આંખોમાં પાણી આવ્યાં! વાત સારી લાગી હોય તો શેર કરજો, મિત્રો!