દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“મોટા ઘરની વહુ” – “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ??? આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ??

લેખક :- મુકેશ સોજીત્રા

“હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ???આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ?? મારો વારો તો આવતા જુનમાં આવી જશે એટલે હું તો મારા લક્ષ્યને લઈને હાલતી થાવાની જ છું.. પણ તમે અહી રહી જશો એકલા?? સાલું હું તો એ ભૂલી જ ગઈ કે તમને મારી સાથે આમેય ક્યાં ફાવે છે?? તમને તો તમારા મમ્મી પાપા હોય, આ તમારી નિશાળ હોય!! અને તમારા રખડું ભાઈબંધ હોય એટલે મારી જરૂર તો નથી પડવાની ને?? પણ તોય તમને છેલ્લી વાર કહી દઉં છું કે હજી મોકો છે સુરત જવાનો ફોર્મ ભરી દ્યો એટલે ત્રણ ચાર વરસમાં વારો આવી જાય!! મારી બદલી થઈ જશે આવતા વરસે એટલે તમારે દંપતી કેઈસમાં વારો આવી જશે.. એ ય ને આ લક્ષ્યને પણ સારી એવી સ્કુલમાં મૂકી દઈશું..!! મારા બે ય ભાઈઓ અને તમારા બે ય ભાઈઓ સુરત જ છે ને!! એને ફાવે તો તમને કેમ ના ફાવે” વિનાલી એ રાતે આઈસ્ક્રીમ ખાતા ખાતા પોતાના પતિ વિનયને કહ્યું. વિનય માટે હવે આ મેટર માથાના દુખાવા સમાન હતી.. કેટલાય સમયથી વિનાલી એક કેસેટ ગળી ગઈ હોય એમ એક જ વાતનો ઉપાડો લીધો હતે કે બદલી કરાવીને સુરત જાવું છે!!! અહી ગામડામાં તો ખેતી સિવાય બાળકોનું ફ્યુચર શું?? સિટીમાં તો બાળકો કેવા કેવા કલાસીસ માં જાય?? બાળકોને કેવું કેવું આવડે??વિનયને લાગ્યું કે વિનાલીને જીવનમાં બે જ શોખ છે એક સુરત જાવાનો અને બીજો આઈસ્ક્રીમ ખાવાનો !! આમેય વિનાલીને આઈસ્ક્રીમ ખુબ જ ભાવતો. દરરોજ એક મોટો કપ આઈસ્ક્રીમનો એ ના ખાય ત્યાં સુધી એને ચેન ના પડતું!! વિનાલી આમેય ગોળ મટોળ અને રૂપાળી તો હતી જ અને એમાય જયારે આઈસ્ક્રીમ ખાતી હોય ત્યારે એ વધુ રૂપાળી દેખાતી!!

વિનય નાથાભાઈ પટેલ.. પ્રાથમિક શાળામાં શિક્ષક હતો..!! આમ તો ગામ આખા ખાતે એ પ્રથમ નોકરીયાત હતો. ગામ ખાસું એવું મોટું પણ વ્યવસાય ખેતી!! ખેતી પણ લઘરવઘર નહિ આધુનિક કહી શકાય એવી ખેતી.. સીમની તમામ જમીનમાં સો ટકા ડ્રીપ હતું..!! પાણી પર સારું હતું.. જમીન પણ ઉપજાઉ અને રળવા વાળા મજબુત હાથ અને ખેતીને આનાથી વિશેષ બીજું શું જોઈએ?? ગામના આધેડ વયના આદમી ઓ અને વૃદ્ધો ખેતી સંભાળતા અને બાકીનું  યુવાધન સુરત હતું!! ગામમાં રહેતા માણસો જીરા માં અને સુરત રહેતા લીરામાં અને હીરામાં ઓતપ્રોત હતા!!

નાથાભાઈ પટેલનું ઘર ગામનું સહુથી મોટું ઘર ગણાતું. સહુથી વધુ જમીન અને સહુથી વધુ સારા મકાન ગામ ખાતે હોય તો એ નાથાભાઈને  હતા.!! નાથાભાઈને ત્રણ દીકરા..!! સહુથી મોટો શિક્ષક અને તે પણ આ જ ગામમાં હતો. તેનાથી નાના બે સુરત હતા. નાથાભાઈનો વિનય ભણ્યે હોંશિયાર અને એટલે એ શિક્ષક થઇ ગયેલો!! બાકીના ઠોઠ હતા એમ નહિ પણ બાર ધોરણ પછી કોઈ ભણતું જ નહિ..!! તરત જ સુરત જઈને કોઈ પણ એક ધંધો પકડી લે એટલે મંડે કમાવા!! ના પરિક્ષાની તૈયારી… ના ટકાવારી!! બસ બે મહિના પછી સીધો પગાર જ હાથમાં આવવા માંડે!!  ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એ સૂત્રમાં ગામ લોકો હજુ માનતા હતા.. એક વાત ખરી કે ગામમાં કોઈ બેરોજગાર નહોતું. સહુને પોતપોતાને જોઈએ એટલું મહેનત કરીને કમાઈ લેતા હતા..!!

વિનય ચાલીશેક કિલોમીટર દૂર આવેલા એક ગામમાં ઘનશ્યામભાઈની સહુથી નાની છોકરી વિનાલીને પરણ્યો હતો. વિનાલી સહુથી નાની અને મોઢે ચડાવેલી છોકરી હતી. રૂપાળી પણ ખરી!! અને એમાં થોડીક વધારે હોંશિયાર અને એમાં બની ગઈ શિક્ષિકા અને એમની શરુઆતની  નિમણુક વિનયના ગામમાં જ અને એમની જ નિશાળમાં થઇ!! વિનયને વરસ દિવસ પહેલા જ નોકરી મળી હતી!! વિનાલીને નોકરી મળી એટલે એના પાપાએ દીકરીને ત્યાં રહેવાની ગોઠવણ શોધવાનું શરુ કરી દીધું. એક તલાટી એ એમને કહેલું કે તમે એ ગામમાં જઈને નાથાભાઈને મળજોને એટલે બધી વ્યવસ્થા થઇ જાશે..નાથાભાઈનું ઘર ગામમાં સહુથી મોટું ગણાય છે. અને એનો છોકરો પણ લગભગ ત્યાં જ નોકરી કરે છે!! અને થયું એવું જ ઘનશ્યામભાઈ નાથાભાઈને જ મળ્યા અને બધી જ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ!! નાથાભાઈ નું ઘર મોટું એટલે એણે એક મોટો ઓરડો કાઢી આપ્યો. અને કહ્યું કે.

“જુઓ ઘનશ્યામ ભાઈ.. આ ગામમાં માસ્તરો પાસેથી ભાડું લેવાનો કોઈ રીવાજ જ નથી. ગામમાં જે માસ્તરો રહે છે એ ઘર સાચવે એ જ ઘણું છે. તમારી દીકરી વિનાલી હજુ એકલી છે એટલે એ ભલે અમારી સાથે રહે.. ભગવાનની દયાથી અમારે ત્યાં ઘણા ઓરડા ખાલી પડ્યા છે.. અને મારો દીકરો પણ શિક્ષક જ છે એટલે અમે ભાડું તો નહિ જ લઈએ!! વિનાલીને ફાવવું જોઈએ એને નહિ ફાવે તો બીજું મકાન ગોતી દઈશું” અને આ રીતે વિનાલીની નોકરી શરુ થઇ પણ એને ક્યાં ખબર હતી કે આ જ ઘરમાં એના અન્ન પાણી લખાયા છે અને આજ ઘરમાં એ વહુ થઈને આવશે અને એ પણ મોટા ઘરની વહુ!!!

વિનાલીને શાળા પણ ફાવી ગઈ અને ઘર પણ.. નાથાભાઈના પત્ની કંચનબેનનો સ્વભાવ મળતાવડો હતો. શરૂઆતમાં વિનાલી ત્યાં થોડા દિવસ જમી અને પછી નક્કી કર્યું કે અલગ રસોઈ બનાવવી. અને અલગ રસોઈનો સામાન પણ લઇ આવી. રસોડું શરુ કર્યું અને એક દિવસ કંચનબેન ત્યાં જઈ ચડ્યા અને વિનાલી એ બનાવેલ રસોઈ ચાખી અને બોલ્યાં..

“અરરરર છોડી તને તારી માએ રાંધતા પણ નથી શીખવાડ્યું..!! આવું ખાઈ ખાઈ ને તો તું શરીર ટાળી દઈશ..  એમ કર્ય આ રસોડું કર્ય બંધ કાલથી અને મારી ભેળી જમતી જા..તને બે મહિનામાં જ તૈયાર કરી દઉં… આવુંને આવું રાંધીશને તો બટા લગ્ન પછી તરત જ પાછી આવીશ..!! બટા આ મોબાઈલ નો આવડે ને તો હાલે પણ રાંધતા પહેલા આવડવું જોઈએ” કંચનબેનના શબ્દો ભલે તોછડા હતા પણ એનો આશય સારો હતો એ વિનાલી જાણી ગઈ હતી. આમેય એની માતા વર્ષાબેન પણ એને વારંવાર ટોકતા રસોઈ બાબતમાં પણ અત્યાર સુધી  વિનાલી આંખ આડા કાન જ કરતી હતી. પણ હવે તો આ વટનો સવાલ આવી પડ્યો હતો.

અને પછી તો વિનાલીને બે  જ મહિનામાં બધી જ રસોઈ શીખવાડી દીધી. ફક્ત રસોઈજ નહિ ઘરકામ પણ.. ગાય અને ભેંશ ને દોહતા પણ આવડી ગયું. ઘરના મોટાભાગના કામમાં વિનાલી હવે કુશળતા મેળવી ચુકી હતી.

સાતમ આઠમની રજાઓમાં વિનાલી ઘરે ગઈ અને રજાઓ પૂરી થઇ અને પાછી આવી ત્યારે સાથે એની માતા વર્ષાબેન પણ હતા. આવીને એ કંચનબેનને ભેટી પડ્યા અને કહ્યું.

“બહેન તમે તો ચમત્કાર જ કરી દીધો!! જાણે કે માથા ઉપરથી એક ભાર ઉતારી દીધો. એને હું અવારનવાર કહેતી કે તું રસોઈ શીખી જા હવે નાની નથી. પણ એ ભણવામાં જ ઉંચી ના આવી અને તમે એને બે જ મહિનામાં બધું શીખવાડી દીધું. ખરેખર તમે બહુ મોટો ઉપકાર કર્યો છે. દીકરી ઉમરલાયક થાય અને જો ત્યાં લગણ જો એને રાંધતા ના આવડે અને પરણીને જાય તો સાંભળવાનું તો મારે જ આવે ને પણ આજે હવે હું સાવ હળવીફૂલ છું. ચિંતા હતી કે અજાણ્યા ગામમાં દીકરી નોકરી કરવા જાય છે!! ફાવશે કે નહિ ?? અત્યાર સુધી ક્યાય એકલી ગઈ નથી સોરવશે કે નહિ પણ હવે મનને ધરપત છે કે મારી વિનુ ભાગ્યશાળી છે એના પાંચેય આંગળા ઘીમાં છે.. એ તમારા ખુબ વખાણ કરતી હતી અને કહેતી હતી કે મને ઘર નથી સાંભરતું.. ઘરે આવવું પણ નથી ગમતું!!”

“દીકરીને જયારે ઘર ના સાંભારેને ત્યારે એ મોટી થઇ ગઈ કહેવાય.. હવે સારું ઠેકાણું શોધીને પરણાવી દ્યો વર્ષાબેન” કંચનબેને કહ્યું અને હસી પડ્યા!!

સમય સમય નું કામ કરે છે. છ માસમાં જ વિનય અને વિનાલી એક બીજાના પ્રેમમાં ક્યારે પડ્યા એ પણ બને ને ખબર ના રહી. તાલુકા મથકે શિક્ષકોની તાલીમ હતી ને વિનયના બાઈક પર બેસીને વિનાલી ગયેલી. એક બીજા પ્રત્યે લાગણી તો હતી પણ લાગણીના અંકુરે શબ્દોનું સ્વરૂપ હજુ લીધું નહોતું. તાલીમમાં તો ખાસ કશું હતું નહિ. પણ બનેના મનમાં અનેરા અંકુર ફૂટ્યા હતા. ચારેક વાગ્યે વિનયે વિનાલી ને કહ્યું. તાલીમના સ્થળે એક બાજુ બોલાવીને.

“પાંચ વાગ્યે તું દરવાજે ઉભી રહેજે..મારે થોડુક મારા માટે કાપડ લેવું છે.. દિવાળી આવે છે ને એટલે!! હું પાંચ સવા પાંચે આવી જઈશ”

“ ઉભા રહો હું આવું છું તમારી સાથે” વિનાલીએ કહ્યું.

“કેમ ?? તારે પણ ખરીદી કરવી છે??”

“ના મારે ખરીદી નથી કરવી..પણ ખરીદી કેમ કરાય અને કેવું કાપડ કેવા રંગોમાં લેવાય એ શીખવાડવું છે!! આમેય તમારા બા એ મને રસોઈ કરતા શીખવ્યું એટલે એના બદલામાં એના છોકરાને હું કાપડની પસંદગી કરતા શીખવી દઉં એટલે વટક વળી જાય ને” આંખો નચાવતી વિનાલી બોલી. વિનય એની સામું જોઈ જ રહ્યો. આમેય આંખો નચાવતી સ્ત્રીઓથી બચવું પુરુષો માટે એટલું આસાન નથી હોતું. અને બને બાઈક પર બેસીને સજોડે કાપડની ખરીદી કરવા ગયા.

બસ પછી તો વિજયને દુકાનમાં શાંતિથી બેસવાનું જ ભાગ્યમાં આવ્યું. ચાર જોડણી ખરીદી કરી વિનાલી એ અને એ પણ પોતાના પસંદગીના રંગોમાં!! પુરુષોને કેવા કપડા શોભે એ સ્ત્રીઓમાં એક પ્રકારની સૂઝ હોય છે!! અને આમેય તમારી પહેરવાની વસ્તુઓ કોઈ યુવતી પસંદ કરે ત્યારે તમારી વચ્ચે સ્નેહ્સબંધ વિકસી રહ્યો છે એની સાબિતી છે!!

કાપડની ખરીદી કરીને બને સાથે આવતા હતા. સહેજ મોડું થયું હતું. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. વાતાવરણમાં ઝરમર ઝરમર વરસાદ વરસવાનું શરુ થઇ ગયું હતું.  આજે વિનય ખુશ હતો. વિનાલીનું આ કામ એને ગમ્યું હતું. વિનાલીએ માલિકી હકથી એના કપડા ખરીદ્યા હતા. વિનય બોલ્યો.

“કાલે આપણે તાલીમમાં આવીએ ને ત્યારે સાથે એક ઓશીકું લેતું આવવું છે”

“કેમ ઓશિકાનું શું કરવું છે??” વિનાલી ને કશું સમજાયું નહિ.

“ બસ તું ગાડી ઉપર બેસેને ત્યારે તારે આગળ રાખી દેવાનું એટલે તને તકલીફ ના પડે!! આ વારંવાર તારું શરીર મને અડી જાય અને વળી તું ઝટકા સાથે પાછળ જતી રહે છો!! કેટલી તકલીફ પડે નહિ તને એટલે ઓશીકું વચ્ચે હોયને તો તને તકલીફ ના પડે!! તને બાઈક પર કેમ બેસાય એ પણ નથી આવડતું” વિનય બોલી ગયો અને વિનાલી એ તેના ગાલ પર એક ચીંટીયો ભર્યો અને પાછળથી એકદમ વળગીને બેસી ગઈ અને બોલી.

“સીધી રીતે કહેતા નથી આવડતું કે મને ચોંટી ને બેસ.. બહુ મોટા ઓશિકા વાળા થાવ છો તે” કહીને વિનાલીનું મુખ વિનયના કાન આગળ ગયું.. વાતાવરણમાં કડાકો થયો. વરસાદ તૂટી પડ્યો અને વિનયનું બાઈક ધીમું ધીમું ચાલતું રહ્યું. આમેય સજોડે બાઈક પર કોઈ જતા હોય અને બાઈક જેટલું ધીમું હાલતું હોય એટલો પ્રેમ એ બને વચ્ચે વધુ હોય છે..!!પ્રેમ અને વરસાદ વધતો રહ્યો.!! વિનયની પાછળ ચીપકીને બેસેલી વિનાળીએ આખો બંધ કરી દીધી અને ભવિષ્યના  સપનામાં ખોવાઈ ગઈ!!! બસ પછી તો બને વાડીએ પણ બાઈક લઈને જતા. તાલીમોમાં પણ બાઈક લઈને જતા અને વિનાલીને રજામા એને ઘેર જવું હોય તો પણ વિનય બાઈક લઈને મૂકી આવતો. એક દિવસ રાતે વાળું પાણી કરીને નાથાભાઈ એ એની પત્ની કંચનબેન ને કહ્યું.

“અલી સાંભળ છો તું..??? આ વિનયો અને આ છોડી બે ય બાઈક પર જાય છે પણ તને એક વાતનો ખ્યાલ આવ્યો?? એક વાત તારા ધ્યાનમાં આવી???”

“કઈ વાત..??? એ તો કેટલીય વાર સાથે બાઈક પર જાય છે એમાં ક્યાં નવાઈ છે!!” કંચનબેને જવાબ આપ્યો.

“હા પેલા બને સાથે જતા હતા ત્યારે વચ્ચે એક ટીફીન સમાય જાય એટલી જગ્યા રહેતી. હમણા મેં જોયું કે બેય બાઈક ઉપર એમ જાતા હોય કે એમની વચ્ચે એક કાગળ સમાઈ એટલીય જગ્યા નથી!! ગામમાં તો વાતું થાય છે અને એ વાતો સાચી હોય કે ખોટી!! બેયના મન હળી મળી ગયા હોય તો ભલેને બેય પરણી જાય!! તું વાતનો મોરાગ મેળવી લે જે અને આમેય આપણા વિનિયા કરતા છોકરી ક્યાય રૂપાળી છે અને તેજ એને ઘરકામની  ટ્રેનીગ આપેલી છે એટલે તારે અને એને સારું ભડશે ને બેય જણા સુખી થશે બીજું શું??” નાથાભાઈ કહ્યું અને કંચનબેન બોલી ઉઠ્યા.

“ તે તમે એમ માનો છો મને ખબર નથી એમ?? મેં વિનાલીના  વિચારો જાણી લીધા છે બસ આ ભાદરવો ઉતરે એટલે વિનીયાનું  માંગું નાખવા એને ગામ જવાનું જ છે. રૂપિયો નાળીયેર અને દશેરા બધું દઈને આવવાનું છે” કંચનબેને કહ્યું અને નાથાભાઈ હસી પડ્યા…!!

અને તરત જ નાથાભાઈ અને કંચનબેન પોતાના દીકરા વિનયનું માંગું લઈને વિનાલીના પપ્પાના ઘરે ગયા.

વાત સાંભળીને ઘનશ્યામભાઈ અને વર્ષા બહેન ખુબ જ રાજી થયા. વર્ષાબેન બોલ્યાં.

“અમારે તો સામા ચાંદલા કરવા છે. મારી દીકરીને આવું ઠેકાણું અને આવી સાસુ ક્યાંથી મળે??”

અને નવરાત્રીમાં સગપણ ગોઠવાઈ ગયું અને દેવ દિવાળી પછી તરત જ લગ્ન ગોઠવાયા. ધામધુમથી વિનય અને વિનાલી પરણી ગયા. વરસ દિવસ પછી વિનયના બે ભાઈઓ પણ પરણી ગયા. નાથાભાઈના તમામ વરા ઉકલી ગયા હતા. વરસ દિવસ પછી વિનાલીને સારા દિવસો ગયા. એક પુત્રરત્નની પ્રાપ્તિ પણ થઇ. વિનયના નાના બેય ભાઈઓ સુરેશ અને કિશોર સુરત જ હતા. વાર તહેવારે અને દિવાળી પર એ આવતા રહેતા. અને હવે ધીમે ધીમે ઘરમાં ચણભનાટ શરુ થયો. વિનય અને વિનાલીનું સંતાન પણ મોટું થવા લાગ્યું. હવે વિનાલીને સુરત જવાનો મોહ ઉપડયો. એમાં એની બે બહેનપણીઓ જે સાથે ભણતી હતી એ સુરતની વાતો વિનાલીને કહેતી અને વિનાલીની સુરત જવાની ઈચ્છા પ્રબળ બનતી.

“સુરત એટલે સુરત!! એય ને જલસા.. માથાકૂટ જ નહિ.. રાતે મોડે સુધી તાપીના પુલ પર બેસાય.. બગીચામાં જવાય.. શિક્ષણનું પણ સારું..ઘરભાડું પણ વધારે આવે..તમે ટ્યુશન પણ કરી શકો.. અત્યારે સુરતમાં મકાન લઇ લેવાય પછી મોંઘા પડે તારે તો વિનાલી બે ય ને નોકરી અને ઘર પણ ખમતીધર!! અત્યારે ગામડું સારું લાગે પણ પછી છોકરાના અભ્યાસનું શું!! હજી તક છે જીલ્લા ફેરબદલીનું ફોર્મ ભરી દે!! વારો આવી જશે!! સુરતમાં ખાલી જ છે બધું” બહેનપણી શ્વેતા કહેતી.

વળી વિનાલીની બે ય દેરાણી આવે ને સુરતની વાતો કરે.

“જેઠાણી અમે ગયા સોમવારે ડુમસ ગયા હતા..એના પહેલાના રવિવારે ઉભરાટ ગયા હતા. તમારા દિયર તો અમને અઠવાડીયેને અઠવાડિયે મોલમાં લઇ જાય.. મને તો અહી ગામડામાં ફાવે જ નહિ. તમારે નોકરી એટલે રોકાવું પડે બાકી સુરત જેવું રહેવા માટેનું કોઈ સ્થળ નથી આખા ગુજરાતમાં” વિનાલી એની દેરાણી શીતલ સામે જોઈ રહેતી.પરણી ત્યારે શીતલ શ્યામ રંગની હતી અને અત્યારે ધોળા બાસ્તા જેવી થઇ ગઈ હતી. ત્યાં વળી બીજી દેરાણી મંજુ બોલતી.

“સવારમાં રાંધવાની માથાકૂટ જ નહિ અમારે.. એય ને ક્યારેક જલારામના ખમણ લઇ આવીએ તો ક્યારેક ગરમાગરમ લોચો!! બીઆરટીએસ રોડ પર તો બેય બાજુ ગાંઠીયા અને ફાફડાની લારીઓ લાગેલી હોય છે.. કોઈ મહેમાન કે સગું આવે તો રાંધવાની ઝંઝટ પણ હવે ગઈ!! તૈયાર પંજાબી શાક લઇ આવીએ.. અને ઢોસા એટલે ઢોસા!! સુરતમાં તમને અનલિમિટેડ ઢોસા ખાવાના મળે ફક્ત ૧૫૦ રૂપિયામાં!! તમારે જેટલા ખાવા હોય એટલા ખાવ, બસ સુરતમાં તમને મજા જ આવ્યે રાખ્યે.. કોઈ ટેન્શન જ નહીને!! ખાઈ પીને નવરા થાવ એટલે બરોડામાં આંટો મારી આવીએ!! સુરતમાં ખાલી તમે રોડ પર આંટા મારોને તોય તમને શેર લોહી ચડે બોલો!! ગામડામાં જે લોહી ઉકાળા છે એ સુરતમાં તો તમને ગોત્યાય ના જડે!! વિનાલી બધું સાંભળી લેતી મનમાં એક દૃઢ ખ્યાલ બંધાઈ ગયો કે હવે ગમે તેમ થાય એક વાર સુરત તો જવું જ છે.

છેવટે એક રાતે એણે વિનય ને પૂછ્યું. બને ટીવી જોતા હતા. લક્ષ્ય વિનાલીના ખોળામાં સુતો હતો.

“આ વખતે બદલીના ફોર્મ બહાર પડે ને એટલે સુરત મ્યુનિસિપાલિટીમાં જીલ્લા ફેરબદલીનું ફોર્મ ભરી દેવું છે..કાલ સવારે આ લક્ષ્ય મોટો થશે એના આગળના અભ્યાસ માટે આગોતરું આયોજન કરવું છે”

“હવે અહી છીએ ત્યાંજ ઠીક છીએ..કોઈ ખામી નથી. બેયને ગામમાં જ નોકરી છે.. સર્સ મજાની જમીન અને તાજા દૂધ દહીં અને માખણ મળતું હોય તો સુરતનો એંઠવાડ ગળચવા શું કામ જાવું” વિનય કહેતો.

“આપણું તો સમજ્યા પણ આ છોકરાના અભ્યાસનું શું?? એ તો ભણવા બહાર જશે જ ને?? ત્યારે સુરત જવું હોય તો વારો નહિ આવે” વિનાલી દલીલ કરતી.

“અહી બા બાપુજીને મુકીને ત્યાં કઈ જવું નથી.. અત્યારે તો બા થી કામ થાય છે..ભવિષ્યમાં બા બાપુજી સાજા માંદા થાય તો કોણ સેવા ચાકરી કરે એટલે એક ભાઈને ગામડે રોકાવું જ પડે એમ છે” વિનય કંટાળીને કહેતો.

“ એ તો વારાફરતી સહુ ભાઈઓની ફરજ છે કે બા બાપુજીની સેવા કરવા રોકાઈ જાય.. બે ય દેરાણીઓ જલસા કરે છે ને એવું કઈ લખી થોડું દીધું છે કે બા બાપુજીને આપણે જ સાચવવાના!! અને તેમ છતાં બા બાપુજી પણ ભલે ને સુરત આવે હું એને સાચવીશ પણ હું તો સુરત જવાની જ” વિનાલી હઠે ભરાણી અને ફોર્મ પણ ઉપરવટ જઈને ભરી દીધું. એક સુખી સંસારમાં નાનકડી ચિનગારી ભડકી ચુકી હતી.

નાથાભાઈ અને કંચન બેનને વાતનો અણસાર આવી ગયો હતો કે મોટી વહુ ને સુરત જાવાની ઈચ્છા છે. એણે વિનયને પાસે બોલાવીને સમજાવી દીધો.

“જો બેટા.. એણે બે ય વહુઓ કરતા અમારી સેવા ઘણી કરી છે.તમારા લગ્ન પહેલા જ એ આ ઘરમાં ભળી ગઈ છે. અમારા કર હજુ હાલે છે એટલે અમારી ચિંતા ના કરતો. ઘણા સબંધીઓ સુરત છે આપણા એટલે જો ત્યાં બદલીમાં વારો આવતો હોયને તો જતું રહેવાય” પણ વિનય સામી દલીલ કરતો.

“છોકરા ભણાવવા સુરત જાવાના બધા બહાના છે બહાના.. છોકરા તો બાર ધોરણ સુધી અહિયાં ભણી શકે એમ છે..અમે બેય અહીજ ભણ્યા છીએ ને!! અને ત્યાં જઈને તો પછી આ ગામમાં તમારું કોણ?? બે ય નાના વરસો થી સુરત છે જ!! મારે આહી રહેવાનું છે એને ભલે જાવું હોય તો જાય?? ત્યાં બીમારીનું પ્રમાણ કેટલું છે એ ખબર છે!! એ સડી ગયેલ ખમણ ખાવા કરતા તો ગામડાની કઢી સારી”

“એવું ના બોલ દીકરા.. એ આ ઘરની મોટી વહુ છે..નોકરી કરે છે તોય ઘરનું કામ કરે છે.. બિચારી જરાય આળસ નથી કરતી.. નાના બેય દિવાળી વખતે આવે ને તો ય આ મોટી વહુ જ ઘરનું કામ કરે છે.. તમારા લગ્ન પછી તમે ક્યાય ફરવા પણ નથી ગયા.. એક વખત હું બીમાર પડી ગઈ એટલે તમે કેન્સલ કર્યું.. બીજા વરસે બે ય ભાઈના લગ્ન હતા.ત્રીજા વરસે એને નાનું થયું..આમને આમ છ વરસ જતા રહ્યા.. એણે ઘણું કામ કર્યું છે.. એટલે ભલેને એ સુરત જાય..અમે પણ થોડા સમય પછી કદાચ સુરત આવતા રહીએ એવું પણ બને” કંચનબેન વિનયને સમજાવતા હતા.

વિનાલીએ ફોર્મ ભર્યું એને વરસ દિવસ થઇ ગયું હતું. હવે એ વિનયને દબાણ કરતી હતી કે તમો ફોર્મ ભરી દ્યો.. મારો વારો તો આવતા વરસે આવી જશે..પછીના વરસે તમારો વારો પણ આવી જશે!! વિનય હા એ હા રાખતો હતો..એમાં એક દિવસ નાથાભાઈ એ બને ને બોલાવીને કીધું.ઉનાળાનું વેકેશન પડવાને બે દિવસની વાર હતી.

“જુઓ બેટા હવે લક્ષ્ય પણ પાંચ વરસનો થઇ ગયો છે.. પછી એ ભણવા બેસશે.. પછી તક નહીં મળે..તમે આ વેકેશનમાં ફરી આવો.. વીસેક દિવસ જઈ આવ્યો..લગ્ન પછી તમે સાથે ફરવા પણ ગયા નથી.. મોટી વહુએ બિચારીએ ઘણું કામ કર્યું છે..અમારી ચિંતા ના કરતાં.. સુરતથી એક વહુને અમે તેડાવી લઈશું”

વિનાલી તો રાજીના રેડ થઇ ગઈ. વિનય અને વિનાલી કાશ્મીરના પ્રવાસે ઉપડી ગયા. વીસ દિવસ સુધી તેઓ કાશ્મીરના પ્રવાસે રહ્યા. લગ્ન પછી પ્રથમવાર તેઓ આ રીતે ફરી રહ્યા. કાશ્મીરનો પ્રવાસ પૂરો કરીને તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતર્યા કે તરત એની વિનાલીની મમ્મીનો કોલ આવ્યો.

“બેટા આવી ગઈ પ્રવાસેથી… કુમાર અને ભાણીયો મજામાં છે ને?? જો બેટા તું સીધી ઘરે જ આવતી રહેજે… તારા પાપા બીમાર પડી ગયા હતા ને તે દવાખાને દાખલ કર્યા હતા.. તને ચિંતા થાય ને એટલે જાણ નહોતી કરી.. પણ હવે સાવ સારું છે..દવાખાનેથી ઘરે આવી ગયા છે,, આજ તારા બાપાએ જ કીધું કે આજ લગભગ વિનાલી અને કુમાર પ્રવાસમાંથી પાછા આવશે એટલે બેય ને બોલાવી લે” સાંભળીને વિનાલી ગમગીન થઇ ગઈ. એ અને વિનય સીધા વિનાલીના ઘરે પહોંચ્યા. ઘનશ્યામભાઈ ખાટલા સુતા હતા. એક બે સબંધી ત્યાં બેઠા હતા.પિતાને જોઇને દીકરી રડી પડી અને બોલી.

“આટલું બધું થયું તો ય મને જાણ પણ ના કરી”??”

“અરે તારા સસરા અને સાસુ હતા ને એને ખબર પડી એટલે તરત જ આવી ગયા હતા.એ જ અમને દવાખાને લઇ ગયા હતા ને.હવે તો સાવ સારું છે..સાવ એટલે સાવ!!” ઘનશ્યામ ભાઈ બોલ્યા. લક્ષ્ય ને ખોળામાં બેસાડીને તેઓ રમાડતા હતા. પોતાના છોકરા કરતા પોતાની દીકરીનો છોકરો જયારે ખોળામાં હોયને ત્યારે સહુથી વધુ આનંદ હોય છે!! ત્યાં એક સબંધી બોલ્યા વિનયની સામું જોઇને!! વિનાલી બધું સાંભળતી હતી.

“બાકી કહેવું પડે નાથાભાઈનું હો !! ઘનશ્યામભાઈ એ સગા ગોત્યા પ્રમાણ છે..આવા પણ સગા હોય ઈ પહેલી વાર જોયું.. તમને બેય ને તો કાઈ ખબર નથી..ચાલો હું જ વાત કરી દઉં વિનાલી બેટા!! તારા પાપાને કિડનીમાં ઇન્ફેકશન લાગી ગયું હતું.. આમ તો ઘણા સમયથી પીડાતા હશે પણ માથું માર્યે રાખ્યું. ઘનશ્યામભાઈ અને કંચનબેન આવ્યા. અમે બધા દવાખાને ગયા.ડોકટરે કીધું કે બેય કિડનીમાં ઇન્ફેકશન છે એટલે બે ય કિડની કાઢવી પડશે. ક્યાંકથી એક કિડની ગોતવી પડશે. અને આ સંભાળીને નાથાભાઈ કહે કે એક કિડની મારી લઇ લ્યો..અમે સહુ આભા જ બની ગયા.. તરત જ ફેંસલો લઇ લીધો.. બીજે દિવસે ઓપરેશન થયું. નાથાભાઈની એક કીડનીને કારણે તારા પાપા જીવે છે બેટા!! આવા સગા પહેલી વાર જોયા” પેલા ભાઈ વાત કરતા રહ્યા વિનાલીની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. બે દિવસ ત્યાં રોકાઇને વિનાલી અને વિનય પરત ઘરે આવ્યા. આવીને વિનાલી સીધી પોતાના સસરાને પગે લાગીને રોઈ પડી અને કહ્યું.

“બાપુજી તમે જે કર્યું એનો બદલો હું ક્યારેય નહિ વાળી શકું બાપુજી.. સગો દીકરો ના કરે એ કામ તમે કર્યું છે બાપુજી”

“ ના બેટા ના એવું કઈ નથી.. સગો એટલે સગવડ કરી આપે એ.. અને આમેય જેણે મારા દીકરા માટે પોતાના કાળજાના કટકા જેવી દીકરી આપી હોય એને માટે તો એક નહિ પણ બે કિડની પણ કુરબાન છે, દીકરી આપવા વાળો જ મહાન ગણાય છે બેટા એટલે તું કોઈ એવો ઉપકાર નો ભાવ ના રાખીશ..તું તો આ મોટા ઘરની વહુ છો..તું ખુશ રહે એટલે અમે બધા ખુશ છીએ દીકરા બહુ જ ખુશ” નાથાભાઈના આ શબ્દો વિનાલીને કાળજે બરાબર ચોંટી ગયા!! ઘરમાં ફરીથી સુખ ચેતનવંતુ બની ગયું..!!

આઠ મહિના પછી નિશાળે એક ઓર્ડર આવ્યો..આચાર્યે ઓર્ડર વાંચીને વિનાલીને કહ્યું.

“એક ખુશ ખબર છે તમારો સુરતથી ઓર્ડર આવી ગયો છે આવતી પાંચ તારીખે તમારે સ્થળ પસંદગી માટે જવાનું છે” વિનાલી એ ઓર્ડર હાથમાં લીધો અને વાંચ્યો પણ નહિ અને સીધો જ ફાડી નાંખ્યો અને કચરાટોપલીમાં પધરાવી દીધો અને બોલી.

“હવે કોઈ સ્થળ પસંદગીમાં જવાનું નથી.. આજ ગામ મારી પ્રથમ અને છેલ્લી સ્થળ પસંદગી છે. સાસુ સસરાને મુકીને હું જવાની નથી..” વિનાલી ચાલતી થઇ અને આચાર્ય આનંદ સાથે બબડ્યા

“વાહ હવે મોટા ઘરની વહુ ખરી!!”

લેખક :- મુકેશ સોજીત્રા શિક્ષક
૪૨ “હાશ” શિવમ પાર્ક સોસાયટી  સ્ટેશન રોડ ઢસા ગામ તા . ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.