લેખકની કલમે

મારી વહુ મારો આત્મવિશ્વાસ !! પતિની સેવામાં ને દવાદારૂમાં જ એમની બધી જ સંપતિ ગુમાવવાનો વારો આવ્યો હતો. પોતાનું ઘર પણ વેચવાનો વારો આવ્યો હતો….

આજથી છ મહિનાં પહેલાની વાત છે. અમારાં જ પડોશમાં રહેતાં રમીલાબહેન એમને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ સમજી રહ્યાં હતાં. પણ સાચું કહું તો એમનો વહેમ હતો.એમની વહુ પ્રિયા એટલીબધી સમજદાર ને ખાનદાન કુટુંબમાથી આવેલી કે રમીલાબહેનને આખો દિવસ પ્રિયાનાં જ ગુણગાન કર્યા કરે. જો પ્રિયાની જગ્યાએ ભગવાનનું નામ લે તો આખો દિવસ એક હજાર ને એક સો આઠ નામના જાપ થાય.ઘણાં વર્ષે રમીલાબહેનનાં જીવનમાં સુખ આવ્યું હતું. બાર વર્ષનાં દીકરાને અને રમીલાબહેનને આ પહાડ જેવી જિંદગી જીવવા માટે એકલા છોડી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા લડતાં હારીને જિંદગી ગુમાવી દીધેલ. યુવાનીમાં ઉંબરે ઉભેલા રમીલાબેનનાં જીવનમાં વસંતની જગ્યાએ પાનખર આવી ગઈ.

પાનને તો હમેશા ડાળીનો જ સહારો હોય છે. પણ અહિયાં તો ડાળી જ કુદરતે કાપી નાખી તો હવે આ ઊગી નીકળેલ પાનને કોનો સહારો ? પણ રમીલાબહેન હતાં ખૂબ હિમ્મતવાળા ને ધૈર્યવાન. એ જે પણ કામ કરવાનું વિચારતાં એમાં સો વાર ઊંડો વિચાર કરતાં હતાં. એટ્લે જ કદાચ તેઓ ઓછા હેરાન થતાં હતાં.

પતિની સેવામાં ને દવાદારૂમાં જ એમની બધી જ સંપતિ ગુમાવવાનો વારો આવ્યો હતો. પોતાનું ઘર પણ વેચવાનો વારો આવ્યો હતો. ભાડાનાં મકાનમાં રહેવા જવું પડ્યું હતું. પણ કુદરતનો સાથ એમને વધારે…. કહેવાય છે ને કે જેનું કોઈ નહી એનો કુદરત. આમ તો ઓછું ભણેલાં પણ વ્યવહારમાં એક્કો. રમીલાબહેને ઘરે જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. કપડાં સીવવાનો. આંતર સૂઝબૂઝ હોવાથી એવી એવી કપડાની ડિઝાઇન તૈયાર કરતાં કે જે હજારો રૂપિયા ખરચતાં દુકાનોમાંથી પણ ન મળે !…આમ ને આમ એમનુંસીવવાનું વધતું ગયું..હવે રમીલાબહેન પણ એમના જેવી નિરાધાર સ્ત્રીઓને બધુ શીખવતા ગયા ને નિરાધારનો આધાર બનતા ગયા. જે બીજાનું સારું ઇચ્છે એનું કુદરત કેમ ખરાબ કરે !

રમીલા બહેને સહયોગી સંસ્થા સ્થાપી. એમાં એમની સાથે કામ કરનાર સ્ત્રીઓને પણ વધારે વેતન મળતું…ધીરે ધીરે રમીલા નામ એક બ્રાન્ડ નેમ બની ગયું ..કાપડ માર્કેટમાં….સસ્તાભાવે ને સારામાં સારું કાપડ હોલસેલમાં ખરીદી…ને સારામાં સારી ડિઝાઇન તૈયાર કરીને કપડાં માર્કેટમાં આપતા..એ પણ લોકોને ઓછા ભાવમાં…મધ્યમવર્ગનાં લોકો માટે તો રમીલા બ્રાન્ડ આશાનું કિરણ બની ગયું હતું.

આ સાથે સાથે એમને એમનાં દીકરાની જવાબદારી પણ ઘણી જ સરસ રીતે નિભાવી. એમનાં દીકરા જીતને પણ શહેરની સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યો ને બેસ્ટ કોલેજમાંથી એમ.બી.એ પણ કર્યું. અત્યારે જીત રમીલાબહેનનો જામેલો બિઝનેસ વધારે સારી રીતે સંભાળવા લાગ્યો છે. વહુ પણ એવી જ હોંશિયાર ને મહેનતુ મળી છે. રમીલાબહેનને તો હવે નથી ઘરની જવાબદારી કે નથી પોતાના બિઝનેસની.

દીકરાના લગ્ન પ્રિયા સાથે થયા એટ્લે તરત જ કુટુંબનાં લોકોએ રમીલાબહેનનાં કાનભંભેરણી કરવાનું શરૂ કરી દીધું હતું.

“ જો રમીલા આ બધુ તારી મહેનતનું જ પરિણામ છે. તે રાત દિવસ એક કર્યા ત્યારે તું આ બધુ સુખ ભોગવી રહી છે. અત્યારે જમાનો બહુ ખરાબ છે. તારો ધંધો તો તું જ સંભાળજે… દીકરા વહુને કરવા દે જે નોકરી જ. નહિતર અત્યારની લુચ્ચી વહુ તો બધુ તારી પાસેથી લઈ લેશે ને તને વૃધ્ધાશ્રામમાં મૂકી દેશે..જો અત્યારે પેપરમાં કેવા કેવા બનાવો બનતાં હોય છે…ને કેવું કેવું આવે છે. “

“વર્ષો પહેલા જ્યારે દુખ પડ્યું ત્યારે હું ને મારો દીકરો બે જ હતા. સાવ આધાર વગરનાં ત્યારે આવી સલાહ આપવા કેમ ન આવ્યા ? હોંશિયાર રમીલાબહેન ચડવાની જગ્યાએ સામે એવો પ્રશ્ન કરે કે બોલનારની બોલતી જ બંધ થઈ જાય.

રમીલાબહેન તો ખૂબ સમજદાર હતા. એમની જિંદગી જ એમનો દીકરો ને વહુ હતાં. કોઈ પોતાની જિંદગી ઉપર અવિશ્વાસ કેમ મૂકી શકે ? એમણે તો પ્રિયાને આવતાવેંત જ પોતાની કંપનીની સી.ઈ.ઓ. બનાવી દીધી ને પોતે રિટાયર જીવન જીવવા લાગ્યાં. વહુ પણ સાસુમોમ જેવી જ જીરવી ને હોંશિયાર. સાસુએ મૂકેલા વિશ્વાસને ગુમાવ્યા વગર એક જ મહિનામાં પોતાની આવડતથી છેક લંડન સુધી પોતાની કંપનીને પહોચાડી દીધી. ન્યુયોર્ક ફેશનવીકમા રમીલા બ્રાંડના ડિઝાઇનર કપડાં પહોંચી ગયાં. ને પોતાની સાસુમોમને એક નહિ પણ પાંચ પાંચ ઇન્ટરનેશનલ ઍવોર્ડ પણ અપાવ્યા.

આમ આખા દેશમાં રમીલા બ્રાન્ડનું જ નામ ગુંજવા લાગ્યું. એક સ્ત્રી ધારે તો બધુ જ કરી શકે છે. પણ જો વિશ્વાસ મૂકવામાં આવે તો એનાથી પણ અનેક ગણું કામ થઈ શકે છે. રમીલાબહેને એમની વહુ અને દીકરા ઉપર વિશ્વાસ મૂક્યો…તો આજે એ વિશ્વાસ જ જીત્યો છે.

ચડાવવા વાળા તો આવીને ચડાવી જાય…આપણે આપણી જ વ્યક્તિપર અવિશ્વાસ કેમ મૂકી શકીએ ?

વર્ષોથી આ ઘરમાં કોઈ ઉત્સવ નહોતા થતાં. હવે હરેક ઉત્સવોનું સેલીબ્રેશન થવાં લાગ્યું. જે લોકો પ્રિયા વિરુધ્ધ બોલતા હતાં.. અત્યારે એ જ લોકો પ્રિયાનાં બે મોઢે વખાણ કરતાં થાકતા ન હતાં. આવી વહુ તો ભાગ્યશાળી ને જ મળે. આ વહુ નહિ પણ દીકરી બની આવી છે રમીલા તારા ઘરે. તારા પુણ્યના પ્રભાવે.

“નારે મારા પુણ્યના પ્રભાવે નહી પણ મારા વિશ્વાસનાં પ્રતાપે. વિશ્વાસ તો મૂકવો જ જોઈએ ને ? આપણાં પર વિશ્વાસ મૂકીને તો એ આપણાં ઘરે આવી હોય કાયમ માટે આવી હોય એનું ઘર છોડીને … બાકી પારકાને પોતાનાં કરવા કોણ આવે પોતાનાને છોડીને !, પ્રિયા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા રમીલાબહેન બોલ્યા.

જ્યારથી મારી પ્રિયા લગ્ન કરીને મારા ઘરે આવી છે ત્યારથી નથી મારે ઘરની જવાબદારી, નથી કોઈ વ્યવહારની કે નથી મારે કોઈ જવાબદારી મારા બિઝનેસને લઈને રહી. મારો દીકરો ને મારી વહુ બંને ખૂબ સમજદાર છે. મને કહે , “ તમે ખૂબ દુખ જોયું છે. ઘણાં ચડાવ ઉતાર જોયા છે આ જીવનમાં. બધા સૂર્યોદય સરખા નથી જોયા. હવે તમારે ઘરમાં શું રસોઈ બનશે એની પણ ચિંતા નથી કરવાની…એ બધુ પ્રિયા જ સંભાળશે..બસ તમારે એને શીખવવાનું છે,. “
પણ મારી વહુ મારા કરતાં પણ ચડિયાતી સાબિત થઈ. કોઈ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો આમંત્રણ કાર્ડ જોઈને જ મને ખબર પણ ન હોય ને લાખોનું દાન થઈ જાય છે. જ્યારે મારુ સન્માન કરવામાં આવે ત્યારે તો મને ખબર પડે છે. વ્યવહાર કુશળ તો ખરી સાથે ધાર્મિક પણ એટલી જ છે.

એના પપ્પાની તિથી આવે તો બંને જણા ઘરે પૂજા પાઠ ને બ્રમહભોજનનું આયોજન મારા કહ્યા પહેલા જ એડવાન્સમાં કરી દીધું હોય છે, ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છુ કે મને આવી દાહો ને દીકરી જેવી વહુ મળી છે.

ત્યાં જ પ્રિયા બોલી, “ મમ્મી, હું તો બિલકુલ આવી ન હતી. જ્યારે લગ્ન કરીને આવી ત્યારે મને પણ ઘણાં બધાએ કહ્યું હતું કે, પ્રિયા, ધ્યાન રાખવાનું …આટલા વર્ષોથી તારા સાસુ આટલો મોટો બિઝનેસ સંભાળે છે. એ તને એમની નોકરાણી ન બનાવી દે ! અને અભિમાની તો હશે જ ..જો ને કેટલું ઓછું બોલે છે બધા સાથે..મારા મનમાં પણ મમ્મી અમુક નેગેટિવિટી તો હતી જ..પણ ..”

“પણ “

“હા, મારા લગ્ન પછી જેમ જેમ હું તમારી જોડે રહેવા લાગી એમ એમ હું તમારી વધારે નજીક આવવા લાગી. મને થયું કે લોકો ક્યાં આ વ્યક્તિ સાથે રહે છે. એ તો દૂરથી જ વ્યક્તિત્વ જોઈને તારણ કાઢી લે છે. પ્રેમનું અવિરત ઝરણું જેનામાં સતત વહ્યા કરે છે…એવી આ પ્રેમાળ વ્યક્તિને લોકો કેટલી અલગ રીતે જોવે છે ..હું જેમ જેમ તમારી વાતોથી, વર્તનથી પ્રભાવિત થતી ગઈ એમ એમ મારો દૃષ્ટિકોણ તમારા પ્રત્યે બદલાતો ગયો..આજે હું જે કશું પણ છુ એ માત્ર ને માત્ર તમે મારી પર મૂકેલા વિશ્વાસને કારણે જ છુ. બાકી લગ્ન કરીને આવી ત્યારે હું પણ બીજા લોકો જેવી જ હતી. ઈર્ષાળુ ને અદેખાઈથી ભરેલી વ્યક્તિત્વવાળી…”, રમીલાબહેનના ખોળામાં માથું મૂકીને સૂઈ જતાં પ્રિયા બોલી,
ખોળામાં માથું મૂકેલી પ્રિયા પર હાથ ફેરવતા રમીલા બહેન બોલ્યા, એટ્લે તો હું બધાને કહું છુ કે પ્રિયા મારી વહુ નહિ મારો આત્મવિશ્વાસ છો !! “

લેખક: પારસ પેથાણી
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.