કાળા માથાવાળા વ્યક્તિને પેલા કાળા કપડાંવાળી ચુડેલ ફસાવવા માંગતી હતી… વાંચો મન્ચુરિયન – હોરર શોર્ટ સ્ટોરી

0
Advertisement

“રાતનો દોઢ વાગ્યા હશે, ચારેતરફ સન્નાટો છવાયેલ હતો પણ એ સન્નાટાને છિન્નભિન્ન કરતા દૂર દૂર ક્યાંક કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. સીમ તરફ જતા અંધારિયા રસ્તા પર ઘસાય ગયેલ સપોર્ટ શૂઝ પહેરી “ટપ ટપ” અવાજ કરતો ચાલતો હતો. આકાશમાં ચમકતો અડધો ચંદ્ર, ધુમમ્સિયું વાતાવરણ સુમસાન રસ્તા પર બસ સ્ટ્રીટ લાઈટના પીળા પ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ નહીં અને એના પગલાંના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહીં.

એ બસ કાંઈ સમજ્યા વિચાર્યા વિના એ રસ્તા પર જાણ્યે અજાણ્યે આગળ ચાલતો હતો. બસ ચાલતો હતો. એના ચેહરા પર કોઈ ભાવ સ્પષ્ટ નહતા, આંખોમાં ચમક હતી પણ ચેહરા પર પસીનો હતો. હાથ ધ્રુજતા હતા પણ પગ મક્કમપણે આગળ વધતા હતા. સામાન નહતો કોઈ સાથે પણ જતો સીમ તરફ હતો.

પણ એને એ નહતી ખબર કે જે રસ્તા પર એ આગળ વધે છે ત્યાં એને મળવાનું છે એને જોઈ એના હોશ ઉડી જવાના છે. થોડા મીટરના અંતરે એ જ રસ્તા પર એક ખૂનથી લથપથ એક છોકરીની લાશ પડી હતી. હકીકતમાં એ લાશ ….
એ લાશ હતી જ નહીં. એ બસ મરિચીકા હતું, મૃજગળ હતું.સચ્ચાઈ તો એ હતી કે એ કાળી રાતના અંધારામાં, કાળા જાદુની મદદથી એ કાળા માથાવાળા વ્યક્તિને પેલા કાળા કપડાંવાળી ચુડેલ ફસાવવા માંગતી હતી. વર્ષોની પ્યાસ એના લાલ લોહીથી સંતોષવા માંગતી હતી. એના લાંબા અને તીક્ષ્ણ નહરોથી એના શરીરને ચીરવા માંગતી હતી. અને ત્યાર બાદ એના શરીરમાંથી નીકળતા લોહીને તેની જીભ દ્વારા ચાંટી મોક્ષ મેળવવા માંગતી હતી…..”

“બસ કર ને તું યાર……” અમર અર્ચનાના હાથમાંથી પોતાનો હાથ છોડવતા ઉભો થતા બોલ્યો.

“અરે પણ હજુ છે આગળ. પેલી શા માટે આવું કરવા ઇચ્છતી હતી એ તો સાંભળી લે.” અર્ચના પણ ઉભી થતા બોલી.

“મારે નહીં સાંભળવું અને તું પણ આવી નોવેલ વાંચવાનું બંધ કરી દે, અને હોરર મૂવીઝ જોવાનું પણ. કાલે નોવેલ વાંચી એ વર્ડ ટુ વર્ડ યાદ છે પણ એક અઠવાડિયા પછી એક્ઝામ આવશે ત્યારે એનું કાંઈ યાદ નહીં રહે.” અમર નારાઝ થતો હોય એમ બોલ્યો.

“તને ખબર છે ને મને ભણવાનું નથી ઉકલતું, પણ આવી નોવેલ વાંચવી બૌ ગમે છે. તારે પણ વાંચવી જોઈએ. તને ખબર છે કહાનીની પોતાની એક અલગ દુનિયા હોય છે, જ્યાં રીઅલ દુનિયા કરતા બધું અલગ હોય છે એક લેવલ ઊંચું હોય છે, જેમકે પ્રેમ છે તો બેસુમાર પ્રેમ હોય, નફરત છે તો હદની બારની, જુનૂન છે તો દુનિયાને ઝુકાવી દે એવું, ડર છે તો જીવતા ભુલાવી દે ….” બોલતા અર્ચનાની આંખોમાં પણ એક ચમક દેખાઈ આવી. મહિના પહેલા થયેલ એક્સિડન્ટને કારણે પગમાં આવેલ પ્લેટનો દુખાવો ભૂલી હસતા ચહેરે વાત કરવા લાગી.“હમણાં દશ મિનિટ પહેલા તું પગના દુખાવાને કારણે રોતી હતી અને આ હોરર સ્ટોરીની વાત આવી તો ઉછળવા લાગી. પાગલ છે તું યાર, છેલ્લા એક મહિનામાં તે કંઈક 15-18 નોવેલ વાંચી લીધી. એ પણ બધી હોરર અને સસ્પેન્સ.
જેમ્સ બોન્ડ બનવાનો વિચાર છે કે વિક્રમ ભટ્ટ?” અમર ટોપિક ચેન્જ કરવા બોલ્યો.

“જરા પણ સેન્સ ઓફ હ્યુમર નથી તારામાં સાચે હો.”અર્ચના થોડું હસી અને બોલી, “ચાલ હવે મને ભૂખ લાગી છે જા રાજુભાઈને ત્યાંથી મારી માટે મન્ચુરિયન લઈ આવે.”

“અરે યાર એ હાઇવે પર આવ્યું છે, સિટીનું ટ્રાફિક ક્રોસ કરીને જવું પડશે.” અમર મોઢું બગાડતા બોલ્યો.
“અને રાત પણ પડી ગઈ છે, હું ત્યાં જઈને પાછો આવીશ તો કેલેન્ડર પ્રમાણે બીજો દિવસ થઈ જશે.”

અર્ચના કશું બોલી નહીં બસ એને પોતાનું મોઢું મચકોડયું. અને અમર પીગળી ગયો, અર્ચના પાસે આવ્યો એના ગાલ પર કિસ કરી, “આવું હમણાં.” કહેતા ત્યાંથી નીકળી પડ્યો.

શહેરથી થોડે દૂર હાઇવે પર આવેલ રાજુભાઇની ચાઈનીઝના ઠેલા પર અમર અર્ચના માટે મન્ચુરિયન લેવા રીક્ષા પકડી અને નીકળી પડ્યો. શહેરના ટ્રાફિકને પાછળ છોડતા છોડતા અને હાઇવે પર પહોંચતા રાતના કંઈક દોઢ વાગી ગયા હતા. સામે જ રાજુભાઈ નુડલ્સ બનાવતા દેખાયા. અમર રિક્ષામાંથી ત્યાં ઉતર્યો. રાજુભાઇ તેને જોઈને બોલ્યા, “એક પ્લેટ મન્ચુરિયન અને એક વેજ હક્કા નુડલ્સ પાર્સલ બરાબર ને?”

“હા, બરાબર.” અમર હસ્યો અને થોડો દૂર દીવાલનો ટેકો લઈ ઉભી ગયો.

“અહિયાંના રેગ્યુલર કસ્ટમર લાગે?” પ્લેટ સાફ કરતો એક છોકરો બોલ્યો.

“હા છેલ્લા 8-9 મહિનાથી દર રવિવારે બંને આ સમયે અહીંયા આવે છે.” રાજુભાઇ શાકભાજી કટ કરતા બોલ્યા. “અને સેમ જ ઓર્ડર, હવે ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ એ તો નહીં ખબર પણ એને અહીંયાના મન્ચુરિયન ખૂબ પસંદ.”“લાગે છે આજે પેલી નારાઝ હશે કા તો ઝઘડો થયો હશે એટલે પાર્સલ કરાવીને લઈ જતો લાગે છે.” અને એ છોકરો હસવા લાગ્યો.

“ના, છેલ્લા એક મહિનાથી એ પાર્સલ લઈ જઈ છે?” કઢાઈમાં તેલ ગરમ કરતા રાજુભાઇ બોલ્યા.

“કેમ?”

“ગયા મહિને અહીંયા આગળ જ તેમનું એક્સિડન્ટ થયું હતું. બાઇક પર મસ્તી કરતા બંને આવતા હતા, જોયા વિના બાઇકનો જમણી સાઈડ ટર્ન માર્યો અને સામેથી ખટારો આવતો હતો. બૌ ખતરનાખ એક્સિડન્ટ હતું એ.” રાજુભાઈએ કાપેલ શાકભાજી કઢાઈમાં નાખ્યા.

“તો આમને કાંઈ થયું નહીં?” પેલો છોકરો ઉભો થતા બોલ્યો.

“આ છોકરાનો જમણો પગ તૂટી ગયો હતો, એને પગમાં પ્લેટ આવી છે. હેલમેટ પહેર્યું હતું એટલે એને માથાના ભાગમાં ઇજા ન પહોંચી, પણ પેલી છોકરીને માથા પર ઘા લાગ્યો અને એમયુલન્સ આવે એ પહેલાં જ તેણી મૃત્યુ પામી……
એ દિવસ છે ને આજનો દિવસ, દર રવિવારે અહીંયા આવે અને સેમ ઓર્ડર પાર્સલ કરાવીને લઈ જાય. શાયદ આને જ સાચો પ્રેમ કહેવાતો હશે.” રાજુભાઇ પાર્સલ તૈયાર કરતા બોલ્યા.ઈશારા દ્વારા તેમને અમરને પાર્સલ તૈયાર છે એમ કહ્યું. અમર કાંઈ બોલ્યા વિના પૈસા આપી પાર્સલ લઈ રિક્ષામાં બેસી ગયો.

અમર તેના ફ્લેટ પર પહોચ્યો. મન્ચુરિયન અને હકા નુડલ્સ બંને એક જ પ્લેટમાં સાથે કાઢ્યા. ટીવી ઓન કર્યું અને હોરર મુવી સ્ટાર્ટ જોવા લાગ્યો, સાથે જ પ્લેટમાં કાઢેલ મન્ચુરિયન અને હકા નુડલ્સ એકલો જ ખાઈ ગયો.

Author: મેઘા ગોકાણી GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here