રાજકોટમાં યોજાયેલી મેચમાં ખેલાડીઓની સુરક્ષામાં જોવા મળી ભારે ચૂક.. પ્રેક્ષક બાઉન્સરોને ચકમો આપીને પહોંચી ગયો પીચ સુધી, વીડિયો વાયરલ
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી 20 મેચની શ્રેણી યોજાઈ. જેમાં ભારતે 2-1થી શાનદાર જીત મેળવી હતી. કપ્તાન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ઉતરેલી ભારતીય ટીમે બે મેચમાં ખુબ જ શાનદાર વિજય મેળવ્યો હતો. તેમાં પણ છેલ્લી મેચ ઇતિહાસના પાનામાં રચાઈ ગઈ, કારણ કે આ મેચમાં સુર્યકુમાર યાદવે વર્ષ 2023ની પહેલી સદી ફટકારી હતી.
રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે પહેલા બેટિંગ કરતા શાનદાર રમત બતાવીને 228 રનનો પહાડ જેવો લક્ષ ઉભો કરી દીધો. જવાબમાં બેટિંગ કરવા માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ 137 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ અને ભારતે 91 રને જીત મેળવી.
આ મેચમાં જીતનો હીરો રહ્યો સુર્યકુમાર યાદવ. તેણે ફક્ત 51 બોલમાં 112 રનની તાબડતોબ પારી રમી હતી. સુર્યકુમાર યાદવે રાજકોટના મેદાનને ચોગ્ગા છગ્ગાઓથી ભરી દીધું હતું. ત્યારે તેની બેટિંગ જોઈને ટીવી સામે બેઠેલા દર્શકો પણ ઉછળી પડ્યા હતા. તો મેદાનમાં બેઠેલા દર્શકોની શું હાલત થઇ હશે તે કલ્પી શકો છો.
View this post on Instagram
એવો જ એક દર્શક મેચ જોતા જોતા ભાન ભુલ્યો હતો. મેચ પુરી થવાની સાથે જ સુરક્ષા ઘેરાને તોડીને તે ગ્રાઉન્ડમાં ઘુસી ગયો અને પછી સૌથી પહેલા તે ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પગે પડી ગયો અને પછી મેઈન પીચ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન યુવક જાણે સર્કસમાં કરતબ બતાવી રહ્યો હોય તેમ કુદકા મારી મેઈન પીચ સુધી પહોંચી ગયો.
View this post on Instagram
પરંતુ ત્યાં જ શ્રીલંકાના એક પ્લેયરે તેને પકડીને બાઉન્સરને સોંપી દીધો. જેના બાદ બાઉન્સરોએ મેદાનમાં ઘુસેલા આ અબ્બાસ સંઘી નામના વ્યક્તિને પકડી પડધરી પોલીસને સોંપી દીધો હતો અને પોલીસે તેની અટકાયત કરી. તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં પ્રેક્ષકો ભાન ભૂલીને પીચ સુધી પહોંચી જતા હોય છે.