રસોઈ

લીલાચણાની દાળને પરફેક્ટ રેસીપી જોઈને એકવાર જરૂર બાનવજો…..ગરમા ગરમ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

“વ્હાલો વઢિયારી થાળ, લીલચણાની દાળ…”

મિત્રો, ગુજરાતના વઢિયાર અને ખારાપાટ વિસ્તારમાં શિયાળાની ઋતુમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં ચણાની ખેતી થાય છે. ચણાની વાવણી બાદ લગભગ નેવું દિવસે ચણાના છોડવા પર પોપટા ભરાઈ જાય છે. આ પોપટાને ફોલતા તેમાંથી લીલચણાના દાણા નીકળે છે. ચણાના લીલા અને નરમ દાણામાંથી લીલા ચણાની દાળ બને છે. જે સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.

લીલાચણાની દાળ સાથે બાજરીનો રોટલો ચોળી આ દાળ ખાવાની લિજ્જત માણજો. વિશ્વાસ સાથે કહું છું કે વારંવાર ઘરે બનાવી આ દાળ ખાવાની ઇચ્છાને આપ રોકી નહિ શકો…

તો ચાલો લીલચણાની દાળ બનાવવાની રેસિપી શીખી લઈએ…

● સામગ્રી:-

 • ફોલેલા લીલા ચણા,
 • સૂકી ડુંગળી,
 • લસણ લીલું/સૂકું,
 • બાદીયા,
 • કાળામરી,
 • લવિંગ,
 • આદુ,
 • દળેલું જીરું,
 • ગરમ મસાલો,
 • મીઠું,
 • મરચું,
 • હળદર,
 • તેલ,
 • ટામેટા,
 • હિંગ,
 • રાઈ…

● બનાવવાની રીત:-

પ્રથમ ફોલેલા લીલા ચણાને બાફી નાખવા. બાફેલા લીલા ચણાને મોટી કથળોટ માં લઇ ને લોટા વડે ચણાના દાણા ભાગી (કચરવા) નાખવા. જરૂરિયાત મુજબ પાણી નાખવું જેથી દાણા ભાગી જશે. હવે લવિંગ બાદિયા કાળામરી આ સૂકા મસાલાને ખાંડીને મિશ્રણ તૈયાર કરવું. હળદળ અને સૂકા મરચાને જરૂરિયાત મુજબ લઈ એક વાટકીમાં પાણીથી પલાળી મિશ્રણ તૈયાર કરી રાખવું…

એક મોટી તપેલીમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે જીરું રાઈ અને ચપટી હિંગ નાખવી. ત્યારબાદ ઝીણી સમારેલી સૂકી ડુંગળી લસણ ટામેટા વગેરેને આ ગરમ તેલમાં ફ્રાય કરવું… ત્રણેક મિનિટ બાદ ફ્રાય કર્યા પછી કચરેલા (ભાંગેલા) લીલા ચણાને બનાવેલ ફ્રાય માં નાખી ચમચા વડે ખૂબ હલાવવું. બધું મિશ્રણ એક રસ થઈ જાય ત્યારબાદ પલાળેલ હળદર અને મરચાનું મિશ્રણ એમાં નાખી દેવું. ગેસ કે ચૂલા પર ધીમા તાપે આ મિશ્રણને પણ હલાવતા રહેવું.

ચણાના દાણા કચડવા માટે લીધેલ પાણી પણ તપેલીમાં નાખી દેવું. અને જરૂરિયાત મુજબ બીજું સાદું પાણી પણ તપેલીમાં નાખવું. જરૂરિયાત મુજબ મીઠું નાખવું.

બનેલ આખા મિશ્રણને ખૂબ હલાવી બધું એકરસ કરી દેવું. ધીમા તાપે આખી રેસિપી લગભગ પાંચ દસ મિનિટ ઢાંકી અને ચડવા દેવી… ત્યારબાદ દાળ ગેસ પરથી ઉતારી ઉપર થોડો ગરમ મસાલો નાખી દેવો…

હવે તૈયાર છે ગરમાં ગરમ લીલા ચણાની દાળ. આ દાળ માં બાજરીનો રોટલો ચોળી સાથે છાસ, ગોળ , અને પાપડ લઈ આપ આ દાળ નો ટેસ્ટ કરી શકો છો…

(મિત્રો, અમારા વઢિયાર અને ખારાપાટ વિસ્તારમાં શિયાળામાં આ દાળના મિત્રો સાથે ખૂબ મોટા મોટા પ્રોગ્રામો થાય છે. લોકો ખૂબ હોંશે હોંશે લીલા ચણાની દાળની લિજ્જત માણે છે…)

– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
Author:
GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ