ધાર્મિક-દુનિયા

ચૈત્રી નવરાત્રી: નવ દિવસ દિવસ દરમિયાન માતા દુર્ગાના આ નવ સ્વરૂપની થશે પૂજા, જાણો દરેક દિવસનું મહત્વ

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. આ ચાર નવરાત્રી મહા, ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં આવે છે. આજે એટલેકે 25 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે આ નવરાત્રી 2 એપ્રિલ સુધી રહેશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાની પૂજાઅર્ચના સાથે-સાથે કુળદેવી-દેવતાઓની પણ પૂજા કરવમાં આવે છે. જેનું ચૈત્રી નવરાત્રીમાં વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીમાં માતાદુર્ગાના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.

આવો જાણીએ કયા દિવસે કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને કેમ

નવરાત્રીનો પ્રથમ દિવસ – શૈલપુત્રી:

Image Source

મા દુર્ગાનું આ પ્રથમ સ્વરૂપ છે. શૈલપુત્રી પર્વતોના રાજા હિમાલયની પુત્રી છે. રાજા હિમાલયએ ઘણી તપસ્યાઓ કરી જેના પરિણામે માતા દુર્ગા તેમના પુત્રી તરીકે પૃથ્વી પર ઉતર્યા. એટલે જ તેમને શૈલપુત્રી (પર્વતની પુત્રી) કહેવામાં આવે છે. તેનું વાહન એક આખલો છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે.

નવરાત્રીનો બીજો દિવસ – બ્રહ્મચારિણી:

Image Source

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં તેમણે તેમના જમણા હાથમાં એક માળા પકડી હોય છે અને તેના ડાબા હાથમાં એક કમંડળ ધરાવે છે. નારદ મુનિની સલાહથી માતા બ્રહ્મચારિણીએ શિવને મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી. સુખ અને આનંદની દેવીની ઉપાસનાને પણ મોક્ષનો માર્ગ ગણાવ્યો છે. એવું માનવામાં આવે છે કે માતા શક્તિએ મુક્તિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું અને તેથી જ બ્રહ્મચારિણી નામથી તેમની પૂજા થાય છે.

નવરાત્રીનો ત્રીજો દિવસ – ચંદ્રઘંટા

Image Source

આ માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. આ શાંતિ પ્રદાન કરનાર માતાનું સ્વરૂપ છે. આ સ્વરૂપની આરાધના કરવાથી સુખ-શાંતિ મળે છે. મા ચંદ્રઘંટાના દસ હાથ છે અને ઘણા પ્રકારના અસ્ત્ર-શાસ્ત્ર જેમ કે ખડગ, બાણ, ત્રિશુલ, કમલ તેમના હાથમાં હોય છે.

નવરાત્રીનો ચોથો દિવસ – કુશમુંડા

Image Source

નવરાત્રીના ચોથા દિવસે દેવી કુશમુંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ માતૃત્વને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પૃથ્વી પર કશું નહોતું અને અંધકાર જ અંધકાર હતો, ત્યારે માતાએ સૃષ્ટિને જન્મ આપ્યો. માતા કુશમુંડાના આઠ હાથ છે, તેથી તે અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે. તેમનું વાહન સિંહ છે. માતાને શુદ્ધતાની દેવી કહેવામાં આવે છે, તેમની પૂજાથી તમામ રોગો અને મુશ્કેલીઓ દૂર થાય છે.

નવરાત્રીનો પાંચમો દિવસ – સ્કંદમાતા

Image Source

દુર્ગા માનું પાંચુ સ્વરૂપ સ્કંદમાતા છે. તે સ્કંદ એટલે કે કાર્તિકની જનક પણ છે, તેમની તસ્વીરોમાં માતા પાર્વતી કાર્તિકને પોતાના ખોળામાં બેસાડેલ દેખાય છે. તેમનું વાહન સિંહ છે. તેમની ચાર ભુજા છે, ઉપરના જમણા હાથમાં માતા કમાલનું ફૂલ ધર્મ કરે છે અને નીચે એક હાથથી માતા વરદાન આપે છે. જયારે ડાબા હાથથી માતા કાર્તિકને પકડી રાખે છે.

નવરાત્રીનો છઠ્ઠો દિવસ – કાત્યાયની

Image Source

મા દુર્ગાના આ સ્વરૂપનો જન્મ મહર્ષિ કાત્યાયન થયો હતો. કથા અનુસાર, એક દિવસ મહર્ષિ કાત્યાયન મહિષાસુરાના અંત માટે તીવ્ર તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે પ્રગટ થયા. ત્રણે મળીને પોતાની શક્તિથી માતા દુર્ગાને પ્રગટ કરી. આથી માતા દુર્ગાનું એક નામ છે મા કાત્યાયની. માતા કાત્યાયની શુદ્ધતાની દેવી માનવામાં આવે છે. માતા કાત્યાયનીના ચાર હાથ છે.

નવરાત્રીનો સાતમો દિવસ – કાલરાત્રિ

Image Source

મા કાલરાત્રિને દુર્ગાનું સાતમું રૂપ માનવામાં આવે છે. તેનું નામ કાલરાત્રિ છે કારણ કે તે કાળનો વિનાશ છે. તેમનામાં એટલી ક્ષમતા છે કે તેઓ દરેક વસ્તુનો નાશ કરી શકે. માતાનો રંગ કાળો હોય છે. તેમના વાળ વેરવિખેર હોય છે અને શરીર અગ્નિ જેવું તેજ હોય છે. માતા કાલરાત્રીના ચાર હાથ છે. તેમનો ઉપરનો જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં હોય છે અને નીચે જમણા હાથથી માતા નિર્ભયતા પ્રદાન કરે છે. તેમના ઉપરના ડાબા હાથમાં કટાર અને નીચલા હાથમાં વજ્ર હોય છે.

નવરાત્રીનો આઠમો દિવસ – મહાગૌરી

Image Source

આ માતા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે. આ માતાનું એક શાંત સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યાને લીધે દેવી પાર્વતીનો રંગ શ્યામ થઇ ગયો હતો. પછીથી શિવજી જયારે પ્રસન્ન થયા, ત્યારે તેમણે માતા પાર્વતી પર ગંગાજળ ચડાવ્યું અને તેમને ગોરા રંગી દીધા. આ પછી, માતા પાર્વતી મહાગૌરી તરીકે પૂજવા લાગ્યા. તેમનું વાહન આખલો છે. મહાગૌરીના ચાર હાથ છે. ઉપલા જમણા હાથથી માતા આશીર્વાદ આપે છે, જ્યારે નીચલા જમણા હાથમાં, માતા ત્રિશૂળ ધરાવે છે. તે જ રીતે, માતાના ઉપલા ડાબા હાથમાં એક ડમરુ છે અને તે નીચલા હાથથી વરદાન આપે છે.

નવરાત્રીનો નવમો દિવસ – સિધ્ધિદાત્રી

Image Source

મા દુર્ગાના નવમા સ્વરૂપ, સિદ્ધિદાત્રીને સિદ્ધિ પ્રદાન કરનાર માતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીના કારણે જ શિવને અર્ધનારીશ્વરનું સ્વરૂપ મળ્યું. તેમનું વાહન સિંહ છે અને તેમની બેઠક કમળનું ફૂલ છે. સિદ્ધિદાત્રીના ચાર હાથ છે. માતા ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા હાથમાં ચક્ર ધરાવે છે. માતા તેમના ઉપલા ડાબા હાથમાં કમળનું ફૂલ અને તેના ડાબા હાથમાં શંખ ​​રાખે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.