કરજદાર કે ફરજદાર…???” – વગર માંગયે રૂપિયા આપી જનાર એ સ્વાભિમાની જગતના તાતને કોટી કોટી વંદન….વાંચો એક ગરીબ ખેડૂતની ખુમારીની વાત !!!!

0

કરજદાર કે ફરજદાર…???”

  • “ન ભૂલી શકું હું કદી, મારા મદદગારને.
  • કેમ કરી વિસરૂ હું, એના નિર્દોષ પ્યારને.
  • અણી સમયે પડખે,આવીને જે ઉભો હતો,
  • સાચવી લીધો હતો, જેણે મારા વ્યવહારને…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

“શેઠ, મહિના પછી મારી સોડી ના લગન સે… જો વિહેક હજાર ની મદદ કરો તો તમારા જેવા ભગવાને નહિ… શેઠ, વિશ્વાસ રાખો. તમારો એક એક પૈસો વ્યાજસહિત હું પાસો આપી જઈશ…”
“પણ, મેં તો સાંભળ્યું છે કે તારું હજી ગઈ સાલનું ધિરાણ પણ એક બે વેપારી પાસેનું બાકી છે. તો બધાયનું દેણું તું કઈ રીતે ચૂકતું કરીશ…???”

“શેઠ , વાત તમારી હાચી કે બે વેપારીઓનું દેણું બાકી સે. પણ શું કરું બાપલા. એમનું દેવું ચૂકતે કરવાના પૈસાનો વેંત કર્યો તો એવામાં મારી બૈરી માંદી પડી. એમાં દવાખાનનો ખર્ચો થયો. એને સારું થઈ જયું એવામાં મારી ફૈ ની મોટી સોડી ને હુવાવડ નો પરસંગ આયો. એટલે વેવાર માં થોડો ખર્ચો થ્યો. હવે ઘર બાંધીને બેઠા સિયે તો સામાજિક વેવાર તો કર્યે જ છુકતો થાય ને…!!!”
“હું પેલા ધિરાણ માંગવા એ જુના શેઠ પાહે જ ગ્યો તો પણ શી ખબર ચમ એમને મારી વાતમાં વિસવાહ ન પડ્યો ને ના પાડી દીધી એટલે આ તમારી પહે આયો સુ… હવે તમે જો ટેકો કરો તો સોડી ના હાથ પીળા થઈ જાય ને સેતી પણ બચી જાય…”

“તો એ જુના શેઠ પાસેજ ધિરાણ લઇ લે. અમારે કઈ નવા ખાતા પાડી ને રૂપિયા સલવાવા નથી…”

આવો એક ગરીબ પણ સાચા ખેડૂત અને એક વેપારી વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. અને પોતાની સચ્ચાઈ ની ઘણીયે દુહાઈઓ આપવા છતાં પોતાને નિરાશા મળતા ઘરમાં આવનાર દીકરીના લગ્નના પ્રસંગ અને પોતાની નાનકડી ખેતી બચાવવાની ચિંતા સાથે એ ખેડૂત બિચારો ઉદાસ ચહેરે એ વેપારી ગલીના નાકે બેઠો હતો. બરાબર એજ સમયે ત્યાંથી એ ગલીમાં પોતાની દુકાન ચલાવતા એક સજ્જન વેપારી પસાર થયા. એ ખેડૂતની ઉદાસીના ભાવ તરત પામી ગયા હોય એમ એની પાસે જઈ બોલ્યા…
“કેમ ભાઈ, આમ ઉદાસ થઈ ને કાં બેઠા છો ? શુ તકલીફ છે કહો મારાથી બનશે તો ચોક્કસ મદદ કરીશ…”
ઉદાસીમાં ગરકાવ થયેલ એ ખેડૂતને એ વેપારી ડૂબતા માણસને જેમ સામે દેખાતા મોત સામે જીવનની અંતિમ આશ દેખાઈ આવે અને એ રાજી થાય બસ એવુંજ થયું. કોઈ પણ જાતની ઓળખાય વિના મદદ નો હાથ લંબાવ નાર એ શેઠ એ ખેડૂતને કોઈ દેવદૂતથી સહેજ પણ કમ ન લાગ્યો…

પછીતો એ ખેડૂતે એ સજ્જન વેપારીને પોતાની આખી ઘટના કહી સંભળાવી. અને સાથે સાથે,જો એ શેઠ એને વીસેક હજારની એને મદદ કરશે તો સમયસર એમના રૂપિયા એ આપી જશે એવું વચન પણ આપ્યું.ખબર નહિ કઈ રીતે પણ એ વેપારીને એ ખેડૂત પર દયાની સાથે સાથે વિશ્વાસ પણ આવી ગયો અને એમને એ ખેડૂતને રૂપિયા વિસ હજારની મદદ કરી…
સમય પસાર થતો ગયો. કાળનું કરવું અને એક એવી ઘટના બની કે જેનાથી પેલી કહેવત સાચી છે એમ કહેવાનું મન થાય કે…
“જેની અહીં જરૂર છે, એની ઉપરવાળાને પણ જરૂર હોય છે…”
…અને એ શેઠનું અકાળે અવસાન થયું. એમને એ ખેડૂતને રસ્તા વચ્ચે કરેલી વિસ હજાર રૂપિયાની મદદ ની વાત કોઈ જાણતું જ ન હતું. હવે જો એ ખેડૂત સામેથી એ શેઠના ઘેર એ રૂપિયા પાછા આપવા આવે તો ભલે નહિતર… જય સિયારામ જેવો ઘાટ સર્જાયો હતો.
શેઠના અવસાન સમાચાર એ ખેડૂતને એ દિવસે મળ્યા કે જે દી એમનું બેસણું હતું. એ દિવસે જેવા એને આઘાતજનક સમાચાર મળ્યા કે તરત એને પોતાનું કાચું ઘર ગીરવે મૂકી અને વિસ હજાર રૂપિયાની જોગવાઈ કરી લીધી. રૂપિયા લઈ ચાલ્યો એ ખેડૂત એ સ્વર્ગસ્થ શેઠના ગામ તરફ… બેસણામાં રાખેલા એ દેવદૂત સમાન સ્વર્ગસ્થ શેઠના હાર ચડાવેલા ફોટા સામે પોક મૂકીને ખૂબ રડ્યો. એમની વચ્ચે કોઈ ઝાઝો સંબંધ ન હતો છતાં પણ એમના વામન સંબંધમાં સાગરથીયે અધિક વિરાટ લાગણીનો મહાસાગર હતો. અને કદાચ એ કારણેજ એનાથી ભીતરથી રડાયું હતું…

પછી એ ખેડૂત બેસણામાં બેઠેલા એ સ્વર્ગસ્થ શેઠના દીકરા પાસે જઈ બધી વાત કરે છે એને આસ્વાશન આપે છે અને જતી વેળાએ શેઠના દીકરાના હાથમાં રૂપિયા વિસ હજારની થેલી આપતા જણાવે છે કે…

“ભાઈ, તમારા બાપુ એ મને વિસ હજાર રૂપિયા આપેલા. મને એમને એ સમયે મદદ કરી હતી કે જ્યારે મને કોઈ મદદ કરવા તૈયાર ન હતું અને એ પણ કોઈ ઓળખાણ વિના…
તો લો આ એમને આપેલા વિસ હજાર રૂપિયા.”

અને છેલ્લે છેલ્લે ગ્લાનિ ભરેલા હૃદયે કશુંક આપવાનું બાકી છે એવા શરમથી ઓતપ્રોત સ્વરે જણાવ્યું કે…”ભાઈ, માફ કરજો. વ્યાજની જોગવાઈ થઈ શકી નથી એટલે ખાલી મૂડી જ આપવા આવ્યો સુ…”

અને છેલ્લે એ ખેડૂતે જે શબ્દો ઉચ્ચાર્યા એમાતો સમગ્ર માનવતાનો સમગ્ર ધર્મોનો અને નિટીમત્તાનો ઉચ્ચ પાઠ સમાઈ જતો હતો.

એ બોલ્યો…”મારી અડચણ વખતે જેમ તમારા બાપુ મારી પડખે આવીને ઊભા રહ્યા હતા તો તમારી ઉપર આવી પડેલી આ અડચણ માં જો તમારાજ રૂપિયા હું પાછા ન આપી તમારી પડખે ન રહું તો તો દીનોનાથ રુથી જાય, મને એ કદી માફ ન કરે…”
આટલું કહી એ ત્યાંથી વિદાય થયો…શેઠનો દીકરો રૂપિયા પરત કરી જઈ રહેલા એ કરજદાર ભૂમિપુત્ર ને જોઇજ રહ્યો. જે વાતની કોઈને ખબર સુદ્ધાં ન હતી છતાં આમ વગર માંગ્યો રૂપિયા પરત કરી જનાર એ જગતના તાત નો આ માનવતાભર્યો શુદ્ધ વ્યવહાર જોઈ એ દીકરાને પણ મનોમન એને વંદન કરી મનોમન બોલી જવાયું…

“હે ભાઈ તમે “કરજદાર” નહિ પણ સાચા “ફરજદાર” છો. તમને કોટી કોટી નમન…”

● POING :- જગતમાં આવા પણ ,ધનથી ગરીબ છતાં સજ્જનતાથી અમીર, પોતાના સદવ્યવહાર થી શ્રીમંત માણસો પણ હોય છે જે કદી નથી ભૂલતા પોતાની પર ઉપકાર કરનાર એ લોકોને. પોતાની પોતાની પડખે ઉભા રહેનારની પડખે એ પોતાની જાત વેચીને પણ ઉભા રહે છે… કદાચ આવા લોકો થકીજ શ્રુષ્ટીમાં હજી માનવતાની સુગંધ ફેલાયેલી છે…

Author: GujjuRocks – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here