દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ લેખકની કલમે

સુરભિ : પીરિયડ્સમાં મુસાફરી કરી રહેલ છોકરીની પ્રેમકથા !

સુરભિ : પીરિયડ્સમાં મુસાફરી કરી રહેલ છોકરીની પ્રેમકથા !

અમદાવાદની અસહ્ય ગરમીમાં સુરત જવા માટે હું બસમાં બેઠો ! બસમાં એટલી ભીડ હતી કે પરસેવો લુછવા માટે રૂમાલ પણ ન કાઢી શકાય ! મારી બેગને મેં થોડી સરકાવી અને સીટ નીચે મૂકી. જેમ જેમ અંતર કપાતું હતું તેમ તેમ બસમાં ભીડ વધતી જતી હતી. સાંજના પાંચ વાગ્યે વડોદરા આવ્યું અને હું નીચે ઉતર્યો અને ફ્રેશ થઈને પાછો બસમાં બેઠો. જોયું તો બસમાં એક સીટ ખાલી હતી ! હું ઝડપથી ત્યાં ગયો અને એ સીટ પર બેસી ગયો. બસ ઉપડી અને ત્યારે કંડક્ટરે ઘંટડી વગાડી અને બસમાં એક છોકરી ચઢી ! એ છોકરી પાસે એક મોટી ટ્રોલી બેગ હતી અને હાથમાં એક પર્સ હતું. હું કંડક્ટરની પાછળની જ સીટ પર બેઠો હતો અને એ મારી સીટની બાજુમાં જ ઉભી હતી, બસમાં એટલી તે ભીડ હતી કે એ છોકરીએ પોતાના એક હાથે બેગ પકડેલી હતી અને એક હાથથી ચહેરાનો પરસેવો લૂછતી હતી ! મેં એની તરફ જોયું અને એણે અચાનક મારી તરફ જોયું અને મેં મોઢું ફેરવી લીધું ! શાળા અને કૉલેજમાં ઘણીવાર કહેવામાં આવતું કે બસમાં કોઈ વ્યક્તિને પોતાની સીટ આપવી જોઈએ ! મારા મનમાં ઘણી મુંઝવણ હતી. એકવાર તો થયું કે મારી સીટ એ છોકરીને આપી દઉં, પણ એજ સમયે વિચાર આવ્યો કે બધા લોકોને એવું લાગશે કે હું છોકરી પર લાઈન મારું છું તો ? કેમ કે બસમાં ઘણી છોકરીઓ હતી અને એ પણ આ છોકરીની માફક ઉભી જ હતી પણ આ છોકરીના ચહેરા પર બેચેની ચોખ્ખી દેખાતી હતી. મેં નિર્ણય લઈ લીધો હતો કે આ છોકરીને સીટ આપી જ દઉં અને બીજો વિચાર એ આવ્યો કે હું આ છોકરીને સીટ આપું એના કરતાં સામે જે અંકલ ઉભા છે એમને કેમ ન આપું ? કારણ કે આ છોકરી યુવા હતી ! વિચારોની આ લડાઈમાં હું જ ફસાતો ગયો. એ છોકરી બીમાર હોય એમ લાગતી હતી અને મેં એ છોકરીની સામે જોઇને કહ્યું, સ્ક્યુઝમી, તમારે બેસવું હોય તો ? એણે કહ્યુ, ના ના હું આમ જ ઠીક છું ? મને ખબર હતી કે એ ઠીક નથી ! હું ઉભો થઈ ગયો અને કહ્યું, બેસો ! એ કંઈ ન બોલી અને સીટ પર બેસી ગઈ. એના ચહેરા પણ હળવું સ્મિત હતું ! એણે મારી સામે જોઈને કહ્યું, તમારી બેગ મને આપો ! એણે પોતાના ખોળામાં મારી બેગ રાખી. એ છોકરીએ પોતાનું માથું આગળની સીટ ટેકવી દીધું, એ ઘણીવાર પોતાની કમર પર હાથ રાખતી હતી. મેં પૂછ્યું, આર યુ ઓકે ? એણે કહ્યું,યસ ડોન્ટ વરી ! વચ્ચે હોટેલ આવી અને કન્ડક્ટરે કહ્યું, પંદર મિનિટ માટે બસ ઉભી રહેશે ! એ છોકરીએ મને મારું હેન્ડબેગ આપ્યું અને હું નીચે ઉતર્યો ! એ છોકરી ધીમે ધીમે બસની સીડી ઉતરતી હતી અને છેલ્લા પગથિયે એનો પગ લાપસ્યો અને મેં એનો હાથ પકડી લીધો ! અમે બન્ને મૌન હતાં અને ત્યારે એ બોલી, થેન્ક્સ ! મેં કહ્યું, સંભાળીને ! એ બોલી, વોશરૂમ ક્યાં છે ? મેં કહ્યું સીધા જાઓ અને લેફ્ટ સાઈડમાં લેડીઝ ટોયલેટ છે ! એ થેન્ક્સ કહીને ઝડપથી વોશરૂમ માટે ગઈ ! મને ખ્યાલ આવી ગયો હતો કે એ છોકરી પીરિયડ્સમાં છે ! સાંજના સાડા છ વાગ્યા, મેં હોટેલ પર ચા પીધી અને બસમાં ગયો અને જોયું તો એ છોકરી બસમાં જ બેઠી હતી ! હું એની બાજુમાં ઉભો રહ્યો અને એણે હાથ લંબાવીને કહ્યું, “બેગ !” મેં મારી હેન્ડબેગ એને આપી. એના ચહેરા પર શાંતિ નજર આવતી હતી ! ભરૂચ આવ્યું અને બાજુની સીટ ખાલી થઈ અને એ છોકરી વિન્ડો સીટ તરફ સરકી અને હું એની બાજુની સીટ પર બેઠો !

નર્મદાના શાંત નીર જાણે આંખોમાં ટાઢક આપતાં હોય એમ લાગતું હતું ! મેં લેપટોપ કાઢીને લખવાનું શરું કર્યું. એ છોકરી મારા લેપટોપમાં જોવા લાગી અને બોલી, તમે રાઇટર છો ? મેં હસતાં હસતાં કહ્યું, ના બસ થોડુંક લખું છું ! એણે કહ્યું, મેં તમારા બ્લોગ્સ વાંચેલા છે ! મેં કહ્યું, થેન્ક્સ ! હું વિચારતો હતો કે એણે મારો કયો આર્ટિકલ વાંચ્યો હશે ? મેં પણ પૂછી લીધું, તમે મારો કયો આર્ટિકલ વાંચ્યો છે ? એણે કહ્યું, જાતિવાદ પરનો ! મેં કહ્યું, ઓકે ! એણે હાથ લંબાવ્યો અને કહ્યું, હાય, આઇ’મ સુરભિ ! મેં કહ્યું, હાય આઇ’મ પ્રકાર ! એણે કહ્યું, નાઇસ નેમ ! મેં પણ કહી જ દીધું, યુ ટુ ! હું અને સુરભિ હવે અજાણ્યા તો નહોતા જ રહ્યાં ! અમે વાતો કરતાં હતાં અને અચાનક બસ હાલક ડોલક થવા લાગી અને ડ્રાઇવરે બસને ઉભી રાખી ! ડ્રાઇવર ઉતર્યો અનેક કહ્યું, પંચર છે, તો બધા ઉતરો વીસ મિનિટ માટે ! હું અને સુરભિ પણ નીચે ઉતર્યા. બાજુમાં એક રેસ્ટોરન્ટ હતી અને બધા લોકો ત્યાં ગયા. મેં સુરભિને પૂછ્યું, તમારે કંઈ લેવું છે ? એણે ઇનકાર કર્યો. હું રેસ્ટોરન્ટમાં ગયો અને એક પાણીની બોટલ લીધી અને મને ખ્યાલ હતો કે સુરભિએ કંઈ જ નથી ખાધું એટલે હું એની માટે જ્યુસ લઈ ગયો. મેં કહ્યું, આ તમારા માટે ! એણે મારી આંખમાં જોયું અને કહ્યુ, તમે શા માટે તકલીફ લો છો ? મેં કહ્યું એમાં તકલીફ ન હોય ! એ જયુસ પીવા લાગી અને ત્યાં તો કંડક્ટરે અવાજ લગાવ્યો, એ બધા બસમાં બેસી જાઓ ! અમે બસમાં બેઠા, અંધારું થઈ ચૂક્યું હતું.

રાત્રે દસ વાગ્યે સુરત આવ્યું અને હું અને સુરભિ બસ સ્ટેશન પર ઉતર્યા ! એ થોડી ચિંતામાં હતી અને કોઈકને ફૉન લગાવતી હતી ! મેં કહ્યું શું થયું ? સુરભિએ કહ્યું, મારા મામા મને લેવા આવવાના હતાં અને એ કહે છે કે હું કલાક પછી આવીશ ! મેં પૂછ્યું, કેમ ? એણે કહ્યું, મારા મામા સુરતની બહાર રહે છે ! મેં સુરભિને કહ્યું, બસસ્ટેશનની પાછળ જ મારું ઘર છે ! તમે ચાહો તો ત્યાં આવી શકો છો ? એણે કહ્યું, આઈ’મ સોરી હું તમને વધારે તકલીફ નથી આપવા માંગતી ! મેં કહ્યું, એમાં તકલીફ ન હોય, તમારા મામાને કહી દો કે મારા ઘરે જ લેવા આવે અને આટલી રાત્રે તમે બસસ્ટેશનમાં બેસો એ પણ યોગ્ય ન કહેવાય ! એણે કહ્યું, ઓકે ! બસસ્ટેશનની પાછળ મારું ઘર હતું એટલે હું અને સુરભિ ચાલતાં જ ત્યાં જતાં હતાં, અને રસ્તામાં મેં મારી મમ્મીને ફૉન કરીને પણ કહી દીધું કે સુરભિ આવે છે અને એની માટે પણ જમવાનું બનાવી રાખે ! હું અને સુરભિ ઘરે પહોંચ્યા અને મમ્મીએ સુરભિનું સ્વાગત કર્યું. મારી બહેન નેહા પણ ઘરે જ હતી. મેં નેહાને કહ્યું, સુરભિને તારા રૂમમાં લઈ જા એટલે ફ્રેશ થઈને જમવા બેસીએ. ત્યારે સુરભિએ કહ્યું, જમવા ? મેં કહ્યું, હા ! એણે કહ્યું, મને ભૂખ નથી ! મેં હસતાં હસતાં કહ્યું, મને ખબર છે કે તમને કેટલી ભૂખ છે ! એ કંઈ જ ન બોલી અને સ્મિત આપીને નેહા સાથે એના રૂમમાં ગઈ અને હું પણ મારા રૂમમાં ફ્રેશ થવા ગયો !

હું ફ્રેશ થઇને બહાર આવ્યો અને ત્યારે જ મારી બહેન નેહા મારી બાજુમાં આવી અને કહ્યું, ભાઈ આ સુંદર છોકરી કોણ છે ? તારા બહુ જ વખાણ કરતી હતી ! મેં મસ્તીમાં કહ્યું, તારી ભાભી ! ત્યારે નેહા બોલી, મમ્મી ! મેં કહ્યું, ચૂપ રે વાંદરી…તારે જેટલા નવા કપડાં લેવા હોય એટલા હું લઈ આપીશ, પણ ચૂપ રેજે ! નેહાએ કહ્યું, આ થઈને મસ્ત વાત ! અમે ચારેય જણ જમવા માટે બેઠા અને મેં કહ્યું, મમ્મી પપ્પા ક્યાં છે ? મમ્મીએ કહ્યું, બેટા પપ્પા એક લગ્નમાં ગયા છે તો તમને આવતાં વાર લાગશે ! મમ્મીએ સુરભિને કહ્યું, બેટા તારા મામા ક્યાં રહે છે ? આમ સુરભિ અને મમ્મીની વાતો ચાલુ થઈ ગઈ ! બધા જમીને ધાબા પર બેઠા અને સુરભિએ મને કહ્યું, પ્રકાર આપણે આજે બપોરે જ મળ્યાં અને કેટલા સારા મિત્રો બની ગયા નહીં ! મેં કહ્યું, હા ! એણે કહ્યું, પ્રકાર તારો મોબાઈલ આપજે તો ? ને સુરભિને મોબાઈલ આપ્યો અને એ કંઈક મોબાઈલમાં લખતી હતી ! એણે મને મોબાઈલ આપતાં કહ્યું, લે આમાં મારો નંબર સેવ કરી દીધો છે ! હું મનમાં બહુ જ હરખાતો હતો અને નેહા મને સાઈડમાં કોણી મારતી હતી !

મમ્મી અને સુરભિ બન્ને વાતો કરતાં હતાં અને સુરભિને કોઈકનો ફૉન આવ્યો ! સુરભિએ કહ્યું, મારા મામા આવી ગયા છે અને નીચે ઊભા છે. મેં કહ્યું ચાલ હું તારી બેગ લઈને નીચે સુધી આવું. હું નેહાના રૂમમાં સુરભિની બેગ લેવા ગયો, સુરભિ પાછળ જ હતી. હું અચાનક ઉભો થયો અને સુરભિને મારો ખભો વાગ્યો અને સુરભિનો પગ લપસ્યો અને એ મારા પર પડી ! સુરભિને મેં ઉભી કરી અને અમે બંને એક સાથે બોલ્યા, સોરી ! સુરભિના ચહેરા પર સ્મિત હતું અને એ બોલી, હું પંદર દિવસ માટે સુરત છું. મેં કહ્યું, તો હું પણ પંદર દિવસ માટે ! એ બોલી, શું ? અને ત્યારે જ નેહા ઉધરસ ખાવા લાગી ! હું સુરભિને મુકવા નીચે સુધી ગયો અને એના મામાએ પણ મારો આભાર માન્યો ! હું સુરભિને મૂકીને આવ્યો અને ઉપર મારા રૂમમાં સુવા ગયો અને ફોન લઈને જોયું તો સુરભિનો મેસેજ હતો, આજે બહુ જ મજા આવી ! આમ, મુસાફરીનો થાક લાગ્યો હોવા છતાં હું અને સુરભિ આખી રાત વોટ્સએપ પર વાતો કરતાં રહ્યાં અને સુરભિએ મારું જીવન સુરભીનું કરી દીધું !

લેખક :- પ્રદિપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks