અજબગજબ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

કોરોના કાળમાં જોબ ચાલી ગઈ તો આ વ્યક્તિએ કમાણી માટે સ્કૂટી ઉપર શરૂ કર્યો ફૂડ સ્ટોલ, હવે જોબ પણ કરવાની ઈચ્છા નથી

જોબ ગઈ તો સ્કૂટી પર શરૂ કર્યો ફૂડ સ્ટોલ, આજની બેસ્ટ પોઝિટિવ સ્ટોરી

કોરોના કાળની અંદર ઘણા લોકોના રોજગાર ધંધા છીનવાઈ ગયા, તો ઘણા લોકોને નોકરીમાંથી પણ છુટા કરી દેવામાં આવ્યા. એવો જ એક વ્યક્તિ હતો 47 વર્ષનો બલવીર સિંહ. જે એક હોટેલની અંદર નોકરી કરતો હતો. આ હોટેલમાં તે ડ્રાઈવરની નોકરી ઉપર હતો. અને હોટેલની ગાડીઓ ચલાવતો હતો.

Image Source

લોકડાઉન લાગતા પહેલા 10 માર્ચના રોજ હોટેલે એકસાથે જ 50 લોકોને છુટા કરી દીધા જેની અંદર બલવીર સિંહનું પણ નામ સામલે હતું. નોકરીમાંથી છુટા કરવાનું કારણ જણાવાતા હોટેલ તરફથી કહેવામાં આવ્યું કે કામકાજ બંધ થઇ ગયું છે, મહેમાનો પણ આવતા નથી, માટે હવે તમારી જરૂરિયાત નથી રહી. જયારે કામ હશે ત્યારે તમને જણાવવામાં આવશે.

Image Source

આ નોકરીની અંદર બલવીરને 20 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો. તેના ઘરની અંદર બે દીકરીઓ, એક દીકરો અને પત્ની હતા. નોકરી છૂટી ગયા બાદ બલવીરને એ સમજાઈ રહ્યું નહોતું કે તે આગળ શું કરશે ? કેવી રીતે પરિવારનું ગુજરાન ચલાવશે? એવામાં લોકડાઉન લાગી ગયું અને બધું જ બંધ થઇ ગયું. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેને પોતાના પીએફના જમા પૈસા પણ ઉઠાવી લીધા.

આ મુસીબતનો સામનો કરનાર બલવીરનું કહેવું છે કે: “પીએફના પૈસા પણ ખતમ થવા લાગ્યા. પછી લાગ્યું કે હવે કંઈક તો કરવું જ પડશે, નહિ તો ખાવાના પણ ફાંફા પડી જશે.” બલવીરે 15 વર્ષ પહેલા ઢાબુ ચલાવ્યું હતું. તેના મનમાં વિચાર આવ્યો કે ખાણીપીણીનું જ કંઈક કામ શરૂ કરવું જોઈએ. પરંતુ, આ વખતે એવી ભૂલ નહીં કરે કે જે અગાઉ કરી હતી.

Image Source

જ્યારે બલવીર ઢાબુ ચલાવતો હતો ત્યારે તંદૂર માટે તેને એક છોકરો રાખ્યો હતો. તે જતો રહ્યો તો કામ પણ બંધ થઈ ગયું, કારણ કે બલવીરને તંદૂર બનાવતા આવડતું નહોતું. આ વખતે બલવીર વિચાર્યું કે એવું કંઈક કરીશ જે જાતે જ કરી શકાય. જેમાં કોઈ બીજી વ્યક્તિ ઉપર નિર્ભર ના રહેવું પડે.

આ વખતે બલવીરે પાક્કો નિર્ણય કરીને રાજમા-ચાવલ, છોલે, સોયા ચોપ, રાયતા તૈયાર કરીને વેચવાનો પ્લાન બનાવ્યો. પરંતુ તેના માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે ભાડાની દુકાન લેવા માટેના પૈસા તેની પાસે નહોતા. તેને પોતાની સ્કૂટી ઉપર જ લોખંડનું એક સ્ટ્રક્ચર તૈયાર કરાવ્યું. એવું સ્ટ્રક્ચર જેમાં દુકાનનો બધો સામાન આવી શકે. 15થી 20 હજાર રૂપિયા ખર્ચ કરીને ચૂલો, સ્ટ્રક્ચર, ખાવાની વસ્તુઓ અને બધું જ મટીરીયલ ખરીદી લાવ્યો. 20 ઓગસ્ટથી કામ પણ શરૂ કરી દીધું.

Image Source

બલવીર જણાવે છે કે: “જનકપુર સબ્જી મંડીની સામે સારી ભીડ હોય છે તેથી હું ત્યાં જ ઊભો રહ્યો. પરંતુ શરૂઆતના બે દિવસ કંઈ પ્રતિભાવ ના મળ્યો. હું 60-70 ગ્રાહકોનાં હિસાબથી ભોજન બનાવીને લઈ જતો, પરંતુ 15-20 ગ્રાહક જ મળતા. તેથી ત્રીજા દિવસે મીરાબાગ પેટ્રોલ પંપની સામે ઊભો રહ્યો. અહીં સીએનજી પેટ્રોલ પંપ છે, મેઈન રોડ છે. મેં અંદાજ લગાવ્યો કે ગ્રાહક સારા મળી જશે. અને બન્યું પણ એવું જ. ત્રીજા દિવસે મારો બધો જ સામાન વેચાઈ ગયો.”

બલવીરે આગળ જણાવ્યું કે: “ધંધો કરતા લગભગ બે મહિના થઈ ચૂક્યા છે. 100થી પણ વધારે ગ્રાહક ફિક્સ થઈ ગયા છે. જેઓ દરરોજ આવે જ છે.” બલવીર 20 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા પ્લેટના હિસાબથી રાજમા-ચાવલ, છોલે-ચાવલ આપે છે. તે કહે છે કે:  “મને સમજાયું કે સસ્તી વસ્તુઓ લોકો ખાઈ લે છે. થોડી ઘણી ભૂખ લાગી હોય તો 20 રૂપિયાની પ્લેટમાં જ માણસ ખાઈ શકે છે.  કેટલાકની મજબૂરી હોય છે તો કેટલાક શોખથી ખાઈ છે.”

Image Source

બલવીર જણાવે છે કે “મેં વધુ કિંમત એટલા માટે જ નથી રાખી. દરરોજ સવારે 6 વાગ્યે ઉઠી જાઉં છું અને 10 વાગ્યા સુધીમાં ભોજન તૈયાર પણ થઇ જાય છે. બજારમાંથી શાકભાજી પણ પોતે જ ખરીદીને લાવું છું. 12થી સાંજે 5 વાગ્યા સુધી દુકાન પર રહું છું.” બલવીર હવે નોકરી કરવા નથી માંગતો. તે કહે છે કે “બે મહિનામાં લોકોનો ઘણો પ્રેમ મળ્યો. દરેક વ્યક્તિ મને ઓળખવા લાગ્યા છે. ગ્રાહકો પણ વધી રહ્યા છે તેથી હવે આ જ કામને આગળ વધારીશ.”

“હાલમાં કેટલું કમાઈ રહ્યા છો?” આ સવાલનો જવાબ આપતા બલવીરે કહ્યું કે: “અત્યારે તો જે પૈસા આવી રહ્યા છે, તેનાથી બીજી વસ્તુઓ જ ખરીદી રહ્યો છું કે જેની જરૂર છે. આમ છતાં બચત થઈ જાય છે. 20000 સુધી આવી જાય છે. નવું કામ છે તેથી બીજી વસ્તુઓમાં પૈસા પણ  લગાવવા પડે છે.”