લેખકની કલમે

જીવનમાં આસ્થાનું ફરી આગમન ..!!!! લીવ ઇન રિલેશનશિપના 2 વર્ષ પછીનું મિલન ની સુંદર સ્ટોરી વાંચો

રાત્રે એક વાગ્યે આસ્થાનો ફોન આવ્યો, હું ગભરાઈ ગયો અને મેં ફોન સાઈડમાં મુક્યો. થોડીવાર બાદ પાછો ફોન આવ્યો અને મેં ફોન રિસીવ કર્યો. ધીમેથી અવાજ આવ્યો, કબીર…! મેં કહ્યું, હા, આસ્થા ! મનમાં ઘણા સવાલો હતાં કે આસ્થાનો ફોન શા માટે આવ્યો અને એ પણ રાત્રે એક વાગ્યે ? ખબર નહીં શું કામ હશે ? આસ્થા બોલી, કેમ છે ? મેં કહ્યું, સારો છું ! તું કેમ છે ? આસ્થાએ કહ્યું, હું પણ ઠીક છું. હું વિચારતો હતો કે કેમ પૂછું પણ એણે સામેથી કહ્યું, કબીર એક પ્રોબ્લેમ છે એટલે મેં ફોન કર્યો ! મેં કહ્યું, શું ? એણે કહ્યું, મારી બહેન જીગીશાના લગ્ન છે અને એણે એવી જીદ પકડી છે કે તું આવીશ તો જ એ લગ્ન કરશે. મેં કહ્યું, હું સવારે જવાબ આપીશ. અમે બંને ચૂપ થઈ ગયા અને મેં કહ્યું, લગ્ન કઈ જગ્યાએ છે ? આસ્થા બોલી, જયપુરમાં છે. મેં કહ્યું, હું સવારે ફાઈનલ કહીશ. હું બાથરૂમમાં ગયો અને મોઢું ધોયું અને વિચારવા લાગ્યો કે જીગીશાના લગ્નમાં જાઉં કે નહીં ! મને અને આસ્થાને અલગ થયાને બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હતો. હું અને આસ્થા પાંચ વર્ષ પહેલાં મળ્યા હતા અને ત્યારબાદ લીવ ઇન રિલેશનશિપમાં હતાં, બે વર્ષ સુધી લીવ ઇન રિલેશનશિપમાં રહ્યાં બાદ અમારા વચ્ચે અંતર વધતું ગયું અને અમે સાથે મળીને અલગ થવાનો નિર્ણય લીધો. હવે આટલા સમય બાદ આસ્થાનો ફોન..! ક્યારે વિચાર્યું નહોતું. જીગીશાને મેં પ્રોમિસ કર્યું હતું કે તારા લગ્નમાં હું જરૂર આવીશ અને કદાચ આ જ કારણે આસ્થાનો ફોન આવ્યો હશે !

સવારના છ વાગ્યા, હું જાગતો જ હતો ! ફ્રેશ થઈને બાજુમાં મહાદેવનું મંદિર હતું, ત્યાં હું દરરોજ દર્શન માટે જતો હતો અને આજે પણ ગયો. ભગવાનને મેં પ્રાર્થના કરી કે બધાને સુખી રાખજો. કારણ કે આસ્થાના મમ્મી-પપ્પા નહોતા અને આથી તેણે ખૂબ જ તકલીફો સહન કરી છે અને કેટલીક તકલીફો મારા લીધે જ એના જીવનમાં આવી હતી. હું મંદિરના ઓટલા પર બેઠો હતો અને એક ફોન આવ્યો, નંબર અજાણ્યો હતો. મેં ફોન રિસીવ કર્યો અને કહ્યું, હેલો…..કોણ ? સામેથી જવાબ આવ્યો, જીગીશા બોલું છું જીજુ ! મેં કહ્યું, હા, જીગીશા કેમ છે ? એણે કહ્યું, એ બધુ છોડો તમે મારા લગ્નમાં આવવાના છો કે નહીં ? મેં કહ્યું, વિચારું છું ! જીગીશા બોલી, બધી વાતોને ભૂલીને પ્લીઝ લગ્નમાં આવો ને, જો તમે નહીં આવો તો હું લગ્ન નહીં કરું ! મેં કહ્યું, હું કાલે સવારે સુધી જયપુર પહોંચી જઈશ ! જીગીશા ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, થેન્ક્સ જીજુ ! એણે ફોન મુક્યો. જીગીશાનો જીજુ શબ્દ મારા મનને તોડી રહ્યો હતો, કારણ કે વર્ષો બાદ આ શબ્દ સાંભળીને મારી આંખો સામે આસ્થાનો જ ચહેરો આવતો હતો ! બપોરના ભોજન બાદ હું બેગ પેક કરવામાં લાગી ગયો. વિચારતો હતો કે કેટલા દિવસ ત્યાં રહેવાનું થશે અને ત્યારે જ આસ્થાનો મેસેજ આવ્યો, આવે છે ને ? મેં રીપ્લાય આપ્યો, હા ? પણ કેટલા દિવસ રોકાવાનું થશે ? આસ્થાનો રીપ્લાય આવ્યો, લગભગ ચાર કે પાંચ દિવસ ! મેં રીપ્લાય ન આપ્યો ! આસ્થાનો મેસેજ આવ્યો, આવે છે ને ? મેં રીપ્લાય આપ્યો, હા આવું છું !

સાંજના છ વાગ્યે હું અમદાવાદથી જયપુર માટે નીકળ્યો. કારમાં હું વિચારોથી ઘેરાયેલો હતો. રાત્રે આઠ વાગ્યે પાલનપુર પહોંચ્યો ત્યારે જીગીશાનો ફોન આવ્યો, મેં કાર સાઈડમાં ઉભી રાખી અને કહ્યું, હા જીગીશા ! જીગીશાએ કહ્યું, ક્યાં પહોંચ્યા જીજુ ? મેં કહ્યું, પાલનપુરથી નીકળ્યો. જીગીશાએ કહ્યું, એક કામ કરશો ? મેં કહ્યું, હા બોલ ને ? જીગીશાએ કહ્યું, કોમલ આંટી આબુરોડ રહે છે તો એમને લઇને આવશો ? મેં કહ્યું, હા કેમ નહીં ? તું મને એમનો એડ્રેસ મેસેજ કર એટલે હું એમને લઈને આવું ! જીગીશાએ મેસેજ કર્યો, એકવાર તો જીગીશાને કહેવાનો હતો કે મને જીજુ કહીને ન બોલાવ ! પણ એનું મન તોડવાનો મને કોઈ જ ઈરાદો નહોતો. નવ વાગીને વીસ મિનિટ થઈ હતી અને હું આબુરોડ પહોંચ્યો. મેં આંટીને ફોન કર્યો ! હું એમને સારી રીતે ઓળખતો હતો. એમણે કહ્યું, બેટા કબીર, કેમ છે ? તે ડિનર કર્યું કે નહીં ? મેં કહ્યું, ના ! એમણે કહ્યું, તું મારી ઘરે આવ એટલે આપણે ડિનર લઈને નીકળીએ ! હું વિચારવા લાગ્યો અને એમણે કહ્યું, વધારે વિચાર નહીં, તું ઘરે આવ. હું એમના ઘરે પહોંચ્યો, એમણે કહ્યું, આવ કબીર… ડિનર રેડી છે, હાથ-પગ ધોઈને જમવા બેસી જા…! હું અને આંટી જમવા બેઠા અને આંટીએ કહ્યું, બેટા જોબ કેવી ચાલે છે ? મેં કહ્યું, સારી ચાલે છે. હું અને આંટી બન્ને ખૂબ જ ક્લોઝ હતાં, આંટી મને એમના દીકરા જેવો જ માનતા હતાં. આંટીએ કહ્યું, બેટા કબીર, ચિંતા ન કર….બધુ જ ઠીક થઈ જશે ! હું કંઈ જ ન બોલ્યો. મેં આંટીની બેગ કારમાં મૂકી અને જયપુર માટે રવાના થઈ ગયા. હું અને આંટી આખી રાત વાતો કરતાં હતાં અને વહેલી સવારે જયપુર પહોંચ્યા. આંટીએ ઘર જોયેલું હતું એટલે વધારે તકલીફ ન પડી. સાંકડી શેરીઓમાં કાર ચલાવવાનો મને અનુભવ હતો. આંટીએ કહ્યું, જો કબીર, સામેનું ઘર આસ્થાનું છે ! જેમ જેમ ઘર નજીક આવતું હતું, તેમ તેમ મનમાં એક પ્રકારનો ડર ઘર કરતો હતો. મનમાં ઘણા વિચારો હતા અને એમાંથી એક વિચાર એ હતો કે હું આસ્થાની સામે કઈ રીતે જઈશ ! કદાચ આસ્થા પણ આ જ વિચારતી હશે. મેં કારને સાઈડમાં પાર્ક કરી અને ઘરમાં પ્રવેશ કર્યો ! મસ્તીખોર છોકરી જીગીશા જીજુ …જીજુ કરતી બહાર આવી અને મારી સામે આવીને ઉભી રહી. મેં એના માથા પર હાથ મુક્યો અને કહ્યું, કેમ છે જીગીશા ? એણે કહ્યું, બસ તમારી જ રાહ જોતી હતી. પાછળથી એક અવાજ આવ્યો, આંટી આવી ગયા તમે ? એ અવાજ જેમ જેમ મારા કાને પડતો હતો, તેમ તેમ મનમાં એક ગભરામણ થતી હતી ! અને અચાનક મારી સામે આસ્થાનો ચહેરો આવ્યો. મન તો થતું હતું કે બધું જ ભૂલીને એણે બાથમાં લઈ લઉં અને એક નવી જિંદગીની શરૂઆત કરું ! પણ જવાબદારીઓ સાંકળ જેવી હોય છે !

આસ્થા આંટીથી મળી અને પછી મારી આંખોમાં જોઈને બોલી, કેમ છો ? મેં કહ્યું, ઠીક છું ! આસ્થાએ જીગીશાને કહ્યું, જીગી, આંટી અને આમને એમનો રૂમ બતાવી દે ! સીડીઓ ચઢતાં વિચારતો હતો કે આસ્થાને મારું નામ લેવામાં પણ તકલીફ પડતી હશે ? હું જે રૂમમાં હતો એ રૂમ આસ્થાએ જ સજાવ્યો હશે એવું લાગતું હતું. હું અને આસ્થા એકબીજાની સામે હતાં પણ અંતર તો દરિયા જેવું હતું. આખી રાત ડ્રાઈવ કરીને હું થાકી ગયો હતો એટલે આખુ શરીર દુખતું હતું. હું સુઈ ગયો અને જ્યારે આંખ ખુલી ત્યારે બપોરના બાર વાગ્યા હતાં. હું ફ્રેશ થયો અને બાલ્કનીમાં બેઠો. જીગીશનો કોલ આવ્યો, જીજુ જમવાનું રેડી છે ! અમે બધા એક સાથે જમવા બેઠા. આસ્થા મારી સામે બેઠી હતી, એકવાર તો અમે બંને એકબીજાની આંખોમાં જોઈ લીધું. આંટીએ કહ્યું, બેટા કબીર, શોપિંગ માટે આપણે માર્કેટ જવાનું છે ! મેં કહ્યું, સારું તો જમીને જઈએ ! એકવાર તો થયું કે આસ્થાને પૂછી જ લઉં કે આ અંતર શા માટે ? આસ્થાએ કહ્યું, આંટી તમેં શોપિંગ માટે જતાં આવો, હું કંકોત્રી આપવા આજુબાજુના ગામમાં જતી આવું ! આંટીએ કહ્યું, એકલી જઈશ ? આસ્થાએ કહ્યું, હા, તો એમાં શું છે ? આંટીએ કહ્યું, તું આવીશ ત્યાં સુધી રાત થઈ જશે, એટલે તું કબીરને પણ સાથે લઈ જા ! આસ્થા કંઈ જ ન બોલી. આંટીએ મારી સામે જોયું અને કહ્યું, કબીર, આસ્થા સાથે જઈશ ને ? મેં કહ્યું, હા…! ત્યારે આસ્થા ઉભી થઈ અને બોલી, હું કંકોત્રી લઈ લઉં અને તૈયાર થઈ જાઉં છું. આસ્થાએ પરોક્ષ રીતે હા પાડી દીધી હોય એમ લાગતું હતું. આસ્થાએ મારી સામે જોયું અને કહ્યું, હું રેડી છું ! અમે બંને કારમાં બેઠા. મનમાં તો એવું થતું હતું કે આસ્થાને લઈને ક્યાંક દૂર ભાગી જાઉં ! મેં હળવા અવાજે આસ્થાને પૂછ્યું, કયા કયા ગામમાં જવાનું છે ? એણે મને નજીકના ગામની લીસ્ટ આપી ! જયપુરનું ટ્રાફિક પણ અમદાવાદ જેવું જ હતું. એક કલાક બાદ હું અને આસ્થા એક ગામમાં પહોંચ્યા અને ત્યાં જેટલા પણ સંબંધી હતાં તેમને કંકોત્રી આપી. હું અને આસ્થા ત્રણ ગામમાં ગયા પણ એણે મારી સાથે વાત જ ન કરી. કદાચ એ પણ એજ વિચારતી હશે જે હું વિચારું છું !

સાંજના સાત વાગ્યા અને અમે છેલ્લા ગામમાં હતાં અને પાછા ફરતી વખતે રસ્તામાં મેં એક હોટેલ જોઈ અને મેં ધીમા અવાજે કહ્યું, ભૂખ લાગી છે ? સામે એક હોટેલ છે ! આસ્થાએ કહ્યું, આગળ એક સારી હોટેલ છે ! મારો ચહેરો તાજા ગુલાબની માફક ખીલી ઉઠ્યો ! આસ્થા બોલી, આગળથી રાઈટ સાઈડમાં હોટેલ છે. મેં રેસ્ટોરન્ટના પાર્કિંગમાં કાર પાર્ક કરી. આસ્થા અને હું નીચે ઉતર્યા. એ આજુબાજુ આંટા મારતી હતી અને મારી સામે જોઇને બોલી, વોશરૂમ ક્યાં છે ? મેં ત્યાં એક માણસને પૂછ્યું, સ્ક્યુઝમી, વેર ઇઝ વોશરૂમ ? એણે કહ્યું, વહા સામને હી હૈ ! મેં આસ્થાને કહ્યું, સામે જ છે ! અમે ફ્રેશ થઈને જમવા બેઠા અને મેં કહ્યું, આસ્થા, ઓર્ડર આપ ! એણે કહ્યું, તું જ આપને ! મેં ઓર્ડર આપ્યો, મને ખબર હતી કે આસ્થાને શું ભાવે છે. આસ્થાએ કહ્યું, શું કરે છે આજકાલ ? મનમાં તો અફસોસ નામનો શબ્દ જ હતો. મેં કહ્યું, બસ જોબ કરું છું ! એણે પૂછ્યું, કંઈ જગ્યાએ ? મેં કહ્યું, પેલા હતો ને ત્યાં જ ! એણે કહ્યું, બાજુમાં ભગતકાકા કેમ છે ? મેં કહ્યું, એમનું ગયા વર્ષે જ અવસાન થયું. એ બોલી, કઈ રીતે ? મે કહ્યું, એમની બંને કિડની ફેઈલ થઈ ગઈ હતી. આસ્થા થોડીક ઉદાસ થઈ ગઈ. મેં અને આસ્થાએ ડિનર શરું કર્યું. જમવાના સમયે આસ્થા કંઈ જ બોલતી. જમતાં જમતાં આસ્થાને ઉધરસ આવવા લાગી અને મેં મારી હાથે આસ્થાને પાણી પીવડાવ્યું ! આસ્થા મારી આંખોમાં જ જોઈ રહી હતી. મને ખબર હતી કે એ પહેલાની વાતો યાદ કરી રહી હતી. જ્યારે પણ આસ્થાને ઉધરસ આવતી ત્યારે હું એને મારા હાથે જ પાણી પીવડાવતો ! અમે બંને જમીને બહાર ઉભા હતાં અને મેં બે બનારસી પાન લીધા અને એક આસ્થાને આપ્યું. એ બોલી, થેન્ક્સ ! મન તો કરતું હતું કે આસ્થા સાથે આમ જ જિંદગીભર રહું, પણ સમય ઘણો આગળ ચાલવા લાગ્યો હતો.

અમે ઘરે પહોંચ્યા અને ઘરે બધા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતાં. મારા મનમાં વિચારોનો પ્રવાહ વિશાળ ગતિએ ચાલી રહ્યો હતો અને ત્યારે મેં આસ્થાને મેસેજ કર્યો, થોડીક વાત કરવી છે, ફ્રી હોય તો ટેરેસ પર આવજે ! હું ટેરેસ પર ઉભો હતો અને આસ્થા મારી માટે દુધ લઈને આવી. ત્યાં એક હીંચકો હતો તેના પર અમે બેઠાં ! મેં કહ્યું, સમય પણ કેવો છે ને ! એ કંઈ જ ન બોલી. રાતના બાર વાગ્યા હતાં અને ચાંદની રાત હતી. હું આસ્થાની નજીક ગયો અને એના ખભે હાથ મુક્યો અને કહ્યું, હજુ પણ નારાઝ છે ? એણે કહ્યું, તમને શું ખબર ? મારા હાથ માંથી દૂધનો ગ્લાસ નીચે પડી ગયો અને લેવા ઉભો થયો અને ત્યાં તો મારો પગ લપસી ગયો. આસ્થા ડરી ગઈ. એણે મને ઉભો કર્યો અને હિંચકા પર બેસાડ્યો. મારો પગ મચકાઈ ગયો હતો અને આસ્થાની આંખ ભરેલી હતી. આસ્થા બોલી, પ્લીઝ મારી માટે તો તારું ધ્યાન રાખ ! મેં એનો હાથ પકડ્યો.આસ્થા ઊભી થઈ અને મારી માટે ઓશીકું લાવી અને મારા પગમાં પાટો પણ બાંધ્યો. એ નીચે જતી હતી ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, પ્લીઝ….! આસ્થાએ કહ્યું, તારી માટે ચાદર લેવા જાઉં છું. આસ્થા મારી માટે ચાદર લઈને આવી અને મારી બાજુમાં બેઠી. મેં કહ્યું, હજુ પ્રેમ કરે છે ? એણે કહ્યું, વચન તો જિંદગીભર સાથ દેવાનું કર્યું છે ! હું કંઈ જ ન બોલ્યો. એણે મારા માથા પર હાથ મુક્યો અને કહ્યું, જિંદગીભર પ્રેમ તો તને જ કરીશ ! મેં કહ્યું, તો આ અંતર શા માટે ? એણે કહ્યું, સમયને કોણ રોકી શકે ! આસ્થા અને હું આમ વાતો કરતાં રહ્યા અને એણે કહ્યું, કબીર સવારના છ વાગ્યા ! મેં કહ્યું, હા…! હું ઉભો થવાનો પ્રયાસ કરતો હતો પણ ઉભો ન થઈ શક્યો ! આસ્થાએ મારો હાથ પકડ્યો અને મને મારા રૂમ સુધી મુકવા આવી !

સવારના નવ વાગ્યે, જ્યારે બધા લગ્નની તૈયારી કરતાં હતાં ત્યારે હું તૈયાર થઈને નીચે પહોંચ્યો ! હું સોફા પર બેઠો હતો ત્યારે આસ્થા આવી અને કહ્યું, પગ કેવો છે ? મેં કહ્યું, સારો છે ! આંટીને મેં બધી વાત કરી અને આંટીએ આસ્થાને બોલાવી. આંટીએ આસ્થાને કહ્યું, કબીર સાથે લગ્ન કરીશ ? હું અને આસ્થા એકબીજાને જોતાં હતા અને આસ્થાએ કહ્યું, પણ મારી પાસે નવી ચણિયાચોળી નથી ! બધા હસવા લાગ્યા અને મેં આસ્થાનો હાથ પકડીને પ્રપોઝ કર્યું ! આમ બધા જ ખુશ થઈ ગયા અને મારા જીવનમાં આસ્થાનો ફરી સંચાર થયો !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર