ખુબ લડી મર્દાની….સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે છેક છેડે આવીને હારી ભારતીય મહિલા ટીમ, એક રનઆઉટના કારણે તૂટ્યું ટીમ ઇન્ડિયાની સિંહણોનું સપનું.. જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયા સામે ફક્ત 5 રને હારી ભારતીય મહિલા ટીમ, હાર બાદ ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી ખેલાડીઓ, વર્લ્ડકપની આશાઓ પર ફેરવાયું પાણી…

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જ્યાં એક તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે, તો બીજી તરફ ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને સેમી ફાઇનલ સુધી પણ પહોંચી ગઈ હતી. પરંતુ ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમને 5 રને હારનો સામનો કરવો પડ્યો અને વર્લ્ડ કપ જીતવાનું સપનું અધૂરું રહી ગયું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની નબળી ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની હતી. ટીમ ઈન્ડિયા મેગ લેનિંગ અને બેથ મૂનીના આસાન કેચ ચૂકી ગઈ. પરિણામ એ આવ્યું કે મૂની અને લેનિંગે મોટી ઇનિંગ્સ રમી. મૂનીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય લેનિંગે કેપ્ટનશિપની ઇનિંગ રમતા 34 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે 18 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી.

જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવી શકી હતી. એક સમયે ભારતે 14 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 124 રન બનાવી લીધા હતા. ત્યારે ટીમ ઈન્ડિયાને 36 બોલમાં 49 રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. કેપ્ટન હરમનપ્રીત કૌર 30 બોલમાં 43 રન અને રિચા ઘોષે 14 રન બનાવ્યા બાદ ક્રિઝ પર હતી.

આ પછી હરમનપ્રીતે આગલી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી અને તે જ ઓવરમાં વિચિત્ર રીતે રનઆઉટ થઈ ગઈ. જે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. એક રન લીધા બાદ તે બીજો રન લેતી વખતે બેટને ક્રિઝની અંદર રાખવાનું ભૂલી ગઈ હતી. તે 34 બોલમાં 52 રન બનાવી શકી હતી. હરમનપ્રીત આઉટ થતાંની સાથે જ રિચા પણ ખરાબ શોટ રમીને આગલી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

19મી ઓવરમાં સ્નેહ રાણા આઉટ થતાં ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ત્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવ ક્રિઝ પર હતા. જો કે ટીમ ઈન્ડિયા માત્ર 10 રન જ બનાવી શકી અને પાંચ રનથી મેચ હારી ગઈ. આ હાર બાદ ભારતીય ટીમની મહિલા ખેલાડીઓની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા. તમામ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

Niraj Patel