શિયાળાની ઠંડીનો ચમકારો હવે શરૂ થઇ ગયો છે ત્યારે ઠંડીથી બચવા માટે આપણે કેટ કેટલા ઉપોયો કરીએ છે, આ દરમિયાન ખાસ ગરમ પીણાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, અને એમાં પણ ચા એટલે આપણા જીવનનો એક ભાગ જ સમજી લો. ઘણા લોકોની સવાર ચા સાથે જ શરૂ થાય છે તો આજ અમે તમને એક એવા ખાસ મસાલો બનાવવાની રીત જણાવીશું જેના દ્વારા તમારી ચા સ્વાદિષ્ટ પણ બનશે, સાથે તમારા શરીરમાં ગરમાવો પણ લાવી દેશે. વળી, આ મસાલો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે જેના કારણે તમે શિયાળામાં બીમારીઓથી પણ દૂર રહી શકશો.

ચાનો મસાલો બનાવવાની સામગ્રી:
- અડધી વાટકી સૂંઠ
- દાલચીની ના 5-6 ટુકડા
- એક મોટી ચમચી નાની ઈલાયચી
- એક મોટી ઈલાયચી
- એક ચમચી લવિંગ
- અડધી ચમચી કાળા મરી
- એક ચપટી જાયફળનો પાવડર
- અડધી ચમચી વરિયાળી (જો ઈચ્છો તો)

ચાનો મસાલો બનાવવાની રીત:
- સૌથી પહેલા સુંઠને મિક્સરમાં બરાબર પીસી લેવી અને ત્યારબાદ તેને એક વાટકીમાં અલગ રાખી લીએવી.
- ગેસ ઉપર ધીમી આંચ કરી અને એક પેનની અંદર લવિંગ, કાળા મરી, ઈલાયચી અને દાલચીની નાખીને થોડા શેકી લેવા.
- મસાલાને ઠંડા કર્યા બાદ મિક્સરમાં પીસી પાવડર બનાવી લેવો.
- હવે આ પાવડરની અંદર દળેલી સૂંઠ અને જાયફળ પાવડર નાખીને થોડીવાર માટે બીજીવાર પીસી લેવા.
- તૈયાર છે તમારો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક ચાનો મસાલો.
- આ મસાલાને તમે બોટલમાં ભરી અને રાખી શકો છો.