ઉનાળો શરુ થઇ ગયો છે અને રાજ્યમાં હિટવેવની આગાહીઓ થયા કરે છે. હવે તો એવી હાલત છે કે સવારે પણ ઘરની બહાર નીકળીએ તો 10 વાગ્યા સુધીમાં તો દિવસ એવો તપી ગયો હોય છે કે ખૂબ જ તડકો લાગે છે. સુરજ આથમ્યા પછી પણ મોડે સુધી ગરમ હવા જ લાગતી હોય છે. ત્યારે આવા ગરમ વાતાવરણમાં લોકો હિટ વેવ (લૂ) ના શિકાર જલ્દી થઇ જતા હોય છે. આ ગરમીમાં ગળું પણ જલ્દી સુકાઈ જતું હોય છે અને લૂ લાગવાની શક્યતા પણ વધી જાય છે, માટે આ વાતાવરણમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

હિટ વેવના લક્ષણો –
સામાન્ય રીતે મેડિકલ સાયન્સની ભાષામાં હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી એટલે દર્દીના શરીરનું તાપમાન 104 ફેરનહિત કરતા વધી જાય ત્યારે લૂ લાગી છે એમ કહેવાય. હિટ સ્ટ્રોકને ઓળખવાના જુદા-જુદા લક્ષણો છે, જેના પરથી જાણી શકાય છે કે વ્યક્તિને લૂ લાગી છે. જેમ કે માથું દુખવું, ખૂબ જ તરસ લાગવી, શરીરનું તાપમાન વધી જવું, હૃદયના ધબકારા અનિયમિત થવા, પગની પાનીઓમાં દુખાવો થવો, ચક્કર આવવા, ઉલ્ટી-ઉબકા થવા, શરીરમાં નબળાઈ, બેભાન થવું, સારી લાલ થવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે હિટ સ્ટ્રોકના લક્ષણો છે.

હિટ વેવથી બચવાના ઉપાય –
- શક્ય હોય ત્યાં સુધી ભર ગરમીમાં ઘરની બહાર જવાનું ટાળો. ઘરની બહાર જતી વખતે શરીરને પૂરેપૂરું ઢાંકો, અને ચશ્મા, ટોપી અને છત્રીનો ઉપયોગ કરો.
- ઓછા વજનવાળા અને હળવા કપડાં પહેરો, શક્ય હોય તો આછા રંગના અને કોટનના કપડાં જ પહેરો. જો બની શકે તો સફેદ કપડા જ પહેરીને બહાર નીકળો, જેથી ગરમી ઓછી લાગશે.
- બહાર જતા પહેલા પાણી કે જ્યુસ પીવાનું રાખો. સાથે પાણી લઇ જવાનું રાખો અને તરસ લાગે કે નહિ, પણ થોડી-થોડી વારે પાણી પીવો. દિવસ દરમ્યાન ઠંડુ પાણી, છાશ, લીંબુ શરબત, શેરડીનો રસ વગેરે પીવાનું રાખો. બને ત્યાં સુધી ચા-કોફી જેવા ગરમ પીણાંનું સેવન ઓછું કરો.
- ઉનાળામાં બહારનું જમવાનું ટાળો, લગ્ન કે આવા બીજા પ્રસંગોએ દૂધ અને માવાની વાનગીઓ ન ખાઓ. દિવસના સમયે ખાલી પેટ બહાર ન નીકળો. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જરૂરી છે. શરીરમાં પાણીની કમી ન થવા દો. બની શકે તો રોજિંદા આહારમાં કાચી ડુંગળી ખાવાનું રાખો.
- ઘર અને ઓફિસમાં ઠંડક રાખો. ગરમીવાળા સ્થળ પર જવાનું ટાળો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ તડકામાં જવાનું ટાળવું જોઈએ અને તેમની વિશેષ કાળજી રાખવી જોઈએ. ઘરના બ્લડપ્રેશર, હૃદયરોગ અને ડાયાબિટીસના દર્દીઓનું ખાસ ધ્યાન રાખો. બાળકોને બંધ વાહનોમાં ન બેસાડી રાખવા.
- ગરમીમાંથી ઘરે આવીને શરીરનું તાપમાન સામાન્ય થાય એ પછી જ નાહવા જવું. તડકામાં આઉટડોર સ્પોર્ટ્સ રમવાનું ટાળો, અને જો રમવું પડે તો વચ્ચે વચ્ચે આરામ કરો, અને પાણી, લીંબુ શરબત કે ઓઆરએસ પીતાં રહો.

લૂ લાગે તો –
- સૌથી પહેલા તો લૂ લાગવાથી બચવાના પ્રયાસો કરવા, પણ જો લૂ લાગી ગઈ છે, તો લૂમાં રામબાણ ઈલાજ તરીકે જાણીતું કાચી કેરીનું શરબત પીવો. કાચી કેરીનો લેપ બનાવીને પગના તળિયા પર માલિશ કરો. જલ્દી પછી જાય એવું હળવું ભોજન કરો. માંસ, માછલી અને દારૂથી દૂર રહો. ફળોનું સેવન વધુ કરો.
- ડુંગળીનું સેવન કરો અને ડુંગળીનો રસ પણ લાભકારી હોય છે. ડુંગળીને ખિસ્સામાં પણ રાખી શકાય છે. આમ કરવાથી ફાયદો થાય છે.
- તરબૂચ, કાકડીનું સેવન વધુ કરવું જોઈએ અને તેનો રસ પણ પી શકાય છે. પ્રવાહી પદાર્થની ભોજનમાં માત્રા વધારો. ગ્લોકોઝ પીવો, ગોળ ખાઓ. ઓઆરએસ પીવો કે લીંબુનો શરબત પણ પી શકાય.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks