ખબર

આ રીતે તમે પણ કરી શકો છો હોળીના દિવસે વરસાદની સચોટ આગાહી! વાંચો શું છે રહસ્ય?

આપણા વડવેરાઓ ઉત્તરાયણ, હોળી અને અખાત્રીજના તહેવારો સમયે જ આવતું ચોમાસું કેવું હશે તેની આગાહી કરી નાખતા. અને આશ્વર્ય એ વાતનું કે આ આગાહીઓ મોટેભાગે સાચી જ પડતી! વરસાદ કેવો થશે, કેટલો થશે એની ગણના કરતી વખતે આપણા પૂર્વજો શેનો સંદર્ભ લેતા? હોળીની જ્વાળા(ધૂમાડો) જોઈને એમને કઈ રીતે ખબર પડી જતી કે ચોમાસું કેવું થશે? અહીં એ બાબતનો વિસ્તૃત અને રોચક ખુલાસો આપ્યો છે:

હોલિકા દહનથી નક્કી થતો વરસાદનો વરતારો:

સૂર્યાસ્ત પછી હોળી પ્રગટે એટલે પવનની દિશા ખાસ જોવામાં આવે છે. જે બાજુનો પવન હોય એની સામી બાજુ હોળીની જ્વાળા જતી હોય છે. કઈ દિશાનો પવન છે એ બાબતનું ખાસ મહત્ત્વ રહેતું. એ પછી વરસાદનો વરતારો(આગાહી) નીકળતો. જેમાં અલગ-અલગ સંદર્ભો લેવામાં આવતા, પણ સૌથી પ્રખ્યાત ‘ભડલીવાક્ય’ છે. ભડલી નામની એક કવિયત્રીએ વર્ષો પહેલાં જોડકણાં જેવાં વાક્યો લખીને વરસાદની આગાહીઓ કરી છે. હોળી માટે ભડલી શું કહે છે એ અહીં જોઈશું.

ભડલી કહે છે કે :

હોળી દિન કરો વિચાર,
શુભ અને અશુભ ફળસાર.

પશ્વિમનો વાયુ જો વાય
સમય એ જ સારો કહેવાય!

[ એટલે કે, હોળીનું દહન થતું હોય એ વખતે પશ્વિમ દિશાનો પવન હોય તો એનાથી ઉત્તમ સમય બીજો એકેય નહી! એવું માનીને જ ચાલવાનું કે આ વખતનું ચોમાસું ‘સોળ આની’ છે. ]

વાયુ જો પૂરવનો વાય;
કોરોને કંઈ ભીનો જાય!

દક્ષિણ વાયુ ધનનો નાશ;
એ સમય ન ઉપજે ખાસ!

[ જો પવન પૂર્વ દિશાનો હોય તો ઠીક-ઠીક વરસાદ થાય. ખંડવૃષ્ટિ થાય. એકંદરે વર્ષ સારું જ જાય. વાંધો ન આવે. પણ જો દક્ષિણ દિશાનો પવન હોય તો ભડલી કહે છે, કે નાહી નાખજો! એમાં કંઈ ઉકળવાનું છે નહી. ]

ઉત્તરનો વાયુ બહુ હોય;
પૃથ્વી પર પાણી બહુ જોય!

જો વંટોળો ચારે વાય;
પ્રજા દુ:ખમાં ઝૂરે રાય!

[ ઉત્તર દિશાનો પવન હોય તો પાણીની અછત વર્તાવા માંડશે. અર્થાત્ વરસાદ પૂરતો નહી થાય. હોલીકા દહન વખતે ઘડીક આ બાજુ, ઘડીક પેલી બાજુ એમ ચારેકોરનો પવન વાતો હોય તો એ આફતનાં એંધાણ છે. પ્રજા પર આફત આવી પડશે અને રાજા એનું દુ:ખ જોઈ નહી શકે! ]

જો વાયુ આકાશે જાય;
પૃથ્વી રણસંગ્રામ બતાવ!

ફાગણની પૂનમને દિન;
હોળી સમયે પારખ કીન!

[ એકેય દિશાનો પવન જ ન હોય અને હોળીની જ્વાળા જો સીધી ઉપર જાય તો ધરતી પર હુલ્લડો ફાટી નીકળે, યુદ્ધો થાય. આમ, ફાગણ મહિનાની પૂનમના દિવસે માણસો વરતારા કાઢે છે! ]

માહિતી રસપ્રદ લાગી હોય તો આપના મિત્રોને પણ શેર કરજો અને કમેન્ટમાં તમારો પ્રતિભાવ પણ આપજો, ધન્યવાદ!