આંતરરાષ્ટ્રીય પીડીએફએ ડેરી એક્સ્પો-2019ના ત્રીજા દિવસે થયેલી ભેંસના દૂધની દોહવાની સ્પર્ધામાં સરસ્વતીએ 32.66 કિલો દૂધ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હરિયાણાના હિસારની મુર્રાહ જાતિના ભેંસ સરસ્વતીએ દૂધ ઉત્પાદનમાં પાકિસ્તાનના ફૈસલાબાદના ચૌધરી હજઉમ્રનાજીની ભેંસનો 32.50 કિલો દૂધ આપવાનો વર્લ્ડ રેકોર્ડ તોડીને એક નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હિસારના લતાની ગામના રહેવાસી સુખવીર ઢાંડાએ જણાવ્યું હતું કે તેની ભેંસ સરસ્વતી દરરોજ 32.66 કિલો દૂધ આપે છે.

દરરોજ 32.66 કિલો દૂધ આપીને નવો રેકોર્ડ સ્થાપિત કરનારી ભેંસ સરસ્વતીના માલિક સુખવીર ઢાંડાએ કહ્યું કે, ‘આ માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે કે સરસ્વતીએ એક જ દિવસમાં મહત્તમ દૂધ આપવાનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.’
આ વાતનો શ્રેય પોતાની માતાને આપતા સુખવીર જણાવે છે કે ‘આનો શ્રેય મારી માતા કૈલો દેવીને જાય છે, જે તેની સારી સંભાળ રાખે છે. આ ભેંસની સંભાળ તેમનો આખો પરિવાર પોતાના પરિવારના સભ્યની જેમ જ રાખે છે. સરસ્વતીના ખોરાકમાં રોજ પશુ ચારા સિવાય ચણા અને અન્ય તાકાતવર વસ્તુઓ પણ સામેલ કરવામાં આવે છે. અમે સતત તેનું નિરીક્ષણ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે તેને શ્રેષ્ઠ ચારો મળે.’

સુખવીર ઢાંડાએ આ પહેલાની સ્પર્ધાઓ વિશે જણાવતા કહ્યું હતું કે સરસ્વતીએ ગયા વર્ષે પણ અહીં 29.31 કિલો દૂધ આપીને પહેલું ઇનામ જીત્યું હતું. આ સિવાય તે હિસારના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બફેલો રિસર્ચના એક પ્રોગ્રામમાં પણ 28.7 કિલો દૂધ આપીને અવ્વલ રહી હતી. માત્ર આટલું જ નહિ, પણ હરિયાણા પશુધન વિકાસ બોર્ડના એક પ્રોગ્રામમાં પણ તેને 28.8 કિલો દૂધ આપીને સ્પર્ધા જીતી હતી.

સુખવીર ઢાંડા કહે છે કે ‘ઘણા લોકોએ સરસ્વતી ખરીદવા માટે મારો સંપર્ક કર્યો. કેટલાકએ તો મને 51 લાખ રૂપિયા સુધીની ઓફર કરી, પરંતુ મેં ના પાડી. હું સરસ્વતીને મારાથી દૂર કરી શકતો નથી. અમે હાલમાં જ તેનું એક વાછરડું તામિલનાડુના એક માણસને 4.5 લાખ રૂપિયામાં વેચ્યું છે. આ સિવાય અમારી પાસે બીજી બે ભેંસ ગંગા અને જમુના પણ છે.’ દરમિયાન પરિણામ જાહેર થયા બાદ વિજેતા સરસ્વતીને જોવા પશુપ્રેમીઓનું ટોળું ઉમટ્યું હતું.

પીડીએફએનો આંતરરાષ્ટ્રીય ડેરી અને એગ્રી એક્સ્પો વિશ્વભરમાં ભેંસ, ગાય અને વાછરડા માટેની મોટી સ્પર્ધા તરીકે પ્રખ્યાત છે. આ એક્સ્પો દરમિયાન 20 હરીફાઈ યોજવામાં આવી હતી. પીડીએફએના પ્રમુખનું કહેવું છે કે ‘અમને ખુશી છે કે અમારા એક્સ્પોમાં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.