અજબગજબ કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

રામને રાત્રે દેખાતા એ પડછાયામાંથી મુક્તિ આપનાર દેવી હિંગળાજ હતાં, વાંચો “હિંગળાજ પરિચય”

રાવણને મારી, લંકાનું રાજ વિભીષણને સોંપી અને સીતાજી સહિત ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા અને ફરીવાર અયોધ્યાની ગાદી સંભાળી. ચોતરફ જયજયકાર વ્યાપી રહ્યો. પણ હવે એક રહસ્યમયી ઘટના બનવી શરૂ થઈ. રોજ રાત્રે સૂતી વખતે રામને એવો આભાસ થતો કે પોતાના ઓરડામાં કોઈ આંટા મારી રહ્યું છે!

Image Source

આવો આભાસ એક દિવસ પૂરતો નહોતો. દિવસ આખો રાજકાજમાં રચ્યા રહેતા પ્રભુ શ્રીરામ રાત્રે પથારીવશ થાય અટલે આ પડછાયો દેખાવો શરૂ થઈ જતો! રામને સમજ ન પડતી આ થઈ શું રહ્યું છે? એક દિવસ કુલગુરૂ વશિષ્ઠ મુનિને તેમણે પોતાની મૂંઝવણ કહી.

વશિષ્ઠ મુનિએ જણાવ્યું, “રામ! રાવણને મારીને તારી માથે બ્રહ્મહત્યાનું પાતક ચડ્યું છે.”

ક્ષત્રિય માટે તો ‘ગૌ-બ્રાહ્મણપ્રતિપાલ’નો મુદ્રાલેખ જ ધર્મ હોય છે. રાવણે જે કૂડું કામ કર્યું હતું તેના માટે રામે એની સાથે વાટોઘાટો કરવાનો પણ પ્રયત્ન તો કર્યો જ હતો. જો કે, રાવણ એ રીતે ના માન્યો એટલે ના છૂટકે યુધ્ધ કરવું પડ્યું અને રાવણને હણવો પડ્યો. રાવણ બ્રાહ્મણ હતો, પુલસ્ત્ય મુનિનો પુત્ર હતો. માટે રામ પર બ્રહ્મહત્યાનું પાતક હતું.

Image Source

“એમાંથી ઉગરવાનો કોઈ ઉપાય, મુનિવર્ય?” રામે પૂછ્યું.

“હા, મહામાયા હિંગળાજમાતાની પગપાળા યાત્રા કરવાથી તારે માથેનું આ પાતક ધોવાઈ જશે.”

રામે હિંગળાજ માતાની પદયાત્રા આરંભી. અલફી પતર અને ખભે કાવડ નાખીને તેઓ ચાલી પડ્યા. હિંગળાજ માતાની આ શક્તિપીઠ તો આવી છેક આજના પાકિસ્તાનમાં આવેલ બલૂચિસ્તાનના પ્રાંતમાં! પ્રભુ શ્રીરામે હિંગોળ નદીને કાંઠે આવેલ હિંગળાજ માતાની પરમ પવિત્ર શક્તિપીઠનાં દર્શન કર્યાં. ભઠ્ઠી ગુફામાં માતાજીને શીશ નમાવીને તેઓ પાછા આવ્યા અને એ સાથે જ બ્રહ્મહત્યાનું પાતક તેમનાં માથેથી ટળી ગયું!

સિંધ-બલૂચિસ્તાનની સરહદે બેઠેલી કુળદેવી હિંગળાજને મનુષ્યના કર્મદોષનો નાશ કરનાર માનવામાં આવે છે. એથી જ તો વશિષ્ઠ મુનિએ પણ રામને હિંગળાજ માતાનાં દર્શન કરવાનું સુચવ્યું હતું. માતાજીનાં મંદિર આજે પણ શ્રધ્ધાળુઓ એટલા જ ભક્તિભાવથી જાય છે, ગુફામાં દર્શન કરે છે અને માતાની કૃપા મેળવવાનો પરમાનંદ પ્રાપ્ત કરે છે.

Image Source

જ્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં હવનમાં સતીએ પોતાના દેહને હોમી દીધો હતો અને આ બનાવની જાણથી ક્રોધિષ્ટ શંભૂ ધૂર્જટિ સતીના દેહને લઈને તાંડવ કરવા લાગેલા, ત્યારે સમગ્ર દેવગણની વિનંતીથી ભગવાન વિષ્ણુએ છોડેલાં સુદર્શન ચક્રથી સતીના દેહના ૫૧ ટુકડાઓ થયેલા. એ જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની રચના થઈ. સતીનું માથું બલૂચિસ્તાનમાં પડ્યું હતું એટલે અહીં હિંગળાજ માતાની શક્તિપીઠ બની.

રામે દાટેલ અલફી પતર અને કાવડ કોને મળ્યાં?

ભગવાન શ્રીરામ હિંગળાજપીઠની પોતાની વળતી યાત્રામાં કચ્છનાં નારાયણ સરોવર ખાતે આવેલા. નારાયણ સરોવર હિંદુઓનાં પાંચ પવિત્ર સરોવરમાનું એક છે. અહીં રામે સ્નાન કર્યું હતું. ત્યારબાદ અલફી પતર અને કાવડ જમીનમાં દાટી દીધેલાં.

છેક આ કળીકાળમાં એ અલફી પતર અને કાવડ કચ્છના પ્રસિધ્ધ સંત દાદા મેકરણને મળ્યાં હતાં! આ પછી એમણે માનવસેવાનો ભેખ લીધો. કચ્છના કાળઝાળ રણમાં ભટકેલા અનેક મુસાફરોના જીવ બચાવ્યા. આજે પણ કચ્છના લોકો દાદા મેકરણનાં નામે માથું ઝૂકાવે છે. ગુજરાતના શ્રેષ્ઠ સંતપુરુષોમાં સંત મેકરણનું નામ જરૂર લેવામાં આવે છે. (‘સંત મેકણ’ કે ‘મેકણ કાપડી’ તરીકે પણ તેઓ ઓળખાતા.)

Image Source

આમ, સંત મેકરણ અને પ્રભુશ્રી રામ પર માતાજીએ પોતાની કૃપા વરસાવેલી. આજે પણ પાકિસ્તાનમાં આવેલ તેમના શક્તિસ્થાને જઈને જે પણ ભાવિક પોતાનાં દોષકર્મોથી પશ્વાતાપ પામીને દર્શને જાય તો શક્તિની કૃપા અવશ્ય વરસે જ છે.

હિંગળાજ માતા વિશે વધારે માહિતી આગળના લેખમાં આપીશું. આ માહિતી માટેનો મૂળાધાર/સંદર્ભસ્ત્રોત હરિલાલ ઉપાધ્યાય દ્વારા લખાયેલ ‘શક્તિ પરિચય’ પુસ્તક છે. આપને આર્ટિકલ પસંદ પડ્યો હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો જરૂરથી આની લીંક આપના મિત્રો સાથે પણ શેર કરી દેજો. કમેન્ટમાં આપનો પ્રતિભાવ આપવાનું ચૂકતા નહી. ધન્યવાદ!

ભાગ -2 વાંચવા માટે અહીં ક્લિક કરો – ભાગ 2
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.