દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રસિદ્ધ લવ-સ્ટોરી લેખકની કલમે

“હેશટેગ લવ” ભાગ-૨૦ – રહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની

જુના ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો >>  All Parts

“હેશટેગ લવ” ભાગ-૨૦

હોસ્ટેલના પગથિયાં ચઢતાં મારા પગ સુસ્મિતાની યાદના કારણે અટક્યા. ક્ષણવાર માટે હું ત્યાંજ થંભી ગઈ. મારે રૂમ સુધી પહોંચવું હતું પણ કોણ જાણે કેમ હું ઉપર ચઢી જ ના શકી. પગથિયામાં જ ફસડાઈને બેસી ગઈ. શોભના અને મેઘનાનો આવવાનો સમય થઈ જ ગયો હતો. છતાં પણ હું રૂમ તરફ ના જઈ શકી. રૂમમાં એકલા જવાનો ડર હતો કે સુસ્મિતા વિના એકલા રૂમમાં તેના વિચારો મને ઝંપવા દે એમ નહોતા. એવું કંઈ સમજાઈ રહ્યું નહોતું. પણ હું પગથિયાં ઉપર જ બેસી રહી. સાંજનો સમય હતો. બધી છોકરીઓ પોતાના રૂમમાં બેઠી હતી. શોભના અને મેઘના આવ્યા. મને દાદર ઉપર બેઠેલી જોઈ બન્ને ઉતાવળા મારી પાસે આવ્યા અને એ પણ ત્યાં જ બેસી ગયા. શોભનાએ મારા મોઢાને પોતાના હાથમાં લઈ પૂછ્યું : “શું થયું કાવ્યા ? કેમ તું અહીંયા બેઠી છું ?”

હું કઈ બોલી ના શકી, પણ મારી આંખમાંથી વહેતા આંસુ મારો જવાબ આપી રહ્યાં હતાં. રડતાં રડતાં જ હું શોભનાને વળગી ગઈ. તે સમજી ગઈ હતી કે સુસ્મિતાની યાદ આવવાના કારણે હું અત્યારે આ હાલતમાં હતી. મને સમજાવી શોભના અને મેઘના રૂમમાં લઇ આવ્યા. પાણી આપ્યું. થોડી વાતો કરી. મને પણ સારું લાગ્યું. જમવા જવાની ઈચ્છા ના હોવા છતાં પણ શોભના પરાણે જમવા લઈ ગઈ. રાત્રે બેસીને ઘણી સમજણ એને મને અને મેઘનાને આપી. રૂમની અંદર શોભના એક વડીલની જેમ અમને સલાહ સુચન આપી રહી હતી. શોભનાની વાતો સાંભળી રાત્રે ઊંઘ પણ સરસ આવી ગઈ.

Image Source

બીજા દિવસથી તૈયાર થઈ કૉલેજ જવા માટે નીકળી. મેઘના પણ સાથે જ આવતી. છૂટવાના સમયે પણ મેઘના મારી રાહ જોઇને ગેટ પાસે ઊભી રહેતી. અજય કૉલેજની બહાર આવતો. પણ એને માત્ર હળવું સ્મિત આપી મેઘના સાથે રૂમ પર આવી જતી. રૂમમાં એકલા સમય જતો નહોતો. ક્યારેક ડાયરી લખતી તો ક્યારેક બીજા રૂમની છોકરીઓ સાથે જઈને બેસતી. શોભના જાણતી હતી કે હું આખો દિવસ એકલા રૂમ ઉપર નહિ રહી શકું તેથી તેને મને પણ સુસ્મિતાની ખાલી પડેલી જગ્યા ઉપર નોકરી આવવા માટે કહ્યું. પણ મેં નોકરી આવવાની ના જ કહી. તેને મને વધુ દબાણ પણ ના આપ્યું. છતાં મેં એને કહ્યું : “જ્યારે મને લાગશે કે હવે એકલા નથી રહેવાતું ત્યારે હું તારી સાથે નોકરી શરૂ કરીશ.”

વાંચવામાં અને બીજા રૂમની છોકરીઓ સાથે વાતો કરવામાં સમય તો વીતી જતો. ક્યારેક ક્યારેક અજય વિશેના વિચારો પણ મનમાં આવી જતા. છતાં હું મારા મન ઉપર કાબુ કરી લેતી. મનમાં એમ પણ થતું કે “મારા આવા વર્તનથી અજય નારાજ થઈ જશે અને સંબંધ તોડી નાખશે તો ?” પણ પછી મારી જાતે જ નક્કી કરી લેતી કે “જો અજય મને આ સમયમાં સાથ આપશે તો જ એનો પ્રેમ સાચો હશે. નહિ તો એ પણ વિવેકની જેમ જ મારા શરીર સાથે જ પ્રેમ કરતો હશે.”

અજય રોજ કૉલેજની બહાર ઉભો રહેતો. પણ હું એને એક હળવા સ્મિત સિવાય કંઈ નહોતી આપતી. એ પણ મને હાસ્ય આપી હું જ્યાં સુધી દેખાઉં ત્યાં સુધી મને જોયા કરતો. ઘણીવાર મેં પાછું વળીને જોયું. તો એ દૂરથી મને જ જોઈ રહેતો.

દિવસો વીતતાં ગયા. હું હવે ભણવામાં પણ ધ્યાન આપવા લાગી હતી. અજયને મહિનામાં એકાદ વખત મળી પણ લેતી. તેની બધી જ ઈચ્છાઓ પૂરી પણ કરતી. અને એ પણ હવે મને સમજવા લાગ્યો હતો. મારા ના મળવા ઉપર પણ એ વિરોધ કરતો નહોતો. મને હવે અજય ઉપર વધુ વિશ્વાસ થવા લાગ્યો. એના માટે નો પ્રેમ પણ વધવા લાગ્યો. સુસ્મિતાની યાદ તો આવતી જ હતી પણ સમય સાથે તાલ મિલાવતાં શીખી લીધું.

Image Source

અજયનો સાથ અને મારી મહેનત મારા બીજા વર્ષના પરિણામમાં કામ આવી. ધાર્યા કરતાં ઘણું સારું પરિણામ મેં મેળવ્યું. મમ્મી પપ્પા અને અજય મારા આ પરિણામથી ખુશ હતાં. વેકેશનમાં ઘરે જતાં પહેલાં મેં એક આખો દિવસ અજય સાથે વિતાવ્યો. બંધ રૂમમાં અજયની દરેક ઈચ્છા પૂરી કરી. અજય ઉપર મારા સારા રિઝલ્ટના કારણે વધુ પ્રેમ ઉમટી આવ્યો હતો. અજય પણ મારા સહવાસથી ખુશ થયો. છુટા પડતા પહેલા પણ આજ રીતે મારા કૉલેજના ત્રીજા વર્ષમાં પણ સાથ આપવા મેં અજયને અનુરોધ કર્યો. અજય પણ માની ગયો. વેકેશનમાં આનંદ ઉલ્લાસ સાથે ઘરે આવી. સારું પરિણામ આવવાના કારણે મમ્મી પપ્પા પણ ખુશ હતાં. મારા આવ્યા બાદ મારા જ હાથે આખી સોસાયટીમાં મીઠાઈ વહેંચાવી. પપ્પા મમ્મીએ ત્રીજા વર્ષે પણ આજ રીતે મહેનત કરી સારું પરિણામ લાવવા માટે કહ્યું.

વેકેશન પૂરું થયું અને હું પાછી મુંબઈ પહોંચી. મુંબઈની હવા, ત્યાનું વાતાવરણ, ત્યાંની રહેણી કરણી માં હવે હું બરાબર બંધ બેસી ગઈ હતી. હજુ મુંબઈ અવ્યાને મને બે વર્ષ થયાં હતાં. પણ જાણે હું વર્ષોથી અહીંયા જ રહેતી હોય એમ લાગતું. નડીઆદ પોતાનું ઘર હોવા છતાં, વર્ષો ત્યાં વિતાવ્યા હોવા છતાં મને અજાણ્યું લાગવા લાગ્યું હતું. મુંબઈની માયા જ એવી હતી જે મને પોતાનામાં ભેળવી ગઈ.

કૉલેજ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં ભણવાનું એટલું ભારણ નહોતું એટલે અજયને અઠવાડિયામાં એક વાર મળતી. અને દર વખતે એમ જ કહેતી કે “હજુ કૉલેજની શરૂઆત છે એટલે મળીશ, પછી મહિનામાં એક વખત જ મળીશ અને એ પણ નક્કી નહિ.” અજય હવે મારી વાતો માનવ લાગ્યો હતો. એ મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારો સહકાર આપતો હોય એમ મને લાગતું હતું.

સુસ્મિતની યાદો સમય સાથે ભુલાવવા લાગી. હવે તો સુસ્મિતા વિના રહેવાની આદત થઈ ચૂકી હતી. કૉલેજથી હોસ્ટેલ અને હોસ્ટેલથી કૉલેજ. ક્યારેક અજય સાથે મુલાકાત તો ક્યારેક શોભના અને મેઘના સાથે ગપ્પા મારતી. બસ આજ હવે રૂટિન જીવન બનવા લાગ્યું હતું. મારી ડાયરીના પાનામાં હું બધું નોંધતી. ક્યારેક હોસ્ટેલ ઉપર આવી જૂના દિવસોની મારી ડાયરીમાં થયેલી નોંધને પણ વાંચતી. ક્યારેક કેટલીક વાતો પર હસવું પણ આવતું. તો કેટલીક વાતો આંખોને ભીંજવી પણ જતી. છતાં મારા માં આવેલ બદલાવની એક સાક્ષી માત્ર મારી ડાયરી હતી. જેને હું હમેંશા મારી પાસે જ રાખતી. આજ સુધી કોઈની નજર એના ઉપર પડી નહોતી.

કૉલેજના ત્રીજા વર્ષના દિવસો પણ વીતવા લાગ્યા. અજયને મળવાનું હવે ઓછું કરી નાખ્યું. ભણવામાં ધ્યાન આપવા લાગી. એક દિવસ કૉલેજથી હોસ્ટેલ પરત ફરી. શનિવારનો દિવસ હતો. બીજા દિવસે રજા હોવાના કારણે વાંચવાની એટલી ચિંતા પણ નહોતી. અજયને મળવાનું આયોજન કરવું હતું પણ એ આ દિવસોમાં કોઈ કામથી મુંબઈની બહાર જવાનો છે એવું મને જણાવ્યું હતું. હોસ્ટેલ પહોંચી ને જમ્યા બાદ શોભના અને મેઘના જોબ ઉપર જવા માટે તૈયાર થતાં હતાં. મેઘનાએ મને કહ્યું : “કાવ્યા તું અમારી સાથે જોબ ઉપર તો જોડાઈ નથી શકતી, પણ એક દિવસ અમારી સાથે ચાલ તો ખરી, તને પણ મઝા આવશે.”

Image Source

બે વર્ષમાં મારી એ લોકો સાથે જવાની ઈચ્છા નહોતી થઈ પણ આજે મને મેઘનાને ના કહેવાની ઈચ્છા ના થઈ. અને હું પણ એ લોકો સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. રીક્ષામાં એ જ્યાં જોબ કરતા હતાં ત્યાં પહોંચ્યા. મારે કઈ કામ નહોતું કરવાનું. હું એ બંને સાથે જ કોલ સેન્ટરમાં પ્રવેશી. મેઘનાએ મને કોલ સેન્ટરના બધા વિભાગો વિશે માહિતી આપી. અને પોતે જ્યાં બેસતાં હતાં ત્યાં લઈ ગઈ. મને એક ખુરશી એની બાજુમાં જ બેસવા માટે આપી અને પોતે કામ ઉપર લાગી ગઈ. હું તો મેઘનાને જ જોઈ રહી હતી. પહેલીવાર હું એને કંઈક અલગ રીતે બોલતાં સાંભળી રહી હતી. હોસ્ટેલ ઉપર જ્યારે એ અમારી સાથે હોય ત્યારે અને કોલ સેન્ટરમાં કોલ ઉપર વાતો કરતાં સાવ જુદી જ મેઘના વાત કરી રહી હોય એમ લાગતું. એ જ્યારે વાત કરતી હોય ત્યારે હું એની સામે જોઇને હસતી પણ ખરી. ક્યારેક એની મઝાક પણ ઉડાવતી. એ ધીમેથી મને ટપલી મારી, મોઢા ઉપર આંગળી લાવી, હસતાં હસતાં જ મને ચૂપ રહેવા ઈશારો કરતી. થોડીવાર સુધી આમ જ એના અવાજને સાંભળતી રહી. પછી મને લાગ્યું કે એ મારા વર્તનના કારણે એના કામમાં ડિસ્ટર્બ થતી હશે એટલે હું ત્યાંથી ઉભી થઈ, આમ તેમ આંટા મારવા લાગી. શોભના પાસે જઈને ઊભી રહી તો એ પણ મેઘનાની માફક કોઈક જુદા જ ટોનમાં વાત કરી રહી હતી. શોભના જ્યારે નોર્મલ રીતે વાત કરતી હોય ત્યારે જાણે ગુસ્સામાં ઝગડી રહી હોય એમ લાગે. પણ કોલ સેન્ટરમાં કોલ ઉપર વાત કરતાં એકદમ મીઠા અને લોભામણા અવાજે વાત કરી રહી હતી. કોલ સેન્ટરની નોકરીમાં પોતાની જાતને પણ છેતરવી પડે છે એ મને આજે સમજાયું. આપણા મનમાં જે પણ કઈ ચાલતું હોય, મૂડ હોય કે ના હોય, ચહેરા પર સ્મિત આવે કે ના આવે, પણ કોલમાં જ્યારે વાત કરવાની થાય ત્યારે સામેના વ્યક્તિને આપણે ખુશ જ છીએ એમ જ બતાવવાનું. ફોર્મલિટી કરતાં હોય એવું જ લાગે. પણ સામે વાળું ક્યારેય સમજી ના શકે.

ત્યાં મોટાભાગે છોકરીઓ જ હતી. અને દરેક છોકરી એ પ્રકારે જ વાત કરી રહી હતી. હું ત્યાંથી ફરતી ફરતી બહાર ગેલેરીમાં આવી. થોડીવાર ત્યાં ઉભી રહી. પાછી અંદર ગઈ. હવે મને ત્યાં કંટાળો આવવા લાગ્યો હતો. મારે કઈ કરવાનું નહોતું. બસ બેઠા બેઠા બોર થતી હતી. આખું કોલ સેન્ટરની અંદર બે-ત્રણ વખત ફરી વળી. હજુ એ લોકોને છૂટવામાં બે કલાક જેવો સમય લાગવાનો હતો. મેઘના પાસે આવીને ખુરશીમાં બેઠી. મેઘના મારા ચહેરાને જોઈને સમજી ગઈ કે મને કંટાળો આવવા લાગ્યો છે. માટે એને કોલ પતાવી મને કહ્યું. “જો તને કંટાળો આવતો હોય તો તું નીચે જઈ આવ. અહીંયાથી થોડા જ અંતરે એક બગીચો છે. ત્યાં તને ગમશે અને તારો સમય પણ નીકળી જશે.” મારુ મન તો હોસ્ટેલ ઉપર પાછા ચાલ્યા જવાનું હતું. પણ હવે બે કલાક માટે જો હું ચાલી જઈશ તો શોભના અને મેઘનાને સારું નહિ લાગે. એટલે મેં મેઘનાની વાત માની લીધી અને નીચે ઉતરી. બે-ત્રણ મિનિટ ચાલતાં જ એક મોટો બગીચો દેખાયો. બગીચાને જોતા જ મને અજયની યાદ આવી. “એક દિવસ અમે બંને પણ આવા જ એક બગીચામાં બેઠા હતાં. અને ત્યારે લીધેલો મારો નિર્ણય મારા જીવનમાં સફળતાનું કારણ બન્યો હતો.” એ ઘટના યાદ આવી ગઈ. આજે અજય પાસે હોત તો હું આટલા મોટા બગીચામાં એકલી ના આવી હોત.”

Image Source

બગીચાના ગેટ પાસે જ બધા વાહનો પાર્ક કરેલા હતાં. પાર્કિંગમાં જ ઘણાં બધાં સ્કૂટર પણ હતાં. અને અજયના સ્કૂટર જેવું દેખાતા એક સ્કૂટર ઉપર મારી નજર જઈ ચઢી. મનમાં તો એમ પણ થઈ ગયું કે આ અજયનું જ સ્કૂટર હશે, પણ પછી વિચાર આવ્યો કે “અજય તો શહેરની બહાર ગયો છે તો એ ક્યાંથી હોઈ શકે ?” મનને મનાવી હું બગીચામાં પ્રવેશી. ઘણાં બધાં કપલ બગીચામાં બેઠા હતાં. કેટલાક પોતાના બાળકો સાથે પણ આવ્યા હતા. બાળકોને રમવા માટે ત્યાં કેટલીક વ્યવસ્થાઓ પણ હતી. બાળકોની કિલકારીઓથી આખો બગીચો ગુંજી ઉઠ્યો હતો. મને આ જગ્યા ગમી. સમય કેમનો પસાર થઈ ગયો મને સમજાયું જ નહીં. શોભના અને મેઘનાનો છૂટવાનો સમય થવામાં હવે થોડી જ વાર બાકી હતી. એટલે મેં હવે પાછા વળવાનું નક્કી કરી બહાર નીકળવા માટે બગીચાની અંદર જ ચાલવા માટે બનાવેલા રસ્તા ઉપર ચાલવા લાગી. અચાનક મારી નજર દૂર એક બાળકને હિંચકે ઝુલાવતા એક વ્યક્તિ ઉપર પડી. તેને પહેરોલો શર્ટ અજયના શર્ટ જેવો જ હતો. કદ કાઠી પણ અજય જેવા. ચહેરો દેખાઈ રહ્યો નહોતો કારણ કે એ મારાથી વિરુદ્ધ દિશામાં હતો. મને એની પીઠ જ દેખાઈ રહી હતી. પણ દૂરથી અજય જ છે એમ લાગ્યું. અજય જ છે કે નહીં તેની પાક્કી ખાત્રી કરવા માટે મેં મારા પગને એ દિશામાં ઉપાડ્યા. થોડું જ ચાલી હોઈશ ત્યાં જ મેં સામે જોયું તો સાડી પહેરેલી એક સ્ત્રી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ. મેં મારા કદમ રોકી લીધા. એ અજય નહિ હોય એમ માની હું પાછી વળી.
બગીચાની બહાર નીકળી જે સ્કૂટર અજયનું છે એવી મને શંકા જાગી હતી એ જોવા માટે મારા પગ રોકાઈ ગયા. બગીચાની અંદર અજય જેવી વ્યક્તિ અને બહાર અજય જેવું સ્કૂટર, એ મારા મનનો વહેમ છે કે હકીકત ? એ જાણવા માટે હું સ્કૂટરની નજીક ગઈ. સ્કુટરનો નંબર જોયો. અને ત્યાં જ મારા મનનો વહેમ હકીકતમાં બદલાઈ ગયો. એ સ્કૂટર અજયનું જ હતું. બગીચામાં જે વ્યક્તિ હતી એ અજય છે કે નહીં એ તો ખાત્રી ના થઇ શકી પણ સ્કૂટર એનું જ હોવાના કારણે એ વ્યક્તિ પણ અજય જ હશે એવું લાગી રહ્યું હતું. મનમાં બેચેની થવા લાગી. શરીરમાં પરસેવો વળવા લાગ્યો. શું કરું ? એ કઈ સમજાઈ રહ્યું નહોતું. “બગીચામાં પાછું જઈને એ અજય છે કે નહીં એની ખાત્રી કરી લેવી ? કે અજય મળે ત્યારે તેને હકીકત પૂછવી ? શોભના અને મેઘના કોલ સેન્ટરમાંથી છૂટી પણ ગયા હશે અને કદાચ મારી રાહ પણ જોતાં હશે.” આ બધા વિચારોમાં મગજ ચકરાવે ચઢ્યું હતું. વિચારોને કાબુ કરી ને પાછું બગીચામાં જઈ હવે પાક્કી ખાત્રી કરી લેવાનું જ નક્કી કર્યું. બગીચામાં જવા જતી હતી ત્યાં જ મારા ખભા ઉપર એક હાથ મુકાયો અને હું રોકાઈ ગઈ.

(શું બગીચામાં અજય જેવી દેખાતી વ્યક્તિ અજય જ હશે ? જો અજય ના હોય તો બગીચાની બહાર એનું સ્કૂટર કેમ હતું ? કાવ્યાના ખભે મુલાયેલો એ હાથ કોનો હતો ? જાણવા માટે વાંચતા રહો “હેશટેગ લવ” ના હવે પછીના રોમાંચક પ્રકરણો….!!!!)
લે. નીરવ પટેલ “શ્યામ”

Author: નીરવ પટેલ “શ્યામ” – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks