મલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં પધાર્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ન્યુલીવેડ કપલ સાથે આપ્યો પોઝ

આખરે ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી ભવોભવના બંધનમાં બંધાઇ ગયા છે, તેમના લગ્ન ઘણા ભવ્ય અંદાજમાં થયા હતા. મહેંદી-હલ્દી સેરેમનીથી લઇને સંગીત સેરેમની અને રિસેપ્શન સુધી બધુ જ શાહી અંદાજમાં થયુ હતુ. ત્યારે 26 નવેમ્બરે લગ્ન બાદ કપલનું રિસેપ્શન 27 નવેમ્બરના રોજ યોજાયુ હતુ. આ રિસેપ્શનમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લગભગ બધા જ કલાકારો સામેલ થયા હતા. આ રિસેપ્શનની સૌથી ખાસ વાત એ હતી કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પધાર્યા હતા.

હર્ષ સંઘવી મલ્હાર અને પૂજાના રિસેપ્શનમાં સામેલ થયા હતા અને તેમણે ન્યુલી વેડ કપલ સાથે પોઝ પણ આપ્યો હતો. આ દરમિયાનની એક તસવીર પણ સામે આવી છે. મલ્હાર અને પૂજાનો રિસેપ્શન લુક ખૂબ જ સુંદર હતો. પૂજા જ્યાં રિસેપ્શનમાં સાડીમાં જોવા મળી હતી, ત્યાં મલ્હાર પણ હેન્ડસમ લાગી રહ્યો હતો. લગ્નની વાત કરીએ તો, મલ્હાર ઠાકર 26 નવેમ્બરે પૂજા જોશી સાથે લગ્નના બંધનમાં બંધાયો અને કપલે લગ્ન બાદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નની સંયુક્ત પોસ્ટ શેર કરી ચાહકો સાથે લગ્નની તસવીરો શેર કરી હતી.

લુકની વાત કરીએ તો, પૂજા જોશીએ પરંપરાગત રેડ લહેંગા ચોલી પહેરી હતી અને આ સાથે તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી કેરી કરી હતી.દુલ્હનના આઉટફિટમાં પૂજા ખૂબ જ સુંદર લાગી રહી હતી.જ્યારે બીજી તરફ મલ્હાર મેચિંગ પાઘડી સાથે હાથીદાંતની શેરવાનીમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. મલ્હાર અને પૂજાના લગ્નમાં લગભગ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ હાજરી આપી હતી. કપલના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી સેલેબ્રિટી સામેલ થઇ હતી અને તેમણે વટ પાડી દીધો હતો.

મલ્હાર અને પૂજાના લગ્નમાં મિત્ર ગઢવી, જાણિતા ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ, પ્રોડ્યુસર આરતી પટેલ, મલ્હારની ખાસ ફ્રેન્ડ અને એક્ટ્રેસ આરોહી તેમજ ગુજરાતી નાટકોના દિગ્ગજ એક્ટર સંજય ગોરડિયા સહપરિવાર સાથે લગ્નમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, પ્રોડ્યુસર વૈશલ શાહ, એક્ટર તત્સત મુન્શી, પરિક્ષીત તામલિયા અને જાણીતા ગાયક ઓસમાણ મીરના સુપુત્ર આમીર મીર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

જણાવી દઇએ કે, 25 નવેમ્બરના રોજ કપલની હલ્દી સેરેમની યોજાઈ હતી અને આ દરમિયાન પણ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. આ પછી સંધ્યા ટાણે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફંક્શનમાં પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો હાજરી આપી હતી. યશ સોની, આદિત્ય ગઢવી સહિત અનેક હસ્તીઓએ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી.

ગુજરાતના જાણીતા લોકકલાકાર ઓસમાણ મીર અને આમીર મીરે મલ્હાર અને પૂજાની સંગીત સેરેમનીમાં ધૂમ મચાવી હતી. તેમના સંગીતના તાલે આખું ઢોલિવુડ મસ્તીમાં ચૂર જોવા મળ્યું હતું. પૂજા જોશી વિશે ઘણા લોકો બહુ ઓછુ જાણે છે, તમને જણાવી દઇએ કે પૂજા મુંબઈની છે, પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે એટલે તે ગુજરાત આવતી જતી રહેતી હોય છે.

મલ્હાર અને પૂજા એકસાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે, અને બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા પણ થઇ રહી હતી. બંનેએ કોરોના કાળમાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં અને આ પછી તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ જોડી રીલ લાઇફમાંથી રિયલ લાઇફમાં હવે કપલ બની ગઇ છે.

Shah Jina