માંગમાં સિંદુર-વરમાળા અને સાત ફેરા- રેડ અને ગોલ્ડન લહેંગામાં હાર્દિકની દુલ્હનિયા બની નતાશા, ભારતીય રીતિ રિવાજ સાથે થયા હાર્દિક-નતાશાના લગ્ન

હિંદુ રીતિ રિવાજ સાથે લગ્નની તસવીરો આવી સામે, રોયલ લુકમાં જોવા મળ્યા હાર્દિક અને નતાશા ભાભી- જુઓ ફોટા

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં ઘણો ચર્ચામાં છે. તે હાલ તેના પરિવાર સાથે ઉદયપુરમાં છે અને તેના લગ્નમાં વ્યસ્ત છે. પંડ્યાએ ગુરુવારે ત્રણ જ દિવસમાં તેની પત્ની નતાશા સાથે બીજા લગ્ન કર્યા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા.

14 ફેબ્રુઆરીએ ક્રિશ્ચન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા બાદ કપલે 15 ફેબ્રુઆરીએ હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. જેની તસવીરો પોતે હાર્દિકે શેર કરી હતી. તસવીરોમાં કપલ રોયલ લુકમાં જોવા મળી રહ્યું છે. લગ્નમાં હાર્દિક ક્રીમ કલરની શેરવાની અને નતાશા રેડ અને ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. હાર્દિક અને નતાશાએ ઉદયપુરના ઉદયસાગર તળાવમાં આવેલી રેફલ્સ હોટલમાં એકબીજાને વરમાળા પહેરાવી હતી.

જાનમાં હાર્દિક પંડ્યા પોતે અને તેના ભાઈ કૃણાલ પંડ્યાએ જોરદાર ડાન્સ કર્યો હતો. બંને ભાઈઓએ ડીજેના સાઉન્ડ પર ડાન્સ કર્યા બાદ નતાશા અને હાર્દિકે હિન્દુ પરંપરા અનુસાર લગભગ 7:45 વાગ્યે સાત ફેરા લીધા. એવી માહિતી સામે આવી છે કે, પંડ્યા વરરાજા તરીકે વિન્ટેજ કારમાં બેઠો હતો. જાણકારી અનુસાર, હાર્દિકના લગ્નમાં ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સ સાથે આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા પણ પહોંચ્યા હતા.

વેલેન્ટાઈન ડેના દિવસે બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. જેમાં નતાશા સફેદ લોન્ગ ગાઉન અને હાર્દિક બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાનની પણ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ખાસ વાત એ છે કે લગ્નમાં તેમનો પુત્ર અગસ્ત્ય પણ સામેલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્નની વિધિ 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી જે 16 ફેબ્રુઆરી સુધી ચાલી. લગ્નની થીમ સફેદ રાખવામાં આવી હતી.

દુલ્હન તરીકે નતાશાએ સફેદ ગાઉન પહેર્યુ હતુ. મહેંદી, સંગીત અને હલ્દી જેવા પ્રી-વેડિંગ ફંક્શન્સ 13 ફેબ્રુઆરીની સાંજથી શરૂ થયા હતા. 13 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશા મુંબઈ એરપોર્ટ પર સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યા હતા. ત્યાંથી બધાએ રાજસ્થાનના ઉદયપુરની ફ્લાઈટ લીધી. નતાશાના પરિવારના સભ્યો પણ એરપોર્ટ પર દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે, નતાશા અને હાર્દિકે કોવિડ સમયે 31 મે 2020ના રોજ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

જુલાઈ 2020માં તેમણે તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. જો કે, બંને કાયદેસર રીતે પરિણીત છે, પણ હવે તેઓએ બધા મિત્રો અને સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી ફરી લગ્ન કર્યા. હાર્દિક અને નતાશા મુંબઈની એક ક્લબમાં મળ્યા હતા. ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ અને આગળ જતાં એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

જ્યારે હાર્દિક તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નતાશાએ તેને ઘણો સાથ આપ્યો હતો. જાન્યુઆરી 2020માં બંનેએ એકબીજાને વીંટી પહેરાવી દુબઈમાં સત્તાવાર રીતે સગાઈ કરી હતી. હાર્દિક અને નતાશાના એક નજીકના વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા, બધું ઉતાવળમાં થયુ હતું. તેમના મનમાં લાંબા સમયથી ભવ્ય લગ્ન કરવાનો વિચાર હતો.

હાર્દિક પંડ્યાએ 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે અને તેણે પોતાની રમતથી ટીમ માટે ઘણી મેચો જીતી છે. તેને ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. તે IPL ટીમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. જણાવી દઇએ કે, નતાશા એક અભિનેત્રી અને મોડલ છે અને સર્બિયાની છે.નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ 1992ના રોજ સર્બિયામાં થયો હતો.

નતાશાએ તેનું બાળપણ તેના માતા-પિતા અને ભાઈ સાથે સર્બિયામાં વિતાવ્યું હતું. તેણે સર્બિયામાં થોડા વર્ષો મોડલિંગ કર્યું અને પછી મુંબઈ શિફ્ટ થઈ ગઈ. બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ સત્યાગ્રહ હતી. આ સિવાય તે બિગ બોસ 8 અને નચ બલિયે 9માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બાદશાહના ગીત ડીજે વાલે બાબુથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina