ઢોલીવુડ મનોરંજન

કેવી હશે “ગોળકેરી” ફિલ્મની ખાટી મીઠી વાર્તા? ટ્રેલર જોઈને જ લાગી ગયો ચટાકો, વાંચો ફિલ્મ વિશેની રસપ્રદ વાતો

આજ મહિનાની 28 તારીખે સરસ મઝાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું ટ્રેલર આજે 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મનું પહેલું ગીત થોડા દિવસ પહેલા જ દર્શકો સમક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને ગીત માત્ર ગણતરીના દિવસોમાં જ 10 લાખ કરતા પણ વધારે વખત જોવાઈ ગયું, જેના પરથી જ લાગી રહ્યું હતું કે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મો કરતા આવનાર ફિલ્મ “ગોળકેરી” કંઈક નોંખી હશે.

‘ગોળકેરી’ એ કોમેડી-ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન વિરલ શાહે કર્યું છે. સોલસૂત્ર નિર્મિત આ ફિલ્મમાં માનસી પારેખ અને મલ્હાર ઠાકર મુખ્ય ભૂમિકામાં છે. સચિન ખેડેકર અને વંદના પાઠક મલ્હારના માતા-પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. પાર્થિવ ગોહેલ અને માનસી પારેખ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા લખવાનું કામ વિરલ શાહે જ કર્યું છે.

ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થતા એ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યું છે માત્ર ગણતરીના કલાકોમાં જ ઘણા લોકોએ ટ્રેલર જોયું અને તેને વખાણ્યું પણ. ટ્રેલરમાં જ ફિલ્મની થોડી અટપટી વાર્તાની સમજ આવે છે અને ફિલ્મ જોવા પ્રત્યેનું આકર્ષણ ઔર વધી જાય છે.

મલ્હાર ઠાકર ગુજરાતી સિનેમામાં એક આગવું નામ ધરાવે છે, છેલ્લા કેટલાય સમયથી મલ્હારની ફિલ્મ જોવા માટે ગુજરાતીઓ આતુર હતા અને “ગોળકેરી” ફિલ્મમાં એક નવા રૂપમાં મલ્હારને જોવાનો લ્હાવો દરેક ગુજરાતી લેવા ઈચ્છી રહ્યું છે. આ ફિલ્મમાં તે સાહિલના નામથી અભિનય કરે છે એ ટ્રેલરમાં જ જોઈ શકાય છે, ટ્રેલર દ્વારા જ સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ ફિલ્મ ખાટામીઠા ચટાકા સાથે પેટ પકડીને હસાવશે પણ ખરી જ અને કેટલીક બાબતોમાં આંખોને ભીંજાવશે પણ ખરી.

 

ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પારેખ છે જે આ ફિલ્મમાં એક સ્ટેન્ડઅપ કોમેડિયનની ભૂમિકામાં દેખાઈ રહી હોય તેમ લાગે છે. ફિલ્મમાં તેનું નામ હર્ષિતા બતાવવામાં આવ્યું છે. હર્ષિતા અને સાહિલની મુલાકાત પણ ટ્રેલરમાં જ જોઈ શકાય છે, બંને વચ્ચેનો પ્રેમ, મસ્તી અને બ્રેકઅપ દરમિયાન આવતા વળાંકો પણ જોવા મળે છે.

બોલીવુડના એક સફળ અભિનેતા સચિન ખેડેકર અને જેને ઘણી જ ટીવી ધારાવાહિકમાં અભિનય કર્યો છે એવા હંસા પાઠક માતા-પિતાના પાત્ર તરીકે જોવા મળવાના છે. “ગોળકેરી” ફિલ્મમાં તે સાહિલના માતા-પિતા તરીકે હશે એવું અનુમાન ફિલ્મના ટ્રેલર દ્વારા લગાવી શકાય છે.

 

ફિલ્મનું ગીત જે થોડા દિવસ પહેલા જ આવ્યું અને આજે આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે એ ગીત દ્વારા જ આપણે જોયું કે પહેલીવાર બોલીવુડના પ્રખ્યાત ગાયક મિકા સીંગ કોઈ ગુજરાતી ગીત લઈને આવે છે અને ગુજરાતના દરેક ઘરમાં પોતાનો અવાજ ગુંજતો કરી જાય છે. મિકાની સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલના સૂર પણ આ ગીતમાં ભળતા જોવા મળે છે ત્યારે બંનેની જુગલબંધી ગીતના તાલ ઉપર ઝુમાવવા પણ મજબુર કરી દે છે.

“ગોળકેરી”ના ટ્રેલરમાં જ ઘણા એવા સંવાદો આવે છે જેને સાંભળીને હસવું રોકી નથી શકાતું તો વિચારો ફિલ્મ આપણને કેટલી હદ સુધી હસાવશે? ફિલ્મના ટ્રેલરમાં જ પોતાની ઓળખ આપતો મલ્હાર પોતાને સમોસું કહે છે, અને પછી પોતાનું આખું નામ જણાવતા સાહિલ મોહનભાઇ સુતરીયા કહે છે, સાથે એક જગ્યાએ તમામ પાત્રોના નામ પણ શોર્ટમાં ટોપી ઉપર એક સેલ્ફી લેતા બતાવવામાં આવ્યા છે. હસ્સુ, સમોસું, જોસુ અને મોસુ એના પરથી જ ખ્યાલ આવે કે ફિલ્મમાં ઘણી જ રમૂજ આવવાની છે. વંદના પાઠક અને સચિન ખેડેકરને પણ આપણે ટીવી ઉપર ઘણીવાર કોમેડી કરતા જોયા હશે પરંતુ એ હિન્દીમાં! હવે તો આ ફિલ્મ દ્વારા તે ગુજરાતીમાં પણ હસાવવાના છે એ વાત વંદના પાઠકના એક સંવાદમાં દેખાઈ જ આવે છે, તો સચિન ખેડેકર પણ પોતાના સંવાદો દ્વારા હસાવી જાય છે.

હસવાની સાથે પ્રેમની લાગણીને પણ અભિવ્યક્ત કરવાની વાત અને પોતાના બાળકના પ્રેમ સંબંધો તૂટવાના કારણો શોધતા એક માતા-પિતાની પોતાના દીકરા માટેની ફરજો અને પોતે કેટલીક બાબતોમાં અણસમજુ હોવા છતાં પણ એક સમજદારીભેર સાહિલ અને હર્ષિતાને એક કરવાની સતત મથામણ કરતા જોવા મળે છે, આજના આધુનિક સમયમાં એક છોકરા અને છોકરી વચ્ચે થતા પ્રેમ અને બ્રેકઅપ દરમિયાન એક પરિવારની શું જવાબદારી હોય છે એ આ ફિલ્મના ટ્રેલર દ્વારા થોડો અણસાર મળે છે.

ફિલ્મનું ટ્રેલર જોયા બાદ હવે ફિલ્મ જોવાની ઉત્સુકતા પણ એટલી જ વધી ગઈ છે, ટ્રેલરને જોતા જ એમ લાગે છે કે  “ગોળકેરી” ફિલ્મ ગુજરાતી સિનેમા માટે એક નવો વિષય અને નવી વાત લઈને આવે છે, લાખો લોકો ટ્રેલર લોન્ચ થવાની સાથે ફિલ્મની આવવાની પણ કાગડોળે રાહ જોઈએ રહ્યા છે.

જો તમે પણ હજુ સુધી આ ફિલ્મનું ટ્રેલર નથી જોયું તો તો નીચેના વીડિયોમાં ટ્રેલર પણ મૂકેલું છે. જોઈને તમે પણ “ગોળકેરી”ના ચટાકો માણજો.

મિકા સીંગના અવાજમાં ગાવમાં આવેલું “ગોળકેરી” ફિલ્મનું “સોણી ગુજરાતની” ગીત દસ લાખ કરતા પણ વધારે વાર જોવાઈ ગયું છે, તમે પણ આ ગીતની મઝા માણવાનું ચુકી ગયા હોય તો

અહીંયા ક્લિક કરીને માણી લેજો.