ખબર

જૂનાગઢમાં રોપ-વેની મુસાફરી પ્રથમ 1000 લોકો માટે બની ગઈ યાદગાર, આપવામાં આવી ગોલ્ડન ટિકિટ

એશિયાના સૌથી મોટા રોપ-વેનું ઈ-લોકાર્પણ શનિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે દશેરાના પાવન દિવસથી આ રોપ-વે સુવિધા સામાન્ય નાગરિકો માટે પણ ખુલ્લી મુકવામાં આવી.

જૂનાગઢમાં શરૂ થયેલી આ રોપ-વે મુસાફરી પ્રથમ 1000 લોકો માટે યાદગાર બની ગઈ. આ રોપ-વેમાં પ્રથમ હજાર મુસાફરોને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી.

ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે પ્રથમ એક હાજર મુસાફરોને યાદગીરી સ્વરૂપે (ગિફ્ટ) આપવામાં આવી હતી.

ગઈકાલે દશેરાના અવસર ઉપર ઘણા જ દર્શનાર્થીઓએ રોપ-વેની સુવિધાનો આનંદ માણ્યો, અને પોતાના સુખદ અનુભવ પણ વ્યક્ત કર્યા હતા.

રોપ-વેની ટિકિટ અપર સ્ટેશન અને લોઅર સ્ટેશન એમ બંને સ્ટેશનો ઉપર ઉપલબ્ધ છે. ત્યારે લોઅર સ્ટેશન ઉપર એરપોર્ટ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓને ત્યાંથી એરપોર્ટ જેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

રોપ-વે દ્વારા દર્શનાર્થીઓ ઝડપથી અંબાજી મંદિર સુધી પહોંચી શકશે, તેમજ રસ્તામાં આવતા જૈન દેરાસર અને પર્વતોની સુંદરતાનો અનુભવ પણ રોપ-વેમાં બેઠા બેઠા કરી શકશે.

ગિરનાર રોપ-વે સાઈટને નો ટોબેકો ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં પાન, માવા, બીડી, સિગારેટ પર પ્રતિબંધ મુકાયો છે.

રોપ-વેમાં આવનાર પ્રવાસીઓ માટે કોરોના ગાઈડલાઈન મુજબ નિયમો લાગુ કરાયા છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, થર્મલ સ્કેનર સહીતની પ્રક્રિયામાંથી પસાર થઈને પ્રવાસી ટિકિટબારી સુધી પહોંચે છે.

હાલમાં રોપ-વેની બે તરફી મુસાફરીની ટિકિટનો દર 700 રૂપિયા રાખવામાં આવ્યો છે. અને બાળકો માટે 350 રૂપિયા રાખવામાં આવ્યા છે.

ગિરનારની અંદર રોપ-વે સુવિધા શરૂ થવાના કારણે ભક્તોમાં પણ ખુશીની લહેર છે. હવે ગિરનાર ઉપર દર્શન કરવા જવા માટે ઇચ્છુક દર્શનાર્થીઓ માટે ખુબ જ સરળતા થઇ ગઈ છે. તો અંબાજી મંદિરથી દત્તાત્રેય શિખર જોવાનો લ્હાવો પણ તે માણી શકશે.