ઘર છૂટયાની વેળા ભાગ – 35

8

ઘર છૂટયાની વેળા ભાગ – 35

(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો, ભાગ 34 માટે અહીં ક્લિક કરો)

ઓપરેશન થિયેટરમાં અવંતિકાની પ્રસૃતીની તૈયારીઓ થવા લાગી. અવંતિકા અને રોહિતના પરિવારજનો પ્રાર્થના કરવામાં લાગી ગયા હતા. હોસ્પિટલમાં રિસેપશન એરિયામાં ટીવી ચાલી રહ્યું હતું. પણ એ તરફ કોઈની નજર નહોતી. બધા જ અવંતિકાની પ્રસૃતી સારી રીતે થઈ જાય અને તે સ્વસ્થ બાળકને જન્મ આપે એની ચિંતામાં જ ખોવાયેલા હતાં. થોડીજવારમાં એક નર્સે બહાર આવીને અભિનંદન આપ્યા. પુત્ર જન્મના. સૌના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. સુરેશભાઈ અને અનિલભાઈએ ગળે મળી એકબીજાને અભિનંદન આપ્યા. રોહિતનો મેસેજ પ્લેનમાં બેઠા પહેલા આવી ગયો હતો એટલે સૌને હતું કે હવે થોડી જ વારમાં રોહિત આવી પહોંચશે. રોહિતના પપ્પાએ રોહિતને ખુશખબરી આપવા માટે ફોન લગાવ્યો. પણ સ્વીચઓફ આવ્યો. તેમને થયું હજુ રસ્તામાં જ હશે.ડોક્ટરે અવંતિકા અને બાળકને મળવાની રજા આપતા પરિવારજનો અવંતિકા પાસે પહોંચ્યા. રોહિતને બધાની સાથે ના જોતા અવંતિકાએ પૂછ્યું “રોહિતને જાણ નથી કરી ?” રોહિતના પપ્પાએ કહ્યું :”તને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે જ રોહિતને જાણ કરી હતી, તે પેરિસથી નીકળી ગયો છે. વાતાવરણ ના કારણે ફલાઇટ લેઈટ થઈ છે. પણ થોડા સમય પહેલા એનો મેસેજ આવ્યો કે ફ્લાઈટમાં બેસી ગયો છે. બસ આવતો જ હશે.” સૌના ચહેરા ઉપર ખુશી હતી. અવંતિકાના પુત્રને વારાફરથી પોતાના હાથમાં લઈ જોવા લાગ્યા. “અદ્દલ રોહિત જેવો જ છે.” રોહિતની મમ્મીએ કહી પણ દીધું. સુરેશભાઈ અને તેમની પત્નીની આંખોમાં પણ પુત્ર જન્મની ખુશી હતી.

અવંતિકાના પપ્પા રૂમની બહાર નીકળ્યા ત્યારે જોયું તો ટીવીની નજીક ટોળું જામેલું હતું. તેઓ પણ ટોળા પાસે જઈ અને ટીવી સામે જોવા લાગ્યા. ટીવીમાં સમાચાર ચાલી રહ્યાં હતાં. તેમાં બ્રેકીંગ ન્યૂઝમાં બતાવી રહ્યાં હતાં કે પેરિસથી લંડન આવતી esy jet u2 7420 ફલાઈટ ખરાબ વાતાવરણના કારણે ક્રેશ થઈ છે. અનિલભાઈના પગ સમાચાર વાંચતા જ થીજી ગયા. તે મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે એ ફલાઈટમાં રોહિત ના હોય તો સારું. તે ઉતાવળા અવંતિકાના રૂમ તરફ ગયા અને સુરેશભાઈને બહાર બોલાવી જાણ કરી. સુરેશભાઈએ રોહિતના મોબાઈલમાં ફોન કર્યો પણ રોહિતનો ફોન હજુ સ્વીચઓફ જ આવતો હતો. સુરેશભાઈ અને અનિલભાઈ થોડીવારમાં પાછા આવીએ એમ કહી અને એરપોર્ટ જવા માટે રવાના થયા.

એરપોર્ટ ઉપર ભીડ જામેલી હતી. હેલ્પ માટેના એક કાઉન્ટર ઉપર પહોંચી તેમને ક્રેશ થયેલા પ્લેનના પેસેન્જરનું લિસ્ટ જોવાની માંગણી કરી. લિસ્ટ તેમના હાથમાં આવતા જ સુરેશભાઈના હાથ ફડફળવા લાગ્યા. અનિલભાઈએ તેમના હાથમાંથી લિસ્ટ પોતાના હાથમાં લઈ વાંચવા લાગ્યા. સોળમાં ક્રમમાં રોહિતનું નામ જોઈ તેમની આંખોમાં પણ આંસુઓ આવી ગયા. સુરશેભાઈના ખભે વળગી બંને ચોધાર આંસુએ રડવા લાગ્યા.

પૌત્ર જન્મની ખુશીથી થોડીવાર પહેલા ઝૂમી રહેલા નાના અને દાદા ઊંડા શોકમાં ડૂબી ગયા. તેમને પણ સમજાઈ રહ્યું નહોતું કે આ સમાચાર અવંતિકા સુધી કેવી રીતે પહોંચાડવા. હજુ રોહિતનું શું થયું તેની પાક્કી ખબર નહોતી. પ્લેનમાં કુલ ૫૫ યાત્રીઓ સવાર હતાં. જેમાં એક રોહિત પણ હતો. મળતી માહિતી અનુસાર કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેની કોઈ જાણકારી હતી નહિ. જે સ્થળ પાસે પ્લેન ક્રેશ થયું હતું તે જંગલ વિસ્તાર હતો. બચાવ કર્મીઓ ત્યાં પહોંચી ગયા છે. પણ ખરાબ વાતાવરણના કારણે મુશ્કેલી આવી રહી હતી અને અંધારું પણ ફરી વળ્યું હતું. પાક્કી માહિતી મળવામાં હજુ સમય લાગી શકે એમ હતો. સવાર પડતાં સુધી કોઈ નિર્ણય ઉપર આવી શકાય એમ નહોતું.

સુરેશભાઈ એરપોર્ટ ઉપર જ માહિતી મેળવવા માટે રોકાઈ ગયા. અનિલભાઈ હોસ્પિટલ પાછા જવા રવાના થયા. હોસ્પિટલમાં હમણાં કઈ જણાવવું નહિ એમ સુરેશભાઈ અને અનિલભાઈ વચ્ચે નક્કી થયું. અને એમના વિશે પૂછે તો એક અગત્યના કામ માટે જવું પડ્યું એમ જણાવી દેવાનું હતું. અનિલભાઈ હોસ્પિટલમાં પહોંચ્યા. અને નક્કી થયા મુજબ જ પ્રશ્નોના જવાબ આપ્યા. પોતાના દિલમાં એક મોટો ભાર લઈને અનિલભાઈ આવ્યા હતાં. તેમને પણ અવંતિકા જ્યારે રોહન સાથે ભાગી ગઈ હતી ત્યારે માઇનોર એટેક આવ્યો હતો. અને આ વખતે પણ એવું જ કંઈક બનવાનું હતું પણ સુમિત્રા અનિલભાઈના મનના ભાવ જાણી ગઈ હતી કે “કંઈક તો અજુકતું બન્યું છે અને એ છુપાવી રહ્યા છે.” બહાર વેઇટિંગ એરિયામાં બેસી સુમિત્રાએ અવંતિકાની સોગંધ આપી અનિલભાઈને પૂછી લીધું. બોલતા પહેલા જ અનિલભાઈની આંખો આંસુઓથી છલકાઈ ઊઠી. રડતા મુખે તેમને સુમિત્રાને બધી વાત કરી. અનિલભાઈની વાત સાંભળી સુમિત્રાની આંખોમાં પણ આંસુ આવી ગયા. સુમિત્રાએ ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી કે રોહિત હેમખેમ પાછો ફરે.
અવંતિકા વારે વારે રોહિત કેમ હજુ ના આવ્યો એમ પૂછી રહી હતી. અનિલભાઈ તેને ગમે તેમ કરી સમજાવી દેતા. રાત્રે મોડા સુધી અવંતિકા પૂછતી રહી. સાથે સુરેશભાઈ પણ હાજર નહોતા એટલે એને ચિંતા પણ થતી. છતાં પોતાના બાળકની સાથે તે હળવી બની જતી.અનિલભાઈ સુરેશભાઈ ને થોડીવારે ફોન કરી પૂછ્યા કરતાં. પણ હજુ સુધી સુરેશભાઈને પણ રોહિતના કોઈ સમાચાર મળ્યા નહોતા. સુરેશભાઈ અનિલભાઈ અને સુમિત્રા ચિંતાના ભાર નીચે દબાયેલા હતાં. રાત આખી અનિલભાઈ અને સુમિત્રાએ વિચારોમાં અને અવંતિકાને સમજાવવામાં વિતાવી.

સવાર થતાં જ અવંતિકા થોડી ઉગ્ર બની પૂછવા લાગી. પણ ના સુમિત્રા કઈ જવાબ આપી શકી ના અનિલભાઈ. સુરેશભાઈ પણ હજુ આવ્યા નહોતા. એટલે અવંતિકાને કંઈક અજુકતું બન્યું હોવાનો સંદેહ હતો. પણ તેને કોઈ જણાવી રહ્યું નહોતું. અનિલભાઈ તેને કહેતા : “રોહિત અને સુરેશભાઈ એક જરૂરી કામ માટે રોકાઈ ગયા છે એટલે હજુ આવી નથી શક્યાં. થોડી જ વારમાં આવી જશે.” પણ અવંતિકા ગઈકાલ રાતથી આ એક જ જવાબ સાંભળી રહી હતી માટે તે પણ બોલી :
“પપ્પા, મને સાચે સાચું કહો શું થયું છે ? રોહિતને હું સારી રીતે ઓળખું છું. એ પોતાના દીકરાને જોવામાં આટલી બધી રાહ ના જોઈ શકે ! કંઈક તો તમે મારાથી છુપાવી રહ્યાં છો !!”
અનિલભાઈ : “ના દીકરા કંઈજ નથી થયું, તું ચિંતા ના કર એ આવી જશે જલ્દી જ. હું પણ બહાર જઈ અને પાછો આવું.”

આટલું બોલી અનિલભાઈ રૂમની બહાર નીકળી ગયા. સુમિત્રાને અવંતિકાનું ધ્યાન રાખવાનું કહી સુરેશભાઈ પાસે એરપોર્ટ જવા નીકળ્યા.

************

વરુણ પોતાના પરિવારમાં પરોવાઈ ગયો હતો. રાધિકા સાથે જે પણ કઈ બન્યું હતું તે પોતાની પત્ની રિયાના પ્રેમના કારણે ભૂલી શક્યો હતો. લગ્નના બીજા જ વર્ષે ઈશ્વરની કૃપાથી બે જોડિયા બાળકો પણ જન્યા. જેના કારણે તેના પરિવારમાં પણ ખુશી હતી. રોહન પોતાના કામકાજમાં વ્યસ્ત રહેતો. વરુણ સાથે પણ મળવાનું ઓછું થતું. ફોન ઉપર બંને વાતો કરતા રહેતા. બિઝનેસ મિટિંગ માટે ઘણાં રાજ્યોમાં અને ઘણાં દેશોમાં ફરવાનું થતું. વરુણના પપ્પાએ જે વિચાર્યું નહોતું તેનાથી કેટલાય ઘણી ઊંચી ઉપલબ્ધીએ રોહને તેમના બિઝનેસ ને પહોંચાડ્યો હતો. આજે તેમની કંપનીને પ્રોડક્ટ દેશમાં જ નહીં વિદેશોમાં પણ નામના પામી હતી. જેનો શ્રેય રોહનના માથે હતો. ઘણાં લોકો રોહનને સલાહ અને ઓફર આપતાં : “વરુણના પપ્પાની કંપની છોડી પોતાની કંપનીમાં જોડાઈ જવાની અને પોતાનો અલગ વ્યવસાય શરૂ કરવાની.” પણ રોહન જાણતો હતો કે પોતે જે જગ્યા ઉપર છે તે વરુણની મિત્રતા અને વરુણના પપ્પાના વિશ્વાસ અને તેમને આપેલી તક ના કારણે છે. માટે આજીવન તેને વરુણની કંપની સાથે જ જોડાઈ રહેવાનું નક્કી કર્યું હતું.
કામમાં વ્યસ્ત હોવા છતાં રોહનનો વાંચવાનો શોખ છૂટ્યો નહોતો. ટ્રાવેલિંગ દરમિયાન તે કેટલાક પુસ્તકો સાથે રાખતો અને વાંચતો. રાત્રે અવંતિકાની યાદોમાં ખોવાઈ જતો અને દિવસે કામમાં. એક રાત્રે તેને અવંતિકાની યાદોમાં એક ગઝલ લખી.

 • આમ ઓચિંતી જ ગઝલ રચાઈ જાય, તો હું શું કરું ?
  શબ્દોની અંદર આવી તું વણાઈ જાય, તો હું શું કરું ?
 • પીંછી લઇ રંગોની હું આમજ કાંઈક ચિતરતો હોઉં
  છબી તારી જ કેનવાસે ઉભરાઈ જાય, તો હું શું કરું ?
 • પળ મળે એકાંતની ને વડલે બેઠા બેઠા કરું હું વિચાર
  વડવાઈ સમી તારી યાદ વીંટળાઈ જાય, તો હું શું કરું ?
 • છુપાવીને રાખ્યો છે તારો પ્રેમ, મેં દિલના કોઈ ખૂણામાં
  વિરહ તારો મુજ નયનેથી છલકાઈ જાય, તો હું શું કરું ?
 • નહિ મળવાના કોલ આપી, તું તો ચાલી ગઈ ખૂબ દૂર
  ને સપનામાં ક્યાંક ઓચિંતું મળાઇ જાય, તો હું શું કરું ?
 • ખુલ્લા દિલે હસવાની પળ, તારી સાથે જ ચાલી ગઈ
  સ્મરણ થતા તારું અધર મલકાઈ જાય, તો હું શું કરું ?
 • આંખોમાં આશ લઇ બેઠો “શ્યામ” એકલો દરિયા કિનારે
  આંગળીથી રેતીમાં નામ “રાધા” ઘૂંટાઈ જાય, તો હું શું કરું ?

અવંતિકા સાથેના એ દિવસોને યાદ કરી રોહન ખુશ થતો. જો અવંતિકા તેના સાથે હોત તો આજે વિરહની ગઝલના બદલે તે પ્રેમની ગઝલ લખી શકતો. અવંતિકાને બતાવી શકતો. પણ અવંતિકાના વિચારોમાં પણ હવે રોહન રહ્યો નહિ હોય. તે જાણવા છતાં રોહન અવંતિકાને એકતરફી પ્રેમ કરી પોતાના પ્રેમને જીવંત રાખી રહ્યો હતો. સારી પળોને યાદ કરી ખુશ પણ થઈ જતો પછી વિરહનું સ્મરણ તેને ઊંડા શોકમાં ડુબાડી દેતું. પોતાના શબ્દોને તે કવિતા કે ગઝલમાં ક્યારેક રજૂ કરી શકતો. ક્યારેક ડાયરીના પાનામાં પોતાના મનનાં વિચારો લખી ઠાલવી નાખતો. પણ અવંતિકાને ના તે ભુલાવી શક્યો ના ભૂલવા માંગતો હતો. તે જાણતો હતો કે અવંતિકા તેના જીવનમાં ખુશ હશે તે છતાં તે તેના જ પ્રેમમાં રહેવા માંગતો હતો.

એરપોર્ટ તરફથી હજુ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. અનિલભાઈ અને સુરેશભાઈની ચિંતાઓ વધવા લાગી હતી. થોડીવારમાં જ એક જાહેરાત થઈ જે સાંભળી પગ તળેથી જમીન ખસી ગઈ. “દુર્ઘટના ગ્રસ્ત પ્લેનમાં મોટા પાયે જાનહાની થઈ છે. લગભગ કોઈના બચ્યાની શકયતા નથી” આ સાંભળી અનિલભાઈ અને સુરેશભાઈની ચિંતા અને દુઃખમાં વધારો થયો. છતાં પણ તેમના મનમાં આશા હતી કે રોહિત હેમખેમ હશે. એરપોર્ટ ઉપર ઘણાં પરિવારો એકઠા થયાં હતાં. મોટાભાગના લોકોની આંખો આંસુઓથી જ ઘેરાયેલી હતી.

થોડીવારમાં એક હેલિકોપટર થોડા મૃતદેહ લઈને આવ્યાના સમાચાર આપવામાં આવ્યા. સુરેશભાઈ અને અનિલભાઈના હૃદયના ધબકારા વધવા લાગ્યા. એ મૃતદેહોની ઓળખ કરવા માટે ગયા. પંદર જેટલા મૃતદેહો જોઈ એરપોર્ટનું વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું. રડવાનો આક્રંદ સમગ્ર વિસ્તારમાં વ્યાપી ચુક્યો હતો. મૃતદેહોને એક પછી એક જોયા બાદ અનિલભાઈ અને સુરેશભાઈને થોડી સાંત્વના મળી. એ મૃતદેહોમાં રોહિત નહોતો. આ જાણી આશાનું એક કિરણ જીવંત થયું.અવંતિકાની ચિંતા હવે વધી ચુકી હતી. તે હવે કોઈવાત માનવા તૈયાર નહોતી થતી. સવારથી છેક સાંજ થઈ હોવા છતાં રોહિત કે સુરેશભાઈ આવ્યા નહોતા. વળી, અનિલભાઈ પણ ચાલ્યા ગયા હોવાના કારણે તે શું બન્યું છે તે જાણવા વ્યાકુળ બની હતી. તેની મમ્મી સુમિત્રા અને તેના સાસુને પૂછવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો.
સાંજ થતાં સુધી ૪૦ મૃતદેહને શોધી કાઢવામાં આવ્યા હતાં પણ રોહિતના કોઈ સમાચાર મળ્યા નહિ. નિરાશ થઈ અને રોહિતના પાછા આવવાની જીવંત આશા સાથે અનિલભાઈ અને સુરેશભાઈ હોસ્પિટલ પાછા ફર્યા.

લેખક : નીરવ પટેલ “શ્યામ”
વધુ આવતા અંકે.. (ભાગ-36 મંગળવાર 23-Oct રાત્રે 9:30 કલાકે)
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) ભાગ 34 માટે અહીં ક્લિક કરો.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

8 COMMENTS

 1. Me aa story aakhi vanchi mja aavi ne thodu dukh pn thyu …..
  Pn hve p6i nu shu e janvani utsukta rokati nthi to jadp thi aagal na part post krva vinanti…..
  And khub khub abhinandan….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here