આપણે ઘણા લોકોને જુદા-જુદા અને ખૂબ જ નવાઈ પમાડે એવા કામ કરતા જોયા છે. ઘણીવાર આપણે તેમના આ કામને જોઈને વિચારીએ પણ છીએ કે આ તો કોઈ જાદુ છે કે પછી કોઈ ચમત્કાર છે. પણ પછીથી આપણને એ વાતનો અહેસાસ થાય છે કે નથી એ જાદુ હોતું કે નથી એ ચમત્કાર, પણ એ પાછળનું કારણ તો વિજ્ઞાન હોય છે. તો આજે પણ આપણે આવા જ એક ચમત્કાર કે જાદુ લાગે એવી ઘટના વિશે વાત કરીશું, પણ તેના પાછળનું કારણ તો વિજ્ઞાન જ છે.
આપણે સોશિયલ મીડિયા પર ઘણી વાર એવો વિડીયો જોયો હશે જેમાં એક ભજીયાવાળો ચમત્કાર કરી રહ્યો છે. તે ગરમ ગરમ તેલમાં પોતાનો હાથ નાખી પકોડા તળીને તૈયાર કરી રહ્યો છે. આ કોઈ ચમત્કારથી ઓછું તો નથી જ.

એક વ્યક્તિ કેવી રીતે ગરમ ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળી શકે છે? આવી રીતે પકોડા બનાવનારની દુકાનમાં ઘણા લોકો ભીડ જોવા મળે છે. ના તો તે વ્યક્તિના હાથ દાઝી જાય છે કે ના તેને કોઈ તકલીફ થાય છે. ખરેખર, આ વિશે એક હકીકત સામે આવી ગઈ છે. ફક્ત એક પ્રશિક્ષિત માણસ જ આ ચમત્કાર કરી શકે છે. ખરેખર તો આ કોઈ પ્રકારનો ચમત્કાર જ નથી. આ ચમત્કાર પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે.

ગરમ તેલમાં તળવાનું રહસ્ય જાણો –
જે પણ લોકો આ રીતે ગરમ તેલમાંથી પકોડા તળીને બહાર કાઢે છે એ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે Leidenfrost effect. આ ઇફેક્ટનો અર્થ છે કે વ્યક્તિ સાચે જ ગરમ તેલમાં હાથ નાખીને પકોડા બહાર કાઢી શકે છે પણ એ પહેલા તેઓએ પોતાના હાથ ઠંડા પાણીમાં નાખવા પડે. આમ કરવાથી ગરમ તેલ હાથ પર રહેલા પાણીને જ ગરમ કરીને વરાળમાં બદલે છે અને આ વરાળ ગરમ તેલને હાથની ત્વચા સાથે સંપર્કમાં આવવા નથી દેતી. પરંતુ આ અસર અમુક જ પળો માટે થાય છે એટલે જ તેલમાંથી તરત જ હાથ બહાર કાઢી લેવામાં આવે છે.