ખબર

14-15 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છત્તાં માસૂમ બાળકના પરિજનોનો હાલ કોઇ પત્તો નથી… કામે લાગ્યા 100 પોલિસકર્મીઓ

ગાંધીનગરમાંથી ગત રાત્રે એટલે કે નવરાત્રીના બીજા દિવસે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે એક માસૂમ બાળક મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેમણે પોલિસને જાણ કરી હતી અને તે બાદ પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનાને પગલે અને બાળકના માતા-પિતા તેમજ અજાણ્યા વ્યક્તિને શોધવા ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલિસની ટીમો કામે લાગી ગઇ છે.

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ગંભીરતા દાખવી છે. તેઓએ રાત્રે મોડા સુધી આ બાળક મામલે અપડેટ મેળવી હતી. તેઓએ તેમના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને બાળકની તમામ અપડેટ જિલ્લા પોલિસ તંત્રને આપવા આદેશ કર્યો છે. તેઓ આજે હોસ્પિટલમાં રહેલ બાળકની મુલાકાત પણ લેવાના હતા. આ કેસ મામલે 100થી પણ વધુ પોલિસકર્મીઓ બાળકના પરિવારજનોને શોધવામાં લાગી ગયા છે.

આ કેસ મામલે 7 જેટલી મહિલા પોલિસની ટીમો કામે લાગી છે. 70થી વધુ CCTV ફુટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. આ સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરવામાં આવી છે. ગાંધીનગર શહેર મહામંત્રી ધર્મેન્દ્ર વાઘેલા રાતભર આ માસૂમના માતા-પિતાની શોધ કરવા કવાયત હાથ ધરી છે.  બાળકને મૂકી ફરાર થયેલ વ્યક્તિને શોધવા રસ્તા પર નાકાબંધી પણ કરવામાં આવી છે.

આ બાળકને મૂકીને ગયાને 14-15 કલાકથી પણ વધુનો સમય થઇ ચૂક્યો છે પરંતુ હજી તેના પરિવાર વિશે કોઇ માહિતી મળી નથી. આખરે આ બાળક કોનું છે ? અને તેના પરિવારવાળા કોણ છે તેમજ તેને આવી રીતે કેમ કોઇ મૂકી ગયુ હતુ, તે તો હવે પોલિસ તપાસ બાદ જ ખબર પડશે.