મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 9 – આ તો વ્હીસ્કી છે વ્હીસ્કી.. મારો બેટો ઝાલા જેટલો બહાર દેખાય છે એના કરતા જમીનમાં વધારે છે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

વી કે શેઠ ઘનો અને આર ડી ઝાલા થોડીવાર એમને એમ ઉભા રહ્યા. પછી આર ડી ઝાલા બોલ્યા.

“ લાગે છે કે બધી જ વાત થઇ ગઈ લાગે છે. ઘનાને પાથીયે પાથીયે તેલ નાંખી દીધું લાગે છે. તેમ છતાં ઘના તને કોઈ પ્રશ્ન હોય તો અત્યારે જ બોલી જા વીકે શેઠની હાજરીમાં બાકી હવે પછી વી કે શેઠ આપણને મળશે નહીં. તારા તરફથી જે ઈનપુટ મળશે એ હું એને મારી રીતે એના સુધી પહોંચાડતો રહીશ. બાકી હકા ભીખા ચાલાક આદમી છે એને જરા સરખી પણ જો ગંધ આવી જાય કે ઘના સાથે વી કે શેઠ જોડાયેલા છે તો આખી બાજી બગડી જશે. તને કોઈ સવાલ નથીને??”

“ ના કોઈ જ સવાલ નથી પણ તમને ચોક્કસ ખાતરી છે કે હકા ભીખા મને આ બધું કહી દેશે??” ઘનાએ આર ડી ઝાલા અને વીકે શેઠ સામે અસમંજસની સ્થિતિમાં જોયું.

“ એની વ્યવસ્થા પણ થઇ જશે. વાતાવરણ જ એવું નિર્માણ કરીશું કે તારે કોઈ પ્રયત્ન જ કરવા નહિ પડે. પણ એક વાતનો ખ્યાલ રાખવો પડશે હું કહીશ એટલું જ તારે કરવાનું. એ સિવાય એક પણ વસ્તુ તારે તારા દોઢ ડહાપણ નથી કરવાનું. એ બધું સામેથી કહેશે. એ માટે બોટલનો સહારો જોઇશે. આ પેગ એક એવી વસ્તુ છે કે એના નશામાં માણસ પોતાની વેદના ઠાલવીને જ રહે. મેં એવા ગુનેગારો પણ જોયા છે કે ભયંકરમાં ભયંકર થર્ડ ડીગ્રી કે ટોર્ચર સહન કરી જાય પણ મોઢામાંથી એક હરફ પણ ન બોલે. પણ કોઈ વિશ્વાસુ માણસ મળે અને એકાદ પેગ પેટની અંદર જાય કે તરત જ પોપટની જેમ મંડે બોલવા. વુમન અને વાઈન એ આદિકાળથી માણસની નબળાઈ રહી છે. જે કામ લાખો રૂપિયા આપતાં થાય એ એક બોટલથી થઇ જતા જોયા છે. પણ લાખ વાતનો સવાલ એ સાથે બેસીને પીવાવાળા પર એને પૂરો ભરોસો હોવો જોઈએ. આ મિશનમાં તને સામેલ કરવાનું કાર્ય એટલા માટે સરળ છે કે હકા ભીખા તને એકદમ વિશ્વાસુ માને છે. તારા જન્મ પહેલા જ તારા પાપા સાથે એનો પરિચય છે. વળી તારા ચહેરા પર ભોળપણ છે અને તું કાઈ રીઢો ગુનેગાર તો છે નહિ એટલે તારી આગળ એ બધું જ બકી જશે. બાકી આની પહેલા મેં ત્રણ જણા ને હકા ભીખાની નજીક રાખ્યા હતા. એ લોકોએ ઘણો પ્રયત્ન કર્યો પણ હકા ભીખા એની આગળ એક પણ શબ્દ બોલ્યો નહિ. હું તો એને પૂછી પણ શકું નહિ કે જેલનો કોઈ સ્ટાફ પણ એને વિશ્વાસમાં લઇ શકે નહિ. પેલી નજરમાં અને અંદરથી આવેલો વિશ્વાસ જ આજીવન ટકે છે. તને અત્યાર સુધીમાં એણે જે જે વાતો કરી છે એ પણ વગર નશાએ એટલે મને ચોક્કસ ખાતરી છે કે એ તને બધું જ કહેશે” આર ડી ઝાલા બોલ્યા અને વી કે શેઠના ચહેરા પર આનંદની લાગણીઓ દેખાઈ આવી.

“ વાત તો બરાબર છે પણ એમની પાસે વાત કેવી રીતે કઢાવવી એમને કશુંક કહેવું તો પડે ને .. એમ ને એમ વાત કેમ કરીને કઢાવવી. “ ઘનો એક પછી એક પ્રશ્ન કરીને પોતાની બધી જ બાબતો ક્લીયર કરી રહ્યો હતો.

Image Source

“ અત્યાર સુધી તને એણે એના જીવનનો અર્ધો હિસ્સો તો કહી જ દીધોને?? બસ એવી જ રીતે આગળનો હિસ્સો પણ કહેશે.. ખાસ તો આપણે એમનો જે સંબંધ છે એક સ્ત્રી સાથે એ સ્ત્રી ક્યાં રહે છે એની પાકી જાણકારી જોઈએ છે. એ મળી જશે પછી હું અને દવે બધું જ ફોડી લઈશું. જુસબ અને શંભુના કહેવા મુજબ એ વાદળી રંગની સુટકેસ કે જે વીકે શેઠ માટે મહત્વની છે એ ચોક્કસ એ સ્ત્રી પાસે જ હશે. પછી ધારો કે આપણું કામ થઇ ગયું. પછી તારી સલામતીની તમામ જવાબદારી મારી. એની પર ઘણા બધા કેસ છે ઘણામાં ચુકાદા આવવાના બાકી છે. લગભગ હવે હકા ભીખાનું આખું જીવન જેલમાં જ જશે પણ માની લે કે એ કદાચ છૂટી પણ જાય અને પછી એ પોતાની સ્ત્રી પાસે જાય અને એને ખબર પડે કે સુટકેસ તો લેવા વાળા લઇ ગયા છે. એવી પરિસ્થતિ આપણે ઉભી જ નહિ થવા દઈએ. સુટકેસ મળી ગયા પછી આ જેલમાંથી એને ઝડપથી બીજી જેલમાં ટ્રાન્સફર કરી દઈશું. જેની પર ઘણા બધા કેઈસ ચાલતા હોય એવા આરોપીને પેરોલ પર છોડવામાં પણ આવતા નથી. અને એ કદાચ જયારે પણ છૂટે એ એની સ્ત્રી પાસે નહિ જ પહોંચે. એની પર બાજ નજર રાખવામાં આવશે. પી એસ આઈ ઠાકરની હત્યામાં એનો જ હાથ છે એટલે પોલીસ ખાતું વાટ જોઇને જ બેઠું છે કે હકા ભીખા બહાર આવે એટલે બે કલાકમાં જ એનો ઢાળિયો કરી નાંખવો. બોલ આટલું આગળનું અમે વિચારી રાખ્યું છે. એટલે તારે બીક રાખવાની કોઈ જરૂર નથી. હવે તારા મનમાં એક સવાલ આવો પણ હશે કે આને વિશ્વાસઘાત નો કહેવાય?? તારા જેવા સજ્જન માણસોનો આ જ વાંધો છે?? આમાં કોઈ જ વિશ્વાસ ઘાત નથી. આમાં હકા ભીખાનું આપણે કોઈ જ ઝુંટવવાનું નથી એણે આખી જીંદગી બીજાનું ઝૂંટવી જ લીધું છે ને આપણે તો પાછું મેળવવાનું જ છે જે એનું ક્યારેય નહોતું. કોઈનું ઝૂંટવી લેવું એ ખરાબ છે. પણ વરસોથી જે આવા જાકુબના ધંધામાં છે એની સાથે જાકુબી કરવી એ કોઈ જ પાપ નથી માટે તારા મગજમાં અંદરખાને જે પાપ અને પુણ્યના ઘોડા દોડી રહ્યા છે એને હવે થી તું વિરામ આપી દેજે “ આર ડી ઝાલા એ કહ્યું અને ઘનાના મોઢા પર સ્મિત ફરકી ગયું.

“ ચાલો ત્યારે ઝાલા સાહેબ હું નીકળું છું. આપ જે રીતે કોન્ટેક્ટમાં છો એ જ રીતે રહેજો અને ઘનશ્યામ વગર ટેન્શને થાય એટલું કામ કરજે. કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર. થાય તો પણ ઠીક અને ના થાય તો પણ ઠીક પણ હવે તું મારી ગુડબુકમાં આવી ગયો છે અને જે જે આ વિકેની ગુડબુકમાં એક વખત આવી જાય એને વીકે જીવનભર સાચવે છે. તારી કે તારા પરિવારની હવે સઘળી જવાબદારી મારી છે એ ન ભૂલતો. તું અહીંથી છૂટીશ અને કદાચ હું આ પૃથ્વી પર નહીં હોયને તો પણ એની આગવી વ્યવસ્થા હું મારા છોકરાને કહીને કરતો જઈશ.. માટે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. થાય એટલું કરજે બાકી તો અ ઝાલા સાહેબ બધું સંભાળી લેશે..” આટલું કહીને વીકે શેઠ વારફરતી બને ને ભેટયા. અને આર ડી ઝાલા અને ઘનાને એક એક પેકેટ વિદેશી સિગારેટના આપતા ગયા.

આર ડી ઝાલા અને ઘનો કોન્ટેસાને જતા જોઈ રહ્યા.
“ ચાલ હવે હીરો આપણે પણ ફટાફટ આપણી મંજિલે પહોંચી જઈએ. હવે અહિયાં રોકાવાનો કોઈ જ અર્થ નથી. મેં તને કહ્યું હતુંને કે આજ તને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. મને લાગે છે કે હવે તારા મનમાં કોઈ જ ડુંભાણું બાકી નહીં હોય. તમામ ડુંભાણા ઓલવાઈ ગયા હશે એ નક્કી.” આર ડી ઝાલાએ આટલું કહીને જીપ સ્ટાર્ટ કરી અને જીપ પાછી જેલના રસ્તા તરફ ચાલતી રહી. થોડી વાર પછી આર ડી ઝાલા બોલ્યાં.

“ ભૂખ તો તને લાગી જ હશે મનેય પણ લાગી જ છે. પણ અત્યારે આપણે કોઈ જમીશું નહિ. જેલમાં જઈને તારો રૂટીન ખોરાક મળી જશે અને રસ્તામાંથી આપણે થોડા તગારા અને બે ત્રણ પાવડા બે કોદાળી લઇ જવાના છે. જીપમાંથી એ વસ્તુઓ ઉતરે કે તરત જ તારે તારા જેલના કપડામાં જ એ વસ્તુ લઈને ખેતરે પહોંચી જવાનું છે.કોઈને સહેજ સરખી પણ ગંધ ન આવવી જોઈએ. દેગામાં અને પાટીલ એ બેયનું કામ હવે પતી ગયું છે. આજે સાંજે એ બનેનો ઓર્ડર એક દૂરની જેલમાં થઇ જશે. હું નથી ઈચ્છતો કે દેગામાં કે પાટીલ તારી હકા ભીખાની જાસુસી કરીને પૈસાની લાલચમાં તમારી બે વચ્ચે રાતે જે વાતચીત થતી હતી એ મને કહેતા હતાં એવી જ રીતે શક્ય છે કે આપણા બે વચ્ચેની વાતચીત પણ એ કદાચ આ જ રીતે હકા ભીખાને કહી દે તો. આ અનોખી શતરંજ છે. આમાં અમુક મહોરાની સમય લીમીટ હોય. સમય આવ્યે એને દૂર કરવું જ રહ્યું.” આર ડી ઝાલા અસ્ખલિત બોલતા હતા.

Image Source

“ એની જગ્યાએ કોણ આવશે જેલમાં દેખરેખ રાખવા માટે?” ઘનાએ પૂછ્યું.
“ એક ગામીત છે અને બીજો કુરેશી છે બેય મારા સંપર્કમાં છે ખુબજ વિશ્વાસુ માણસ છે. અને ખુબજ કડક દેખરેખ માટે જાણીતા છે.એમની સાથે વાતચીત થઇ ગઈ છે. વીકે શેઠના કહેવાથી ઘણું બધું ઉપરના લેવલ થી ગોઠવાઈ જાય છે.” ઘનો આ બધું સાંભળતો રહ્યો. પોતાનામાં એક અજબ જાતના પરિવર્તનનો તે અનુભવી રહ્યો હતો.

રસ્તામાંથી એક લુહારની કોઢેથી તગારા પાવડા કોદાળી વગેરે ખેતીના સાધનો લેવામાં આવ્યાં. ઘનો જેલ નજીક આવી એ જીપમાં કાચ ચડાવીને પાછલી સીટ પર સુઈ ગયો. જીપ જેલમાં આવી અને સીધી પાછળની સાઈડ ગઈ. આર ડી ઝાલાએ સંકેત કર્યો કે તરત ઘનો પાછળના દરવાજે રૂમમાં ગયો. ત્યાં કપડા કાઢી નાંખ્યા. પેલા ચશ્માં હતા ત્યાને ત્યાં ગોઠવીને કેદીના કપડાં પહેરી લીધા. દરવાજો અંદર બંધ કર્યો. એક રૂમમાંથી એ બીજી રૂમમાં આવ્યો. બારણું ખોલીને એ બહાર આવ્યો ત્યાં આર ડી ઝાલાની ઓફીસ પાસે જ દેગામા અને પાટીલ ઉભા હતા. તે વિસ્મય નજરે ઘનાને જોઈ રહ્યા હતા. ઘનાને સુચના આપી અને એ પ્રમાણે એ ખેતીના સાધનો લઈને જેલના ખેતર જવા લાગ્યો અને આર ડી ઝાલાએ પાટીલ અને દેગામાને પોતાની કેબીનની અંદર બોલાવ્યા. આર ડી ઝાલાએ થોડી વાર વાતો કરી એ એક ફેક્સની રાહમાં હતા. વારંવાર એની નજર પઠાણની કેબીન તરફ જતી હતી. થોડીવાર થઈને ત્યાં પઠાણ આવ્યો. એના હાથમાં એક કાગળીયો હતો ઉતાવળે ડગલે એ આર ડી ઝાલાની ઓફિસમાં ધસી આવ્યો અને બોલ્યો.

“ સ્ટેટમાથી ફેકસ આવ્યો છે. દેગામાની બદલી વલસાડની સબ જેલમાં કરવામાં આવી છે અને પાટીલની ભુજમાં. અમલીકરણ અનિવાર્યપણે આજે જ કરવાનું છે. એમની જગ્યાએ કાલ સુધીમાં બીજા બે કર્મચારી આવી જશે . હુકમની બજવણી કરીને સ્ટેટમાં ફેકસ કરવાનું કહ્યું છે” આર ડી ઝાલાને આ ઓર્ડરની ખબર જ હતી. કાલ સાંજે જ ચોકઠું ગોઠવાઈ ગયું હતું. દેગામા અને પાટીલ તો માની જ નહોતા શકાતા.

કલાકમાં જ બનેને છુટા કરવાની વિધિ કરી દેવામાં આવી. દેગામાં અને પાટીલની ઈચ્છા તો જેલમાં જઈને કેદીઓને મળવાની હતી પણ આર ડી ઝાલાએ એ પણ મુનાસીબ ન માન્યું. હકીકતમાં હકા ભીખાને અને બીજા કેદીઓને જે વિશેષ સગવડ પાટીલ અને દેગામાં પૂરી પાડતા હતા એ કેદીઓને મળીને હિસાબ સમજવો હતો. પણ તરત જ એમને જેલના દરવાજામાંથી રજા આપી દેવામાં આવી. જેલમાં હકા ભીખાના જે છેલ્લાં કનેક્શન હતા એ પણ સાવ કપાઈ ગયાં હતા. કનેકશનમાં હવે એક ઘનો વધ્યો હતો.

*******

સાંજના સમયે ઘનો જેલમાં આવ્યો અને કહ્યું.
“ હકાકા દેગામા અને પાટીલને પ્રમોશન મળી ગયું છે એ લોકો આજે જ નવા સ્થળે જવા માટે રવાના થયા મને તો બપોરે જ ખબર પડી જયારે ખેતરમાં એક બીજો કેદી મારું ખાવાનું લઈને આવ્યોને ત્યારે. આવું થયું હવે કોક નવા આવશે એની હારે કાંઇક સેટલમેન્ટ કરવું પડશે.”

“ મને સવાર સવારમાં જ કાંઇક થશે એનો અણસાર આવી ગયો હતો. દેગામાં સવારમાં જ મને કહેતો હતો કે જેલના ખૂણે જે એક પાનની કેબીન હતીને એ આઠ વાગ્યે સરકારી તંત્ર વાળા આવ્યા અને બધું જ ટ્રેકટરમાં ભરીને ઉઠાવી ગયા. કેબિનમાંથી બે પેટી દારૂની પણ મળી એમ મને દેગામાં એ સમાચાર આપ્યાં હતા. દેગામા એ તો મને એમ કીધું કે ખેતરમાં તો તું હતો નહિ” હકા ભીખાએ ઘના સામે જોઈએન કહ્યું.

Image Source

“ મને ઝાલા સાહેબ એમની સાથે તગારા અને પાવડા અને ત્રિકમ લેવા લઇ ગયા હતા. જે સાધનો એ લાવ્યા હતા એમાં ભલી વાર નહોતી. પાવડાના હાથા જ ડખળા પડતાં હતા અને તગારામાં પણ વજનમાં સાવ હલકા એટલે મેં એને કીધું હતું કે આવા સાધન લેવા હોય તો ખેતીનો જાણકાર માણસ જોઈએ એટલે આ જ મને એ જીપમાં લઈને ઉઠાવી ગયા. પાછા આવતા હતા ત્યાં જીપમાં પંકચર પડ્યું એટલે લગભગ બપોર જેવું થઇ ગયું હતું. આવીને હું સીધો ખેતરે જતો રહ્યો.” ઘનશ્યામ પરબત આર ડી ઝાલાએ જે શીખવાડી દીધું હતું એટલું જ બોલતો હતો.

“ જે આવે એ પણ એ પાનની કેબીન વાળો ગીરી મારાજ પાસે મારી અમુક ચિઠ્ઠીઓ આવતી હતી. હવે તો આ બધુય ગયું. દેગામા અને પાટીલને ત્યાંથી રકમ ચૂકવાતી હતી. તીસ નંબર બીડી પણ ત્યાંથી જ આવતી હતી. દેગામાં પાટીલની સાથોસાથ ગીરી મારાજ પણ જતા રહ્યા હવે બહાર કોન્ટેક્ટ કરવો મુશકેલ થઇ પડશે.” હકા ભીખાએ કહ્યું અને મનમાં વિચારતો રહ્યો હવે તો આ જેલ રોડ પૂરો થાય એની બાજુમાં ગરનારી ચા સેન્ટર છે એ મને ઓળખે છે. પણ એ બધો આધાર અહી દેખરેખમાં કોણ નવો આવે છે એના પર આધાર છે. નવા છેડા ગોઠવવા પડશે. હકા ભીખા મનમાં અને મનમાં તાણાવાણા ગોઠવતો રહ્યો.

“ બીડીની વ્યવસ્થા થઇ જશે. મે તો આર ડી ઝાલા સાહેબને ઠેકીને કહી દીધું કે રોજ એક જુડી બીડી મારે ખેતીકામમાં જોઇશે. કારણકે અમે રહ્યા ખેડૂના દીકરા. બીડી પીધા વગર ખેતીનું બળનું કામ કરીએ તો અમારી પેછુટી ખસી જાય અને ઝાડા થઇ જાય એ નફામાં એટલે શરૂઆતમાં તો આનાકાની કરી પછી સાહેબ માની ગયા પણ બે દિવસે એક જુડી આપશે એમ કીધું. એ જુડી તમે વાપરજો મારે તો ક્યાં બંધાણ છે આ તો તમારી હારે ગોટા કાઢીએ!!” ઘનાએ કહ્યું અને જવાબમાં ફક્ત હકા ભીખા હસ્યો. થોડીવાર કોટડીઓમાં શાંતિ છવાઈ ગઈ. બે કેદીઓ રાત્રિનું ભોજન લાવ્યાં. હકા ભીખા અને ઘનો જમ્યા. વળી થોડી વાર વાતો કરી અને પછી એક એક ત્રીસ નંબર બીડી સળગાવીને પૂરી કરીને સુઈ ગયા.

બીજે દિવસે સાંજે લગભગ પાંચેક વાગ્યે બધા જ કેદીને મેદાનમાં લાઈન સર ઉભા રાખવામાં આવ્યાં. હકા ભીખા અને ઘનશ્યામ પરબત પણ સહુથી આગળ ઉભા રાખવામાં આવ્યાં હતા. આર ડી ઝાલાએ સંબોધન કર્યું.

Image Source

“ આજથી તમારી સાર સંભાળમાં બે જેલ કર્મીઓ બદલી થઈને આવ્યા છે એ રહેશે. મારી ડાબી બાજુ છે એ કુરેશી છે અને જમણી બાજુ છે એ ગામીત છે” ઘના એ કુરેશી તરફ જોયું. એકદમ સિંગલ બોડી પણ આંખો ચકળ વકળ ચારે બાજુ ફરતી હતી. મૂછો એકદમ પાતળી પણ વધારે પડતી લાંબી. ચહેરાની જમણી બાજુ ગાલની નીચે એક કાળું લાખું હતું. એકદમ સિમ્પલ કપડામાં કુરેશી ઉભો હતો. જયારે ગામીત વાદળી શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ હતો. ચહેરો ગોળ મટોળ અને એકદમ ક્લીન શેવ હતો. માથા પર વાળ હોવા જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં હતા. મોઢા પર સહેજ હાસ્ય કાયમ રહેતું જ હોય. પાંચ પાંચ મીનીટે ગામીતના બે હોઠ વચ્ચે સહેજ જગ્યા થઇ જતી. કદાચ એ મનમાં ને મનમાં કોઈ ગીત ગણગણતો હોય એવું ઘનશ્યામને લાગ્યું.

આર ડી ઝાલાનું સંબોધન શરુ જ હતું.
“ બે દિવસ પછી આ જેલ એક આધુનિક પ્રયોગ કરી રહી છે. વારાફરતી અને આયોજન બદ્ધ રીતે બે બે કે ત્રણ ત્રણ કેદીઓને આ કમ્પાઉનડમાં દિવસે અમુક જવાબદારીઓ સોંપાશે. રાતે પણ એ લોકો કમ્પાઉન્ડમાં ફરી શકશે. અહીંથી નાસી છૂટવાનો તો સવાલ જ નથી. એક પુસ્તકાલયના પુસ્તકો પણ બહાર ગોઠવાશે. કેનેડામાં એક સંશોધન થયું અને એનો સાર એટલો જ કેદીઓને સુધારવા માટે પણ જેલમાં પણ મુક્ત વાતાવરણ હોવું જોઈએ. બંધિયાર કોટડીઓમાં કેદીઓના વિચાર પણ બંધિયાર બને જ છે. અને એકલા એકલા મગજમાં શેતાન ના વિચારો આવે. માટે કેદીઓ પાસે અનેક વિધ બીજી રચનાત્મક પ્રવૃત્તિ કરાવો. તો એના જે ભૂતકાળના વિચારો અને વલણો છે એની પર બીજા હકારાત્મક વલણો આવશે. જોઈએ હવે આપણે એ પ્રયોગ કરી રહ્યા છીએ. એકી સાથે બધા જ કેદીઓ ઉપર આ પ્રયોગ નહિ થઇ શકે. પણ બે બે કેદીઓને દસ દસ દિવસ સુધી આ રીતે મુક્ત રીતે આ કમ્પાઉન્ડમાં રહી શકશે. બે ય કેદીમાં પણ એક રીઢો અને એક સાવ નવો એમ રાખવામાં આવશે. અને એના મનોવલણ નો અભ્યાસ કરવામાં આવશે. અને એના માટે એને મનગમતું કામ જે અહિયાં ઉપલબ્ધ થઇ શકશે એ કરાવીશું. કોઈ સારા ચિત્ર દોરવા માંગતું હોય તો એને આ દીવાલો પર દોરવાની છૂટ છે. કોઈને ગાવાનો શોખ હોય તો એના માટે ના સાધનો આવી જશે. એ કોઈ પણ ઝાડ નીચે બીજાને ત્રાસ ન થાય એ રીતે ગઈ શકશે. કોઈને વળી રસોઈનો શોખ હોય તો એની વ્યવસ્થા રસોડામાં થઇ જશે. હા પણ કોઈને એક્ટિંગનો કે ડાંસનો શોખ હોય તો એના માટે અહી કોઈ ફિલ્મનો સ્ટુડિયો ખોલવામાં નહિ આવે. ડ્રાઈવિંગ નો શોખ હોય તો પણ અહી જેલના કમ્પાઉન્ડમાં એને કાર ફેરવવા નહિ મળે. એટલું સમજી લેવું જરૂરી છે” આર ડી ઝાલા આટલું અને સહુ હસી પડ્યા અને સુચના મળી કે સહુ સહુની કોટડીમાં વળી પાછા ટ્રાન્સફર થઇ ગયા.

ત્રણેક દિવસ પછી જાહેરાત થઇ કે કેદી નંબર ૫૨૦ ઉર્ફે ઘનશ્યામ પરબત અને કેદી નંબર ૪૨૦ ઉર્ફે હકા ભીખાને આવતા દસ દિવસ સુધી જેલ કેમ્પસમાં મુક્ત રીતે હરી ફરી શકશે. મનગમતું શ્રમ કાર્ય કરી શકશે. બહારની દુનિયામાં જીવે એવી જિંદગીએ આ જેલમાં ચાર દીવાલોની વચ્ચે જીવી શકશે. બને ને આર ડી ઝાલાએ બોલાવ્યા અને કહ્યું.

“ હકા તું અને ઘનો આ પ્રયોગના પ્રથમ કેદીઓ છો. એવું કોઈ વર્તન ન થવું જોઈએ કે જેનાથી અમારે આ યોજના શરૂઆતમાં જ બંધ કરવી પડે. બસ હવે આ કમ્પાઉન્ડમાં કઈ કઈ જગ્યાએ વ્રુક્ષો વાવવા એ બધું તારે અને ઘના એ નક્કી કરવાનું છે. ઉપરાંત ઘનશ્યામને આપણે પાછળ આવેલ જમીનમાં ખેતી કામ સોંપ્યું છે એ જમીનના આગળના ભાગમાં જ બે નાનકડી ઓરડી છે ત્યાં તમારું નિવાસ સ્થાન શરૂઆતમાં તમારી પર વોચ રાખવા માટે એકાદ જેલ કર્મી મુકીશ પણ પછી એ ય હટાવી લઈશ. દર ત્રણ દિવસે તમારા કામની સમિક્ષા થશે અને જરૂરી સુચના આપવામાં આવશે. જરૂર પડ્યે તમારા બે માંથી એકને હું ઓફીસ કાર્ય માટે પણ બોલાવી શકીશ. ચાલો ત્યારે શુભેચ્છાઓ”
અને બને એ તરત જ કામ શરુ કરી દીધું. હકા ભીખાએ તો આખી જેલ ની અંદર આંટો મારી લીધો અને પછી એ બોલ્યો.

“ ગદ્ધનું આમાં ક્યાય ભાગી તો જવાય એમ નથી. કાઈ વાંધો નહિ બહારનું આકાશ તો જોવા મળશે. નાનપણમાં મેં એક ચોપડીમાં વાંચેલું એ ચોપડી પસ્તીમાં આવી હતી. એમાં લખેલું કે માણસ જ્યાં સુધી આખું આકાશ જોઈ શકે ત્યાં સુધી એ સ્વતંત્ર છે. એક ચોપડી એવી પણ વાંચી હતી કે અમુક કેદીઓ જેલની અંદરથી જ ભોયરું ગાળીને નીકળી ગયાં બોલો આવા પણ દુનિયામાં પડ્યા છે. પછી ઘનો એને ખેતરમાં લઇ ગયો. મશીનની ઓરડી પાસે જઈને મશીન શરુ કર્યું અને શાકભાજી અને બીજા પાકને પાણી પાવા લાગ્યો. હકા ભીખા પાણી જ્યાં નીકળતું હતું એ થાળામાં બે ય પગના પાઈચા ચડાવીને બેઠો હતો. થોડી વાર પછી ઘનાએ મશીન બંધ કર્યું અને અને હકા ભીખા સામે જોઇને બોલ્યો.

“ હકાકા એક વાત કહેવી છે પણ બીક લાગે છે. પણ ચાલો કહી જ દઉં તમને જે લાગવું હોય ઈ લાગે. આ આર ડી ઝાલા છે ને એની ઓફિસની એક બાજુમાં મોટો રૂમ છે એ રૂમની અંદર બીજો રૂમ છે અને ત્યાં એક મોટું ગોળ ટેબલ છે. અને બાજુમાં એક કબાટ છે અને એ કબાટમાં આવી આવી બાટલીઓ ભરેલી છે. એટલે જોવા ખાત્ર હું ત્રણ દિવસ પહેલા આ એક બાટલી ત્યાંથી ઠપકારી લાવ્યો છું. હું ત્યાં સફાઈ કરવા ગયો હતો” એમ કહીને ઘના એ “ ડીરેકટર સ્પેશ્યલ વ્હીસ્કી” નું એક કોટરીયુ હકા ભીખાના હાથમાં મુક્યું.

“ આ તો વ્હીસ્કી છે વ્હીસ્કી.. મારો બેટો ઝાલા જેટલો બહાર દેખાય છે એના કરતા જમીનમાં વધારે છે અને તું તો એનો ખાસ વિશ્વાસુ પણ બની ગયો થોડા જ દિવસમાં” હકા ભીખા બોલ્યો.

“ વિશ્વાસુ બીશ્વાસુ તો ઠીક પણ એ કહે એમ કર્યે રાખવાનું એમાં આપણું શું જાય?? ત્યાં ટેબલ પર વટાણા અને ખારી શીંગ પણ હોય જ મોટા મોટા ડબ્બા પણ ભરેલા હતા.”
“ આને હતું ત્યાં મૂકી દે રાત્રે આ બાજુ આવીશું ને ત્યારે સાથે પીશું” હકા ભીખા બોલ્યો.

“ હું તો નથી પીતો તમે પીજો પણ પીધા પછી ગાંડા તો નહિ કાઢોને એટલે મોડી રાત્રે રાખીએ” ઘનો સાવ અજાણ્યો થઈને બોલ્યો.

Image Source

“ પાવળું પાવળું પીવામાં વાંધો નહિ. જોકે હું નીટ જ પીવ છું પણ હમણાથી પીવાનો કોઈ મેળ નથી આવ્યો એટલે આજે થોડું પાણી નાંખવું પડશે. પણ વસ્તુ છે જોરદાર એમાં ના નહિ. અરે કોડીનાર હતો ત્યાં તો હું ટાયો હતો પીવામાં એ વાત તો મેં તને કરી હતી. ઘણી વાર કોડીનારમાં કોઈ વળી કડક અધિકારી આવતો ને ત્યારે મહિનો પંદર દિવસ માલની ખેંચ પડી જાતિ ત્યારે હું શનિ રવિ દીવ જતો રહેતો અને ત્યાં મોજ માણતો.” હકા ભીખાએ પછી તો શરાબ પીવાની રીત અને એના પ્રકાર વિષે ઘણું બોલ્યો અને આ બાજુ ઘના ના મનમાં પણ વિચાર ચાલવા લાગ્યાં કે બસ જેમ બને એમ જલદી હકા ભીખા પોતાની જીવન કહાની કહે અને વાદળી સુટકેસનો તાગ મળી જાય. થોડી વાર પછી વળી હકા ભીખા બોલ્યો.

“ એક વાત કહું ઘના અમારે કોડીનારમાં એક સૂત્ર પ્રચલિત બની ગયું હતું “ રોજ રાતે પીવાનું એજ સાચું જીવવાનું” અને આ સૂત્ર મેં બનાવેલું હતું પણ શું મોજ હતી એ દિવસોમાં.!!. દીવ..!! દરિયો..!!! દારુ…!!! દ્રાક્ષ!! અને દવલ..!!!
અને ઘનાના મગજમાં પણ આ શબ્દો ચકરાવે ચડી ગયા… ઘના ના મગજમાં ઝબકારો થયો.. દવલ એતો હકા ભીખાની પ્રેયસી કમ પરણેતર..!! દીવ…!! દરિયો…!! દારુ…!! દ્રાક્ષ!! અને દવલ!!! અને આ એજ દવલ કે જે બીજાની પરણેતર હતી.. હકા ભીખા એને ભગાડીને લઇ ગયો એટલી જ ખબર હતી.. બાકીની વિગતો મેળવવા માટે તો આ ખેલ શરુ થયો હતો!!!

*************ભાગ નવ પૂર્ણ**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 10ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.