મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 25 – એક જ રાત્રીમાં ચાર ચાર બનાવો બની રહ્યા હતા. ચારેય બનાવો એક થી એક ચડિયાતા હતા!! – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

કટીયો વસ્તાને લઈને ટ્રકમાં દવલના નિવાસ સ્થાન તરફ જઈ રહ્યો હતો. સાથે બે મજૂર હતા. મનમાં એને વિચાર આવતા હશે કે હકા ભીખા માટે સંકટ આવ્યું હશે કે શું?? બસ છ માસ પહેલા જ હકા ભીખા એને છેલ્લી વાર કંકુ રેસ્ટોરન્ટ પર મળ્યો હતો. અને જતા જતા એવી ભલામણ કરતો ગયો હતો કે ભવિષ્યમાં કોઈ સંદેશો મારા તરફથી આવે તો હું કોડવર્ડ માં કહીશ

“ દવલને નૈવેદ્ય ધરાવી દેજો “ અને આ સંદેશો મળે એટલે કે તરત જ તું દવલ અને મારા બે છોકરાને અહી અમદાવાદ લઇ આવજે વાડજમાં. તું એને સાચવીને રાખજે . લગભગ તો હું આવીશ જ અને કદાચ નહિ આવું તો પણ મારી કોઈ શોધ ખોળ ન કરતો. દવલ પાસે જીવનભર ચાલે એટલી સંપતિ તો છે જ. બસ તારે મારી મિત્રતાને ખાતર છોકરાને મોટા કરવાના છે.”

“ અરે ભાઈ બંધ તારા માટે તો જીવ હાજર પણ છે પણ તું આવું મોળું કેમ બોલશો. તને કોઈ તકલીફ હોય તો કહે. હું તને બચાવી લેવા માટે હું ગમે તે કરી શકું. આ બધા ધંધાથી કંટાળ્યો હોય તો પણ કહી દે. ભાભીને લઈને અહી આવતો રહે. જો આ હોટલની સામે ખુલ્લો પ્લોટ છે ને એ પણ આપણે જ રાખેલો છે ત્યાં મકાન ચણી લે અને આમેય મારે સરખેજ પાસે એક બીજું રેસ્ટોરન્ટ ખોલવું છે એ તું સંભાળી લે આ રેસ્ટોરન્ટમાં પણ ટેસથી રોટલા પાણી નીકળી જાય એમ છે. પણ તું આમ મોળી વાત ન કર જે હોય એ સાચું કહી દે મારા ભાઈબંધ” કટીયો ગળગળો થઇ ગયેલો. અને જવાબમાં હકા ભીખા ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો.

“અરે એવું કઈ પણ નથી ભાઈ.. બસ આ તો અગાઉ આયોજન કરી રાખેલું હોય તો પછી છેલ્લી ઘડીએ ફાંફા ન મારવા પાડે. બાકી તને તો ખબર જ છે ને કે આ હકા ભીખા ખુલ્લા ખેતરમાં ચરેલ એને બળદની જેમ બંધન ન ગમે પણ મારા ધંધા એવાને ક્યારેક મારા કારણે દવલ પર સરકાર કે પોલીસની તવાઈ આવે એવું વાતાવરણ થાય એવું મને લાગે તો મારી છેલ્લી ઈચ્છા છે કે દવલ અને મારા છોકરા ખોટી રીતે હેરાન થાય એના કરતા તારી પાસે સલામતી ખરીને.. વળી ભલેને હું કહું કે મને ખુલ્લામાં ચરવાની મજા આવે પણ મને લાગે છે કે વધુમાં વધુ આ ધંધામાં વરસ બે વરસ જ છું પછી બધું સંકેલીને દવલ અને છોકરાઓ સાથે હું અમદાવાદ જ આવી જવાનો છું. તે તો મને ઘણું કીધું કે હવે શું બાકી રહી ગયું છે. બેઠા બેઠા પણ ખવાય એટલું આવી જ ગયું છે પણ હું ન માન્યોને પણ હવે એકાદ બે વરસમાં હું બધું છોડી રહ્યો છું અને તારી જેમ જ કોઈ નવા નામે અમદાવાદમાં જ કોઈક પ્રતિષ્ઠાવાળો ધંધો જ જમાવવાનો છું. આ મારો વાયદો છે. પણ એક ઈચ્છા મનમાં છે એ પૂરી થાય એની વાટે છું” અને આટલું કહીને હકા ભીખા ચાલ્યો ગયો હતો. આ બધું કટીયાને યાદ આવી ગયું. અને પછી થોડા સમય પહેલા કટીયાને સમાચાર મળ્યા કે હકા ભીખા જેલમાં છે. એ હમેશા હકા ભીખા માટે પ્રાથના કરતો હતો એના કારણે જ કટીયાને અઢળક નાણા મળ્યા હતા. અને પછી એણે ઘોઘલા છોડી દીધું હતું. પરિવાર સાથે અહિયાં આવ્યો. પોતાનું નામ એણે કનુભાઈ રાખ્યું. પાસે પૈસા તો હતા . આવીને એકાદ વરસ એ સરસપુર બાજુ રહ્યો અને કંકુ સાથે એનો પરિચય થયો. કંકુના પિતાજી રસોયા હતા અને એ વારસો કંકુમાં ઉતર્યો. કંકુ સાથે એના લગ્ન થયા અને વાડજમાં કંકુ રેસ્ટોરન્ટ શરુ કર્યું. કટિયાની બહેન પણ પરણી ગઈ. અને ધંધો સારો ચાલ્યો અને પરિણામે રેસ્ટોરન્ટ સામે એક મોટો પ્લોટ પણ રાખ્યો. પહેલા સાદું મકાન અને હવે મોટો બંગલો બાંધીને એ રહેતો હતો. ટ્રક દવલના નિવાસ સ્થાન મામા દેવના ખીજડા વાળા ગામ તરફ ચાલતો હતો અને સાથોસાથ કટીયાના ભૂતકાળના વિચારો પણ ચાલતા હતા!!!

બીજે દિવસે સવારે ડિસોઝા પોતાની સાધન સામગ્રી લઈને જેલ તરફ જવા નીકળ્યો. મોના વહેલાસર ઉઠી ગઈ હતી અને આજે એ વહેલા સર રસ્તાની એક બાજુ ઉભી રહી ગઈ હતી. ગઈ કાલે રાત્રે દેવેન્દ્ર ડિસોઝા ક્યાં ગયો હતો એની એને કોઈ બાતમી નહોતી મળી એનાથી એની ચિંતામાં વધારો થયો હતો. દેવેન્દ્ર ડિસોઝા ની ચિત્ર માટેની કાર્યશાળા વધુમાં વધુ ત્રણ દિવસ ચાલે ચાલવામાં હતી એ વાત એણે પઠાણ અને બબુડીયાની મુલાકાત ડિસોઝા સાથે થઇ હતી મહાકાળી ગેસ્ટ હાઉસમાં ત્યારે જ ટ્રાન્સમીટરમાં સાંભળી લીધી હતી. પણ મોનાની ચટપટી વધી ગઈ હતી કે આ લોકો હકા ભીખાને જેલમાંથી કઈ રીતે છોડાવશે એ એને જાણવું હતું. વળી હકા ભીખા જેલમાંથી છટકે તો એ સુટકેસ લેવા મામા દેવના ખીજડાએ જ જશે એ પાકું હતું. અને ત્યાં એ સુટકેસ નહિ મળે એ પણ પાકું જ હતું. માટે એ હવે ઉતાવળી બની હતી. દેવેન્દ્ર ડિસોઝાનો એણે પીછો કર્યો હતો. જય ગરનારી ચા સેન્ટર પર ડિસોઝા રોકાયો હતો. બબુડીયા સાથે એણે રસ્તાના એક ખૂણામાં વીસેક મિનીટ વાત પણ કરી હતી અને ડિસોઝા જેલ તરફ જઈ રહ્યો હતો અને થોડી જ વારમાં એ જેલમાં જતો પણ રહ્યો અને મોનાના મનમાં એક ફાઈનલ વિચાર આવી ગયો.

એ મહાકાળી ગેસ્ટ હાઉસ પર આવી.પોતાના રૂમમાં આવી. થોડી વાર આડા અવળા આંટા માર્યા અને પછી પોતાની બેગ બંધ કરી.સામાન સંકેલ્યો અને એણે રૂમ છોડવાની તૈયારી કરી લીધી. એ પોતાના રૂમમાંથી બહાર નીકળી. ડીસોઝાનો રૂમ માથાની હેર પિનથી ખોલ્યો અને અંદર ગઈ. બીજું તો એને કશું જ કરવાનું નહોતું જે જે માઈક્રોફોન એણે જ્યાં જ્યાં લગાડ્યા હતા એ ફટાફટ કાઢી લીધા હતા. બધું જ બરાબર ગોઠવીને એણે વળી ડિસોઝાના રૂમમાં તાળું માર્યું. ફરી વખત પોતાનો રૂમ ચેક કર્યો. પોતાની કોઈ નિશાની રહી તો જતી નથીને એ ફરીથી જોઈ લીધું અને ઉપરથી દાદર ઉતરીને નીચે આવી. નીચે ટેબલ પર લાંબા પગ કરીને લખડો બીડી પીતો હતો. મોનાએ ચાવી આપી અને લખડો બોલ્યો.

Image Source

“ બસ જવું જ છે.. બસ અહીંથી લોકો જવા માટે જ આવતા હોય છે. થોડાક દિવસ વધારે રોકાયા હોત તો ચાલત જો કે મારો સ્વભાવ સારો એટલે મને તરત જ માયા બંધાઈ જાય એવું છે ચાલો હું તમારો હિસાબ કરી દઉં અને રકમ પાછી આપી દઉં જે વધે તે” જવાબમાં મોના બોલી.

“ પાછી આપવાની કોઈ જ જરૂર નથી. એ બક્ષિશ તરીકે મારા તરફથી રાખી લો પણ એક વાતનો ખ્યાલ રહે કે હું આ ગેસ્ટ હાઉસમાં આવી જ નથી. વાત પેટમાં રાખવાની જ એ બક્ષિશ છે જો કે તમે આ પ્રકારે વગર નોંધણીએ લોકોને રહેવા દયો એટલે તમને આ બાબતનો ખ્યાલ જ હશે કે આ બધી બાબતોમાં મોઢું ખોલાય તો મોઢું ખોલનારનું મો કાયમ માટે બંધ પણ થઇ શકે છે. આપણે એક બીજાને ઓળખતા પણ નથી અને હું આ ગેસ્ટ હાઉસમાં ક્યારેય આવી જ નથી એ વાત નો ખ્યાલ રહે એ બહુ જ જરૂરી છે. અને એક વાત કે મારી ભલામણ કરનાર રતનજી ભાઈને કયારેય મારી બાબત પૂછપરછ કરવાની નથી. અને કદાચ કોઈ બબાલ થાય તો રતનજીભાઇ નું નામ તારી જીભે ન આવવું જોઈએ !! રતનજીભાઈને પણ તમે આજથી નથી ઓળખતાં .” મોના સભાનપણે લખડાની આંખમાં આંખ નાંખીને વાત કરતી હતી અને લખડો તો એને સાંભળતો જ રહ્યો અને મોના ફટાફટ પગથીયા ઉતરી ગઈ.

નીચે ઉતરીને તેણે એકવાર બીજા માળે આવેલ ગેલેરીમાં જોયું. મોના થોડી જ વારમાં રતનજીભાઇ ઘરે પહોંચી. પોતાનો બાકીનો સામાન ત્યાંથી લીધો. રતનજીભાઇ ખાસ કશું પૂછ્યું નહિ પણ એટલું તો કહ્યું જ

“ કે હું રોજ ત્યાં ખાનગીમાં તપાસ કરી જતો હતો કે તું સલામત છો કે નહિ બસ વીકે શેઠની ભલામણ હતી એટલે અને એના કહેવાથી જ હું સવાર સાંજ કોઈને ખબર ન પડે એમ તારી હયાતીની ખાતરી કરી જતો હતો.. બસ નીકળવું જ છે મુંબઈ કે પછી રોકાવું છે થોડા દિવસ???”

“બસ હવે વધુમાં વધુ ત્રણ દિવસ પછી આ કાર લઈને જ મુંબઈ જતી રહીશ.. હવે એકાદ બે દિવસ ફાર્મ હાઉસમાં વીતાવીશ પછી ત્યાંથી જ લગભગ નીકળી જઈશ” મોના બોલી અને મુંબઈ ફોન લગાવીને દસ મિનીટ સુધી વાત કરી. વીકે શેઠ કેન્યા હોવાથી કશી વાતચીત ન થઇ શકી. અને પછી મોના ફાર્મ હાઉસ તરફ ઉપડી. ઉબડખાબડ રસ્તેથી મોના પોતાની કાર લઈને ફાર્મ હાઉસ પર ગઈ. ગેઇટ પર ગુરખાજી ઉભા હતા. મોનાને જોઇને ગુરખાજી એ ગેઇટ ખોલ્યો. મોના એ પોતાની કુટીર પાસે કાર પાર્ક કરી. કારમાંથી બધો સામાન બીજો ગુરખો એની વીકે શેઠની સ્પેશ્યલ કુટિરમાં લઇ ગયો. અને ત્યાં મધ્યમાં જ આવેલ સ્વીમીંગ પુલમાં મોનાએ કુદકો મારીને તરવા લાગી. ઘણા દિવસો વીતી ગયા હતા તેમણે સ્વીમીંગ નહોતું કર્યું. પુલના આ છેડાથી બીજા છેડા સુધી એ માછલીની જેમ તન્મયતથી તરતી રહી. પોતાના લાંબા વાળ પાણીમાં પલળીનેવધુ કાળા બની ગયા હતા એમ તેને લાગતું હતું. નાહીને બહાર નીકળી ત્યારે બે મોટા ટોવેલ ત્યાં એક ટેબલ પર પડ્યા હતા અને સામેની કુટિરમાં જોયું તો સદાનંદ ભાઉ ઉભા હતા. અને એ ચોંકી ઉઠી.

શરીર પર ટોવેલ વીંટાળીને એ ત્યાં ગઈ અને બોલી.

“ ભાઉ તમે ક્યારે આવ્યા. અને કેમ અચાનક જ!!” મોનાને નવાઈ લાગી રહી હતી.

“ બસ શેઠ સાબનો કાલે ફોન હતો અને કહ્યું કે જાવ અને જરૂર પડે તો મોનાને મદદ કરજો. મોના એનું કામ પતાવી લે કે તરત જ એને લઈને આવતા રહેજો.. શેઠને આપની ચિંતા હમણાં હમણા વધી ગઈ છે” કહીને સદાનંદ ભાઉ થોડો હસ્યો. મોના ને મનમાં સારું લાગ્યું અને પોતાના રૂમમાં હસીને જતી રહી.

સદાનંદ ભાઉ વીકે શેઠનો ખાસ વિશ્વાસુ માણસ હતો. ઉમર લગભગ ૫૦ વરસની આસપાસ હશે પણ કસરતી અને ગઠીલું શરીર અને સયમિત જીવન એટલે પહેલી નજરે તો એ ત્રીસનો જ લાગે. વીકે શેઠની ઉલ્લાહાસનગરમા આવેલ એક નાનકડી ફેકટરી એ સંભળાતો હતો. મુંબઈમાં અમુક કામો એવા કરવા પડે કે એમાં સાવ નવા અને અને કોઈ માની જ ન શકે એવા માણસોની જરૂર પડતી. આવા કામ વીકે શેઠ સદાનંદ ભાઉને સોંપી દેતા અને સદાનંદ ભાઉ વગર કોઈ ફતવા કર્યા વગર ઠંડા કલેજે વીકે શેઠે સોંપેલું કામ કરી આપતા. આમ તો સદાનંદ ભાઉ ઉલ્લાસનગરમાં ફેકટરી પર હોય તો અસલી મરાઠી પહેરવેશમાં જોવા મળે અને દર પૂનમે એ ત્રમ્બ્ક જતા અને પૂજા અર્ચના કરતા. અત્યારે પણ એના કપાળ પર ત્રિપુંડ તાણેલુ હતું. પેલી નજરે માનવામાં જ ન આવે કે આ સાદા વેશની પાછળ એક ખતરનાક દિમાગ છુપાયેલું હશે.

સદાનંદ ભાઉ સાથે મોનાએ અર્ધો કલાક વાતો કરી અને વળી એ કાર લઈને નીકળી ગઈ. સાંજે એ ફાર્મ હાઉસે પરત આવશે એમ કહ્યું. આજે એ ડિસોઝા નો પીછો કરીને એની શી યોજના છે એનો તાગ મેળવવાનો હતો.

*******

જેલના ખુલ્લા મેદાનમાં વ્રુક્ષોની છાયા નીચે ડિસોઝાની ચિત્ર કામ કાર્ય શાળા ચાલતી હતી. ચિત્ર દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બરીકીનો તે ઝીણવટથી અભ્યાસ કરાવી રહ્યા હતા. આર ડી ઝાલા પાછળ ખુરશી નાંખીને બેઠા હતા. થોડી વાર પછી એ ઉભા થયા અને પોતાની ઓફિસમાં ગયા કે તરત જ ડિસોઝાએ પ્રેક્ટીકલ કામ સોંપી દીધું.. બધાને એક એક નાનકડી વસ્તુ દોરવાનું સોંપ્યું. કોઈને જેલના દરવાજાની બારી.. દીવાલ પાસેનું કપાયેલું થડ. બેસવાના પથ્થરો.. આર ડી ઝાલા સાહેબની ઓફીસ પાસે આવેલ ચોરસ પીલાર આવી અ બધી નાનકડી વસ્તુઓ પેન્સિલથી દોરવાની હતીઅને સહુને અલગ અલગ જગ્યાએ બેસાડી દીધા. એક બીજાથી ખાસા દૂર.. અને પછી દરેક જણ પાસે જઈને એકાદ મિનીટ બાજુમાં બેસીને માર્ગદર્શન આપે. અને હકા ભીખા પાસે બેસીને એણે પેન્સિલ હાથમાં લઈને કાગળમાં એક ચિત્ર દોરવાનું શરુ કર્યું અને પોતાની વાત કહી.

Image Source

“ કાલે અમદાવાદ તે કીધું એ જગ્યાએ ફોન કરી દીધો અને અને સામેથી ઓકે એવો અવાજ પણ આવ્યો અને તળશીભાઈએ કામની જવાબદારી લઇ લીધી છે. આજ સાંજે હું મુંબઈ ફોન કરીને આંગડીયા દ્વારા પૈસાનો હવાલો પડાવી દઈશ. તળશીને આજે એના કામના એડવાન્સમાં પૈસા મળી જશે અને વળી મારું કામ એણે રાખ્યું એટલે એની સાબિતી રૂપે મને એક બોટલ આપી છે અસલ મુંબઈની બ્રાંડ વાળો ટેસ્ટ છે. તારે કાલ્ય હિમતની જરૂર પડશે. હું રંગની શીશીઓ ભરીને લાવ્યો છું. એમાં એક બોટલ રંગને આછો કરવા માટે ટરપેન્ટાઇનની છે પણ બીજી બોટલમાં એ અલગ જ ટેસ્ટ છે. તારે રાતે કદાચ એકાદ બે પેગ મારવા હોય તો મારી શકાય અથવા કાલે બપોરે શિબિર હું પૂરી કરવાનો છું અને ત્યારે પણ હું ઈચ્છું કે એકાદ પેગ મારેલો હોય તો ભાગવા માટેનું બળ મળી રહે અથવા અચાનક કોઈ એવી પરિસ્થિતિ આવી પડે તો પીધેલ હોય તો માર્ગ મળી રહે” ડિસોઝા ફટાફટ બોલતો હતો. હકા ભીખા હસ્યો અને બોલ્યો.

“ વાંધો નહિ એ બોટલ હું રાખી લઈશ. પણ કામ પતાવ્યા પછી હું મોજથી આનંદથી ટેસ્ટ લેવા માટે પીવું છું.. વ્હીસ્કી હોય કે વાઈન એની પાસેથી હું નોકર જેવું કામ લઉં છું. વ્યસનો છે મારે પણ નોકર જેવા.. નોકર જયારે માલિક બને ત્યારે ખતરનાક બને છે. મને બધા જ વગર વરસ દિવસ ચાલી શકે છે. બાકી હું વ્હીસ્કી પીવ તો જ હિંમત આવે એવું મારામાં નથી. તમે એ બોટલ પેલો દૂર ઉભો એક ઓરડી પાસે એને આપી દેજો આજે આખા દિવસમાં અને એને કહેજો કે આ હકા કાકા માટે છે” કહીને ઘનશ્યામ પરબત તરફ આંગળી ચીંધીને હકા ભીખાએ કહ્યું.

“ પઠાણનું શું કરવાનું છે??” ડિસોઝાએ કહ્યું.

“ કાલ્યે એની જરૂર પડવાની છે. એને હજુ એકાદ દસ હજાર આપી દેજો અને પછી હું એને સંભાળી લઈશ. પણ આજ રાત્રે તમે ફરી વખત તળશીને મળી લેજો. અને બધું પાકા પાયે ગોઠવી લે જો. મારા પ્લાનમાં કોઈ ભૂલ હોય તળશીને કહેજો કે એ સુધારી લે બાકી મને ગળા સુધી ખાતરી છે કે એક વખત તળશી બોલે એટલે એ કામ પોણા ભાગનું તો ત્યાને ત્યાં થઇ જાય” હકા ભીખાના ચહેરા પર આનંદ વર્તાતો હતો. થોડી વાર વાતો થઇ અને વળી હકા ભીખા બીજા કેદીઓને ચિત્રોનું માર્ગદર્શન આપવા પહોંચી ગયો. કલાક પછી એ થેલો લઈને બીજા કેદીઓને ખેતીના પાક દોરવા માટે ઘનશ્યામ પરબત જયા હતો ત્યાં લઇ ગયો અને પેલી વ્હીસ્કીની બોટલ એણે ઘનશ્યામને આપી દીધી. ત્યારે ડિસોઝાને સપને પણ ખ્યાલ નહોતો કે જે સુટકેસ પાછળ એ આ બધું ગોઠવી રહ્યો છે એ જ સુટકેશ આ ઘનશ્યામ લઇ આવ્યો હતો અને એ એના મૂળ માલિક પાસે પહોંચી પણ ગઈ છે અને આ એના વ્યર્થ ફાંફા છે!!

આજ હકા ભીખા માટે સમય ઝડપથી પસાર થતો લાગ્યો. સાંજે પાંચ વાગ્યે વળી બધું સંકેલીને ડિસોઝા રવાના થયો અને આર ડી ઝાલા સાહેબને કહ્યું.

“ કાલે હું સવારે સાત વાગ્યે આવી જઈશ અને બાર વાગ્યે પૂરું કરી ને જતો રહીશ”

“ આપને જેમ યોગ્ય લાગે તેમ પણ આપની આ સેવા ભાવનાથી હું ખુબ પ્રભાવિત થયો છું.” અને હસતા મોઢે ડિસોઝાની પીઠ થાબડી અને ડિસોઝા રવાના થયો. બહાર નીકળીને બબુડીયા સાથે એ બને જણા મફતીયાપરા બાજુ જવા લાગી. તળશીના ઘર પાસે આવેલ દુકાન પાસે એ ઉભા રહ્યા હતા, બબુડીયા એ દુકાનમાં જઈને સંદેશો આપ્યો અને થોડીવારમાં બને અંદર ગયા. અને અંદરથી દરવાજો દેવાઈ ગયો. અને દુરના એક ખાંચામાં મોના પોતાની ફીઆટ લઈને ઉભી હતી. એ એનો પીછો કરીને આવી હતી.પણ મફતિયા પરાનું વાતાવરણ જોઇને એને તરત જ મુંબઈની ધારાવી યાદ આવી ગઈ. નાનકડા છોકરા અને મોટી છોકરીઓ એને અને એની કારને તાકી રહ્યા હતા. એટલે મફતિયા પરામાંથી તરત જ નીકળી ગઈ હતી. બબુડીયો અને ડિસોઝા કયા ગયા હતા એ મકાન એણે જોઈ લીધું હતું પણ ત્યાં જઈને એ શું વાત કરે છે એ જાણી શકાયું નહોતું. પણ કાઈ વાંધો નહિ આટલી માહિતી એને પુરતી હતી.

તળશી પાસે જઈને ડિસોઝાએ મુંબઈ ફોન કર્યો એક આંગડીયા પેઢી પર અને પછી ફોન પર જ તળશીએ પોતાની વિગતો આપી અને દસ જ મીનીટમાં તળશી પર શહેરના એક આંગડીયાવાળાનો ફોન આવ્યો કે તમારી રકમ અમારી પાસે આવી ગઈ છે.અને તરત જ તળશીએ પોતાના ખાસ માણસને બોલાવ્યો.

“ કિશન નરશી નટવરની પેઢીએ આપણી વસ્તુ આવી છે એ લેતો આવ્ય અને બુલેટ પર જજે અને વસ્તુ વજનદાર છે એટલે બહારના ઓટલે જે પણ કોડો નવરો બેઠો હોય એને પાછળ બેસાડી જજે અને ઝડપથી આવજે.” અને કિશન ગયો એવો જ વીસ મીનીટમાં આવ્યો. પૈસાનો થેલો પોતાની પાસે આવી ગયો એટલે તળશી બોલ્યો.

“ કાલ્યની યોજનામાં કશો ફેરફાર નહિ થાય એ પાકું..હવે આખી રાતમાં હું બધો જ પ્લાન ફરીથી ગોઠવીશ. એ ચાર માણસોને હું અત્યારે જ મળવા જાવ છું. આ રકમમાંથી એને પણ અમુક રકમ આપવી પડશે.. આ પૈસો દુનિયાની સહુથી વિશ્વાસુ વસ્તુ છે. પૈસો આપો તો વિશ્વાસ તરત જ આવે છે. અને હવે ડિસોઝા તમારે આજની રાત તમારે અમારી મેડી પર રોકાવાનું છે. છેલ્લી રાતનું હું જોખમ લેવા માંગતો નથી. બાકી કાલ્ય છ કે સાત વાગ્યે તમે હકા ભીખાને લઈને છુટા!! ત્યાં સુધી હવે બધી જ મારી જવાબદારી. એટલે હું તમને રેઢા નહિ મુકું!! “ અને ડિસોઝાને એ પણ મંજુર હતું. પછી બે બે પગ બધાએ લીધા અને કિશને ડિસોઝાને મેડી પર એક મોટા રૂમમાં સુવડાવી દીધો. અને પછી તળશી અને કિશન અમુક રકમ લઈને મફતિયા પરાથી બે ગાઉં દૂર ગાડા માર્ગે આવેલ સજુભાની વાડીએ પ્લાનને આખરી ઓપ આપવા જતા હતા.

Image Source

બબુડીયો એકલો એકલો પોતાના ઘર તરફ જતો હતો એ મોનાએ દુરથી જોયું. ડિસોઝા ન આવ્યો એની નવાઈ મોનાને લાગી. મોનાએ પોતાની ફિઆટ બબુડીયા પાસે લઈને બારીનો કાચ ખોલીને બોલી.

“ ડિસોઝા તમારી સાથે હતા એ ક્યાં છે.. એનું ખાસ કામ છે અરજન્ટ છે..એના માટે મહાકાળી ગેસ્ટ હાઉસમાં કોઈ મહેમાન આવ્યા છે.એક કામ કરો તમે એ મહેમાનને મળી લો અથવા મને ડિસોઝા પાસે લઇ જાવ ખાસ અગત્યનું છે “ આટલું બોલીને મોનાએ આગળનું બારણું ખોલ્યું અને એ સહેજ ઝૂકીને. સ્લીવલેસ બ્લાઉઝમાંથી મોનાની ઉન્નત છાતીનો ઉછાળતો નજારો જોઇને બબુડીયો લાંબો વિચાર કર્યા વગર ફિઆટ માં મોનાની સાથે જ આગળની સીટમાં બેસી ગયો. અને બોલ્યો.

“ ગેસ્ટ હાઉસ પર લઇ લો.. હું એને મળી લઉં”

“ સુગંધ ગમે છે ને “??

બબુડીયાનાં ગાલ પર હાથ ફેરવતા મોનાએ માદક અંદાજમાં કહ્યું અને જવાબમાં બબુડીયાના હોઠ પહોળા થઇ. પોતાના ગાલ પર એક ભપકાદાર સ્ત્રીનો હાથ ફરી રહ્યો હતો. અને એ પણ જીવનમાં પહેલી વાર જ અને એની આંખો બંધ થઇ ગઈ. કલ્પના ન કરી હોય એવું સુખ આવે તો આંખો પણ એને સહન ન કરી શકે. અને તરત મોનાએ કારના ડેશ બોર્ડ ના એક ખાનામાંથી એક શીશી કાઢી અને એમાંથી બબુડીયાના નાક આગળ સ્પ્રે કર્યો અને બબુડીયો સીધો જ બેભાન!!!! અને મોનાએ તેજ ગતિથી ગાડી ફાર્મ તરફ ચલાવી!! થોડી વારમાજ એ ફાર્મ હાઉસ પર પહોંચી ગયો.

લગભગ એક કલાક પછી બબુડીયો ભાનમાં આવ્યો. એક ઓરડીમાં પુરાયેલો હતો. ખુરસી પર બેઠો હતો અને હાથ પગ બાંધેલા હતા. માથા પર લેમ્પનો પ્રકાશ દઝાડતો હતો.મોઢા પર પ્લાસ્ટીકની પટ્ટી હતી. બબુડીયાની આંખો ચકળ વકળ થઇ રહી હતી. ઓરડીનું બારણું ખુલ્યું અને મોના આવી. બબુડીયાની સમજમા બધું આવી ગયું. મોનાએ ખુરશી અવળી કરીને બરાબર બબુડીયા સામે ઝૂકીને એક અલ્લડ અદાથી બેસી ગઈ મોનાનો છાતીનો ઉભાર ખુરશીના ઉપલા ભાગથી દ્રશ્યમાન રહ્યો હતો આવી પરિસ્થિતિમાં પણ બબુડીયાની નજર ત્યાંથી હટતી નહોતી. મોનાએ બબુડીયાના મોઢા પરથી પટ્ટી હલાવીને કહ્યું.

“ જે પૂછું એ સાચું કહી દે જે બાકી અહીંથી તારી લાશ જ જશે. તારી સાથે મારી કોઈ દુશ્મનાવટ નથી. મારે ડિસોઝા સાથે દુશ્મનાવટ છે એટલે તું વચ્ચે બલીનો બકરો ન બને તો સારું. કોઈ પણ રમત કર્યા વગર મને બધો જ પ્લાન કહી દે.. બસ પછી તને છોડી દઈશ એ પ્રોમિસ આપું છું!!

અને ખરેખર આ રાત ઘણી જ રોમાંચક હતી!! એક જ રાત્રીમાં ચાર ચાર બનાવો બની રહ્યા હતા. ચારેય બનાવો એક થી એક ચડિયાતા હતા!!

એક સજુભાની વાડીમાં તળશી અને કિશન બાકીના ચાર માણસો સાથે હકા ભીખાને કાલે કઈ રીતે જેલમાંથી સફળતાપુર્વક ભગાડવો એ વિષે આખરી મસલત ચાલી રહી હતી.

બીજી બાજુ મોના બબુડિયા પાસે ડીસોઝાનો તમામ પ્લાન જાણી રહી હતી. એ પણ બબુડીયાનું અપહરણ કરીને ફાર્મ હાઉસ પર તમામ વાત ઓકાવી રહી હતી.

અને ત્રીજી બાજુ જેલમાં હકા ભીખા ઘનશ્યામ પરબત પાસે એ પેલી એની જાણીતી ઓરડી પાસે છાલીયામાં પેગ બનાવીને ભુભુતીયા ડુંગરમાં છુપાયેલા ખજાનાનું રહસ્ય કહી રહ્યો હતો!! એ ખજાનાની જાણ એને કેવી રીતે થઇ એની સંપૂર્ણ વિગતો હકા ભીખા ઘનશ્યામ પરબતને આપી રહ્યો હતો કારણકે હકા ભીખાને ખબર હતી કે આજની રાત છેલ્લી રાત છે લગભગ તો!! કાલે પ્લાન લગભગ સકસેસફૂલ જ છે!! તો પછી કાલે ઘનશ્યામ પરબત એકલો જ હશે આ જેલમાં!!

Image Source

અને ચોથો બનાવ.. દવલનો સામાન ટ્રકમાં ભરાઈ રહ્યો હતો. કટોયો સાંજે પાંચ વાગ્યે દવલ પાસે પહોંચી ગયો હતો અને હકા ભીખાનો સંદેશો કહી સંભળાવ્યો હતો. દવલ અંદરથી રાજી હતી એને લાગ્યું કે એનો ભરથાર હવે ઠરીઠામ થઇ રહ્યો હતો. હકા ભીખાએ એને એક વાર કહ્યું હતું કે જો કટીયો તને લેવા માટે આવે તો તારે એમની સાથે જતું રહેવાનું છે એમના ઘરે!! બસ હું વહેલો મોડો ત્યાં આવીને તને મળીશ અને કાયમને માટે આ ધંધો મુકીને કમાણીનો સારો રસ્તો પકડી લઈશું. ખીજડા પરથી બધી વસ્તુઓ ઘરેણા અને પૈસા વગેરે લઇ લીધા પણ સુટકેસ ના મળી. દવલ ને માન્યામાં નહોતું આવતું કે સુટકેસ કયા ગઈ હશે. એને કેમ થયું કે એનો ધણી કદાચ આવીને લઇ ગયો પણ હોય. પોતાની ઓળખ છતી ન થાય એ માટે એ ચુપચાપ બીજા માણસો સાથે આવીને સુટકેસ લઇ ગયા હોય!! બધી જ સંપતી સાથે દવલ ટ્રકમાં બેઠી એના બે ય સંતાનો પણ આગળ ગોઠવાઈ ગયા. કટીયો ટ્રક હાંકી રહ્યો હતો!! ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો!!

અને ડિસોઝા તળશીની મેડી પર સુતો હતો પણ એને ઊંઘ નહોતી આવતી. એ ઘડીક પેલી સુટકેસ ના વિચારે ચડી જતો તો કયારેક એને સુમિત સોલકરની પત્ની અને પોતાની એક માત્ર પ્રેમિકા આશાનું ભરાવદાર અને રસદાય બદન યાદ આવી જતું હતું. ડિસોઝા મનોમન વિચારતો હતો કે બસ આ પ્લાન સફળ થાય તો એ આશાને લઈને ખંડાલાની એ જગ્યાએ લઇ જશે જ્યાં એનું નાનકડું મકાન હતું. નાનકડી હોટેલ કરીને એ પોતાની બાકીની જિંદગી આશાની બાહોમાં વીતશે એના ખ્યાલમાં ખોવાઈ ગયો હતો. પણ ડીડી યાની કે દેવેન્દ્ર ડિસોઝાને ક્યાં ખબર હતી કે બસ આ રાત જ એની આખરી રાત હતી. એના જીવનમાં ફક્ત વીસ કલાકનો સમય જ બચ્યો હતો!!!

ચારેય ઘટનાઓ ઝડપથી બની રહી હતી!!

બબુડીયો મોનાને બધો પ્લાન બતાવી રહ્યો હતો થોડોક માર ખાધા પછી..

હકા ભીખા ખજાનાનું રહસ્ય કહેવામાં મશગુલ હતો.. ઘનશ્યામ પરબત એક એક વસ્તુ સાંભળી રહ્યો હતો..

સજુભાની વાડીયે ફાઈનલ થઇ ગયુ હતું અને ત્યાં પાર્ટી થઇ રહી હતી..

દવલ એના બે છોકરા સાથે અમદાવાદ જઈ રહી હતી. આર ડી ઝાલા અને બહુ થોડા માણસો જે દવલનું રહેઠાણ જાણતા હતા. એને પણ આજથી દવલનું નવું રહેઠાણ ક્યાં આવ્યું એની જાણકારી નહિ હોય!!હકા ભીખાએ તમામનો ગાળિયો કરી નાખ્યો હતો!!

*************ભાગ પચ્ચીસ પૂરો**************

વધુ અને સહુથી રસપ્રદ પ્રકરણ હવે પછી!!

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 26ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.