ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

સારવાર માટેના પૈસા નહોતા, 11 બોટલ લોહી ચઢાવ્યું, એ પણ ઝાડા વાટે નીકળી ગયું, પછી આવ્યો CM રૂપાણી ઓફિસથી ફોન…..

એવું કહેવાય છે કે જ્યારે તમે મુસીબતમાં હોય ત્યારે ભગવાન તમને કોઈને કોઈ રીતે મદદ કરે જ છે, આવું જ કંઈક બન્યું છે દેહગામના એક બ્રાહ્મણ સાથે. જેની પરિસ્થિતિ સાવ ખરાબ હતી અને પોતે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રસોડામાં મજૂરી કરીને જીવન વિતાવી રહ્યા હતા, પરંતુ કામ કરતા કરતા આવેલી કમજોરીનાં કારણે કામ થઇ શકતું નહોતું, અમદાવાદ સિવિલમાં જયારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તેમનું લીવર ફક્ત 12.5 ટકા જ કામ કરે છે, સારવાર માટે પૈસા પણ નહોતા તેથી સારવાર કરાવવાનું બાજુ પર રાખીને કામે લાગી ગયા. પરંતુ સીએમ રૂપાણીની ઓફિસેથી આવેલા એક ફોન દ્વારા જ તેમને નવું જીવન મળ્યું હતું.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામમાં રહેતા જગદીશભાઈ ત્રિવેદી અને તેમના નાનાભાઈ વિષ્ણુભાઈ ત્રિવેદી છેલ્લા ઘણા વર્ષોથી કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. બંન્ને ભાઈઓ અવિવાહિત હોવાથી તમામ ઘરકામ પણ જાતે જ કરતા. બાપ દાદાએ વારસામાં એક ઘર આપ્યું હતું પરંતુ આ ઘર પણ છાપરા વાળું હતું.

જગદીશ ત્રિવેદી અગાઉ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના રસોડામાં મજૂરીકામ કરતા હતા. પરંતુ તેમના શરીરમાં નબળાઈ ઘર કરી ગઇ હતી. કોઈના કહેવાથી સિવિલમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમનું લીવર માત્ર 12.5 ટકા જ કામ કરે છે. પૈસાની અછતના કારણે સારવાર થઇ શકે એમ નહોતી જેના કારણે તેમને શરીર સાથ આપે કે ના આપે કામ તો કરવું જ પડે એમ નક્કી કરી લીધું.

Image Source

તબીયત વધુ ખરાબ થતા તે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યાં પ્રાથમિક તબક્કે 11 બોટલ લોહી ચઢાવ્યું પરંતુ તમામ લોહી ઝાડા વાટે બહાર નીકળી ગયુ. જગદીશભાઈ બિલકુલ બેભાન અવસ્થામાં આવી ગયા. ડોક્ટરે તેમને એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપી, પરંતુ એન્ડોસ્કોપી કરાવવા માટેના પણ તેમની પાસે પૈસા નહોતા.

મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી કાર્યરત ડેશબોર્ડના ‘જનસંવાદ કેન્દ્ર’ દ્વારા જગદીશભાઈનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. આ ફોન બાદ જગદીશભાઈની અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં સારવાર કરવામાં આવી. જેમાં તેઓ ડૉક્ટર શશાંક પંડ્યાને મળ્યાં. ડોક્ટરે તેમની એન્ડોસ્કોપી કરાવી, જેમાં લીવરની નળીમાં પંક્ચર હોવાનું જાણવા મળ્યું.

સિવિલ હોસ્પિટલમાં જ તેમનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું અને 10 બોટલ લોહી પણ ચઢાવવામાં આવ્યું. સમય જતાં તેમની તબિયતમાં સુધારો થયો. તેના માટે જગદીશભાઈ સીએમ રૂપાણીનો પણ આભાર વ્યક્ત કરે છે.

Image Source

આ બાબતે કેન્સર વિભાગના ડાયરેક્ટર શશાંક પંડ્યા જણાવે છે કે: “સી.એમ ડેશબોર્ડમાંથી સુચના આવી અને જગદીશભાઈનું નિદાન-ઓપરેશન તથા સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું. સી.એમ. ડેશબોર્ડમાંથી આવા સંખ્યાબંધ કેસોની ભલામણ આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર થાય છે.”

જગદીશભાઈના નાનાભાઈ વિષ્ણુભાઈ ત્રિવેદી આ બાબતે જણાવે છે કે “મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ સંવેદનશીલ છે. તેમના સંવેદનાસભર નિર્ણયથી મારા ભાઈ આજે તદ્દન સ્વસ્થ બન્યા છે. અમે બંને ભાઈઓ રાજ્ય સરકારના ઋણી છીએ. ગરીબ માણસોની પારાવાર મુશ્કેલીઓ તેઓ સમજે છે એ બહુ મોટી વાત છે. નહીં તો અમારા જેવા ગરીબ માણસોની દરકાર કોણ લે ? કોઈ સામેથી ફોન કરીને કહે કે આ હોસ્પિટલમાં પહોંચી જાઓ તમારું નિદાન સારવાર વિનામૂલ્યે થઈ જશે એવું માની ન શકાય. પણ અમારા કિસ્સામાં આવું બન્યું છે એ પણ એટલું જ સત્ય છે. સલામ છે આવા મુખ્યમંત્રીને…”