પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડનું ગત બુધવારે રાત્રે નિધન થયું હતુ. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. તેમની હાલત જોઈને કપિલ દેવે મદદ માટે પોતાનું પેંશન પણ ડોનેટ કર્યુ હતુ. અંશુમાન ગાયકવાડના નિધન બાદ તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો.
તેમના નિવાસસ્થાનેથી શણગારેલી શબવાહિનીમાં અંતિમયાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા, BCCIના પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે પણ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન સાથી મિત્રોએ મિત્રની ચિતા પર લાકડા મૂકી મિત્રને અંતિમ વિદાય આપી હતી. જો કે, અગ્નિદાહ સમયે જ લોકો ભાવુક થયા હતા. જણાવી દઇએ કે, અંશુમાને લગભગ 12 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ મેચ અને 15 ODI મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
રમાયેલી 40 ટેસ્ટ મેચોમાં ગાયકવાડે 30.07ની એવરેજથી 2 સદી અને 10 અડધી સદી સાથે 1985 રન બનાવ્યા હતા. 15 ODI મેચોમાં ગાયકવાડે 20.69ની સરેરાશથી 269 રન બનાવ્યા હતા. જૂના સમયના ક્રિકેટ પ્રેમીઓ આજે પણ અંશુમાનને 1983માં પાકિસ્તાન સામે રમેલી 201 રનની ઇનિંગ માટે યાદ કરે છે.
View this post on Instagram