ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક લેનાર પહેલો ભારતીય બોલર, બુમ બુમ બુમરાહ કરતા પણ તેજ….એક જ ઓવરમાં લઇ ચૂક્યો છે 5 વિકેટ

ક્રિકેટના એક જ ફોર્મેટમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી એ એક મોટી ઉપલબ્ધિ છે. હેટ્રિક લેવાનું કોઈ પણ બોલરનું સપનું હોય છે પણ કોઇક જ તેમાં સફળ થાય છે. ભારતીય ક્રિકેટમાં એક એવો બોલર છે જેણે ઘરેલુ ક્રિકેટમાં ત્રણ હેટ્રિક લેવાની અજાયબી કરી છે. રસપ્રદ વાત એ છે કે તેણે ભારતીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એટલે કે પાંચ-દિવસીય, એક દિવસીય અને T20 ફોર્મેટમાં આ કારનામું કર્યું છે. એટલું જ નહીં ટી20 ક્રિકેટમાં આ બોલરે એક ઓવરમાં પાંચ વિકેટ લેવાની પણ સિદ્ધિ મેળવી છે.

ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુન સિવાય કદાચ T20 ક્રિકેટમાં આવો ચમત્કાર અન્ય કોઈ બોલરે કર્યો નથી. ક્રિકેટના ક્ષેત્રમાં આ અનોખી સિદ્ધિ હોવા છતાં અભિમન્યુ મિથુનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખૂબ જ ટૂંકી રહી. તે માત્ર 4 ટેસ્ટ અને 5 વનડે મેચ જ રમી શક્યો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 9 અને વન ડેમાં 3 વિકેટ ઝડપી છે. અભિમન્યુ મિથુન એવો બોલર છે, જેણે રણજી ટ્રોફીના પોતાના ડેબ્યુ મેચમાં જ હેટ્રિક લેવાનું કારનામુ કર્યુ હતુ. કર્ણાટકના આ બોલરે નવેમ્બર 2009માં મેરઠમાં રણજી કારકિર્દીની શરૂઆત કરી હતી અને યુપી (કર્ણાટક વર્સેસ યુપી)ની બીજી ઇનિંગ્સ દરમિયાન હેટ્રિક નોંધાવી હતી.

તેણે ઇનિંગની 60મી ઓવરમાં પિયુષ ચાવલા, આમિર ખાન અને આરપી સિંહને સતત બોલ પર શિકાર બનાવ્યા હતા. ચાવલાને જ્યાં તેણે બી.અખિલથી કેચ આઉટ કરાવ્યો ત્યાં આમિર અને આરપી સિંહ બોલ્ડ થયા હતા. લગભગ 10 વર્ષ પછી મિથુને 25 ઑક્ટોબર 2019ના રોજ ભારતીય ક્રિકેટની વનડે ફોર્મેટ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીને પોતાના માટે યાદગાર બનાવી અને હેટ્રિક નોંધાવી. તેણે તેના જન્મદિવસે (25 ઓક્ટોબર 2019) ટૂર્નામેન્ટની ફાઇનલમાં તમિલનાડુ સામે કર્ણાટક તરફથી રમતી વખતે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

મિથુનના બોલિંગ પ્રદર્શન (5/34)એ ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈનિંગની છેલ્લી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર તેણે શાહરુખ ખાન, મોહમ્મદ મોહમ્મદ અને મુરુગન અશ્વિનને આઉટ કરીને તમિલનાડુની ઈનિંગને 252 રનના સ્કોર પર સમેટી દીધી હતી.વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં હેટ્રિક લીધાના લગભગ એક મહિના પછી મિથુને T20માં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ભારતીય ક્રિકેટની T20 ફોર્મેટ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં હેટ્રિક સહિત એક ઓવરમાં પાંચ વિકેટ લીધી.

મિથુને હરિયાણા (કર્ણાટક Vs હરિયાણા) સામેની ઈનિંગની છેલ્લી ઓવરના પહેલા ચાર બોલ પર હિમાંશુ રાણા, રાહુલ તેવટિયા, સુમિત કુમાર અને અમિત મિશ્રાને આઉટ કર્યા. ઓવરનો પાંચમો બોલ વાઈડ હતો અને બદલામાં ફેંકેલા બોલ પર બેટ્સમેન જીતેશ સરોહાએ સિંગલ લીધો હતો. મિથુને છેલ્લા બોલ પર જયંત યાદવને આઉટ કર્યો હતો. મેચમાં ફેંકવામાં આવેલી ઇનિંગ્સની આ છેલ્લી ઓવર અભિમન્યુ મિથુન માટે ચમત્કારિક સાબિત થઈ. 19 ઓવર પછી તેનું બોલિંગ વિશ્લેષણ 3-0-37-0 હતું, પરંતુ ઈનિંગની છેલ્લી ઓવરમાં હેટ્રિક સહિત 5 વિકેટ લેવાને કારણે તે મેચમાં 4-0-39-5નું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો.

અભિમન્યુ મિથુનની ક્રિકેટ સફર ઓછી રસપ્રદ નથી. અભિમન્યુ શરૂઆતમાં જૈવલિન થ્રોઅર હતો અને રાજ્ય સ્તર પર ઇવેન્ટમાં જાણીતું નામ હતું. તે તેના પિતાના જીમમાં ટ્રેનિંગ કરતો હતો પણ ભાલા ફેંકમાં આગળ વધી શક્યો નહિ. એક મિત્રના કહેવા પર તેણે ક્રિકેટમાં હાથ અજમાવ્યો અને આ પછી તેણે આ રમતમાં ઘણું નામ કમાવ્યું. તે 27 ફેબ્રુઆરી 2010ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે રમ્યો હતો, તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI સાથે કરી હતી અને લગભગ પાંચ મહિના પછી તેણે ગોલમાં શ્રીલંકા સામે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

મિથુને વર્ષ 2021માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધુ. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના પર અબુ ધાબીમાં T10 લીગ મેચ દરમિયાન ‘લોંગ નો બોલ’ ફેંકવા બદલ સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. જ્યારે મિથુને આ નો બોલ નાખ્યો ત્યારે તેનો પગ લગભગ દોઢ ફૂટ ક્રિઝની બહાર હતો. મિથુનનો આ નો બોલ જોઈને લોકોને પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર યાદ આવી ગયો હતો, જેના પર 2010માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. લીગમાં મિથુન નોર્દર્ન વોરિયર્સ ટીમ તરફથી રમી રહ્યો હતો અને તેની ટીમને ચેન્નાઇ બ્રેવ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Shah Jina