ઓલિમ્પિકમાં 2-2 મેડલ જીતી દેશ પરત ફરી મનુ ભાકર, “દેશની બેટી”નું લોકોએ દિલ્હી એરપોર્ટ કર્યુ ઢોલનગારા અને ફૂલો સાથે સ્વાગત

મનુ ભાકર 2 મેડલ જીતી દેશ પરત ફરી, દિલ્લી એરપોર્ટ પર થયુ જોરદાર સ્વાગત – જુઓ વીડિયો

 

ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ આજે એટલે કે 7 ઓગસ્ટે સ્વદેશ પરત ફરી છે. તે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટર્મિનલ 3ના વીઆઈપી ગેટમાંથી બહાર આવ્યા બાદ ઢોલનગારા અને ફૂલો સાથે તેનું અને કોચ જસપાલ રાણાનું ભાવભર્યુ સ્વાગત કરાયુ હતુ.

લોકો ઢોલના તાલે જોરશોરથી ઉજવણી કરતા પણ જોવા મળ્યા. આ દરમિયાન મનુએ પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા બંને બ્રોન્ઝ મેડલ પણ મીડિયાને બતાવ્યા. રવિવારે ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભાગ લેવા તે આ અઠવાડિયે પેરિસ પરત ફરશે. દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગતથી મનુ ભાકર ભાવુક થઈ ગઇ હતી.

તેને ટ્વીટ કરી- ‘મને જે સમર્થન અને શુભેચ્છાઓ મળી રહી છે તેનાથી હું ખૂબ જ ભાવુક છું. આ કંઈક એવું છે જેનું મેં હંમેશા સપનું જોયું છે. વિશ્વના સૌથી મોટા સ્ટેજ પર મારા દેશ માટે પરફોર્મ કરવા બદલ ગર્વ અનુભવી રહી છું. ત્યાં, એરપોર્ટ પર જોરદાર સ્વાગત પર મનુ ભાકર એ કહેતી સંભળાઇ રહી છે કે ઘણી ખુશી છે મને, તમારા લોકો તરફથી આટલો પ્રેમ મળ્યો.

મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ દરમિયાન ભારતની ધ્વજવાહક હશે. 22 વર્ષની મનુએ ઓલિમ્પિક શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. મનુએ પેરિસમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો.

આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તે ત્રણ ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર ભારતીય બનીને ઈતિહાસ રચવાની અણી પર હતી, પરંતુ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓછા અંતરથી ચૂકી ગઈ.

Shah Jina