ખબર

ગ્રીષ્માની હત્યાના એક અઠવાડિયા બાદ હત્યારા ફેનિલને લઈને થઇ આ મોટી કાર્યવાહી, ફેનિલનો FSLમાં વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરાયો

સુરતની દીકરી ગ્રીષ્મા વેકરીયાની હત્યાને આજે એક અઠવાડિયું પૂર્ણ થયું. ગત શનિવાર,12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાની તેની જ સોસાયટીની બહાર ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને આખા દેશમાં રોષ જોવા મળ્યો હતો અને આરોપીને જલ્દી ફાંસીની સજા થાય તેવી માંગણી ગ્રીષ્માના પરિવારજનો અને સામાન્ય લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે.

ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસ પણ વધુ ઝડપી બની છે. આરોપી હત્યારા ફેનિલ ગોયાણીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા, રિમાન્ડનો આજે છેલ્લો દિવસ છે. કોર્ટ દ્વારા આજે એટલે કે 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલામાં હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલ અને તેના મિત્રની વાતચીતનો એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ફેનિલ ગ્રીષ્માની હત્યા કર્યા પહેલા તેના એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને ગ્રીષ્માની હત્યા કરવાની વાત જણાવી રહ્યો હતો. ત્યારે આ વાયરલ ઓડિયોની અંદર વોઇસ ફેનિલનો છે કે કેમ તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વાર બોલાવીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આજે આરોપી ફેનિલના રિમાન્ડ પુરા થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંભવતઃ પોલીસ દ્વારા ફેનીલનાં વધુ રિમાન્ડ પણ મંગાવામાં આવી શકે છે. ગ્રીષ્માના પરિવાર વતી તેનો કેસ સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા છે. તેમને કોર્ટ સમક્ષ આ કેસમાં ઝડપી ન્યાય માટેની રજુઆત કરી આ ઉપરાંત કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માંગ કરી હતી. તેમજ સરકારી વકીલ દ્વારા સરકારી સ્કીમ હેઠળ વળતર માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.