દિલધડક સ્ટોરી નીરવ પટેલ રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે

એક તરફી પ્રેમ જ સાચો પ્રેમ કહેવાય. જો એજ પ્રેમ બંને તરફ થઈ જાય ત્યારે તો એ સંબંધ બની જાય ! તો જો તમે પણ કોઈને એક તરફી પ્રેમ કરતાં હોય તો નિરાશ ના થશો..

“કહેવું ઘણું ઘણુંય છે, બોલી શકાય નહીં,
બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય કઈ”

આ પંકિતઓ જ્યારે સાંભળી લઈએ ત્યારે આપણને આપણાં પ્રિયપાત્રની યાદ જરૂર આવે. જો એ સાથે હોય તો પ્રેમ સંબંધ જોડાયો હોય એ પહેલાં ના દિવસોની યાદો તાજી જરૂર થઈ જાય. કારણ કે દરેક વ્યક્તિ પ્રેમ સાથે જોડાયેલો છે. દરેકના દિલમાં કોઈને એક તરફી ચાહવાનો સમય જરૂર આવ્યો જ હોય છે.
એક તરફી પ્રેમ જ સાચો પ્રેમ કહેવાય. જો એજ પ્રેમ બંને તરફ થઈ જાય ત્યારે તો એ સંબંધ બની જાય ! પણ એક તરફી પ્રેમમાં અધૂરપ હોય, તો સંબંધમાં એની પૂર્ણતા. એક તરફી પ્રેમમાં તડપન હોય તો સંબંધમાં પાસે બેસી એકબીજાને હૂંફ આપી શકાય એટલી હળવાશ.

એક તરફી પ્રેમ હોય કે પ્રેમની પૂર્ણતા પામેલો સંબંધ. આ બંનેમાં રહેવું દરેકને ગમે છે. અપવાદોને બાદ કરતાં જવલ્લે જ કોઈ એવું હશે જે એક તરફી પ્રેમ કે સંબંધમાં જોડાયેલા નહિ હોય. ખરું ને ! અને આજના સમયમાં એક તરફી પ્રેમમાં જોડાયેલા પ્રેમીઓની સંખ્યા વધું જોવા મળશે. મોટાભાગના લોકો કમીટેડ નામના સંબંધથી જોડાઈ ગયેલા હશે. ભલે સમાજની કોઈ વૉલ ઉપર એમની કમીટેડ નામની પોસ્ટ ટીંગાવેલી નહિ હોય પણ એ બંને વ્યક્તિઓના દિલમાં રોજે રોજ પ્રેમની અસંખ્ય લાઈક તો ઉઠતી જ હશે. કારણ કે દરેકને પ્રેમમાં રહેવું ગમે છે. એક બીજાને ગમતાં રહેવું ગમે છે.
સંબંધમાં જોડાયેલા વ્યક્તિઓ કદાચ અલગ થઈ જશે, પણ એક તરફી પ્રેમમાં રહેલા લોકોમાં ભાગ્યે જ કોઈ સામેના પાત્રને છોડી શકશે. વળી, સંબંધમાં રહેલા વ્યક્તિઓ એક સંબંધ તૂટતાં નવા સંબંધની શોધમાં પણ નીકળી જશે. જ્યારે એક તરફી પ્રેમમાં રહેનારા લોકો ત્યાંના ત્યાં જ જોવા મળશે. એમના દિલમાં એના પ્રિયપાત્ર માટેની વફાદારી રહેલી છે. “મારે બસ એને હજુ વધુ ને વધુ પ્રેમ કરવો છે. મારા પ્રિયપાત્રને ખુશ રાખવું છે. એને ગમતું કરવું છે. એનામાં જ ખોવાયેલા રહેવું છે. એ મને જસ્ટ ફ્રેન્ડ માને છે તો એમાં પણ હું ખુશ છું. બસ એ મારા જીવનમાં છે એજ મારા માટે પૂરતું છે. ક્યારેક તો એ મારા પ્રેમને સમજશે ? ક્યારેક તો એ મારા પ્રેમનો સ્વીકાર કરશે ?” બસ આ બધી ભાવનાઓના કારણે એક તરફી પ્રેમ કરનારા પોતાના પ્રિય પાત્ર સાથે જોડાયેલા રહે છે.
અને એમને ગમે છે આ રીતે રહેવું. પોતાના પ્રિયપાત્રના મિત્ર બનીને રહેવું, રોજ એની આંખો સામે આવવું, રોજ એ વ્યક્તિ સાથે વાતો કરવી, એનો ચહેરો જોવા તડપવું, એનો અવાજ સાંભળવા વ્યાકુળ થઈ જવું, એ કોઈ ચિંતામાં હોય તો એની મૂંઝવણ દૂર કરવાના અથાગ પ્રયત્નો કરવા. એ વ્યક્તિ માટે કંઈપણ કરી છૂટવું. એક તરફી પ્રેમીઓને આ બધી બાબતો કોઈ બંધન નથી લાગતી. એમને ગમે છે આમ કરવું. ઘણાં લોકો આવા એક તરફી પ્રેમીઓને પાગલ પણ કહે છે. પણ એક તરફી પ્રેમમાં પાગલ થવું પણ લાઝમી છે. એમને જરૂર છે એમના એક તરફી પ્રેમને સંબંધમાં બદલવાની. અને એ પ્રેમને સંબંધમાં બદલવા માટેના તમામ પ્રયત્નો એક તરફી પ્રેમ કરનારા કરતાં જ રહે છે. હા, મોટાભાગે એક તરફી પ્રેમમાં નિષ્ફળતા જ હાથ લાગે છે. છતાં પ્રેમીઓને પોતાના તમામ પ્રયત્નો બાદ મળતી નિષ્ફળતાનો આનંદ હોય છે. કાચા દિલના પ્રેમીઓ ક્યારેક તૂટી પણ જાય છે. છતાં એક તરફી પ્રેમનો આનંદ જ કંઈક અલગ હોય છે.
એક તરફી પ્રેમમાં એક આશા રહેલી હોય છે. અને એજ આશા એ પ્રેમીઓના જીવવાનું કારણ બને છે. રોજ સવારે એક નવી આશા સાથે ઉઠવું. પોતાની જાતે જ નક્કી કરી લેવું કે “આજે હું મારા પ્રેમની રજૂઆત કરીશ” અને રાત થતાં સુધીમાં પણ એ રજૂઆત ન થવાનું દુઃખ ના થવું. રાત્રે સૂતા પહેલા પણ એજ સંકલ્પ સાથે સુઈ જવું. સપનામાં પણ પોતાના પ્રિય પાત્રને જોવું. આ બધી ઘટનાઓ એક તરફી પ્રેમમાં રહેનાર જ અનુભવી શકે. અને સંબંધ સુધી પહોંચેલા પ્રેમીઓએ પણ એક તરફી પ્રેમની મઝા તો માણી જ હોય. સંબંધ જોડાઈ ગયા પછી પણ એ સાથે હોવાના દિવસો કરતાં સાથ મેળવવા માટે ઝંખતા દિવસોને વધુ યાદ કરતાં હોય છે.
એક તરફી પ્રેમમાં રહેનાર વ્યક્તિ પોતાના પ્રિયપાત્રને મળતાં પહેલા બધી જ તૈયારીઓ એકાંતમાં રહી અને કરતું હોય. પણ જ્યારે એ પોતાના ગમતાં વ્યક્તિને મળે ત્યારે જાણે એ બધું જ ભૂલી જાય. અને ભૂલી ના જાય તો પણ એ તૈયાર કરેલું કંઈજ બોલી નથી શકતું. ત્યારે વ્યક્તિનો ડર નથી હોતો, પણ પોતાના પ્રિયપાત્રને ખોઈ ના બેસવાનો ડર હોય છે. અને ત્યારે આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ, આપણી ભાવનાઓને દિલના કોઈ ખૂણામાં આપણે દબાવી દેતાં હોઈએ છીએ. અને જીવંત રાખીએ આપણાં એક તરફી પ્રેમને. પ્રેમમાં જીતવું જરૂરી નથી હોતું, જીવવું જરૂરી હોય છે. અને એટલે જ એક તરફી પ્રેમ કરનારા દિલ ખોલીને પ્રેમ કરી શકે છે, દિલ ખોલીને જીવી પણ શકે છે, બસ પોતાના પ્રિયજન સામે જતાવી નથી શકતાં.
એક તરફી પ્રેમને સાચો એટલા માટે હું કહું છું કે એ પ્રેમમાં પવિત્રતા છે. નિઃસ્વાર્થ ભાવના રહેલી છે. કોઈ પણ જાતની આશા કે ઈચ્છા વગર બસ સામેના વ્યક્તિને ચાહતાં જ રહેવાનું મન થાય છે. ખબર નથી હોતી પરિણામ શું આવશે આ એક તરફી પ્રેમનું છતાં એજ વ્યક્તિને ગળાડૂબ પ્રેમ કરવો ગમે છે.
તો જો તમે પણ કોઈને એક તરફી પ્રેમ કરતાં હોય તો નિરાશ ના થશો, મંઝિલ મળશે કે નહીં એ કોઈ નથી જાણતું. પણ હા, જીવવાનો ઉમંગ અને રોજ એક નવી આશા સાથેની સવાર તમારા જીવનમાં ચોક્કસ આવશે.

લેખક – નીરવ પટેલ “શ્યામ” (GujjuRocks Team)
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.