બોલીવુડની નંબર 1 હોટ અભિનેત્રી દિશા પટનીના પપ્પા જોડે 25 લાખની થઇ છેતરપીંડી, જાણો સમગ્ર મામલો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના પિતા અને રિટાયર્ડ પોલીસ ઓફિસર જગદીશ પટની મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે. દિશાના પિતા સાથે સરકારી કમિશનમાં ઉચ્ચ પદ અપાવવાના નામે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. દિશાના પિતા જગદીશ પટનીએ શુક્રવારે સાંજે બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે FIR નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું- શિવેન્દ્ર પ્રતાપ સિંહ, દિવાકર ગર્ગ, જુના અખાડાના આચાર્ય જયપ્રકાશ, પ્રીતિ ગર્ગ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી, અપરાધિક ધમકી અને ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસ આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

દિશાના પિતા જગદીશ પટની પરિવાર સાથે સિવિલ લાઈન્સ, બરેલીમાં રહે છે. ફરિયાદ મુજબ તે આરોપી શિવેન્દ્ર પ્રતાપ સિંહને અંગત રીતે ઓળખતા હતા. શિવેન્દ્રએ જ તેમનો પરિચય દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ સાથે કરાવ્યો હતો. આરોપીએ દાવો કર્યો હતો કે તે ખૂબ જ મજબૂત રાજકીય જોડાણ ધરાવે છે. તેમણે જગદીશ પટનીને સરકારી કમિશનમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સમાન પ્રતિષ્ઠિત પદ મળવાની ખાતરી આપી હતી. જગદીશ પટનીનો વિશ્વાસ જીત્યા પછી 5 લોકોના ગ્રુપે કથિત રીતે 25 લાખ રૂપિયા લીધા હતા, જેમાંથી 5 લાખ રૂપિયા રોકડા અને 20 લાખ રૂપિયા ત્રણ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પરંતુૃ ત્રણ મહિના સુધી કોઈ પ્રક્રિયા ન થતાં આરોપીએ વ્યાજ સહિત પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું. જો કે, પોલીસે જણાવ્યું હતું કે જ્યારે જગદીશ પટનીએ પૈસા પાછા માંગ્યા ત્યારે તેઓએ તેમને ધમકાવવાનું શરૂ કર્યું અને આક્રમક વર્તન કર્યું.જગદીશ પટનીએ એવો આક્ષેપ કર્યો છે કે છેતરપિંડી કરનારાઓએ તેમને ગેરમાર્ગે દોર્યા હતા અને તેમના એક સહયોગી હિમાંશુને ‘ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી’ તરીકે રજૂ કર્યા હતા, જેથી તેમના રાજકીય જોડાણોના ખોટા દાવાઓને મજબૂત કરી શકાય.

જણાવી દઈએ કે જગદીશ પટની યુપી પોલીસમાંથી સીઓ પદ પરથી નિવૃત્ત થયા છે. મોટી છેતરપિંડીની આશંકા સાથે જગદીશ પટનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે.

Devarsh