સુરતને હીરાની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ઘણા લોકો હીરાનું કામકાજ કરે છે. હાલ સુરતના એક હીરા વહેપારીએ એવી વીંટી બનાવી કે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું.

મૂળ ઉત્તરપ્રદેશ મેરઠના યુવા જવેલરી ડિઝાઈનર હર્ષિત બંસલ અને સુરતના જ એક બીજા હીરા વેપારી હેમલ કાપડિયાએ સાથે મળીને સતત 8 મહિનાની મહેનત બાદ 12638 હીરા જડીને એક વીંટી તૈયાર કરી. વિશ્વની આ એકમાત્ર એવી વીંટી હતી જેને જોતા જ સૌ કોઈ હેરાન રહી જતા હતા.

આ વીંટીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોરમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ હીરા જડિત વીંટીનું નામ “ધ મેરિગોલ્ડ – ધ રિંગ ઓફ પ્રોસ્પેરિટી” રાખવામાં આવ્યું છે. જેનું વજન 165 ગ્રામ છે. આ પહેલા પણ સૌથી વધુ હીરા જડિત વીંટીનો રેકોર્ડ પણ ભારતના નામે જ હતો. તે વીંટીમાં 7801 નાના હીરા જડેલા હતા.

પરંતુ હવે સુરતના વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલી 18 કેરેટ સોનાની વીંટીની અંદર 12638 નાના ડાયમંડ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ વીંટીએ હવે જૂનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ વીંટીની કિંમત પણ કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.