કોઈપણ ધંધો નાનો નથી હોતો, પરંતુ લોકો સારી કમાણી માટે વિદેશમાં જવાની ઈચ્છા રાખતા હોય છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે આપણા દેશ કરતા વિદેશમાં વધુ સારી કમાણી થાય છે, પરંતુ આ વાતને એક દંપતીએ ખોટી ઠેરવી છે. અમેરિકામાં લાખોની નોકરી કરતું દંપતી ભારતમાં આવી અને એક ફૂડ સ્ટોલ શરૂ કર્યો જેમાંથી તે આજે કરોડોની કમાણી કરી રહ્યું છે.

સત્યા નામનો એક ભારતીય વ્યક્તિ અમેરિકામાં પોતાના ઈજનેર બાદ માસ્ટરનો અભ્યાસ કરવા માટે ગયો હતો, ત્યાં તે ભણવા સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો જેના કારણે તેના ખર્ચ નીકળી શકે. અમેરિકા જવા માટે તેને લોન પણ લીધી હતી. અભ્યાસ દરમિયાન તેને અમેરિકામાં એ શીખ્યું કે અહીંયા પોતાના બધા જ કામ પોતાની જાતે જ કરવાના હોય છે.

આ દરમિયાન જ 2008માં તેની મુલાકાત જ્યોતિ નામની એક યુવતી સાથે થઇ અને મનમેળ થતા બંનેએ લગ્ન પણ કરી લીધા. જ્યોતિ પણ એ સમયે નોકરી કરતી હતી. તેના પપ્પા ઇન્ડિયામાં એક બિઝનેસમેન હતા. લગ્ન બાદ સત્યા અને જ્યોતિએ ભારત આવવાનો નિર્ણય કરી લીધો.
જ્યોતિના પિતા લોજિસ્ટિક સેક્ટરમાં હોવાના કારણે તેને ટ્રાન્સપોર્ટ, બસ ટ્રકની સારી સમજ પણ હતી. ભારત આવી અને તેમને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી શરૂ કરી. નોકરી દરમિયાન તેમને જોયું કે તેની કંપનીની આસપાસ કોઈ ખાણીપીણીની સારી દુકાન નથી. અને સાઉથ ઇન્ડિયન તો દૂર દૂર સુધી મળતું નહોતું.

ત્યારબાદ તેમને ઘણા વિચાર વિમર્શ પછી એક ફૂડ ટ્રક કરવાનું આયોજન કર્યું. જેની અંદર ના મોટું રોકાણ હતું કે ના મોટું જોખમ. તેમને પહેલાથી જ નક્કી કર્યું હતું કે તે સાઉથ ઇન્ડિયન ફૂડનો વ્યવસાય કરશે. અને તેને એ ફૂડ ટ્રક દ્વારા આ વ્યવસાયની શરૂઆત કરી.
વર્ષ 2012માં એક જૂની ટ્રક લઈને પોતાની ફૂડ ટ્રક શરૂ કરી. તેને અંદર સારું ઇન્ટિરિયર અને જરૂરી બધી જ વ્યવસ્થા કરી. પેપેરમાં જાહેરાત આપીને અને એક કારીગર પણ શોધી લીધો. હવે આ ફૂડ ટ્રકને તે તેની ઓખલા સ્થિત કંપની પાસે જ ઉભી રાખતો, પહેલા દિવસથી જ ધંધો સારો ચાલ્યો અને આજુબાજુની કંપનીના લોકો પણ ત્યાં ખાવા માટે આવતા ગયા. પરંતુ થોડા સમય બાદ તેમનો વ્યવસાય ધીમો થયો કારણ કે આસપાસ કેટલીક કંપનીઓ બંધ થઇ ગઈ અને કેટલાક લોકો કામ છોડીને ચાલ્યા પણ ગયા.

આ દરમિયાન તે લોકો વિચારવા લાગ્યા કે હવે વ્યવસાયને કેવી રીતે આગળ વધારી શકાય. સત્યા એ સમયે નોકરી કરી રહ્યો હતો જયારે જ્યોતિએ જોબ છોડી અને પોતાનો બધો જ સમય વ્યવસાયમાં આપવા લાગી હતી. તે દરમિયાન જ તેમને પોતાના મેન્ટોર એસ.એલ ગણપતિએ સલાહ આપી કે, “તમારે કોઈ હોટલ અથવા તો રેસ્ટોરન્ટ નથી, ફૂડ ટ્રક છે. માટે ગ્રાહકો તમારી પાસે આવતા નથી, તમારે ગ્રાહકો પાસે જવું પડશે.” તેમની સલાહ બાદ સત્યા અને તેની પત્ની જ્યોતિ રવિવારના રોજ તેમના જ એપાર્ટમેન્ટમાં ફૂડ ટ્રક લઈને પહોંચ્યા, અને એજ સમયે તેમનો બધો જ સામાન વેચાઈ ગયો.

2012થી 2014 દરમિયાન તેમનો વ્યવસાય ઠીકઠાક ચાલતો રહ્યો. ત્યારબાદ સત્યાએ પણ પોતાની નોકરી છોડી દીધી. કારણ કે બિઝનેસને વધારવા માટે સમય આપવાની જરૂર હતી. તેમને ત્યારબાદ બીજી એક ફૂડ ટ્રક ખરીદવાનું નક્કી કર્યું જેના કારણે વ્યવસાયને વધારી શકાય અને દિલ્હીના બીજા વિસ્તારો પણ કવર કરી શકાય. ધીમે ધીમે તે નાની નાની પાર્ટીઓના ઓર્ડર પણ લેતા થયા, સાઉથ ઇન્ડિયન ફૂડમાં તેમની માસ્ટરી હતી. કોર્પોરેટ ઓર્ડર પણ તેમને મળવા લાગ્યા.

આજે તેમની પાસે પોતાની ત્રણ ફૂડ ટ્રક છે અને 20 લોકોને તેમને નોકરી પણ આપી છે. દિલ્હીથી લઈને ગુડગાંવ સુધી તે પોતાના વ્યસાયને ચલાવી રહ્યા છે. આગામી સમયમાં નોઈડામાં પણ તેઓ આ વ્યવસાયને વધારશે. ગત વર્ષે તેમનું વાર્ષિક ટર્નઓવર દોઢ કરોડ સુધીનું થયું. લોકડાઉનમાં પણ તેમને સ્નેક્સ પેક કરી અને લોકોના ઘર સુધી પહોંચાવ્યા.