ખબર

સુરતના આ ગામમાં ફાટી નીકળ્યો રોગચાળો, 2-3 દિવસમાં 6 લોકોએ આ કારણે ગુમાવ્યો જીવ, જાણો વિગત

ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી ઓછા નોંધાઇ રહ્યા છે. રોજ રોજ સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ રાહતની વાત વચ્ચે સુરતના એક ગામમાં 2-3 દિવસમાં જ 6 લોકો મોતને ભેટ્યા છે. તમને જણાવી દઇએ કે, આ મોત કોરોનાને કારણે નહિ પરંતુ દૂષિત પાણીને કારણે થઇ છે તેવું માનવામાં આવી રહ્યુ છે.

સુરતના કઠોર ગામમાં દૂષિત પીવાના પાણીને કારણે 100થી વધુ લોકો બીમાર થયા છે અને 2-3 દિવસમાં છ લોકોના મોત થવાના પણ સમાચાર છે તેવામાં આ ખબરથી હાહાકાર મચી જવા પામ્યો છે. રોગચાળો ફાટી નીકળવાને કારણે સુરત કોર્પોરેશન દોડતું થયું છે.

કેટલાક દિવસ પહેલા આ ગામને શહેરી વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યુ હતુ. એવામાં તમામ મૂળભૂત સુવિધાઓ પણ સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી રહી હતી, પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે, પાણીની લાઇનમાં લીકેજ બાદથી દૂષિત પાણી કેટલાક લોકોના ઘરે પહોંચ્યુ અને તેના જ સેવનને કારણે તબિયત ખરાબ થવાનો સિલસિલો શરૂ થયો, અને જોતજોતામાં 6 લોકોની મોત પણ થઇ ગઇ.

મેયર હેમાલીબેન દ્વારા આ સ્થિતિની મુલાકાત કરવામાં આવી હતી અને તેમણે મૃતક પરિવારજનોને અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી મૃતકના પરિવારોને 1-1 લાખ રૂપિયા તેમજ સારવાર હેઠળના દર્દીઓનો ખર્ચ ચૂકવવાની વાત કરી હતી.