આપણા તહેવારો રસોઈ

ગણેશમહોત્સવ સ્પેશિયલ મોદક, એ પણ એક સાથે 4 વેરાયટીમાં બનાવો રેસીપી જોઈને ….રેસિપી વાંચો

મિત્રો તમે જાણો છો કે થોડા દિવસો માં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે. સૌ કોઈ પોતાના ઘરે ગણપતિ નું સ્થાપન કરી ને દસ દિવસ સુધી ગણેશજી ની પુજા, આરાધના કરી પ્રસન્ન કરશે. આ ઉત્સવ માં ગણપતિ બાપા ને પ્રસન્ન કરવા વિભિન્ન પ્રકાર ની સામગ્રી ધરવામાં આવશે. તેમાં પણ ખાસ ગણપતિ ને પ્રિય એવા મોદક નો ભોગ ધરવા માં આવે છે. તો મિત્રો તમે પણ હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોદક.

ચોકલેટ મોદક

સામગ્રી

 • ચોખા નો લોટ – 1 કપ
 • તેલ – એક નાની ચમચી
 • મીઠું – ચપટી
 • સ્ટફિંગ
 • ચોકલેટ સિરપ – ¼ કપ
 • ચોકલેટ – ઝીણી કરેલી – ½ કપ
 • સુકાયેલા નારિયેળ નું બૂરું – ¾ કપ

બનાવવાની રીત

• એક કુકર ની અંદર 1 કપ પાણી માં મીઠું અને તેલ નાખી ઉકાળો. પછી તેમાં ચોખા નો લોટ નાખી તેને સતત હલાવતા રહો, જેથી કરીને તેમાં ગોળીઓ ના વળે. ત્યાર બાદ કુકર ને ઢાંકી તેમાથી વરાળ નીકળે ત્યાં સુધી ચડવા દો.

• પછી ઢાંકણું ખોલી તેના પર પાણી છાંટો, અને ફરી થી ઢાંકી વરાળ નીકળે ત્યાં સુધી ચડવા દો. પછી લોટ ને સારી રીતે મિક્સ કરી એક પ્લેટ માં કાઢી લો.

• હવે હથેળી માં થોડું તેલ લગાવી લોટ ને ચીકણું થાય ત્યાં સુધી મસળો, અને 8 સમાન ભાગ માં તેને વહેચી દો. હવે સ્ટફિંગ માટે નારિયેળ, ચોકલેટ સિરપ અને ગ્રેટેડ ચોકલેટ ને ભેળવી 8 સમાન ભાગો માં વહેંચી દો.

• ફરી થી હાથ માં તેલ લગાવી લોટ ના એક ભાગ ને લઈ તેને એક ગોળ વાસણ માં મૂકી તેની કિનાર ને પાતળી કરો.• હવે નારિયેળ ના મિશ્રણ નો એક ભાગ લોટ ની વચ્ચે મૂકી તેને ભેગું કરી ને હળવે થી દબાવી ઉપર થી એક કોન બનાવી લો. આ મોદક ને એક કાણાં વાળી ડિશ માં મૂકી પ્રેશર કુકર માં નાખી, તેને ઢાંકી ને સતત 10 થી 12 મિનિટ સુધી વરાળ માં ચડવા દો, અને પછી ગરમા ગરમ પીરસો

નારિયેળ અને સૂજીના મોદક

સામગ્રી

 • ½ કપ – પીસેલું નારિયેળ નું ખમણ
 • 2 મોટા ચમચા – ઘી
 • 1 કપ – સૂજી
 • 1 કપ – ખાંડ
 • પાણી – જરૂર મુજબ
 • અન્ય સામગ્રી – ચપટી મીઠો પીળો રંગ
 • 5 થી 10 પિસ્તા
 • એલચી નો પાઉડર વગેરે

રીત

• એક મોટા વાસણ માં ઘી નાખી તેને ગરમ કરી ખમણેલી સૂજી નાખી થોડા ભૂરા રંગ ની થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં પીસેલું નારિયેળ નું ખમણ નાખી તેને પણ શેકી લો.

• ત્યાર બાદ એક બીજા વાસણ માં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી બનાવી લો.ધ્યાન રાખજો કે ચાસણી માત્ર એક તાર ની જ કરવી. હવે તેમાં મીઠો પીળો રંગ, એલચી ને નાખી મિક્સ કરી લો અને પછી સૂજી અને નારિયેળ નું મિશ્રણ નાખી તેને સારી રીતે ભેળવી નાખો.• પછી થોડી વાર તેને ઢાંકી ને રાખો અને ઠંડુ થવા દો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેના મોદક બનાવી લો.
• હવે મોદક ની ઉપર એક પિસ્તા ને લગાવી દો. આમ સ્વાદિષ્ટ નારિયેળ સૂજી ના મોદક પ્રસાદ કરવા માટે તૈયાર છે.

માવા મોદક

સામગ્રી

 • માવો – 375 ગ્રામ
 • ખાંડ – ½ કપ
 • લિક્વિડ ગ્લુકોઝ – 1 નાની ચમચી
 • એલચી નો પાઉડર

રીત

• એક મોટા નોન સ્ટીક ના વાસણ માં મોળો માવો અને ખાંડ નાખી તેને ધીમા તાપે સતત હલાવતા રહો અને ચડવા દો. આમ બધી ખાંડ ઓગળી ને મિક્સ થઈ જાય અને માવો ઓગળી ને મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દો.

• લિક્વિડ ગ્લુકોઝ નાખો અને સતત મિશ્રણ ને 20 મિનિટ સુધી હલાવો અથવા જ્યાં સુધી તેમા મિશ્રણ જાડું નથી થતું અથવા મિશ્રણ વાસણ ને છોડવા લાગે કે ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લો.

• પછી તેને ઠંડુ થવા દો. મિશ્રણ ના સમાન 16 ભાગ પાડી લો અને તેને મોદક નો આકાર આપી તૈયાર કરો.

તમે ઈચ્છો તો મોદક બનાવવા માટે સંચા નો પણ ઉપયોગ કરી શકો છો.

કેસરી મોદક

સામગ્રી

 • કેસર – 2 થી 3 ચપટી
 • મેંદો – 3 કપ
 • રવો – 3 કપ
 • ચાસણી – 6 થી 7 ચમચી
 • નારિયેળ – 1 – 1 ½ કપ (પાઉડર)
 • એલચી – 1 થી 2 ચમચી (પાઉડર)
 • ઘી – 1 ચમચી
 • મીઠું – જરૂર મુજબ
 • તેલ 2 થી 3 કપ

રીત

• સૌ પ્રથમ કેસર ને પાણી માં પલાળી ને 15 મિનિટ સુધી રાખો.• હવે એક વાસણ લઈ તેમાં મેંદો અને રવો મિક્સ કરી નાખો. પછી તેમાં મીઠું અને પાણી નાખી ફરી થી 10 મિનિટ માટે ફરી થી ભેળવી લોટ બાંધી લો. અને સાઈડ માં મૂકી દો.

હવે એક વાસણ માં ચાસણી બનાવી નાખો. તેમાં નારિયેળ નું ખમણ, એલચી નો પાઉડર નાખી મિક્સ કરી પછી તેમાં ઘી નાખો અને ગેસ પર થી ઉતારી લો, પછી ઠંડુ થવા દો.

હવે લોટ ના લૂઆ વાળી લો, પછી હાથ થી તેને દબાવી તેમાં નારિયેળ નું મિશ્રણ ભરો. આમ એક ચમચી જેટલું મિશ્રણ ભરવું અને પછી તેને ચારે બાજુ થી દબાવી દો.

એક વાસણ માં તેલ નાખી ગરમ કરવા મૂકી દો, પછી બધા મોદક ને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તળી લો. જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે મહેમાનો ને પીરસો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ