કોમેડી કિંગ સિદ્ધાર્થ રાંદેરિયાની “બુશર્ટ- T શર્ટ” નથી જોઈ તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, જુઓ ફિલ્મનો સચોટ રીવ્યુ

ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરીયાની ફિલ્મ “બુશર્ટ- T શર્ટ” જોવા જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો ફિલ્મનો રીવ્યુ

bushirt-t-shirt-movie-rivew : ગુજરાતી સિનેમા (gujarati film industry) નો યુગ છેલ્લા ઘણા સમયથી બદલાયો છે. ઘણી એવી એવી  ફિલ્મો આવી રહી છે જે દર્શકોને પણ પસંદ આવી રહી છે અને  બોક્સ ઓફિસમાં પણ ધૂમ મચાવી રહી છે. ત્યારે હાલ એવી જ એક ફિલ્મ થિયેટરમાં આવી છે જે સુપરહિટ બનવાની છે. કારણ કે આ ફિલ્મમાં કોમેડી કિંગ સિદ્ધાર્થ રાંદેરિયા (siddharth randeria) લીડ રોલમાં છે.

5 એપ્રિલથી સિનેમાઘરો થઇ રિલીઝ:

આ ફિલ્મ છે “બુશર્ટ T-શર્ટ, જે 5 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા બાદ જ દર્શકો આ ફિલ્મ જોવા માટે ખાસ આતુર હતા ત્યારે આજે દર્શકોની આતુરતાનો અંત આવ્યો અને હવે આ ફિલ્મ નિહાળી શકશે, ત્યારે આ ફિલ્મ કેવી છે તેનો સચોટ રીવ્યુ અમે તમને જણાવીશું.

ફિલ્મની વાર્તા:

વાત કરીએ ફિલ્મની કહાનીની તો આ ફિલ્મમાં એક બાપ દીકરાના સંબંધો વિશેની ખુબ જ સુંદર વાત કરવામાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા ભુપત પંડ્યાનું પાત્ર નિભાવી રહ્યા છે. જે બોરસદથી 200 રૂપિયા લઈને અમદાવાદમાં આવે છે અને પછી  રોજ 12 કિલોમીટર સાઇકલ ચલાવીને કામ પણ કરે છે, આ વાત જ એક ડાયલોગ સ્વરૂપે આખી ફિલ્મમાં જોવા મળે છે.

બોરસદથી 200 રૂપિયા લઈને આવ્યા હતા ભુપત પંડ્યા:

ત્યારે ભુપત પંડ્યાનું સપનું તેમના દીકરાને MBA કરાવીને સારી નોકરી કરાવવાનું છે. પરંતુ દીકરાની ઈચ્છા કંઈક બીજી જ છે. તેના સપના પણ અલગ છે. જેના કારણે બાપ દીકરા વચ્ચે વારંવાર ખટપટ થતી પણ જોવા મળે છે. આ બધા વચ્ચે વંદના પાઠક જે ભુપત પંડ્યાના પત્ની છે તે પોતાના દીકરાને પણ ખુબ જ પ્રેમ કરે છે. પરંતુ બાપ દીકરાની આ અથડામણથી એ પણ અકળાય છે.

બાપ દીકરો બન્યો અને દીકરો બન્યો બાપ:

આખરે એક એવો ચમત્કાર થાય છે જેના કારણે બાપ દીકરો અને દીકરો બાપ બની જાય છે. પછી આ ફિલ્મની કહાની બરાબર જામે છે. દીકરાની કોલેજમાં પિતાને જવું પડે છે અને પિતાના કામ પર દીકરાને અને ત્યાં જે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે જે કોમેડી જન્મે છે એમાં આખું થિયેટર ખડખડાટ હસવા લાગે છે.

હસી હસીને બઠ્ઠા વળી જાવ એવી કોમેડી:

ફિલ્મ જોતી વખતે દર્શકોને હસવાની સાથે સાથે એક ચિતા પણ સતાવે છે કે ફિલ્મમાં આગળ શું થશે ? તમારે પણ એ વાત જાણવી હોય તો ફિલ્મ જોવી જ પડશે.આ ફિલ્મમાં ભરપૂર કોમેડી છે, એક પારિવારિક વાર્તા છે અને ખાસ એક બાપ દીકરાના સંબંધો જે જનરેશન ગેપના કારણે વણસી રહ્યા છે તેના વિશે સુંદર વાત કરી છે.

ધીરજના ફળ મીઠા:

ફિલ્મના શરૂઆતના 30-35 મિનિટ તમારે હસવા માટે થોડી ધીરજ રાખવી પડશે, કારણે ચા બરાબર ઉકળે એ પછી જ પીવાની મજા આવે. એમ શરૂઆતમાં ફિલ્મની વાર્તા ઘડાય છે અને પછી તમે તમારી સીટ નહિ છોડી શકો એ રીતે વાર્તા બરાબર જામે છે.

ક્યાં ક્યાં કલાકારો ફિલ્મમાં જોવા મળશે ?:

આ ફિલ્મમાં કલાકારોની વાત કરીએ તો તેમાં અભિનય સમ્રાટ સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત, વંદના પાઠક, કમલેશ ઓઝા, રિવા રાચ્છ,  ભક્તિ કુબાવત, મુનિ ઝા, મનન  દેસાઈ, હાર્દિક સંઘાણી, કુલદીપ ગોર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. તમામ કલાકારોએ ફિલ્મમાં ખુબ જ સુંદર અભિનય કર્યો છે.

સિદ્ધાર્થ રાંદેરીયાએ ફરીવાર છોડી શ્રેષ્ઠ અભિનયની છાપ:

સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના શ્રેષ્ઠ અભિનયની ઝલક આ ફિલ્મમાં બતાવી છે. તો કમલેશ ઓઝાએ પણ હર્ષ પંડ્યાના પાત્રમાં પ્રાણ પુરી દીધા છે. બંને કલાકારોના આત્મા જયારે એક્સચેન્જ થઇ જાય છે પછી જે અભિનય જોવા મળે છે તેને જોઈને ખરેખર સલામ કરવાનું મન થાય. ખાસ કરીને સિદ્ધાર્થ રાંદેરિયા એક કોલેજ બોય તરીકે જબરદસ્ત પ્રભાવ પાડે છે.

ફિલ્મના ગીતો અને સંગીત:

વાત કરીએ ફિલ્મના  ગીતો અને સંગીતની તો ફિલ્મમાં સંગીત આપ્યું છે બૉલીવુડની ખ્યાતનામ સંગીત બેલડી સચીન જિગરે. ફિલ્મના ગીતો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જે ફિલ્મના શીર્ષક અને વાર્તાને અનુરૂપ છે, સાથે જ ફિલ્મનું સંગીત પણ રોમાંચ ઉભું કરી દેનારું છે. ફિલ્મ જોતી વખતે જયારે ગીત વાગે ત્યારે પણ ઝુમવાનું મન ચોક્કસ થઇ જાય.

ફિલ્મના ડાયલોગ:

ફિલ્મમાં ડાયલોગો લખવાનું કામ બીજા કોઈએ નહિ પરંતુ સિદ્ધાર્થ રાંદેરીયાએ પોતે જ કર્યું છે. સિદ્ધાર્થ રાંદેરીયાના નેચરલ અભિનય સાથે આવતા ડાયલોગો દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દે છે. ખાસ કરીને બાપ દીકરાના સંવાદોમાં જબરદસ્ત મજા પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ફિલ્મનું નિર્માણ અને લેખન:

આ ફિલ્મનું નિર્માણ “કોકોનેટ મોશન પિક્ચર્સ” દ્વારા કરવામાં આવ્યું છે. જેના પ્રોડ્યુસર રશ્મિન મજેઠીયા છે. ફિલ્મના ડાયરેક્ટર, રાઇટર અને સ્ક્રીન પ્લે ઈશાન રાંદેરિયા દ્વારા કરવામાં આવ્યું છે. કોકોનેટ મોશન પિક્ચર્સ દ્વારા સદાબહાર ફિલ્મો આપવામાં આવી છે. ત્યારે તેમનું આ નવલું નજરાણું દર્શકોને ચોક્કસ પસંદ આવશે.

ગુજ્જરોક્સ દ્વારા આ ફિલ્મને 5માંથી 4.5 સ્ટાર આપીએ છીએ.

Niraj Patel