જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રવાસ

સવા લાખ ટન ગ્રેનાઇટથી બનેલા આ શિવમંદિરને પડછાયો જ નથી! વાંચો ભારતના સૌથી ભવ્ય શિવમંદિરની વાત

ભારતમાં પુરાણા સ્થાપત્યોની કમી નથી. અનેક સ્થાપત્યો એવાં છે જે યુગો-યુગોથી ભારતીય જનપદની બદલાતી તાસીરની ગવાહી આપતા અડીખમ ઉભાં છે. આમા કેટલાંક પ્રસિધ્ધીના શિખર પર બિરાજે છે, તો કેટલાંક કાળની ગર્તામાં વિસરાઈ ચૂક્યાં છે. ભવ્ય એવાં હિન્દુ સ્થાપત્યો એક સમયે ભારતના ગૌરવ સમા મોજૂદ હતાં, આજે એમાંથી ઘણાખરા નથી. ગ્રીક, હૂણ, શક અને વધારે માત્રામાં મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા ઘણાખરાં સ્થાપત્યોને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં.

Image Source

વળી, આપણે પણ વધારે કંઈ પડી નહોતી! એટલે વિસરાઈ ગયાં. પણ હા, દક્ષિણ ભારત અનેક ગંજાવર હિન્દુ મંદિરો લઈને આજે પણ ઊભું છે. જેના આકાશને આંબતા ગુંબજો આજે પણ આર્ય સંસ્કૃતિની ગુંજ હિન્દ વિશ્વભરમાં પ્રસારે છે.

આજે વાત કરવી છે દક્ષિણભારતના, તમિલનાડુના એક એવા ભવ્ય શિવમંદિરની – જેના પાણે-પાણે હજારવર્ષ જૂનો ઇતિહાસ સંઘરાયેલો છે, વાસ્તુકળાથી લઈને મૂર્તિવિજ્ઞાન કળામાં જેમનો બાંધો જડે તેમ નથી! વાત રોચક છે, એન્જિનિયરીંગના યુગમાં પણ એક કૌતુક સમાન છે. વાંચો ત્યારે આ ભવ્ય શિવમંદિર વિશે:

એક હજાર વર્ષ જૂનું છતાં હજુ અડીખમ —

વાત છે તમિલનાડુના તાંજોર જીલ્લામાં આવેલા બૃહદેશ્વર મંદિરની. આ મંદિર વિશે થોડીક તો જાણકારી જનરલ નોલેજનો ઓછોવત્તો પરિચય રાખનાર દરેક મિત્રને હોવાની. ઓછામાં ઓછું : નામ તો સાંભળ્યું જ હોવું જોઈએ.

Image Source

બૃહદેશ્વર નામનું આ ભવ્ય (કોઈ ખોટું વિશેષણ નથી, એકાદ વાર જોશો તો ખબર પડશે!) શિવમંદિર સમગ્ર ભારતમાં તેમની વિશાળતા, વિશાળતામાં સૂક્ષ્મતા, સૂક્ષ્મતામાં સુંદરતા અને સુંદરતામાં કલાત્મકતા માટે વિખ્યાત છે. યુનેસ્કોએ આ મંદિરને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ’ની યાદીમાં સ્થાન આપ્યું છે.

તમને જાણીને આશ્વર્ય થશે કે, આ મંદિર આજકાલનું નથી. પૂરાં એક હજાર વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે! ઇ.સ. ૧૦૦૪ના ગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું. ચોલ વંશના રાજવી રાજારાજ પ્રથમે તેમનું નિર્માણ કરાવેલું. ચોલવંશ જેવો પરાક્રમી રાજપરિવાર ભારતમાં થવો નથી. એમની પરાક્રમ ગાથાઓ આજે ભલે આપણે સદંતર જાણતા ન હોઈએ, પણ એક વાત યાદ રાખજો : દક્ષિણ ભારતના આ વંશ વિશે થોડુંક પણ નહી જાણો ત્યાં સુધી તમારે ભારતની ભવ્યતા વિશે – આપણા તાકાતવર પૂર્વજો વિશે બોલવાનો અધિકાર નથી. એ વખતમાં ચોલરાજાઓ પાસે પોતાની ‘રોયલ નેવી’ હતી! એ વખતમાં આ રાજાઓના રાજદૂતો ગ્રીકદેશોમાં નિમાયેલા હતા.

Image Source

રાજારાજ ચોલા શિવભક્ત હતો, પણ બૌધ્ધ-જૈન ધર્મ સહિત હિન્દુધર્મના પણ દરેક પંથનું સન્માન કરતો. સાચા રાજાનું આ લક્ષણ હોય છે. તેમણે મહદ્ છએક વર્ષના ગાળામાં જ ગગનચૂંબી બૃહદેશ્વર મંદિર બંધાવી દીધું હોવાનું કહેવાય છે!

સવા લાખ ટન ગ્રેનાઇટ આવ્યો ક્યાંથી? —

પૂર્વ-પશ્વિમ જેની લંબાઇ લગભગ ૨૪૦ મીટર છે, જેની ઉત્તર-દક્ષિણની પહોળાઇનું માપ ૧૨૨ મીટર છે અને જેની ઉંચાઇ ૬૬ મીટર જેટલી આસમાની છે; એ આ બૃહદ્દેશ્વર મંદિર આખેઆખું ગ્રેનાઇટના પથ્થરોથી બનેલું છે. પથ્થરો પણ કેવા? મોટા-મોટા! મોટા એટલે કેવડાક? ઉદાહરણ : મંદિરનું સોનાથી બનેલું શિખર જે પથ્થર પર ઉભું છે તેનું એકલાનું વજન ૮૦ ટન છે! એક પાણાની જ વાત થઈ આ તો… હવે મારી લો અંદાજો આખા મંદિરનો!

Image Source

સૌથી મોટું રહસ્ય જો કે અહીં જ છે. આજુબાજુમાં ક્યાંક દૂર સુધી પણ ગ્રેનાઇટ નથી મળતો કે નથી તો ભૂતકાળમાં મળતો હોવાના કોઈ લક્ષણ. તો પછી સવાલ એ થાય કે આજથી હજાર વર્ષ પહેલાં ગ્રેનાઇટના આવા ‘હડીમદસ્તા’ જેવા પથ્થરો કોણ ને કઈ રીતના અહીં સુધી લાવ્યું હશે? વળી, શિખર પર રહેલો પેલો ૮૦ ટન વજનનો, ભીમકાય વિશેષણને વામણું સાબિત કરતો પથ્થર કઈ રીતે ત્યાં મૂકવામાં આવ્યો હશે?

પોઇન્ટ હૈ, પોઇન્ટ હૈ! પણ એનો હજી સુધી કોઈ સંતોષકારક ખુલાસો તો ખુદ સંશોધકો પણ નથી આપી શક્યા. એટલે એને અત્યારે તો રહસ્ય જ માનીને ચાલો. શિવજીની કૃપા જ માનો હમણાં તો!

Image Source

જમીન પર પડછાયો જ નથી પડતો —

આ વિશેષતા બહુધા પ્રમુખ છે. બૃહદ્દેશ્વર મંદિરની ઓળખ આમ ભલે ન હોય, પણ જમીન પર જેનો પડછાયો નથી પડતો એવું ભારતનું મંદિર ક્યું? તો ફટ દઈને આ મંદિર જ યાદ આવે! હાં, ખરેખર આ મંદિરનો પડછાયો જમીન પર નથી પડતો. કહે છે કે, પડછાયો કોઈનો સાથ છોડતો નથી. પણ અહીં તો પડછાયાએ સાથ છોડી દીધો છે, અથવા એમ કહો કે મંદિરને બાંધનારાઓએ એવો કરતબ દેખાડીને સાથ છોડાવરાવ્યો છે! ખરેખર કેવા ગજબ હશે ભારતના મિલેનિયમ વર્ષો જૂના આર્કિટેક્ચરો!

Image Source

પટાંગણમાં બેઠો છે જોરાવર નંદી —

મંદિરના અદ્ભુત સુંદર કોતરણી ધરાવતા અને દેવી-દેવતાઓના મનોહર શિલ્પો ધરાવતા ગોપુરમ્ (મુખ્ય પ્રવેશદ્વાર)ની અંદરની તરફ એક ચબૂતરા પર શિવજીના વાહન એવા નંદીની મૂર્તિ સ્થાપિત છે. કોઈ સામાન્ય નંદી નથી આ. આ તો છે ભારતભરમાં જેમનો વિશાળતાની દ્રષ્ટિએ લગભગ બીજો નંબર આવે છે એવી નંદીની મૂર્તિ, જે એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે. આ નંદીની પ્રતિમાનો લંબાઇ-પહોળાઇ-ઉંચાઇનો રેશિયો ૬ : ૨.૬ : ૩.૭ મીટરનો છે.

શિવલીંગ અને પથ્થરમાં કોતરેલા શિલ્પો ભાવકને અભિભૂત કરી નાખે છે —

Image Source

મંદિરના ગર્ભગૃહમાં વિશાળ શિવલીંગ છે. જેની ઉંચાઇ ૮.૭ મીટર જેટલી છે. શિવલીંગના દર્શન થતા જ તમને ખ્યાલ આવી જવાનો કે, શા માટે આ મંદિરને ‘બૃહ્દ’ નામ અપાયું છે.

આટલા વિશાળ મંદિરની દીવાલોનો એક પણ ભાગ તમને કોરો જોવા નહી મળે. અહીં હરેક ઇંચમાં કોતરેલું છે પથ્થરમાં કાવ્ય! માતા દુર્ગા, વિણાવાદીની દેવી સરસ્વતી, ભગવાન શિવ અને માતા ભવાનીને દર્શાવતું અર્ધનારીશ્વર, વીરભદ્ર કાલાંતક, નટી-નટ-નાયક સહિત અનેક પ્રતિમાઓથી મંદિરનો અંત: ભાગ અને બહિર ભાગ છવાયેલો છે. એમ થાય કે, શું જોવું ને શું રહેવા દેવું?

‘રાજરાજેશ્વર’ મંદિર પણ કહેવાય છે —

Image Source

મંદિરનું નિર્માણ કરાવનાર રાજવી રાજારાજ ચોલાના નામ પરથી આ મંદિરનું બીજું નામ ‘રાજરાજેશ્વર મંદિર’ પણ હતું. અથવા કહો કે, પહેલાં તો મંદિર આ જ નામે ઓળખાતું. પણ પછી કહેવાય છે કે, મરાઠાઓ દક્ષિણ ભારતમાં ત્રાટક્યા ત્યારે એમણે આ મંદિરને ‘બૃહદેશ્વર મંદિર’ નામ આપ્યું.

સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ -નો અદ્ભુત સંગમ છે આ મંદિર. દક્ષિણ ભારતના સર્વશ્રેષ્ઠ મંદિરોનાં નામ કોઈ લે અને તાંજોરના આ ભવ્ય શિવમંદિરને ભૂલી જાય એ શક્ય નથી.

જય જય શિવ શમ્ભો!

[મિત્રો, આર્ટીકલ ઘણી જાણકારીયુક્ત છે. આવું વાંચવાનો લોભ જતો ના કરતા, તમારા બીજા મિત્રોને પણ આર્ટીકલની લીંક શેર કરજો. વધારે આવી માહિતીઓ વાંચવા લેતા રહેજો GujjuRocksની અચૂક મુલાકાત!]

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks