બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજીના યાત્રાધામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની અનોખી મહિમા છે અને અહીં રોજ દેશ-વિદેશથી હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. શનિવારના દિવસે તો અહીં હનુમાનજીના દર્શન માટે ભક્તોની ખૂબ જ લાંબી લાઈનો લાગે છે. અહીં બિરાજમાન હનુમાનજીમાં ભક્તોને અતૂટ શ્રધ્ધા છે. ત્યારે હવે આ મંદિરના આકર્ષણસમી એક બેનમૂન મૂર્તિનું નિર્માણ શરુ થયું છે.

વિશ્વમાં બીજે ક્યાંય પણ ન હોય એવી હનુમાનજીની મૂર્તિનું અહીં નિર્માણ કાર્ય શરુ થઇ રહ્યું છે. મંદિર અનુસાર, અહીં હનુમાનજીની બ્લેક ગ્રેનાઇટની 54 ફુટની મૂર્તિ બનાવવાનું કાર્ય શરુ થયું છે. મંદિરના જણાવ્યા અનુસાર, આવી મૂર્તિ વિશ્વમાં બીજે કશે જ નથી. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. આ મૂર્તિનું અનાવરણ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. આ મૂર્તિ બનાવવા માટે બ્લેક ગ્રેનાઇટનો પથ્થર રાજસ્થાનના ભીલવાડાથી મંગાવવામાં આવ્યો છે.

સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં બ્લેક ગ્રેનાઈટના પથ્થરમાંથી 54 ફૂટની 500 ટન વજનની અને 24 ફૂટ પહોળી, 10 ફુટ જાડી એવી વિશાળ હનુમાનજીની મૂર્તિનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મૂર્તિ કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાછળના ભાગમાં આવેલ મંદિર પરિસરમાં નિર્માણ પામશે. આ મૂર્તિની ઊંચાઈ 54 ફુટ હશે અને જમીન નીચે 4 ફુટ પાયા હશે, જેને લીધે મૂર્તિની મજબૂતી પણ જળવાઈ રહે. એટલે મૂર્તિની કુલ ઊંચાઈ 58 ફુટ થશે.

આ મૂર્તિની સાથે જ હનુમાન દાદાની ગાળા પણ ખાસ હશે. ગદાની ઊંચાઈ 24 ફૂટ અને પહોળાઈ 13 ફૂટ હશે. આ મૂર્તિ માટે મુખ્ય પથ્થર 210 ટન વજનનો હશે. આ માટે 210 ટન વજનનો બ્લેક ગ્રેનાઈટ પથ્થર શનિવારે રાજસ્થાનથી 110 ટાયરવાળા વોલ્વો ટ્રકમાં રવાના થયો હતો. આ મૂર્તિ માટે લગભગ 750 ટન બ્લેક ગ્રેનાઈટ વપરાશે. હનુમાન દાદાની આ પ્રતિમા તૈયાર કરવાનો ખર્ચ અંદાજે 3.5 કરોડ રૂપિયા થશે.

બ્લેક ગ્રેનાઈટ પથ્થરની ખાસિયત એ છે કે વર્ષો સુધી આ પથ્થરને કોઈ નુકસાન થતું નથી અને કોઈ પણ પ્રકારના વાતાવરણની તેના પર કોઈ અસર થતી નથી. સુંદર શણગારવાળી હનુમાન દાદાની મૂર્તિને બ્લેક ગ્રેનાઇટમાંથી કુલ 8થી 10 ભાગમાં બનાવાશે અને આ માટે 80થી 100 શિલ્પીઓ કામે લગાડવામાં આવ્યા છે. મૂર્તિ બનાવવામાં લગભગ 2-3 મહિનાનો સમય લાગશે. મૂર્તિનું વજન 500 ટન હશે. શિલ્પ શાસ્ત્ર અનુસાર આ મૂર્તિની ખાસિયત એ હશે કે એના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આ મૂર્તિને એક હજાર વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું નુકસાન નહિ થાય. મૂર્તિના અલગ-અલગ ભાગ લોક એન્ડ કી સિસ્ટમથી બનાવાશે. હનુમાનજીની આ મૂર્તિ બનાવવા માટે જે ગ્રેનાઈટ વાપરવામાં આવશે એના પર લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવી રહયા છે અને એ માટે લેબોરેટરી પણ મંદિરના પરિસરમાં જ બનાવવામાં આવી છે. બધા જ ટેસ્ટમાંથી આ પથ્થર પાસ થાય એ પછી જ તેને ઉપયોગમાં લેવાઈ રહયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.